Opinion Magazine
Number of visits: 10,274,676
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

– એ શબ પરના શણગાર જેવું જ છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 October 2026

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામના પ્રાથમિક શાળાના 53 વર્ષીય મુખ્ય શિક્ષક શંકરભાઈ જાદવે આત્મહત્યા કરી લીધી. વિધિની વક્રતા એ છે કે વિદ્યાર્થીઓને આપઘાતથી પાછા વાળનાર આચાર્યે જ જીવન ટુંકાવી લીધું. તેઓ 28 વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સવારે ફાંસો ખાતા પહેલાં આચાર્ય જાદવે સુસાઈડ નોટ લખી હતી, જેની પુષ્ટિ પરિવારજનોએ તથા શિક્ષક સંઘે કરી છે. આચાર્ય જાદવના ફાંસો ખાવાના કારણમાં ઓનલાઈન કામગીરીના અતિશય ભારણ, નેટવર્કની સમસ્યા અને વધારાનાં કામથી વધતા માનસિક તણાવને આગળ કરાયાં છે. આ વાત ખુદ શંકરભાઈ જાદવે તેમની સુસાઈડ નોટમાં લખી છે. આ ઘટનાથી શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. પરિવારના સભ્ય ડોક્ટર કિરણે તો સ્પષ્ટ કહ્યું છે કે આ આપઘાત નથી, સિસ્ટમે કરેલી હત્યા છે. શિક્ષક સંઘે મામલતદારને આવેદનપત્ર પાઠવીને જવાબદાર સિસ્ટમ સામે કાર્યવાહી કરવા અને ઓનલાઈન કામનાં ભારણ અંગે ઘટતું કરવા આવેદનપત્રમાં જણાવ્યું છે. પોલીસ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજ તરફથી સમિતિ નીમવાની વાત પણ  છે.

10 ઓક્ટોબરના સમાચારમાં જ, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકો, પ્રાથમિક ને મુખ્ય શિક્ષકો સહિતના બે લાખથી વધુ કર્મચારીઓના વાર્ષિક ખાનગી અહેવાલ (ACR) લખવાની અને સમીક્ષા કરવાની પ્રક્રિયા પહેલી વખત સંપૂર્ણપણે ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અહેવાલો પહેલાં ઓફલાઈન ભરાતા, પણ હવે શિક્ષણ વિભાગ દ્વારા ચોક્કસ સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ 15 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અહેવાલ જનરેટ કરવામાં આવશે. 16થી 31 ઓક્ટોબર દરમિયાન પોર્ટલ પર શિક્ષકે પોતાની પ્રાથમિક માહિતી જાતે ચકાસીને અપડેટ કરવાની રહેશે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સંબંધિત અધિકારી દ્વારા ઓનલાઈન મૂલ્યાંકન કરવામાં આવશે. ખાનગી અહેવાલ એ કોઈ પણ કર્મચારી અને સરકાર માટે અત્યંત ગોપનીય દસ્તાવેજ છે, પણ કમાલ એ છે કે આ આખી પ્રક્રિયા ઓનલાઈન થવાની છે. ઓનલાઈન ફોર્મ એક વાર સબમિટ થયા પછી કે નિર્ધારિત સમય મર્યાદા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. વળી ફોર્મ પરત ખેંચવાનો પણ કોઈ જ અવકાશ રહેશે નહીં. આ ઉપરાંત વિલંબ માટે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સીધી કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગનો આ વધુ એક (અ)ખતરો છે. અહેવાલ ચકાસણીની બધી પ્રક્રિયા દોઢેક મહિનો ચાલવાની છે. પછી શિક્ષકો અને અધિકારીઓને ફોર્મમાં ફેરફાર ન કરી શકાય કે વિલંબ માટે જે તે શિક્ષક કે અધિકારી માટે સીધી કાર્યવાહી કરવામાં આવશે – જેવી વાતોની ભાષા ધમકીની ભાષા છે. આ રીતે શિક્ષણ વિભાગ શિક્ષકને સતત દબડાવતો જ રહે છે. શિક્ષણ વિભાગને એ ખ્યાલ તો રહેવો જ જોઈએ  કે તે શિક્ષકો સાથે વાત કરે છે. આટલી ચોકસાઈ પછી પણ ક્યાંક ઊંધું નહીં મરાય તેની ખાતરી નથી. માથે આમ જ તલવાર લટકતી રહેવાને કારણે શિક્ષકો ને આચાર્યો આત્મહત્યા તરફ વળે છે.

કપરાડાના મુખ્ય શિક્ષકની આત્મહત્યા કંઇ પહેલી ઘટના નથી. ખાસ તો SIRની કામગીરી શિક્ષકોને સોંપાઈ ત્યારે કામનાં ભારણને લઈને શિક્ષકોએ સંખ્યાબંધ આત્મહત્યાઓ કરી હતી ને આપણે અફસોસ વ્યક્ત કરીને રહી ગયા હતા. આપણે આટલું જ કરીએ છીએ. અફસોસ કરીએ છીએ, એકાદ આવેદનપત્ર આપીએ છીએ, સૂત્રો પોકારીએ છીએ કે સભા સરઘસોથી સંતુષ્ટ થઈ જઈએ છીએ. બહુ થાય તો ગાંધીનગર વિરોધ કરી આવીને ફરી ધંધે લાગી જઈએ છીએ. સૌથી વધારે દુ:ખ તો એ વાતનું છે કે આટલા વખતથી શિક્ષકો દબાણમાં કામ કરે છે, પણ તેનો કાયમી ઉકેલ આવતો નથી. સરકારે એક પછી એક મનમાની કરીને ઓછા શિક્ષક, કામચલાઉ શિક્ષક, સરકારી ઈતર પ્રવૃત્તિઓ જેવી ઘણી બાબતો સ્કૂલોને માથે નાખી છે, પણ તેનો કોઈ બોજ શિક્ષકને લાગતો નથી. સરકારે રાતોરાત આ બધું માથે નાખી દીધું નથી. પહેલાં એક ઈંટ મૂકી હશે ને એ બોજ શિક્ષકોએ વેઠી લીધો, એટલે પછી બીજી ઈંટ મૂકી ને શિક્ષકોએ એ પણ વેઠી લીધી ને એમ ઈંટનો ભઠ્ઠો જ મૂકવા સુધી શિક્ષણ વિભાગ આવ્યો છે, પણ શિક્ષકો ને યુનિયનો જરાતરા સૂત્રો પોકારીને કે આવેદન આપીને રહી જાય તો એથી સરકારને બહુ ફરક પડતો નથી. જ્યાં ભાલો મારવાનો હોય ત્યાં ટાંકણી ભોંકવાનો અર્થ નથી. એમ જ કાયમી શિક્ષકોની ભરતી થતી જ હતી, પણ સરકારે કામચલાઉ શિક્ષકોથી ચલાવવા વિચાર્યું, જેથી નિવૃત્તિના પેન્શન વગેરે લાભો ન આપવા પડે. તે વખતે જ અસરકારક વિરોધ થયો હોત, તો જ્ઞાનસહાયક, વિદ્યાસહાયકનું તૂત ઘૂસ્યું જ ન હોત, પણ પાંગળો ને નમાલો વિરોધ થયો, તેમાં યુનિયને પણ સરકાર સામે કુરનીશ બજાવવાનું કામ કર્યું ને એમ શિક્ષણ જગતને લૂણો લાગ્યો.

આજે એટલી બધી ફાલતુ કામગીરીઓમાં શિક્ષક જોતરાયો છે કે પોતે જ ફાલતુ બની ગયો છે. આ કામગીરીઓ કંઇ શિક્ષણ સાથે સીધી સંકળાયેલી નથી. સરકાર, એણે કરવાની કામગીરીઓ માસ્તરો પાસે કરાવે છે ને એ બોજ ન વેઠાય તો વાત આત્મહત્યા સુધી પહોંચે છે. એક અંદાજ મુજબ શિક્ષકો 100 જેટલી શિક્ષણેતર કામગીરીઓ કરે છે ને કર્યે જ જાય છે. આવે વખતે શિક્ષકો, આચાર્યો, યુનિયનો સાક્ષીભાવ કેળવીને બેસે તો કાલે 100ની 200 કામગીરીઓ આવી પડશે. જે શિક્ષકો બાળકોને નિર્ભયતા અને સ્વસ્થતાના પાઠ ભણાવે છે, તે પોતે જ ભીરુ ને કામના બોજા હેઠળ હોય, તો બાળકો તેની પાસેથી શું શીખશે?

સ્કૂલોમાં ભણાવવા કરતાં પરીક્ષાઓ વધુ લેવાય છે. (અવ)ગુણોત્સવ, પ્રવેશોત્સવ, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, વાર્ષિક ઉત્સવોની તૈયારીઓ કરવી, ખેલ મહાકુંભ, કલા મહોત્સવમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું, શાળાના રેકોર્ડની જાળવણી કરવા જેવા તાયફાઓમાં મોટે ભાગે તો રાજકારણીઓનો જ મહિમા થાય છે. એ ઉપરાંત બાળકોનો ઉપયોગ નેતાઓની સભામાં ભીડ બતાવવા થાય છે ને એ જવાબદારી પણ શિક્ષકોએ જ પાર પાડવાની રહે છે.

ગુજરાતમાં સરકારી ને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને બિનશૈક્ષણિક અને વહીવટી કામગીરીઓ સોંપાય છે. શિક્ષકોને નવી શિક્ષણ નીતિ (NEP) અને RTE ACT હેઠળ અમુક કટોકટીની કે રાષ્ટ્રીય મહત્ત્વની કામગીરીઓ જ સોંપવાની જોગવાઈ છે. એ મુજબ ચૂંટણી સંબંધી કામગીરી, વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન (DISASTER RELIEF) વગેરે શિક્ષકોએ ફરજિયાતપણે કરવા પડે છે. આ પણ ખોટું છે. એવી કામગીરી શિક્ષિત બેકારોને સોંપાય તો તેમને આર્થિક ટેકો મળી રહે. તેને બદલે શિક્ષકોને જોતરવામાં તેઓ પોતાની ફરજ બજાવી શકતા નથી. શિક્ષકોને શાળા સ્તરે ચાલતી સરકારી યોજનાઓના અમલીકરણ અને ડિજિટલ પોર્ટલ પર ડેટા એન્ટ્રીની જવાબદારી પણ શિક્ષકોને માથે છે. શિક્ષકો આજકાલ ડેટા એન્ટ્રી ઓપરેટરનો જ બોજ રીતસર વેંઢારે છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા, બેંક એકાઉન્ટ લિંક કરવા અને આધાર ડાયસ(Aadhar DISE)ની એન્ટ્રી કરવી, આરોગ્ય તપાસણીના કાર્યક્રમમાં બાળકોનાં હેલ્થ કાર્ડ તૈયાર કરવા, શાળા બહારના બાળકો શોધવા, SMC-શાળા વ્યવસ્થાપન સમિતિની મીટિંગ યોજવી ને તેની મિનિટ્સ લખવી, દૈનિક ઓનલાઈન હાજરી, પોર્ટલ અપડેટ્સ, આધાર અને આભા કાર્ડ, મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા ચકાસી દૈનિક રિપોર્ટ્સ તૈયાર કરવા, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ અને યુનિફોર્મ જેવી અનેક કામગીરીઓ સોંપવામાં આવે છે.

ઘણી વાર તો સર્વરના કોઈ ઠેકાણાં ન હોય એવામાં એકની એક ડેટા એન્ટ્રી કરાવવાનો શો મતલબ છે તે નથી સમજાતું. સરકારને એમ છે કે શિક્ષકો પાસે કોઈ કામ નથી? પરીક્ષાના માર્કસની એન્ટ્રી અનેક વખત કરવાની ને એમ આખા વર્ગની એન્ટ્રી કર્યા કરવામાં કામના પુનરાવર્તન સિવાય બીજું કંઇ નથી. આ બધું ઉપર પહોંચે પછી એનું થાય છે શું તે નથી ખબર. બને કે એનો કચરો જ થતો હશે.

શિક્ષણ વિભાગે આટલો ઘટાટોપ રચ્યો છે, પણ જેને માટે એ રચાયો છે, તે બાળકોનાં શિક્ષણ અંગે કોઈ વાત જ નથી થતી. પરીક્ષાઓ વિષે વાત થાય છે, યુનિફોર્મ, શિષ્યવૃત્તિ વિષે. મધ્યાહ્ન ભોજન, ફી વિષે એમ અનેક મુદ્દે વાત થાય છે, પણ બાળકોને ભણાવવા અંગેની કોઈ વાત સરકારને મોઢે સંભળાતી નથી. તે એટલે કે શિક્ષકો વર્ગખંડમાં જઈ શકે એવી હાલત જ શિક્ષણ વિભાગે રહેવા દીધી નથી. શિક્ષક વર્ગમાં જાય તો બાળકો શીખેને ! સરકારે અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની આસપાસ ઊભી કરી દીધી છે, પણ ‘વર્ગખંડમાં શિક્ષણ’ વિષે કોઈ વાત થતી નથી. બાળક ભણે તો બોલતો થાય ને સરકારને વિરોધ કરનારું કોઈ જોઈતું જ નથી. એટલે શિક્ષણનો ઘટાટોપ રચવો, પણ શિક્ષણ વિષે ચૂપ રહેવું એવી નીતિ સરકારની રહી છે. આખો વેપલો નિર્જીવને વધુ નિર્જીવ કરવાનો છે.

– એ શબ પરના શણગાર જેવું જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ઑક્ટોબર 2026

Loading

13 October 2026 Vipool Kalyani
← યથાશક્તિ રસપાન કરાવ્યું 
નેહરુનું ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ હવે પૂર્ણ સ્વરૂપે →

Search by

Opinion

  • કેલેન્ડર 
  • નેહરુનું ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ હવે પૂર્ણ સ્વરૂપે
  • યથાશક્તિ રસપાન કરાવ્યું 
  • આંદોલનનું અમૃતમંથનઃ મંથન લોકોનું, અમૃત સત્તાનું, જવાબદારી કોની?
  • દીવાદાંડી સમા પ્રકાશભાઈ ન. શાહ અને અગ્નિશીખા સમાં કર્મશીલ મીનાક્ષીબહેન જોશીની અટકાયત 

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved