Opinion Magazine
Number of visits: 10,274,676
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેહરુનું ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ હવે પૂર્ણ સ્વરૂપે

કિરણ કાપુરે|Opinion - Opinion|13 October 2026

ગુજરાતી વાચકો માટે જ્યારે જવાહરલાલ નેહરુનું સાહિત્ય વાંચવાનું થાય ત્યારે તેમાં ‘મારું હિંદનું દર્શન’ [Discovery of India], ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ [Glimpses of World History], ‘પંડિતજી પોતાના વિશે’ [Nehru–In his own words] અને તેમની આત્મકથા [Toward Freedom’] સુધીનું સાહિત્ય ઉપલબ્ધ થાય છે. એ સિવાય દીકરી ઇન્દિરા ગાંધીને લખેલા પત્રો ‘ઇન્દુને પત્રો’ [Letters from a Father to His Daughter] પણ પુસ્તકરૂપે નવજીવન દ્વારા પ્રકાશિત થયા છે. ગુજરાતીમાં થયેલાં પુસ્તકો જે હાલમાં અપ્રાપ્ય છે તેમાં ‘ભારતની એકતા’ [The Unity of India] અને ‘રાષ્ટ્રભાષાનો સવાલ’ છે. જવાહરલાલ નેહરુનું મહદંશે લખાણ અંગ્રેજીમાં છે જે પછીથી ગુજરાતીમાં અનુવાદિત થયું છે. દેશના પ્રથમ વડા પ્રધાન અને આઝાદીની લડતમાં લાંબા સમય સુધી મહત્ત્વની ભૂમિકા ભજવનારા જવાહરલાલ નેહરુનું અંગ્રેજીમાં વિપુલ સાહિત્ય છે. તેની વિપુલતાનો ખ્યાલ https://nehruarchive.in/ની વેબસાઇટ પર આવી શકે. આ વેબસાઇટ પર જવાહરલાલ નેહરુના ‘Selected Works of Jawaharlal Nehru’ના સો ગ્રંથો ઉપલબ્ધ છે. આ ગ્રંથોમાં નેહરુનાં લખાણો, પત્રો અને વક્તવ્યો છે. મતલબ કે નેહરુનું હજુ ય માતબર સાહિત્ય ગુજરાતીમાં અનુવાદિત થવાનું બાકી છે. આઝાદીના સમયગાળાનું ગાંધીજી અને સરદારનું સાહિત્ય ગુજરાતીમાં મહદંશે ઉપલબ્ધ છે. જો કે હજુ ય દુર્ગા દાસ સંપાદિત Sardar Patel’s Correspondence, ૧૯૪૫–૫૦ના દસ ગ્રંથો ગુજરાતીમાં પ્રકાશિત થયા નથી; માત્ર તેમાંથી પસંદગીના પત્રો અનુવાદિત થયા છે; જેના બે ગ્રંથો નવજીવનમાં પ્રકાશિત થયા છે.

મૂળે આ પત્રો નેહરુએ દીકરી ઇન્દિરા ગાંધીને જેલમાંથી લખ્યા હતા અને તેમાં તેમણે ઇતિહાસનું રસપ્રદ બયાન કર્યું છે. અત્યાર સુધી ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ની સંક્ષિપ્ત આવૃત્તિ ઉપલબ્ધ હતી. આ આવૃત્તિનાં પાનાંની સંખ્યા ૬૮૮ની હતી, હવે તેની બૃહદ્દ આવૃત્તિ પ્રકાશિત થઈ છે, જેનાં પાનાંની સંખ્યા ૧,૧૭૪ છે. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ પત્રમાળારૂપે ઑક્ટોબર ૧૯૩૦થી ઑગસ્ટ ૧૯૩૩ વચ્ચેનાં ત્રણ વરસ દરમિયાન જુદી જુદી જેલોમાં લખાયું હતું. પુસ્તકની પ્રસ્તાવનામાં નેહરુએ પુસ્તક-પ્રકાશન વિશે આશંકા દર્શાવતાં લખ્યું હતું કે, ‘આ પત્રો ક્યારે અને ક્યાં પ્રસિદ્ધ થશે અથવા તો તે કદીયે પ્રસિદ્ધ થશે કે કેમ, એની મને ખબર નથી, કેમ કે હિંદ આજે વિચિત્ર પ્રકારનો દેશ બની ગયો છે અને કોઈ પણ પ્રકારની આગાહી કરવાનું મુશ્કેલ છે.’ પુસ્તકનો પ્રથમ પત્ર નૈનીની સેન્ટ્રલ જેલમાંથી ૨૬ ઑક્ટોબર, ૧૯૩૦ના રોજ ઇન્દિરા ગાંધીની તેરમી વરસગાંઠના દિવસે લખાયો હતો. જો કે પુસ્તકરૂપે પ્રકાશિત થયા પછી આ પત્રો માત્ર ઇન્દિરાના ન રહ્યા, તે સમગ્ર વિશ્વના જિજ્ઞાસુઓ માટે ઇતિહાસને જાણવા-માણવાનું સાહિત્ય બન્યું છે. આ પુસ્તક વિશે ઘણું લખી શકાય, પણ નેહરુએ નોંધ્યું છે કે, કારાવાસના ફાયદામાં કે ત્યાં મળતી નવરાશના કારણે અમુક પ્રમાણમાં તટસ્થતાની વૃત્તિ મળે છે. પુસ્તકનો અનુવાદ મણિભાઈ ભ. દેસાઈએ કર્યો છે અને તે જાણે મૂળ ગુજરાતી ભાષામાં નેહરુને વાંચતા હોય તેટલો સહજ-સરળ છે. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ની વાત માંડીએ ત્યારે ઘણું કહેવાનું થાય છે. નેહરુનાં લખાણનો જેઓને પ્રથમ વાર પરિચય થાય અને જો તેઓ તેમનાં લખાણો વાંચવામાં આગળ વધશે તો નેહરુની હાલમાં ઊભી કરવામાં આવેલી છબિથી ખાસ્સા વેગળા નેહરુ તેઓ પામશે. 

‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’માં ‘લોકશાહીના પ્રગતિ’ના નામે જે પ્રકરણ છે તેમાંથી અહીં જે હિસ્સો આપીએ છીએ તેમાં હાલમાં લોકશાહીની જે મર્યાદા દેખાય છે તેનો ઉલ્લેખ જવાહરલાલ નેહરુએ કર્યો છે. તે પ્રકરણ તો ખાસ્સું લાંબુ છે, તેનો એક હિસ્સો અહીં હવે જોઈએ. હવે નેહરુનું લખાણ : “બેશક, લોકશાહીનું કહેવું એવું નથી કે વસ્તુતાએ બધા માણસો સમાન છે. તે એમ કહી શકે એમ નહોતું કેમ કે જુદા જુદા માણસો વચ્ચે અનેક પ્રકારની વિષમતાઓ અથવા તો અસમાનતાઓ મોજૂદ છે એ દીવા જેવું સ્પષ્ટ છે. તેમની વચ્ચે શારીરિક અસમાનતા છે અને તેને લીધે કેટલાક માણસો બળવાન હોય છે અને કેટલાક કમજોર હોય છે; માનસિક અસમાનતાને કારણે કેટલાક માણસો બીજાઓ કરતાં વધારે શક્તિશાળી અને સમજુ હોય છે તથા નૈતિક અસમાનતાને કારણે કેટલાક સ્વાર્થી હોય છે અને કેટલાક સ્વાર્થી નથી હોતા. આમાંની ઘણીખરી અસમાનતાઓ ભિન્ન ભિન્ન પ્રકારનાં ઉછેર, કેળવણી અથવા તો કેળવણીના અભાવને આભારી હોય એ બિલકુલ સંભવિત છે. સરખી શક્તિના બે છોકરાઓ અથવા છોકરીઓમાંથી એકને સારી કેળવણી આપો અને બીજીને કેળવણી ન આપો તો થોડાં વરસ પછી તેમની વચ્ચે ભારે તફાવત માલૂમ પડશે. અથવા તો એકને સારો પોષક ખોરાક આપો અને બીજાને ખરાબ અને ઓછો ખોરાક આપો તો પહેલાનો વિકાસ બરાબર થશે જ્યારે બીજો કમજોર અને બીમાર થશે તથા તેના શરીરનો બરાબર વિકાસ નહીં થાય. આમ તેનો ઉછેર, તેની આસપાસની પરિસ્થિતિ, તેની કેળવણી તથા તેના ભણતરથી માણસમાં ઘણો ફેર પડી જાય છે. અને જો આપણે સૌને એકસરખી કેળવણી તથા તકો આપી શકીએ તો સંભવ છે કે આજ છે તેના કરતાં અસમાનતાઓ બહુ ઓછી થઈ જાય. સાચે જ એ વસ્તુ બિલકુલ સંભવિત છે. પરંતુ લોકશાહીને લાગેવળગે છે ત્યાં સુધી માણસો અસમાન છે એ હકીકત વસ્તુતાએ તે કબૂલ રાખતી હતી. આમ છતાંયે તેનું એમ કહેવું હતું કે રાજકીય તેમ જ સામાજિક દૃષ્ટિએ પ્રત્યેક મનુષ્ય પ્રત્યે એકસરખો વર્તાવ રાખવો જોઈએ. જો આપણે લોકશાહીના આ સિદ્ધાંતને સંપૂર્ણપણે માન્ય રાખીએ તો પછી આપણે અનેક પ્રકારના ક્રાંતિકારી નિર્ણયો ઉપર આવવું પડે છે. આ ઘડીએ આપણે એ બધાની ચર્ચામાં ન ઊતરીએ પરંતુ એ સિદ્ધાંતમાંથી દેખીતી રીતે જ એક વસ્તુ એ ફલિત થતી હતી કે પોતાના દેશની પાર્લમેન્ટ કે ધારાસભામાં પોતાનો પ્રતિનિધિ મોકલવા માટે પ્રત્યેક માણસને મત આપવાનો હક હોવો જોઈએ. મત એ રાજકીય સત્તાના પ્રતીક સમાન હતો અને એમ માનવામાં આવતું હતું કે પ્રત્યેક માણસને જો મતનો હક મળે તો એવા દરેક માણસને સમાન રાજકીય સત્તા પ્રાપ્ત થાય. એથી કરીને, આખી ૧૯મી સદી દરમ્યાન મતાધિકાર એટલે કે મત આપવાના હકનો વિસ્તાર એ લોકશાસનવાદીઓની પ્રધાન માગણી રહી હતી. પુખ્ત મતાધિકારનો અર્થ એ હતો કે પુખ્ત વયની પ્રત્યેક વ્યક્તિને મત આપવાનો હક મળવો જોઈએ. લાંબા વખત સુધી સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો નહોતો અને થોડા જ વખત ઉપર તેમણે ખાસ કરીને ઇંગ્લૅંડમાં એને માટે ભારે ચળવળ ઉપાડી હતી. ઘણાખરા આગળ વધેલા દેશોમાં પુખ્ત વયનાં સ્ત્રીપુરુષોને આજે મતાધિકાર આપવામાં આવ્યો છે.”

