ગઠબંધનની મજબૂરી: પક્ષો તરફથી અજમાવાઈ રહેલી રાજનૈતિક ચાલબાજી અને સત્તાની ભૂખ રાષ્ટ્રને જોખમમાં મૂકે છે
વિશ્વમાં રાજાશાહી અને સામંતવાદનો અંત આવ્યો અને લોકતંત્રનો ઉદય થયો. એ ઐતિહાસિક ઘટનાએ સામાન્યમાનવીના યુગનો આરંભ કર્યો. લોકતંત્રના વિકાસના કારણે જ દરેક પુખ્ત માનવીને સ્ત્રી કે પુરુષને ધર્મ, જાતિ, રંગ કે ભાષા એવા કોઈ ભેદભાવ વગરનો હિસ્સો, મતાધિકારને કારણે મળ્યો. જેમ જેમ લોકતંત્ર મજબૂત બનતું ગયું એમ માનવજાતને એના વાણી, લેખન, વિચારની સ્વતંત્રતા વધુને વધુ ચોક્કસ સ્વરૂપે મળતી થઈ. હવે આગળ ચાલીને એને શિક્ષણ, આરોગ્ય, માહિતી, અન્નનો અધિકાર મળવા લાગ્યો છે.
ભારત દોઢસો વરસ, સામ્રાજ્યનું ગુલામ બનીને જીવ્યું અને ભારતને એમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા એક નવા પ્રકારનું અહિંસક હથિયાર મહાત્મા ગાંધીએ આપ્યું અને અહિંસાના રસ્તે ભારત આગળ વધ્યું પણ ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ઘ સમયે ધીરજ ખૂટી અને આવા અહિંસા અને સત્યને વરેલા ગાંધીએ પણ કહેવું પડયું 'બ્રિટિશો-હવે ભારત છોડો’ 'કવીટ ઇન્ડિયા’ અંગ્રેજોએ બહુ દલીલો કરી કે 'તમે ભારત સંભાળી નહીં શકો’ ત્યારે પણ ભારત વતી ગાંધીએ કહેવું પડેલું 'તમે ટળો અમને અમારા ભાગ્ય પર છોડી દયો’ જતાં જતાં અંગ્રેજ મુત્સુદ્દીગીરીએ ભારતના ભાગલાનો પાસો ફેંકયો. ગાંધીની અનિચ્છા છતાં ભાગલા પડયા. ૧૯૪૬-૪૭ના રક્તપાતના દિવસો જોતાં એમ લાગતું હતું કે ભારતમાં હિન્દુ-મુસ્લિમ એકબીજા આપસમાં કપાઈ મરશે. પણ ચમત્કાર બન્યો. ભારતની ખુદ રાજધાનીમાં ગાંધીની ગોળી મારી હત્યા કરાઈ.
ગાંધીની વિશાળ છાતીમાં લાગેલા ગોડસેની ગોળીના ત્રણ ઘામાંથી વહેલા 'નિર્દોષના રક્તે’ બધા વેર-ઝેર જાણે ધોઈ નાખ્યાં. કાલની ઘડીને આજનો દિવસ આજે ૬પ વરસથી ભારતનું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર એવું ન એવું ધબકે છે. ઊલટું ૬પ વરસે વિશ્વમાં એવું, જ્યાં વંચિતો વધુ વસે છે ત્યાં લોકતંત્ર મજબૂત છે અને જ્યાં અમીરો આજસુધી વધુ વસ્યા તે યુરોપ, જાપાન, અમેરિકા જેવાં રાષ્ટ્રો આજે નર્બિળ બની રહ્યાં છે. વિશ્વભરના અર્થશાસ્ત્રીઓને આજે હવે વિશ્વ, 'નવોદય-એમર્જિંગ’ રાષ્ટ્રોના હાથમાં છે એમ કબૂલવું પડયું છે. સમાનતાની અહાલેક જગાડનાર સોવિયેટ રૂસ ડઝનથી વધુ રાષ્ટ્રોમાં વિઘટન થઈ લોકતંત્રને વિસારે પાડી ચૂક્યું છે. ખુદ આરબ અને મુસ્લિમ દેશોમાં આરબ વસંતની લોકતાંત્રિક લહરીઓ ફેલાઈ રહી છે. આ લાંબો ઇતિહાસ બતાવે છે કે ભારતના લોકતંત્રને વિશાળ ગરીબી ઉની આંચ પહોંચાડી શકી નથી. પણ રાજકીય પક્ષો તરફથી અજમાવાઈ રહેલી રાજનૈતિક ચાલબાજી અને સત્તાની ભૂખ લોકતંત્ર માટે ગંભીર પડકારો પેદા કરી રહી છે.
કારણ, સાવ સાદું, સીધું છે- ભારતની સ્વતંત્રતાનાં ૪૦ વરસ સુધી લોકતંત્ર લગભગ બે કે ત્રણ- ચાર પક્ષીય ઢબનું રહ્યું. દેશનું નેતૃત્વ રાષ્ટ્રીયકક્ષાના આગેવાનોના હાથમાં રહ્યું. આ નેતૃત્વ રાષ્ટ્રીય રંગે રંગાયેલ અને રાષ્ટ્રીય ભાવનાથી સરભર હતું. પોતાનો કે પોતાના રાજ્ય કે પોતાના ધર્મ કે જાતિ કે ભાષા બધાથી ઉપર રાષ્ટ્રનો વિચાર પ્રથમ થતો. ધીમે ધીમે રાષ્ટ્ર ઘડતરના આ પ્રવાહો મંદ પડતા રાષ્ટ્રસ્તરના નેતાઓની જગા રાજ્ય કે પ્રદેશસ્તરના આગેવાનો લેવા માંડયા છે. પ્રારંભનાં વરસોમાં વિરોધપક્ષે જયપ્રકાશ નારાયણ, રાજગોપાલાચારી, આંબેડકર કે જ્યોતિબસુ કે ડાંગે જેવા આગેવાનો હતા.
