રોજ સવારે હું એને ખોલું છું અને અંદરથી બે ગોળી કાઢીને ગળી જાઉં છું! કેમ નવાઈ લાગી ને? હા! એમ જ છે. અહીં એને આમ તો પિલબોક્સ કહે છે. રવિવારથી શનિવાર સુધીના સાત ખાનાં. રોજ લેવાની ગોળીઓ એમા મૂકી દઈએ, એટલે ગોળીઓ લીધી, તેનો હિસાબ સચવાઈ રહે. આથી એને હું કેલેન્ડર કહું છું. પહેલાં આમાં બહુ ગોટાળો થઈ જતો હતો. લોહીના દબાણને મર્યાદામાં રાખવા લેવાની ગોળી લીધી કે નહીં; તે ઘણી વાર ભૂલાઈ જતું હતું. હવે આ કેલેન્ડર આવવાથી રાહત થઈ ગઈ છે.
દીવાલ પર રાખવાનું મહિનાવાર કેલેન્ડર. રોજની તારીખ ફાડવાનું ડટ્ટા કેલેન્ડર. આખા વર્ષના બધા મહિના બતાવતું વાર્ષિક કેલેન્ડર. સૌથી સરસ તો કોમ્પ્યુટરનું કેલેન્ડર. એમાં આજની તારીખ તારવેલી જૂદી દેખાઈ આવે. જો ડે પાછી રૂપાળી ઘડિયાળ તો ખરી જ!
રોબિન્સન ક્રુઝો યાદ આવી ગયો. એ બિચારો, વખાનો માર્યો અજાણ્યા ટાપુ પર એકલો આવી પડ્યો અને પહેલા કે બીજા દિવસે તેને વીતતા દિવસોનો હિસાબ રાખવાનું સૂઝ્યું. ઝાડ પર ચપ્પાથી કાપા પાડી, તેણે પોતાનું આગવું કેલેન્ડર બનાવી દીધું. સાત કાપે મોટો કાપો એટલે રવિવાર જૂદો તરી આવે. મહિનો પૂરો થાય એટલે વળી વધારે લાંબો કાપો. આમ એ જેટલાં વર્ષ એ ટાપુ પર રહ્યો; તેની તારીખ, મહિનાની બધી વિગત તેણે સાચવી રાખી.
જાતજાતના કેલેન્ડર અને એમનો પ્રતાપ. વીતેલા/વીતતા દિવસોની, મહિનાનોની, વર્ષોની ગણતરી હાથવગી કરી દે. રોજનો હિસાબ. ભૂત અને ભવિષ્યનો ચિતાર.
કેલેન્ડરનો વધુ વિશદ ઉપયોગ એટલે ડાયરી.
જાન્યુઆરી – 2003
અમેરિકા આવ્યો હતો; ત્યાર બાદ પહેલી વાર દેશમાં પાછો ગયો હતો, ત્યારની યાદ તાજી થઈ ગઈ. જૂની ડાયરીઓ કબાટમાં સાચવીને રાખી હતી. નકામી વસ્તુઓ કાઢી નાંખવાનું અભિયાન હાથ ધર્યુ હતું – તેના અંતર્ગત આ ડાયરીઓ ફેંકી દેવા વિચાર હતો. એક વર્ષની એક ડાયરી. ઘણી બધી ભેગી કરેલી હતી. પાનાં ફેરવતાં વિતેલા ભૂતકાળમાં સરી ગયો.
નાની નાની ઘટનાઓ. ઘણી બધી બિન જરૂરી બાબતો. પણ અમૂકે તો યાદગાર ઘટનાઓની તવારિખ નજર સમક્ષ ખડી કરી દીધી. પ્રવાસો, મૂલાકાતો, કરેલાં, નહીં કરેલાં, કરવાનાં કામોની વિગતો. વ્યથાઓ, સંઘર્ષો, ચિંતાઓ, યુદ્ધો, આશાઓ, ઉલ્લાસો, વિજયો, પ્રાપ્તિઓ, ઉપલબ્ધિઓ, નવા પરિચયો, તૂટેલા સંબંધો. વિતેલા આયખાનો દિવસવાર ચિતાર.
કલાક, બે કલાક વિતી ગયા. હવે આ બધુ વ્યર્થ લાગતું હતું. એ હવે પ્રસ્તુત ન હતું. પત્નીની તાકીદ યાદ કરી, બધી ડાયરીઓ ફગાવી દીધી. પસ્તી ભેગી કરી દીધી. મનમાં તુમૂલ યુદ્ધ જાગી ઊઠ્યું. જીવનની ઘટનાઓ જ્યારે ઘટતી હતી; ત્યારે કેટલો બધો મનનો કબજો લઈ લેતી હતી? સમગ્ર ચિત્તને ખળભળાવી દેવાની એમનામાં ગુંજાઈશ હતી. હવે તે બધીયે વહી ગયેલા પવનની માફક અદૃશ્ય થઈ ગઈ હતી. ઘડીક એ ડાયરીઓ એની યાદ તાજી કરાવી ગઈ.
એ ડાયરીઓ હવે નષ્ટ થઈ ગઈ છે. બધો ભૂતકાળ ભૂંસી દીધો. હવે તો નિવૃત્ત થઈ ગયો છું. નવી ડાયરી નથી રાખી. હવે માત્ર વર્તમાનમાં જીવવાની ટેવ પડવા માંડી છે. હવે તો એ નષ્ટ કરેલી ડાયરીઓની વિગતોએ વધારી દીધેલા, લોહીના દબાણને સંયમિત કરવા લેવાની ગોળીઓનો હિસાબ રાખવા આ પિલ બોક્સ જ એકમાત્ર જરૂરી કેલેન્ડર છે!
4, જુલાઈ – 2006
અહો ! આશ્ચર્યમ …..
એ નષ્ટ થયેલી ડાયરીઓનો પુનર્જન્મ થઈ ગયો. દેશમાંથી પાછા આવ્યા બાદ બ્લોગીંગના ચાળે આ જણ ચઢી ગયો. એ વળી એકવીસમી સદીનું અવનવું કેલેન્ડર. અભરાઈ પર એ કોઈ જગ્યા ન માંગે. એની પર કશી ધૂળ પણ ન ચઢે. કશી અંગતતા પણ નહીં. દુનિયાના કોઈ પણ છેડે કોઈ પણ જણ, કોઈ પણ સમયે એ વાંચી શકે! બહુ શરૂઆતમાં એમાં લખેલી એક કવિતા આ રહી –
શૂળ થયું તો નસ્તર મૂક્યું,
દિલના આ નાજુક નસ્તરને
કયા દોરથી સાંધું?
વસ્ત્રો ડંખ્યા અસ્તર રાખ્યું,
દિલના આ કાતીલ ડંખને,
શા અસ્તરથી ખાળું?
માસ્તરના ગુણ કદી ન ભુલું,
કોઇ મને માસ્તર કહેતું તો,
શાને માટે લાજું?
‘વિસ્તર’ કહેતાં જગ તો ફાલ્યું,
કૃપણ દિલના આ સીમાડાને,
શી રીતે વિસ્તારું?
બીસ્તર બાંધી જગ તો જોયું,
બીસ્તર પરથી ઊઠી ગયા તો,
ક્યાં મુજ પગલી પાડું?
જાતજાતના અનુભવો, વિચારમંથનો, કલ્પનાને છૂટો દોર આપતાં સર્જનો.
નિરાંતના સમયનો ચિક્કાર શરાબ!
એટલું જ નહીં – ડાયરી લખવાની ટેવ ખુદ પરિવર્તન પામી છે. રોજના જીવનની નવી ટેવોએ આ ખોળિયામાં આમૂલ પરિવર્તન આણ્યું છે. એની વાત અહીં પ્રસ્તુત નથી.
પણ હવે કેલેન્ડરમાં રોજનો ટપકાવ શબ્દોને અતિક્રમીને રોમેરોમમાં વ્યાપી ગયો છે.
જીવન જીવવાનો એ ઉલ્લાસ શબ્દાતિત છે!
e.mail : surpad2017@gmail.com
![]()

