લાહોરને પંજાબીઅો લહોર કહે છે. અા શહેર પંજાબનું હૃદય ગણાય છે. સુંદર શહેર ! દિલવાળાઅોનું શહેર ! ઉદાર મહેમાનનવાઝ ઇન્સાનોનું શહેર !
અહીં શાહી કિલ્લો છે, શાહી મસ્જિદ છે, શીશમહલ છે, શાલીમાર બાગ અને દાતાનો દરબાર અને બીજું ઘણું છે. લખવા બેસું તો એનો એક અલાયદો લેખ થાય. … ગમે એમ પણ અા એક ભવ્ય શહેર છે. જોવા જેવું શહેર. અને એના વિશે કહેવાય છે કે ‘જિસનું લહોર ના વેખ્યા વો જનમ્યાહી નૈ !’
અા શાનદાર શહેરમાં એક પંજાબી શાયર હતા. નામ હતું ઉસ્તાદ દામન. એ એક સારા દરજી હતા, અાપણા સુરતના ગોપી પરાવાળા ગની દહીંવાળા જેવા. ગનીભાઈ સિદ્ધહસ્ત કવિ હતા. તેમની કેટલીક ગઝલો તો અભૂતપૂર્વ ગણાય છે. અનોખી શૈલી, અદ્દભુત ખયાલ ! ગનીભાઈ અને ઉસ્તાદ દામનમાં કેટલુંક મળતાપણું હતું. એ બન્ને ખુશમિજાજ, યારોના યાર અને દુનિયાથી બેપરવા હતા. ઉસ્તાદ દામનની લાહોરમાં ટેલરિંગ શોપ હતી, જે 1947માં ઉપખંડને અાઝાદી મળી ત્યારે વિરોધીઅોએ બાળી નાખી હતી. કહે છે કે અા અાગમાં કપડાંભેગું, તેમનું ઘણું સાહિત્ય પણ બળી ગયું હતું. અા ઘટનાના તીવ્ર અાઘાતે તેમને વિરક્ત કરી નાખ્યા હતા. અને ત્યાર પછી તેમણે કલંદરાના જિંદગી ગુજારી હતી. 1984માં તેમની વફાત થઈ હતી.
ઉસ્તાદ દામન કોઈ સામાન્ય, ‘હૈસો ભાઈ હૈસો’ કરનારા કવિ ન હતા. સમયની અારપાર જોઈ લેનારી દૃષ્ટિ ધરાવનારા કવિ હતા. અા હકીકતની શાખ પૂરે એવું તેમણે ઘણું લખ્યું છે. નમૂના રૂપે અહીં તેમની ચાર પંક્તિ ટાંકું છું :
દુનિયા હુણ પુરાણી એ, નઝામ બદલે જાણગે,
ઊઠ્ઠ દી સવારી દે, મકામ બદલે જાણગે.
અમીર તે ગરીબ દે, નામ બદલે જાણગે,
અાકા બદલે જાણગે, ગુલામ બદલે જાણગે.
ઉસ્તાદ દામન કહે છે કે અા દુનિયા પુરાણી થઈ ગઈ છે. હવે એના શાસન, શાસકનો બદલાવ થશે, પુરાણું ઉખેડી નવું સ્થાપિત કરાશે. ઊંટોના કારવાનોના પડાવ, મંઝિલો, બદલાશે, અમીર અને ગરીબનું નવું અર્થઘટન થશે, માલિકો – શેઠો બદલાશે અને ગુલામોની ખેપ પણ બદલાઈ જશે. અાજના માલિકો અાવતી કાલના ગુલામો હશે !
ઉસ્તાદે અા પંક્તિઅો કેવી સ્થિતિમાં કહી હશે ? ખુદા જાણે. પણ તેમનું એ દર્શન કેટલું સાચું, સુરેખ છે એ તો જુઅો ! દુનિયા બદલાઈ ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ પછીના વિજ્ઞાનજુવાળે દુનિયાની કાયાપલટ કરી નાખી છે. જાણે દુનિયાએ કાયાકલ્પ ન કર્યો હોય !
અા એક અજબ ક્રાંતિ હતી, જે ઉસ્તાદ દામને લાહોર શહેરના કોઈક ખૂણે બેસીને જોઈ હશે. તેમણે કદાચ વૈજ્ઞાનિક સંશોધનો અને તેનાં અાશ્ચર્યકારક પરિણામોની ભરમાર નહીં દેખી હોય, પરંતુ શાહોના તાજ ને તખત તથા સરમુખત્યારોના પોલાદી પગ ઉખડતા – ફેંકાતા તો જરૂર જોયાં હશે ! અને સામાન્ય પ્રજાને અધિકારની શમશીરો ઉપાડીને છડેચોક ફરતીયે જોઈ હશે !
અાવું અદ્દભુત દર્શન મિર્ઝા ગાલિબ, ઇકબાદ અને ફયઝ અહમદ ફયઝ અને અન્ય અનેક કવિઅોને ત્યાં જોવા મળે છે. અહીં અાપણે એ માંહેનું કેટલુંક ચૂંટેલું જોઈશું. મિર્ઝા ગાલિબ એક અનોખા શાયર હતા. પીડાઅોને ય રમાડનારા ને ગમના ગુલારા ઉડખનારા કવિ. તેમને કોઈ સાહિત્યરસિક ભૂલાવી શકે નહીં. યાદ કરવા જ પડે. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો :
હૂઈ મુદ્દત કે ‘ગાલિબ’ મર ગયા પર યાદ અાતા હય
વહ હર ઈક બાત પર કેહના કે યું હોતા તો ક્યા હોતા !
તેમણે દુનિયાને બાળકોના ખેલ સ્વરૂપે રજૂ કરતાં એક શેરમાં કહ્યું છે :
બાઝીચએ ઈત્ફાલ હય દુનિયા મેરે અાગે
હોતા હય શબોરોઝ તમાશા મેરે અાગે.
અર્થાત્ : મારી સમક્ષ અા દુનિયા નાનાં બાળકોના ખેલ સમાન છે. એવા ખેલ જે છાશવારે બદલાય છે. − જાણે એક તમાશો ! જે રાત -દિવસ મારી સમક્ષ ભજવાઈ રહ્યો છે. અાજે શું ! અાવતી કાલે શું નું શું ! દરરોજ એક નવો તમાશો ! − પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન !
વળી, અા પરિવર્તનની ગતિ તો જુઅો : મેરી રફતાર સે ભાગે હય બયાબાં મુઝ સે !
અા ગતિનું શું કહેવું ? ફાળ ભરતા એ પ્રવાસીને જોઈને બયાબાં, રણ, વગડો પણ ભાગવા માંડે છે. દીવાના પ્રવાસીની ઝપટમાં અાવવાથી બચવા માટે ભાગે છે. પરંતુ એ પ્રવાસી − દિન-બ-દિન બદલાતી અા દુનિયા, ભાગતા રણની ક્યાં પરવા કરે છે ? તેની દૃષ્ટિમાં એ રણની હેસિયત શી છે ? જુઅો ગાલિબ શું કહે છે − એ સંદર્ભે :
જોશે જુનૂં સે કુછ નઝર અાતા નહીં ‘અસદ’
સહરા હમારી અાંખમેં ઈક મુશ્તે-ખાક હય !
યાને દીવાનગીના જોશમાં, સંઘર્ષના જુસ્સામાં ‘અસદ’ (ગાલિબનું શરૂનું તખલ્લુસ અસદ હતું.) અમને તો કંઈ દેખાતું નથી, શું સહરા ને શું વગડો ! સૌ અમારી દૃષ્ટિએ એક મુઠ્ઠી ધૂળથી વિશેષ નથી !
અમારી સંઘર્ષશક્તિ, મનુષ્યનાં સાહસો – પરાક્રમો સામે દુનિયાએ ગોઠણ ટેકવી દેવાં પડશે. અને મનુષ્ય ઇચ્છે એવું સ્વરૂપ એણે ધરવું પડશે. દુનિયા અમારા માટે છે, અમે દુનિયા માટે નથી ! મહાકવિ ‘ઇકબાલ’ના શબ્દોમાં કહીએ તો :
ન તૂ ઝમીં કે લિયે હય ન અાસમાં કે લિયે
જહાં હય તેરે લિયે, તૂ નહીં જહાં કે લિયે.
‘ઇકબાલ’ ઉર્દૂ અને ફારસી ભાષાના શાયર હતા. તેમની શાયરી પ્રણાલિકાગત શાયરીથી અલગ પડે છે. ગાલિબની જેમ તેમણે પણ ચીલો ચાતર્યો હતો અને હિન્દુસ્તાનની ગુલામ પ્રજામાં પ્રાણ ફૂકવા માટે, અાઝાદીનું સાનભાન જગાવી ગુલામીની ઝંજીરો કાપવાનો જુસ્સો જગાવવા ખાતર કલમ ચલાવી હતી. તેમની તો સમગ્ર કવિતા વીરરસથી ભરપૂર છે. અધ્યાત્મ પણ તેમનો પ્રિય વિષય હતો.
અા કવિનું જન્મસ્થળ સિયાલકોટ (પંજાબ), લાહોરમાં વર્ષો સુધી રહ્યા. તેમનો મકબરો પણ લાહોરમાં છે. એમના પૂર્વજો મૂળ કાશ્મીરી બ્રાહ્મણ હતા. ઉસ્તાદ દામનથી બહુ પહેલાં તેમણે વિશ્વપરિવર્તન વિશે ઘણું કહ્યું હતું. તેમનો એક શેર છે :
અાંખ જો કુછ દેખતી હય લબ પે અા સકતા નહીં
મરવે હયરત હું કે દુનિયા ક્યા સે ક્યા હો જાયેગી !
એટલે કે મારી અાંખો પ્રજ્ઞા દૃષ્ટિ જે અદ્દભુત દૃષ્યો દેખી રહી છે, મારું દર્શન મારા અોષ્ટ પર અાવી શકતું નથી. અાશ્ચર્યમાં એવો ગરકાવ છું, ભાવિ પરિવર્તનોનાં અદ્દભુત દૃષ્યોએ, મારા દર્શને મને એવો ચકિત કીધો છે કે અોષ્ઠ ખૂલી શકતા નથી ! શું કહું કે દુનિયા અાવતી કાલે ક્યાંની ક્યાં પહોંચી જશે !
‘ઇકબાલ‘ એક અણુમાં સમગ્ર રણને, સહરાને જુએ છે. યહ ઝર્રા નહીં, શાયદ સિમટા હુઅા સહરા હય ! − તો વળી, તે અા જિંદગીમાં, હયાતીમાં ઉદ્યાનનું સ્વરૂપ બદલી નાખવાની અસામાન્ય શક્તિ જુએ છે. તે કહે છે :
ચાહે તો બદલ ડાલે હયઅત ચમનસ્તાં કી
યે હસ્તી દાના હય બીના હય, તવાના હય.
અર્થાત્ − અા જિંદગી અગર ઇચ્છે તો ઉદ્યાનનું – વિશ્વનું સ્વરૂપ બદલાવી શકે એમ છે. એ બુદ્ધિમાન છે, દૃષ્ટિવાન છે, સ્વાસ્થ્યવાન છે, શક્તિવાન છે.
મતલબ કે મનુષ્યએ તેની શક્તિને પરખવી જોઈએ, તેના પર ભરોસો કરવો જોઈએ અને કમ્મર કસીને અાગેકૂચ કરવી જોઈએ. જાણવું જોઈએ કે જ્યાં ગતિ ત્યાં પ્રગતિ, જ્યાં હિમ્મત ત્યાં સરજત ! સંઘર્ષ વિશે ને હામ – હિમ્મત બાબત ફયઝ અહમદ ફયઝ શું કહે છે ?
અર્સએ દહર કે હંગામે તહે ખાબ સહી
ગર્મ રખ અાતિશે પયકાર સે સીના અપના.
એટલે કે વિશ્વ-અાંગણની ધમાલો અત્યારે ભલે નીંદરમાં, ખાબમાં પડી હોય, પરંતુ તું તારા સીનાને, તારી છાતીને સંઘર્ષના અગ્નિથી ગરમ રાખ. યાને તું સંઘર્ષ નિરંતર ચાલુ રાખ − સુષુપ્ત પડેલી વિશ્વની ધમાલો જાગૃત થઈ જશે અને પરિણામે વિશ્વની શિકલ બદલાઈ જશે, − અાવા અવિરત, અણથક સંઘર્ષ કરનારા જવાનોના મોઢામાં ફયઝ સાહેબ અાવા શબ્દો મૂકે છે :
ચંદ રોઝ અૌર મેરી જાન ! ફક્ત ચંદ હી રોઝ !
ઝુલ્મ કી છાંવ મેં દમ લેને પે મજબૂર હંય હમ
અૌર કુછ દેર સિતમ સેહ લેં તડપ લેં, રો લેં
અપને અજદાદ કી મિરાસ હય મઅઝૂર હય હમ
ચંદ રોઝ અોર મેરી જાન ! ફક્ત ચંદ હી રોઝ !
જુલમની અા છાંઈ, અાપણી લાચાર સ્થિતિ, વારસાગત મળેલી અા દુર્દશા ફક્ત ચંદ રોજ માટે છે. અને ત્યાર પછી ઉજ્જવળ પ્રભાત હશે. કવિ વિશ્વાસપૂર્વક કહે છે :
જો ઈસ સાઅત મેં પિન્હાં હય ઉજાલા હમ ભી દેખેં ગે
જો ફરકે સુબ્હ પર ચમકે ગા તારા હમ ભી દેખેં ગે
ફયઝ સાહેબ કહે છે કે સમયની ભીતર જે અજવાશ ગોપિત છે અને પ્રભાતના લલાટે જે સિતારો ચમકશે તે અમે પણ જોશું ! પરિવર્તનો, ક્રાંતિ વિશ્વની બદલતી શિકલ એ સૌ અમે જોશું. શાહોના તખત ઉથલી ગયા હશે અને તેમના તાજ સામાન્ય પ્રજાના ચરણોમાં હશે ! − અમે જોશું અને કદાચ એ જોવાનું અમારા ભાગ્યમાં ન હોય તો ? જુઅો એના ઉત્તરમાં ફયઝ સાહેબ શું કહે છે :
બલા સે હમને ન દેખા તો અૌર દેખેં ગે
ફરોગે ગુલ્શનો સવતે હઝાર કા મોસમ !
યાને અા ગુલ્શન અને અાનંદોલ્લાસના પોકારોની રોનક અગર અમે ન જોઈ શકીએ તો ભલે − અન્ય લોકો, ભાવિ પેઢીના લોકો જોશે. કષ્ટની અમને પરવા નથી. અમારી ફરજ સંઘર્ષની છે. સંઘર્ષ કરીશું અંતિમ શ્વાસ સુધી. સહર કરીબ હય, દિલ સે કહો ન ઘબરાતેં !
•
[નોંધ : અા લેખમાંની ઉસ્તાદ દામન વિશેની કેટલીક વિગત ‘લોકનાદ’ − અમદાવાદના 2013ના કેલેન્ડર ‘સાંઝી વિરાસત’ના અાધારે લેવામાં અાવી છે. શુક્રિયા.]
[136, Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR, U.K.]
("અોપિનિયન", 26 માર્ચ 2013)