કોંગ્રેસ પક્ષે, ૧૯૯પમાં સો વરસ પૂરાં કર્યાં. સ્વાભાવિક જ આટલો જૂનો પક્ષ એવા સ્તરનું રાષ્ટ્રીય નેતૃત્વ આમેય જાળવી શકે એવું બનવું અઘરું છે. એમાં પણ સીતારામ કેસરી જેવા પ્રમુખ થઈ શકયા છે. આમેય ભારતનું રાજકીય પોત પાતળું ને વધુ પાતળું થવા લાગ્યું હતું. સત્તા બહાર પણ નેતૃત્વ આપે એવા- વિનોબા ભાવે, દાદાધર્માધિકારી કે એવા સમાજ સુધારકો રહ્યા ન હતા. અલબત્ત, રાષ્ટ્રીય નેતૃત્વને રાષ્ટ્રીયસ્તરે પડકાર ન મળ્યો પણ પ્રદેશ કે રાજ્યસ્તરના કોંગ્રેસ સામેના ચુનાવી પડકારોમાંથી એવું બનવા માંડયું રાજસ્તરે શક્તિશાળી રાજનેતાઓનો મોટો ફાલ આવ્યો. કોંગ્રેસ સામેના ઉત્તરપ્રદેશના પડકારમાંથી માયાવતી, મુલાયમસિંહ ઉપર આવ્યા. બિહારના પડકારમાંથી નીતિશકુમાર, શરદ યાદવ, રામવિલાસ પાસવાન કે લાલુ યાદવ આવ્યા. પં.બંગાળમાં ડાબેરીઓના લાંબા શાસનને પડકારી મમતા બેનર્જી આવ્યાં.
તાલિમનાડુમાં કોંગ્રેસની જગા કરુણાનિધિ કે જયલલિતાએ અને ઓરિસામાં પિતાનો વારસો નવીન પટનાયક પાસે આવ્યો. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને બાળાસાહેબ ઠાકરે આવ્યા. એક તરફ રાજસ્તરના બળવાન રાજનેતા આવ્યા તો બીજી તરફ કોઈ એક રાજકીય પક્ષને બદલે બહુપક્ષીય જોડાણો સત્તા પર આવ્યાં. એન.ડી.એ., યુ.પી.એ., યુ.ડી.એફ. વગેરે. સંસદમાં દસથી ઓછી સંખ્યા ધરાવતા પક્ષો પણ પોતાનું ધાર્યુ કરાવવા લાગ્યા. બહુપક્ષી જોડાણવાળી સરકારો યુરોપીય દેશોમાં વરસોથી છે. પણ આવા દેશોમાં આ રાજકીય પક્ષો રાષ્ટ્રથી ઉપર જવાની ભાગ્યે જ કોશિશ કરે છે. પણ, ભારતમાં બનેલા ત્રણ-ચાર બનાવો જોતાં લાગે છે કે આપણાં સમવાયી બંધારણની મર્યાદાઓ ઉવેખાઈ રહી છે. પોતાની બહુપક્ષીય સરકારને જોખમમાં મૂકવાની શક્તિનો ઉપયોગ કરી કરુણાનિધિ લંકા સાથેના ભારતના સંબંધો નબળા બનાવવા સુધી પહોંચે તો કેવાં પરિણામ ભોગવવા પડે? શ્રીલંકામાં બેચાર વરસથી ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે. એ ચીનના હાથમાં શ્રીલંકાનાં બંદરો આવે તો ભારતના સંરક્ષણને અસર ન પહોંચે?
વિકાસના ખાસ પેકેજ માટે કરાયેલ દિલ્હીના રામલીલા મેદાનની બિહારની રેલી આજે દિલ્હીના તખ્તની વાત કરે છે. આવતીકાલે પૂરથી કરાતી બિહારની તારાજીના બહાને નીતિશકુમાર નેપાળ સાથેના સંબંધો લગતી કોઈ માગ માટે ભારતની વિદેશનીતિમાં ફેરફાર કરવાની માગણી કરે તો? પ.બંગાળમાં સત્તા હાંસલ કર્યા પછી બાંગલાદેશ સાથે વડાપ્રધાનની તીસ્તા નદીઓનાં પાણી અંગેની સમજૂતી બાબતમાં મમતાએ આવું વલણ અખત્યાર કર્યું હતું ને? જેમ પેકેજના બહાને બંગાળ, બિહાર આવું કરી શકે; કરુણાનિધિ શ્રીલંકાની બાબતમાં રાષ્ટ્રને બદલે તાલીમના મતની વધુ ખેવના કરી શકે તો આવતીકાલે કચ્છના અખાતના કોરી ક્રીક વિસ્તાર સાથેની પાકિસ્તાન સાથેની સમજૂતીમાં ગુજરાતના નરેન્દ્ર મોદી એવું નહીં કરે એની શી ખાતરી? રાષ્ટ્રીય નેતાઓની જગા જ્યારે પ્રાદેશિક કે રાજ્યોના નેતાઓ લે છે ત્યારે આવું બનવાની શકયતા વધી જાય છે. સત્તાની ભૂખમાં રાષ્ટ્રીય પોત પાતળું બનવાય તો રાષ્ટ્ર જોખમમાં આવી પડે.
સનત મહેતા: લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
(સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 27.03.2013)