કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ’ પ્રસંગે વક્તવ્ય 24 ઓગસ્ટ, 2026
‘ફૂલછાબ’ના 1941ના પંદરમી ઓગસ્ટના અંકમાં ગુરુદેવ ટાગોરને શ્રદ્ધાંજલિ આપતાં તેમને સંબોધીને ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું : “તમે કવિ હતા. કવિ શબ્દ હવેથી અમે સાચવીને વાપરશું.” પણ આપણે ગુજરાતીઓ સાચવીને વાપરીએ પૈસા, શબ્દો નહિ. “વચનેષુ કિમ્ દરિદ્રતા’ એ સુ(?)વાક્ય નક્કી કોઈ ગુજરાતીએ જ પ્રચલિત કર્યું હોવું જોઈએ. જેમ ‘કવિ’ શબ્દ સાચવીને વાપરવા જેવો છે, તેમ ‘વિવેચક’ શબ્દ પણ સાચવીને વાપરવા જેવો છે. વિવેચક તો કોઈ નવલરામ કે નરસિંહરાવ, કોઈ બળવન્તરાય કે કોઈ ભૃગુરાય, કોઈ આનંદશંકર કે કોઈ ઉમાશંકર, કોઈ રામનારાયણ પાઠક કે કોઈ જયંત કોઠારી. વધુમાં વધુ બીજાં પાંચ-દસ નામ ઉમેરી શકાય. બાકીના બધા તે પણ વિવેચક? ના રે, ના. બહુ બહુ તો સમીક્ષક, આલોચક, આસ્વાદક, કે સાહિત્યિક પત્રકાર. આ બોલનારનો સમાવેશ પણ તેમનામાં જ થાય. એટલે ‘વાઘ’ અને ‘વાઘતણી માશી’ વચ્ચે જેટલો તફાવત, તેટલો વિવેચક અને મારી વચ્ચે ફેર.
પુસ્તકો સાથેનો ઘરોબો ઘરમાંથી જ બંધાયો. મારાં મા ઝાઝું ભણેલાં નહિ. પણ વાંચવાનો જબરો શોખ. કૌટુંબિક પુસ્તકાલયમાં બે-ત્રણ હજાર પુસ્તકો હતાં. તેમાંથી કંઈ ને કંઈ નવરાશને સમયે વાંચતાં રહે. ઢગલાબંધ કાવ્ય પંક્તિઓ મોઢે. એટલે ઘણી વાર મારી કસોટી પણ કરે. કાવ્યપંક્તિઓ બોલે અને પછી પૂછે : ‘કહો જોઈએ, કવિનું નામ.’ અમારા ઘરમાં વરસો સુધી બીજો પણ એક રિવાજ રહ્યો. રાતના દસથી અગિયાર મોટાભાઈ કોઈ ને કોઈ પુસ્તક વાંચી સંભળાવે અને ઘરનાં બધાં આજુબાજુ બેસીને સાંભળે. જે વંચાયું હોય તેને વિષે ચર્ચા પણ થાય. એટલે એવું બન્યું કે મેં જેટલાં પુસ્તકો વાંચ્યાં તેના કરતાં સાંભળ્યાં વધારે. છેવટે પોતાના વિલમાં પણ મા લખતાં ગયાં કે મારી પાછળ કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કરવી નહિ. પણ જો દીકરાઓની ઇચ્છા હોય તો તેઓ મને ખૂબ ગમતાં પુસ્તકોની નકલો ખરીદીને બની શકે તેટલાં પુસ્તકાલયોને ભેટ આપે. પોતાને ખૂબ ગમતાં પુસ્તકોની યાદી પણ સાથે જોડી હતી.
આઠ વર્ષની ઉંમરે પહેલી વાર સ્કૂલનું મોઢું જોયું. પણ તે પહેલાં ઘરમાં ભાઈએ વાંચતાં-લખતાં અને થોડું ગણિત શીખવી દીધેલું એટલે સીધો બીજા ધોરણમાં પ્રવેશ મળ્યો. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલ. ભણતર તો ખરું જ, પણ સાહિત્ય, સંગીત, કળા, નાટક, વગેરેના ગણતર પર પણ એટલો જ ભાર. સાહિત્ય અંગે સ્નેહ અને સૂઝ ધરાવતા કેટલાક શિક્ષકો સદ્ભાગ્યે મળ્યા – સાહિત્ય અને સંગીત, બંનેની ઊંડી અને સાચી સમજ ધરાવતા પીનુભાઈ, કવિ પિનાકિન ત્રિવેદી, સરસ ચિત્રકાર ઉપરાંત દક્ષિણ ગુજરાતના લોકસાહિત્ય અને લોક સંગીતના જાણતલ મધુભાઈ પટેલ, ઉપરાંત દોલતભાઈ દેસાઈ, સુશીલાબહેન વાંકાવાળા. તેથી વાંચવાના શોખને દિશા મળી. પીનુભાઈ પાસેથી પ્રેમાનંદનું સુદામાચરિત, નાનાલાલનાં વિશ્વગીતા અને ગોપિકા, કાકાસાહેબનું ઓતરાદી દિવાલો, જેવાં પુસ્તકોનો સઘન પરિચય મળ્યો. હું નવમાં ધોરણમાં હતો ત્યારે સ્કૂલના પાંચ-સાત વિદ્યાર્થીઓએ કવિ સુંદરમ્ની મુલાકાત લીધેલી. તેનો મેં લખેલો અહેવાલ સ્કૂલના વાર્ષિક ‘ઉષા’માં પ્રગટ થયેલો. સાહિત્યિક પત્રકાર તરીકેની એ પહેલી દીક્ષા.
આમ, સારા અને સાચા સાહિત્યનો પરિચય થયો પહેલાં ઘરમાં, અને પછી સ્કૂલમાં. પણ સાહિત્ય અંગેની સમજણ મળી તે તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. મનસુખભાઈ ઝવેરી ગુજરાતી શીખવે અને ઝાલાસાહેબ — ગૌરીપ્રસાદ ઝાલા — સંસ્કૃત શીખવે. મનસુખભાઈ એટલે વાણીનો પ્રચંડ ધોધ. કેનેડિયન સાઈડ પરથી પહેલી વાર નાયગરા ધોધ જોયો ત્યારે આપોઆપ મનસુખભાઈ યાદ આવી ગયેલા. તો ઝાલાસાહેબ એટલે અમેરિકા અને કેનેડા બંને વચ્ચે આવેલા લેક સુપીરીઅર જેવા. ઊંડાણ સાગરનું, પણ સપાટી શાંત સરોવર જેવી. બંને ઉત્તમ શિક્ષકો, પણ બંનેની તાસીર સાવ જુદી. ઝેવિયર્સ કોલેજનો ગુજરાતી વિભાગ દર વર્ષે “રશ્મિ’ નામનું વાર્ષિક પ્રગટ કરે. વિદ્યાર્થીઓનાં લખાણો તો હોય જ, પણ તે વખતના ઘણા અગ્રણી લેખકો, કવિઓની કૃતિઓ પણ તેમાં પ્રગટ થતી. બી.એ.માં હતો ત્યારે મનસુખભાઈ અને ઝાલાસાહેબે “રશ્મિ’ માટે લેખ લખવા કહ્યું. ત્યારે સાહેબ, સ્વર્ગ હાથવેંતમાં હોય એમ લાગેલું. કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહ “કોડિયાં’ વિષે લખીને લેખ તો આપી દીધો. પણ જીવ તાળવે ચોંટેલો. “રશ્મિ’માં છપાશે કે નહિ? પૂછવાની તો હિમત જ કેમ ચાલે? અંક બહાર પડ્યો, હાથમાં આવ્યો. ‘પ્રખર સહરાની તરસથી’ અનુક્રમનું પાનું જોયું. અને આપણા રામની ઝંખના ફળી. ગ્રંથ-સમીક્ષાની એ પહેલી દીક્ષા.
૧૯૬૩ના જૂનથી મુંબઈની સોમૈયા કોલેજમાં ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું. ૧૯૬૪ના જાન્યુઆરીમાં “ગ્રંથ’ માસિક શરૂ થયું. બીજા ઘણા અધ્યાપકોને પુસ્તકો મોકલેલાં, તેમ મને પણ ગુણવન્તરાય આચાર્યની નવલકથા ‘વજ્જરગઢ’ યશવંતભાઈ દોશીએ અવલોકન માટે મોકલી. એ અવલોકન ‘ગ્રંથ’નાં બીજા અંકમાં છપાયું. અમારો અંગત પરિચય બિલકુલ નહિ. અવલોકન લખીને આપવા માટે પરિચય ટ્રસ્ટની ઓફિસે ગયો ત્યારે પહેલી વાર મળ્યો. ત્યારથી યશવંતભાઈ, ગ્રંથ, અને પરિચય ટ્રસ્ટ સાથે જે મનમેળ થયો તે ૧૯૭૪માં સહાયક સંપાદક તરીકે જોડાતાં વધુ ગાઢ થયો. સમીક્ષા-લેખનની ગલીકૂંચીઓમાં હાથ પકડીને કોઈએ ફેરવ્યો હોય તો તે યશવંતભાઈએ. ૧૯૮૬ના જૂનમાં યશવંતભાઈની મરજી વિરુદ્ધ “ગ્રંથ’ બંધ કરવામાં આવ્યું ત્યાં સુધીમાં તેને માટે ઘણું લખ્યું, બલકે યશવંતભાઈએ ઘણું લખાવ્યું.
પણ ગ્રંથસૃષ્ટિની વિશાળતા, વિવિધતા, અને સમૃદ્ધિનો ખરો ખ્યાલ આવ્યો તે તો ૧૯૭૬ના ડિસેમ્બરમાં લાયબ્રેરી ઓફ કાઁગ્રેસની દિલ્હી ઓફિસમાં જોડાયા પછી ત્યાં દસ વર્ષ કામ કર્યું ત્યારે. ડિરેક્ટર જિન સ્મિથ એટલે ગ્રંથકીટ. ગુજરાતી સહિતની ભારતની ઘણી બધી ભાષાઓ અને તેના સાહિત્ય વિષેની જાણકારીનો તેમની પાસે ખજાનો. દેશની એકે ભાષા કે બોલી એવી નહિ હોય કે જેનાં પુસ્તકો, છાપાં, મેગેઝિન એ ઓફિસમાં આવ-જા કરતાં ન હોય. (આવે વિક્રેતાઓ પાસેથી, અને જાય અમેરિકાની લાયબ્રેરીઓમાં.) રેર અને એન્ટિક્વેરિયન બુક્સના જિન સ્મિથ ભારે જાણકાર અને સંગ્રાહક. દરેક ભાષાનાં એવાં પુસ્તકો ભેગાં કરવાનો ખાસ પ્રોજેક્ટ કરેલો. ઓગણીસમી સદીનાં પુસ્તકો, સામયિકો, લેખકો, વગેરેમાં જે રસ જાગ્યો તેનાં મૂળમાં આ જિન સ્મિથ. અને બીજા તે સહકાર્યકર ડો. અરુણ ટીકેકર – અડધી જિંદગી અને દર મહીને અડઘો પગાર રેર બુક્સ પાછળ ખર્ચી નાખનાર. પંડિતાઈ વગરના પંડિત, અને સાથે એવા જ જાણતલ અને જાગરુક પત્રકાર. ગ્રંથનિષ્ઠાની દીક્ષા, આમ દિલ્હીમાં મળી.
આટલાં વર્ષોમાં ધીમે ધીમે જે કાંઈ એકઠું કર્યું હતું તેનો નિયમિત ઉપ-યોગ કરવાની તક મળી તે તો નિવૃત્તિ પછી. ઈ.સ. 2000ના માર્ચથી બાર વર્ષ “મુંબઈ સમાચાર’માં દર ગુરુવારે “વર્ડનેટ’ પાનાનું લેખન-સંપાદન કરવાનું બન્યું ત્યારે. તત્કાલીન તંત્રી પિન્કીબહેન દલાલની અને મારી પહેલેથી એવી સમજ કે આને બીબાંઢાળ ‘સાહિત્યનું પાનું’ કે ‘અવલોકનનું પાનું’ નથી બનાવવું. ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયાનાં ભાષા-સાહિત્યને પણ બને તેટલો સ્પર્શ કરવો. સાહિત્યિક પત્રકારત્વ, ગ્રંથસમીક્ષા અને ગ્રંથનિષ્ઠાના જે પાઠ અગાઉ શીખેલો તેનો બને તેટલો સદુપયોગ આ બાર વર્ષમાં કરવાનો પ્રયત્ન કર્યો.
જિંદગીનાં પહેલાં બત્રીસ વર્ષ મુંબઈના ગિરગામ રોડ પરના વજેરામ બિલ્ડિંગમાં ગાળેલાં. એ વખતે ગિરગામ એટલે મરાઠી માણૂસ, અને તેનાં ભાષા અને સંસ્કૃતિનો ગઢ. એટલે ખબર ન પડે એ રીતે મરાઠી ભાષા આવડતી ગઈ – પહેલાં ગુજરાતી અર્થમાં અને પછી મરાઠી અર્થમાં (મરાઠીમાં “આવડતી’ એટલે “ગમતી,’ “ભાવતી.’). પણ તેનું સાહિત્ય વાંચવાનું બન્યું તે તો સોમૈયા કોલેજમાં મરાઠીના અધ્યાપક અને ઉમદા વિવેચક પ્રા. વસંત દાવતરે ઉશ્કેર્યો તે પછી. વર્ષો સુધી ગ્રંથસમીક્ષાનું સામયિક ‘આલોચના’ તેમણે એકલે હાથે ચલાવ્યું. પરિણામે મરાઠી સાહિત્ય વિષે પણ ઠીક ઠીક લખાયું, અલબત્ત, ગુજરાતીમાં.
પણ પછી ઓગણીસમી સદીનાં લેખકો, પુસ્તકો, સામયિકો, સંસ્થાઓમાં એવો રસ પડ્યો કે બીજું બધું આઘું જતું રહ્યું. આપણા સાહિત્યના ઈતિહાસ કે વિવેચનના ઘણાખરા અભ્યાસીઓ માટે ઓગણીસમી સદી એટલે દસ-પંદર લેખકો અને તેમની વીસ-પચ્ચીસ કૃતિઓ. તેમાંય નર્મદ-દલપત પહેલાંના લેખકો અને પુસ્તકોની તો કોઈ વાત જ ન કરે. એ જમાનાનાં મુદ્રણ, શિક્ષણ, રાજકારણ, સમાજ, અને સાહિત્ય, બધાંનો સાથેલાગો વિચાર કરવો પડે.
વિવેચકો, અધ્યાપકો કે અભ્યાસીઓ કરતાં પણ ગુમનામ વાચકો કેટલા વધુ સજાગ હોય છે તેનો એક અનુભવ તો ક્યારે ય નહિ ભૂલાય. ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના 1867માં પ્રગટ થયેલા “શાકુન્તલ’ના અનુવાદો વિષે ‘વર્ડનેટ’માં લખતી વખતે સાથે આમ પણ લખેલું : “કાલિદાસનો પહેલવહેલો ગુજરાતી અનુવાદ કરનાર હતા રણછોડભાઈ ઉદયરામ. તેમણે કરેલો “માલવિકાગ્નિમિત્ર’ નાટકનો અનુવાદ 1840માં પ્રગટ થયો હોવાનું “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી લાયબ્રેરી સૂચિ’માં નોંધાયું છે.” હકીકતમાં અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસાર સંપાદિત “ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ’માં પણ આ જ સાલ આપી છે. અને સુન્દરમ્ જેવા સુંદરમે પણ “અર્વાચીન કવિતા’માં 1840ની સાલ જ આપી છે. ‘વર્ડનેટ’માં લખાણ પ્રગટ થયું તે દિવસે બપોરે એક વાચકનો ફોન આવ્યો. લાગલું જ પૂછ્યું : “રણછોડભાઈ ઉદયરામનો જન્મ કઈ સાલમાં?” સંદર્ભનું હાથવગું પુસ્તક જોઈને જવાબ આપ્યો : ‘1837માં.’ પેલા વાચકે જનોઈવઢ ઘા કરતાં કહ્યું : “તો શું રણછોડભાઈએ ત્રણ વર્ષની ઉંમરે “માલવિકાગ્નિમિત્ર’નાટકનો અનુવાદ કરેલો?’ અમે તો કઈ વાડીના મૂળા, પણ સુન્દરમ્ જેવા સુંદરમને જે સીધી સાદી વાત ન સૂઝી તે અખબારના એક વાચકને સૂઝી! ત્યારથી ગાંઠ વાળી કે બીજા કોઈને ભરોસે રહીને કશું જ લખવું નહિ. જાતમહેનત જિંદાબાદ.
19મી સદી વિશેનાં લખાણોનાં 9 જેટલાં પુસ્તક પ્રગટ થઈ ગયાં. છેલ્લું દોઢેક વરસ ‘બુદ્ધિપ્રકાશ’ અને દલપતરામ સાથે ગાળ્યું. અગાઉ ક્યારે ય ગ્રંથસ્થ થયાં નથી એવાં દલપતરામનાં ગદ્ય લખાણો ભેગાં કર્યાં. 575 પાનાં જેટલાં દલપતરામનાં એવાં ગદ્ય લખાણો મળ્યાં જે આજ સુધી ક્યારે ય, કોઈએ, ગ્રંથસ્થ કર્યાં નથી. થોડા વખતમાં નવજીવન આ પુસ્તક પ્રગટ કરશે. 19મી સદીનાં સામયિકોમાંથી ચૂંટેલી સામગ્રીનું એક પુસ્તક દિલ્હીની સાહિત્ય અકાદમીના કહેવાથી તૈયાર કરીને 2025ના જૂનમાં મોકલી દીધું છે. ક્યારે છપાશે એની ખબર નથી.
આજે અહીં ઊભો રહીને વાત કરું છું ત્યારે જ્ઞાનકોશ ઋષિ ધીરુભાઈને તો પ્રણામ પણ ઓછા પડે. તેમનો અંગત પરિચય થોડો મોડો થયો. પણ બી.એ.-એમ.એ.માં ભણતો ત્યારે તેમનું પુસ્તક ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ તો મારા જેવા અનેક વિદ્યાર્થીઓ માટે બાઈબલની ગરજ સારતું. તેમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’નું બીજ વાવ્યું અને વૃક્ષને ઉછેર્યું. આજે તે એક વિશાળ વટવૃક્ષ બન્યું છે તે આદરણીય મિત્ર કુમારપાળભાઈ અને તેમના સાથીઓની સૂઝ, સમજ, અને સહકારી કાર્યદક્ષતાને પરિણામે. કુમારપાળભાઈ એટલે વાતો ઓછી, અને કામ ઝાઝું કરવામાં માનનારા, અને સાહિત્યના કોઈ પણ સારા કામમાં આગળ ચાલનારા. તેમની સાથેનો ઉષ્માભર્યો સંબંધ એવો છે કે તેમનો આભાર માનું તે ન તેમને ગમે, કે ન મને ગમે. મુરબ્બી રઘુવીરભાઈ મારી લેખન પ્રવૃત્તિ પર સતત નજર રાખતા રહ્યા છે અને મને પ્રોત્સાહન આપતા રહ્યા છે. 19મી સદી વિશેનાં મારાં બે પુસ્તકો તેમણે ‘રંગદ્વાર’ દ્વારા પ્રગટ કર્યાં, એ ખોટનો ધંધો છે એમ જાણવા છતાં. આજના આ કાર્યક્રમમાંની હાજરી અને તેમણે કરેલી વાતો મને નવું બળ પૂરું પાડશે. ભલે મળવાનું ઓછું થતું હોય, પણ અજયસિંહભાઈ સાથેનો મૈત્રીનો તંતુ લાંબો અને મજબૂત છે. તેઓ ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક હતા ત્યારે ઘણા લાંબા વખત સુધી મારી પાસે 19મી સદીના સાહિત્ય વિષે લખાવ્યું. અને એ લેખોનાં બે પુસ્તક – ‘કાળચક્રની ફેરીએ’ અને ‘દલપતરામ એટલે’ અકાદમીએ પ્રગટ કર્યાં. એ માટે, તથા આજના વક્તવ્ય માટે તેમણે જે જહેમત ઊઠાવી છે તે માટે તેમનો આભાર નહિ માનું, પણ મારો આનંદ તો જરૂર પ્રગટ કરીશ. ખેવના અને મારી વચ્ચેની મૈત્રી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચેની મૈત્રી જેવી છે. તેઓ વ્યવસાયે સમાજશાસ્ત્રના અધ્યાપક છે. અને વૃત્તિએ કર્મઠ તથા અભ્યાસી નારીવાદી છે. સાથોસાથ સાહિત્ય, સંગીત, નૃત્ય અને બીજી કલાઓની પણ સાચી અને ઊંડી સમજ ધરાવે છે. તેઓ મુંબઈથી મારી સાથે અહીં આવ્યાં અને મારે વિષે જે વાતો કરી તે માટે આભાર માનું તો તે ન તેમને ગમે, કે ન મને ગમે. શ્રાવણી સોમવારની સાંજે આપ સૌ અહીં પધાર્યા એ માટે આભાર ન માનું તો હું નગુણો ગણાઉં. અને છેલ્લી સલામ વીર કવિ નર્મદને, તેમના 193મા જન્મદિવસે. છેલ્લે તેમના જ શબ્દોનો આશરો લઈને એટલું જ કહીશ : ઓગણીસમી સદીના સાહિત્યનું ‘યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી’.
XXX XXX XXX
પ્રગટ : “વિશ્વવિહાર”; સપ્ટેમ્બર 2026
e.mail : deepakbmehta@gmail.com
![]()

