લોકશાહી
તું,
એવી તેવી કેવી?
શરમ વગરની,
નિર્લજ્જ,
લોકોને વારેઘડીએ લાઇનમાં
લગાડી,
નાગરિકતાના કૂલે કાળા ટપકાની
લાત ઠોકાવી
પાંચ વરસ તગેડી મેલે?
લોકશાહી
તું,
તેવી કેવી એવી?
ઇવીએમમાં ’પૉં’
કરીને પવિત્રતાનું વાજું વગાડે
ને રૂપિયાના ઢગલામાં
છૂમંતર થઈ જાય !
લોકશાહી
તું,
એવી તેવી કેવી ’યુપી’વાળી!
ચારસો ત્રણમાં
એકસો તેંતાલીસ
ગુંડાઓનો જયજયકાર કરાવેે!
લોકશાહી
તું,
તેવી કેવી એવી?
બહુમતીની કાતરે
કચાકચ-ખચાખચ
લોકોની જીભ કાપતી ફરે.
લોકશાહી
તું,
કેવી એવી તેવી સ્ત્રીલિંગવાળી,
કે
અમે તને ભાંડ્યાં જ કરીએ!
જેમ અમે અમારા ઘરમાં બધાં કામે,
બધાં દા’ડે, બધાં બહાને,
બધાં બૈરાંઓને ભાંડ્યાં કરીએ !
ઘરની દીકરી પર
બળાત્કાર થાય તો
અમે તો દીકરીને જ ભાંડીએ :
’મૂઈ, નખરાં ઓછાં કરીએ!
કપડાં ટૂંકા ના પહેર્યાં હોત તો?!’
ને
ઘરની બૈરીય
મોંઘવારીનાં ટૅન્શનમાં,
સાંજે શું શાક બનાઈશ
એની ફિકરમાં ચપટી મીઠું
વધારે નાંખી દે તોય
અમે તો ડાબા હાથની
ઠોકી દઈએ ને
દાળની વાડકી છુટ્ટી એનાં મોં પર
મારીએ …
માને તો વઢ્યા જ કરીએ,
ભાઈઓ વચ્ચે મહાભારત થાય
ને “તું તો આનો પક્ષ લે છે,
તું તો વિપક્ષ છે, તું તો અપક્ષ છે!
તું તો એવી છે, તેવી છે… ”
એટલે જ
લોકશાહી તું માઠું
ના લગાડીશ,
પણ
એ તો કહે,
તું, આવી જેવીતેવી કેમ?
E-mail : manishijani@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 10