“પણ અજાયબીની વાત તો એ છે કે, મોટા ભાગના લોકોને મતાધિકાર પ્રાપ્ત થયો ત્યારે તેમને સમજાયું કે એથી કરીને તેમની સ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો. મત આપવાનો હક મળ્યા છતાં રાજ્યમાં તેમની કશી જ સત્તા નહોતી અથવા જે કંઈ સત્તા હતી તે નહીં જેવી જ હતી. ભૂખ્યા માણસને મતનો ઝાઝો ઉપયોગ નથી હોતો. તેની ભૂખનો જેઓ લાભ ઉઠાવી શકે અને પોતાના લાભનું હોય એવું ચાહે તે કામ તેની પાસે કરાવી શકે તેવા લોકોના હાથમાં રાજ્યની ખરી સત્તા હોય છે. આ રીતે, મત મળવાથી જે મળી રહે છે એમ જેને વિશે ધારવામાં આવતું હતું તે રાજકીય સત્તા આર્થિક સત્તા વિના વસ્તુવિહોણી છાયા જેવી અથવા ઝાંઝવાના જળ જેવી માલૂમ પડી અને મત મળતાં તેની પાછળ સમાનતા પણ આવશે એવાં આરંભનાં લોકશાસનવાદીઓનાં સ્વપ્નાં નિષ્ફળ નીવડ્યાં.”

“પરંતુ આ બહુ પાછળથી બનવા પામ્યું. આરંભકાળમાં એટલે કે ૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીની શરૂઆતમાં લોકશાસનવાદીઓ ભારે ઉત્સાહમાં આવી ગયા હતા. લોકશાહી દરેક વ્યક્તિને સ્વતંત્ર અને સમાન નાગરિક બનાવશે તથા રાજ્યની સરકાર સૌની સુખાકારી માટે કાર્ય કરશે એવી આશા સેવવામાં આવતી હતી. ૧૮મી સદીના રાજાઓ અને સરકારો સામે તથા તેઓ જે રીતે પોતાની નિરંકુશ સત્તાનો દુરુપયોગ કરતા હતા તેની સામે ભારે વિરોધ જાગ્યો હતો. એને પરિણામે લોકો પોતાની જાહેરાતોમાં વ્યક્તિના હકોની ઘોષણા કરવાને દોરાયા. અમેરિકાની તથા ફ્રાંસની જાહેરાતોમાં વ્યક્તિઓના હક્કો અંગે કરવામાં આવેલી ઘોષણામાં કંઈક અંશે ઊલટી દિશામાં ભૂલ થવા પામી હતી. બહુસૂત્રી સમાજમાં વ્યક્તિઓને અલગ પાડીને તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી એ સહેલ વાત નથી. એવી સ્વતંત્ર વ્યક્તિ અને સમાજ વચ્ચે અથડામણ થવાનો સંભવ રહે છે અને એવી અથડામણ થાય છે પણ ખરી. એ ગમે તેમ હો પણ લોકશાહી મોટા પ્રમાણમાં વ્યક્તિસ્વાતંત્ર્યની હિમાયત કરતી હતી.”

e.mail : kirankapure@gmail.com 
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑક્ટોબર 2026

Loading

13 October 2026 Vipool Kalyani
← – એ શબ પરના શણગાર જેવું જ છે…
કેલેન્ડર  →

Search by

Opinion

  • કેલેન્ડર 
  • – એ શબ પરના શણગાર જેવું જ છે…
  • યથાશક્તિ રસપાન કરાવ્યું 
  • આંદોલનનું અમૃતમંથનઃ મંથન લોકોનું, અમૃત સત્તાનું, જવાબદારી કોની?
  • દીવાદાંડી સમા પ્રકાશભાઈ ન. શાહ અને અગ્નિશીખા સમાં કર્મશીલ મીનાક્ષીબહેન જોશીની અટકાયત 

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved