એક જિંદગી આદિવાસીઓને સમર્પિત


રમેશ તન્ના
13-11-2017

ભગવાનદાસ પટેલે કરેલાં સંશોધન અને ઉત્કર્ષ-કાર્યો પાસે પદ્મશ્રી પણ ફિક્કો પડે, હોં

સંશોધન એ એક જાતનું ધન જ છે, પણ ગુજરાતીઓ ધનની પાછળ એટલા પડેલા રહે છે કે તેમને સંશોધનનો મહિમા સમજાતો નથી. જો કે ગુજરાતને ઝવેરચંદ મેઘાણી સહિત કેટલાક એવા લોકસમર્પિત અને નિસબતી સંશોધકો મળ્યા છે કે ગુજરાતે સંશોધનના નામે બિલકુલ નાહી નાખ્યું છે, એવું કોઈ મહેણું મારી શકે એમ નથી.

ભગવાનદાસ પટેલ એક એવું નામ છે જેમણે આદિવાસીઓનાં સંશોધન અને ઉત્કર્ષ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને આજે ૭૫ વર્ષની જૈફ વયે પણ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પોતાના નાનકડા ફ્લૅટમાં બેસીને દરરોજ આ કાર્ય કરી રહ્યા છે.

ભગવાનદાસ પટેલે પોતાના એક આયખામાં જે કુલ કામગીરી કરી છે એને પૂરી બયાન કરવા બેસીએ તો આખું પુસ્તક જ લખવું પડે, પણ આપણે એના મહત્ત્વના મુકામો જાણીએ.

ભગવાનદાસ પટેલ ખેડબ્રહ્મામાં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક હતા. એક દિવસ તેઓ સ્કૂલમાંથી ઘર તરફ જતા હતા. તેમની આગળ આદિવાસી ભાઈ-બહેનો ચાલતાં જતાં હતાં. તેઓ એક ગીત ગાતાં હતાં (આદિવાસીઓને ગીત અને નૃત્ય વિના બિલકુલ ન ચાલે). ભગવાનદાસને ભીલી બોલીમાં ગવાતું એ ગીત, એના શબ્દો, એનો લય ગમ્યાં. તેમણે એ ગીતની એક પંક્તિ યાદ રાખી. બીજા દિવસે તેમણે પોતાના એક સ્થાનિક આદિવાસી મિત્રને એ પંક્તિનો અર્થ પૂછ્યો. અર્થ સાંભળીને ભગવાનદાસ તો ચક્તિ થઈ ગયા. એ પંક્તિમાં ભારોભાર કાવ્યતત્ત્વ ભરેલું હતું.

એેને જાણવા પહેલાં એક પરંપરા વિશે જાણવું પડશે.

ખેડબ્રહ્મા અને દાંતા વિસ્તારના આદિવાસી સમુદાયમાં કેટલાક વિશિષ્ટ રિવાજો. એક રિવાજ એવો કે આદિવાસી છોકરા અને છોકરીઓ ગોઠી (બૉયફ્રેન્ડ) અને ગોઠણ (ગર્લફ્રેન્ડ) રાખી શકે. એ મિત્રતા એટલી પાકી હોય કે તેઓ શરીરસંબંધ પણ રાખી શકે અને બાળક પણ થાય. ઘણી વાર એવું બને કે આદિવાસી યુવતીને લગ્નની પીઠી ચોળાતી હોય તેના ખોળામાં બાળક ધાવતું હોય. આટલી મુક્ત વિચારધારા. જો કે લગ્ન થઈ જાય પછી સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાય. જો ગોઠી-ગોઠણ સંબંધ રાખે તો કડક સજા કરાય. એ સજા મોત સુધીની પણ હોય. મુક્તિ અને બંધન સામસામેના છેડા પર જોવા મળે.

હવે વાત કરીએ એ ગીતની. એ ગીતમાં ગોઠણ (ગર્લફ્રેન્ડ) પોતાના ગોઠી(બૉયફ્રેન્ડ)ને ઉદ્દેશીને કહે છે કે ... હે મારા ભેરુ, મારાં લગ્ન થઈ જશે એટલે હું તો દૂર જતી રહીશ. એ પછી આપણે કેવી રીતે મળીશું? એ પછી ગોઠણ જ ઉપાય પણ સૂચવે છે ... હું જે દિશામાં રહેતી હોઉં એ દિશામાં અરીસો ધરજે, હું અરીસાના પ્રતિબિંબ વડે તને મળવા આવીશ.

કેવી ઉમદા કલ્પના ...!

ભગવાનદાસને થયું કે આદિવાસી બંધુઓ પાસે આવી તો કેટલી કવિતાઓ-ગીતો હશે? તેઓ પોતે કવિતા લખતા હતા, પણ આ ગીત સાંભળીને તેમણે સંકલ્પ કર્યો કે જે ગીતો-કવિતાઓ આ લોકોના હોઠ પર, જીભ પર અને હૃદયમાં છે એને એકત્રિત કરવાં જોઈએ. એ સહજ સંકલ્પ ૧૯૮૦માં થયો હતો. એ પછી આજ સુધી ૩૭ વર્ષથી તેઓ સતત સંશોધન કરી રહ્યાં છે. આદિવાસીઓનાં ઘરે-ઘરે, ઝૂંપડે-ઝૂંપડે જઈને તેમણે જાનના જોખમે સંશોધન કર્યું છે. ૧૫૦૦ ઑડિયો CD અને ૫૦ જેટલી વીડિયો-કૅસેટમાં તેમણે આદિવાસીઓનાં ઋતુચક્ર અનુસારનાં ગીતો, લોકકથાઓ, આખ્યાનો, પુરાગાથાઓ, ગીતકથાઓ, મહાકાવ્યો, આદિવાસી લોકસાહિત્યશાસ્ત્ર આ બધાનો સંગ્રહ કર્યો. પોતાના જીવનના સાડાત્રણ દાયકાની એક-એક ક્ષણ તેમણે આ માટે સમર્પિત કરી.

€ € €

આવા જ એક સંશોધન માટે ભગવાનદાસ જતા હતા. સામા કિનારે જવું હતું અને વચ્ચે ધસમસતી હતી નદી. સામે કિનારે લગ્નની શરણાઈ વાગતી હતી. એક આદિવાસી બધાભાઈએ ભગવાનદાસને કહ્યું કે હું ગોળા વાટે તમને સામે કિનારે લઈ જાઉં. ભગવાનદાસે એ ટેપરેકૉર્ડર સહિતનો સામાન ગોળાની અંદર મૂક્યો (ગોળો એટલે પાણી ભરવા માટેનું પિત્તળનું મોટું ગોળાકાર વાસણ). બધાભાઈ, ભગવાનદાસ અને તેમનો અન્ય એક વિદ્યાર્થી, ત્રણેય જણ ગોળાને પકડીને નદી પાર કરવા પડ્યા. બધાભાઈએ ઉપર પહેરણ પહેરેલું નહીં. તેમને કંઈક જનાવર કે કશુંક અડ્યું એટલે તેમણે તરાપ મારી, તેમના હાથમાંથી ગોળો છટકી ગયો. હવે ત્રણેય ધસમસતા પાણીમાં ડૂબવા લાગ્યા. સામા કિનારે આદિવાસી લોકોનું ટોળું ઊભું હતું. બધા સામૂહિક રીતે નદીમાં પડ્યા ને તેમણે ચારે બાજુથી ત્રણેયને પાણીમાં ઘેરીને બચાવી લીધા. એ વખતે ભગવાનદાસને થયું મારું જીવન આ આદિવાસીઓએ બચાવ્યું. મારા હવેના જીવન પર તો તેમનો જ હક. આ વાત ૧૯૮૩ આસપાસની. સંશોધનનો તેમનો આ સંકલ્પ એ પછી તો વ્રત (મિશન) બની ગયો.

સંશોધનયાત્રા દરમ્યાન આવું તો ઘણી વાર બન્યું કે ભગવાનદાસને મળવા મૃત્યુ આવ્યું હોય, હાય-હેલો કરી, હાથ-મિલાવીને પાછું ગયું હોય. જો કે નિર્દોષ અને ભોળા આદિવાસીઓની દુઆની પણ કંઈક અસર હોયને?

€ € €

ખેડબ્રહ્મા અને દાંતા વિસ્તારના ભીલોમાં ડાકણપ્રથા અમલમાં હતી. કોઈ સ્ત્રીને કોઈ કારણસર ડાકણ જાહેર કરવામાં આવે અને પછી તો તેની સાથે જે અમાનવીય વ્યવહાર કરાય એનું બયાન કરીએ તો શબ્દો પણ રડવા લાગે.

ભગવાનદાસ પટેલનું હૃદય આ જોઈને કકળી ઊઠ્યું. તેમણે આ અમાનવીય પ્રથાને દૂર કરવા કમર કસી. તેમને સાથ આપ્યો તેમનાં પ્રોફેસર દીકરી જિજ્ઞાસાબહેને. ૧૯૯૪થી ૨૦૦૧ દરમ્યાન તેમણે આદિવાસી સમુદાયની માનસિકતા બદલવા નાટકો સહિતનાં અન્ય માધ્યમોનો પ્રયોગ અને ઉપયોગ કરીને સફળતા મેળવી. વર્ષો જૂની ડાકણપ્રથાને બંધ કરવામાં તેમને સફળતા મળી એનું એક કારણ હતું ભગવાનભાઈના હૃદયના ખૂણેખૂણામાં વ્યાપી ચૂકેલાં આદિવાસીઓ માટેનાં પ્રેમ અને અપાર કરુણા.

ભગવાનદાસ ભલે હતા પટેલ અને આજે પણ પટેલ જ છે, પણ હૃદયથી તો તેમણે આદિવાસીપણું સ્વીકારી જ લીધું. તેઓ આદિવાસીની વચ્ચે રહીને આદિવાસી જ બની ગયા. તેમણે ભીલી બોલીને આત્મસાત્ કરી એટલું જ નહીં, તેમના જ પ્રયાસોથી ભારતના બંધારણમાં ભીલી બોલીને સ્થાન પણ મળ્યું.

€ € €

ગુજરાતી ભાષામાં એક પણ મહાકાવ્ય નથી, પણ ભીલી બોલીમાં ચાર-ચાર મહાકાવ્યો છે. એ ચારેચાર મહાકાવ્યોનું રેકૉર્ડિંગ કરીને એને શાસ્ત્રીય રીતે પુસ્તકદેહ આપ્યો ભગવાનદાસે. એમાંથી બે મહાકાવ્યોનું તો અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયું છે. કેટલાંકનો હિન્દી અને બંગાળીમાં પણ અનુવાદ થયો છે. વામન કદના ભગવાનદાસે હિમાલય જેવડું ગંજાવર કાર્ય કર્યું.

ભગવાનદાસે આ સંશોધન માટે પોતાના જીવનની એક-એક ક્ષણને ખપમાં લીધી છે.

સંશોધનની સમાંતરે તેઓ પોતાનો શિક્ષકધર્મ તો નિભાવતા જ રહ્યા. તેઓ શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી પણ સક્રિય જ રહ્યા. વડોદરા પાસે તેજગઢમાં સ્થપાયેલી ‘ધ આદિવાસી અકાદમી’ના નિયામક રહ્યા. ગુજરાત વિધાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રમાં જોડાયા અને તેમના હાથ નીચે ઘણા યુવાનો PhD થયા. દર્પણ ઍકૅડેમી સાથે પણ રહ્યા.

તેમને ટાગોર લિટરેચર, ભાષાસન્માન, ઝવેરચંદ મેઘાણી અવૉર્ડ સહિત અનેક આંતરરાષ્ટ્રીય અવૉર્ડ પણ મળ્યા છે. હા, તેમની વય પંચોતેરની થઈ ગઈ છે છતાં પણ ગુજરાત વિદ્યાસભાને આ મહાન સંશોધક અને લેખકને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાનું હજી સૂઝતું નથી. રાજકીય વગ વાપરીને અનેક લાયક ન હોય તેવા લોકો નવી દિલ્હીના ધક્કા ખાઈને પદ્મશ્રી અવૉર્ડ લઈ આવે છે અને આવા સાચકલા હકદાર લોકો એક ખૂણામાં બેસીને સતત કાર્ય કરતા જ રહે છે.

€ € €

જો પોતાના પરિવારનો સહયોગ ન મળ્યો હોત તો હિમાલય જેવડું આવું ગંજાવર કામ ભગવાનદાસ કરી જ ન શક્યા હોત. તેમનાં ધર્મપત્ની તારાબહેન સતત તેમની સાથે રહ્યાં છે. ભગવાનદાસે ૧૫૦૦ કૅસેટનું શબ્દાંકન જાતે કર્યું હતું, પણ તેમના અક્ષરો તો ગરબડિયા. તારાબહેને તેમનું બધું લખાણ સરસ અક્ષરોમાં પુન: લખી આપ્યું. બોલો, કેટલાં હશે પાનાં? માત્ર દસેક હજાર ... (૧૦,૦૦૦)

તેમનાં મોટાં દીકરી જિજ્ઞાસા અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક છે. તેમણે પિતાને મોટો ટેકો આપેલો. નાની દીકરી જાગૃતિ રાજકોટ પરણી છે. તે ડૉક્ટર છે. દીકરો અમિત કમ્પ્યુટર સૉફ્ટવેર એન્જિનિયર છે અને અમદાવાદમાં પોતાની ફર્મ ચલાવે છે.

સાચો સર્જક સંવેદનશીલ હોય, સમાજને પ્રતિબદ્ધ હોય, નિસબત સાથે કામ કરનારો હોય. એવા સાચકલા સર્જકો કોઈ પણ ભાષામાં, કોઈ પણ પ્રદેશમાં આંગળીના વેઢે ગણાય એટલા જ હોય. એવા છે આ ભગવાનદાસ પટેલ. તેમનાં ૪૫ પુસ્તકો માત્ર આદિવાસી પ્રજાની નહીં. ભારતીય પ્રજાની મિરાતસમાં છે.

ભગવાનદાસ જેટલા સફળ સંશોધક છે એટલા જ નીવડેલા સર્જક છે. સંવેદનાની શાહીથી દીપતા તેમના હરેક શબ્દમાં ભાષાનું બળ અને સાહિત્યની સુગંધ છે.

સૌજન્ય : “પૉઝિટિવ સ્ટોરી’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 નવેમ્બર 2017 

Category :- Profile