ગુરુદ્વારાના વિશાળ મેદાનમાં આશરે અઢી હજાર કેસરી પાઘડીઓનો માનવ મહેરામણ ઉભરાતો હતો. અલગ ખાલિસ્તાનનો ભડકો ઓપરેશન “બ્લ્યુ સ્ટાર” પછી ભારતમાં ભલે શમી ગયો હતો, પણ એ વિદેશોમાં સંપૂર્ણપણે ઠર્યો ન હતો. કેનેડાની સરકાર સીધી આડકતરી રીતે ખાલિસ્તાન ત્રાસવાદીઓને ખાનગી બળ પૂરું પાડતી હોવાનો અણસારો પ્રજા સમજતી હતી.
આજે અમેરિકાના એક ટાઉનમાં આવેલા ગુરુદ્વારાના પ્રાંગણમાં મોટી સભા હતી. કેનેડાથી અને ઇંગ્લેન્ડથી કેટલાંક વક્તાઓ અને સમર્થકો આવ્યાં હતાં. ઉશ્કેરાટ ભર્યાં ભાષણો અને નારાબાજીનો માહોલ હતો. ખાલિસ્તાન ઝિન્દાબાદ. ના હિન્દી, ના હિન્દુ, ના હિન્દુસ્તાન, લૈકે રહેંગે ખાલિસ્તાન. મંચ પર ઓપરેશન બ્લુસ્ટારમાં શહીદ સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેનો બિલબોર્ડ સાઈઝનો મોટો ફોટો હતો. ખાલિસ્તાન લિબરેશન ફોર્સના નાના મોટા ત્રાસવાદી ગણાય એવા નેતાની પણ હાજરી દેખાતી હતી.
મંચના એક ખૂણા પર ડો. પ્રેમલજીતસિંઘ અદબ વાળીને ઊભા હતા. પહેલીજ વાર એઓ ખાલિસ્તાન ચળવળની આવી સભામાં આવ્યા હતા. એમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ જેમ જેમ વક્તાઓના ઉશ્કેરાટભર્યાં ભાષણો સાંભળતા ગયા, તેમ તેમ એમનું લોહી ગરમ થવા માંડ્યું. માનસિક રીતે તો ખાલિસ્તાન લિબરેશન ફોર્સમાં ભરતી થઈ જ ગયા.
ખાલિસ્તાન રૅલી પત્યા પછી, ગુરુદ્વારામાં ખાસ મિટિંગ યોજાઈ હતી.
‘આપણું ફંડ યુ.કે., કેનેડા, મલયેશિયા અને સ્પેનથી આવે છે. અમેરિકાના શીખનો ફાળો નહિવત અને શરમજનક છે. ડોક્ટર પ્રેમલજીતસિંઘ અમે તમારી પાસે દર મહિને એક લાખ ડોલરની આશા રાખીએ છીએ.’
એક નેતાએ સીધી માંગણી કરી.
‘એક લાખ, દર મહિને? એટલી તો મારી પ્રેક્ટિશ પણ નથી.’
‘પાજી, નહિ હોય તો કરવા માંડો. તમારે માટે, ખાલિસ્તાન માટે. ફોર્સના કેટલાયે જવાન શહીદ થાય છે. તમારે તમારી જાતની નહિ પણ તમારી દોલતની શહીદી કરવાની છે.’ ડોક્ટર પ્રેમલજીતસિંઘ પર દબાણ વધતું હતું.
ડોક્ટર પ્રેમલજીતસિંઘ અને એની બ્યુટિફુલ પત્ની ડો. સૌમ્યા કૌર અમેરિકાના એક ટાઉનમાં પોતાનું પૅઇન ક્લિનિક ચલાવતાં હતાં. વાર્ષિક ચાર લાખ કમાતા હતા. અને ખાલિસ્તાન બોસ મહિને એક લાખ માંગતા હતા. પહેલા છ સાત મહિના તો પોતાની બચતમાંથી એઓ ફાળો આપતા ગયા. એમના દિલ દિમાગ પર ખાલિસ્તાન ભક્તિ છવાઈ ગઈ હતી. આવક વધારવી જ પડશે. એનેસ્થેસિઓલોજીસ્ટ તરીકે એમની નામના સારી હતી. સ્વભાવ પણ માયાળુ હતો. પ્રેકટિશ સારી હતી છતાં પેશન્ટની સંખ્યાની મર્યાદામાં ખાસ વધારો ન હતો.
ડો. સૌમ્યા કૌરને આવક વધારવાનો એક માર્ગ દેખાયો. ધીમે ધીમે એમની આવક વધવા માંડી અને મોકળા મને ખાલિસ્તાન માટે ફાળો નોંધાતો રહ્યો. વહેતા સમય સાથે ડોક્ટર દંપતી ખાલિસ્તાનના જાણીતા સમર્થક બની ગયા. ભારત સરકારે વિદેશમાં સ્થાયી થયેલાં ત્રણસો જેટલા ત્રાસવાદને પોષતા શીખોને બ્લેક લિસ્ટમાં મૂકી દીધા એમાં ડોક્ટર પ્રેમલજીતસિંઘનું નામ આગળ પડતું હતું. બ્લેકલિસ્ટમાં મુકાયલાઓને માટે ભારતમાં પ્રવેશવાની બંધી હતી.
***
આજે ડોક્ટરના વૈભવી મકાનમાં પચાસ જેટલા શીખ ક્રાન્તિકારી આગેવાનો ભેગા થયા હતા. ભારતની પ્રવેશબંધી કઈ રીતે હટાવી શકાય તેની ચર્ચા થવાની હતી. પ્રેમલજીત સારા ગાયક હતા. એમની કેટલીક સી.ડી. પ્રસિદ્ધ થઈ હતી. સૌએ ઊભા થઈને ખાલિસ્તાન માટે બનાવાયલું રાષ્ટ્રગીત ગાયું. આનંદમિશ્રીત ઉશ્કેરાટ હતો. પ્રેમલજી આવેલા મહેમાનોને આવકાર પ્રવચન આપવા ઊભા થયા અને ડોરબેલ વાગ્યો.
બારણું ઉઘડ્યું. સામે પાંચ વ્યક્તિ ઊભી હતી. બે એફ.બી.આઈ. ઓફિસર, બે લોકલ પોલીસ ઓફિસર અને એક ડિસ્ટ્રિક એટર્ની ઓફિસની લોયર.
ડોક્ટર પ્રેમલજીતસિંઘ અને ડોક્ટર સૌમ્યા કૌર, યુ આર અંડર એરેસ્ટ ફોર ફ્રોડ અગેન્સ્ટ યુ.એસ. ગવર્ન્મેન્ટ. યુ હેવ રાઈટ્સ ટુ રિમેઇન સાઈલન્ટ. જે કંઈ પણ કહેશો તેનો કોર્ટમાં તમારી વિરુદ્ધ ઉપયોગ થશે. તમને એટર્ની રાખવાનો હક છે. અને જો તમને ના પોસાય તો કોર્ટ તમારા બચાવ માટે એટર્ની નિયુક્ત કરશે.
એફ.બી.આઈ. ઓફિસરે પ્રોટોકોલ મુજબ ડોક્ટર દંપતીને મિરેન્ડા રાઈટ્સ જણાવી દીધા. ડોક્ટરની આજુબાજુ શીખ સરદારોનું કવચ થઈ ગયું. ‘ડોક્ટર કો એરેસ્ટ નહિ હોને દેંગે. ફ્રીડમ ઓફ સ્પીચ. ઈટ ઈઝ અવર રાઈટસ.’ સરદારજીઓ સમજ્યા વગર બરાડા પાડતા રહ્યા. સૌમ્યા કૌરે પોલિસ ઓફિસરને ધક્કો માર્યો.
ક્ષણનો વિલંબ કર્યા વગર હાથકડી પહેરાવાઈ ગઈ અને તેમને લઈને પોલિસકાર ઉપડી ગઈ. બારણા આગળ બની ગયેલો બનાવ હાજર રહેલા ઘણાં સરદારજીઓ સમજી શક્યા નહિ. અધૂરી સમજમાં માની લીધું કે અમેરિકન સરકારે ખાલિસ્તાન માટેની પ્રવૃત્તિ દબાવી દેવા પ્રસિદ્ધ ડોક્ટરની ઘરપકડ કરી છે. ઘરમાં “ખાલિસ્તાન ઝિન્દાબાદ, મારેંગે, મરેંગે લેકિન ખાલિસ્તાન લેકે રહેંગે” નારાઓ ચાલ્યા પણ આ નારા સંભળવા માટે ન તો ડોક્ટર હાજર હતા કે નતો અમેરિકન ઓફિસર.
***
આજે કોર્ટરૂમ કેસરી પાઘડીઓથી ભરેલો હતો. ડોક્ટર દંપતી એમના એટર્ની સાથે બેઠા હતાં.
કોર્ટની કાર્યવાહી શરૂ થઈ.
‘ડિફેન્ડન્ટ, પ્લીઝ આઈડેન્ટીફાય યોર્સેલ્ફ વિથ યોર નેઇમ વિથ એક્ઝેટ સ્પેલિંગ.’ જજે પૂછ્યું.
બન્ને જણાંએ પોતાના નામ સરનામાં જણાવ્યાં.
એમની સામે ચાર્જ શીટ રજૂ થઈ.
‘અમેરિકન ફેડરલ હેલ્થ બેનિફિટ પ્રોગ્રામ, મેડિકેર અને મેડિકેઇડ ને ખોટાં બીલ મોકલીને સરકાર સાથે તમે છેતરપીંડી કરી છે.’
ડોક્ટરોએ કહ્યું, ‘નોટ ગિલ્ટી’.
આ કંઇ ખાલિસ્તાન અંગેનો કોઈ કેઇસ ન હતો. માત્ર એક બે પાઘડી સિવાય ધીમે ધીમે કેસરી ફેંટા અદૃષ્ય થઈ ગયા. દિવસો વિતતા ગયા. મુકદ્દમો ચાલતો રહ્યો.
‘ડોક્ટર, તમારા એજ્યુકેશનની માહિતી આપશો?’ ગવર્નમેન્ટ પ્રોસિક્યુટરે સવાલો શરૂ કર્યા.
‘હું ગવર્ન્મેન્ટ મેડિકલ સ્કૂલ ઓફ અમ્રિતસર, ઇન્ડિયાનો મેડિકલ ગ્રેજ્યુએટ છું અને મેં યુનિવર્સિટી ઓફ ટેક્ષાસ, સાન એન્ટોનિઓમાં એનેસ્થેસિયોલોજી અને પૅઇન મેનેજમેન્ટમાં રેસીડન્સી કરી છે. હું બોર્ડ સર્ટિફાઈડ ડોક્ટર છું’.
‘પ્રોફેશનલ પ્રેક્ટિશની વિગત આપશો.’
‘મેં મારું પોતાનું પૅઇન મેનેજ્મેન્ટ સેન્ટર સ્થાપ્યું છે. હું તેનો ઓનર અને ડાયરેકટર છું. મેં ટેક્ષાસ યુનિવર્સિટીમાં એનેસ્થેસિયોલોજી ઉપરાંત એની સાથે સંકળાયેલી બીજી શાખાઓ જેવી કે ફિઝિકલ મેડિસીન, રિહેબિલિયેશન, સાઈકિયાટ્રિક, સાઈકોલોજી, ન્યુરોલોજી અને ઓર્થોપેડિક સર્જરીનો પણ અભ્યાસ કર્યો છે. અને એની જ પ્રેકટિશ મારા ક્લિનિકમાં કરી પેશન્ટની સેવા કરું છું.’ ડોક્ટરે સ્વસ્થતાથી પોતાની એકાડેમિક અને પ્રોફેશનલ સિદ્ધિ ગૌરવપૂર્વક જણાવી.
‘ડોક્ટર, રિયલી વેરી ઈમ્પ્રેસીવ.’
‘મેડમ ડોકટર સૌમ્યા કૌર, આપ આપના બેકગ્રાઉન્ડ વિશે જણાવશો.’ પ્રાથમિક સવાલો પછી ડો. સૌમ્યા કૌરને પણ એવા જ સવાલો પૂછવામાં આવ્યા.
‘હું ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ઓફ પતિયાલા, ઇન્ડિયાની મેડિકલ ગ્રેજ્યુએટ છું. મેં અહીં અમેરિકામાં ટેક્ષાસ યુનિવર્સિટીમાં અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મૉન્ટેફિઓરે મેડિકલ સેન્ટરમાં સાઈકિયાટ્રિકમાં રેસિડન્સી કરી છે. ડિપ્રેસિવ ડિસઓર્ડર, ડિપ્રેશન, સ્લીપ ડિસઓર્ડર, એટેન્શન ડેફિસિટ, હાઈપર એક્ટિવિટી, બાઈપોલાર ડિસઓર્ડર, ઈન્સોમ્નિયા, પૅઇન મેનેજમેન્ટમાં મારી એક્ષપર્ટિઝ છે. હું પણ બોર્ડ સર્ટિફાઈડ ફિઝિશિયન છું. હું મારા પતિ સાથે પ્રેક્ટિશ કરું છું.’
‘વાહ ડોક્ટર. આઈ એમ ઈમ્પ્રેશ્ડ. જો હું તમારા ટાઉનમાં હોત તો મારા બેકપૅઇન માટે તમારી પાસે જ આવ્યો હોત.’ પ્રોસિક્યુટરે જરા હળવા ટૉનમાં કહ્યું.
ડિફેન્સ એટર્નીએ ચાર પાંચ પેશન્ટને ડોક્ટર દંપતીના પ્રોફેશનલ રિવ્યુ રજૂ કર્યા. દરેકના અભિપ્રાય પ્રમાણે બન્ને ડોક્ટર તેમના પ્રોફેશનમાં નિષ્ણાત છે. ખૂબ જ ધ્યાનથી પેશન્ટના પૅઇનની વાતો સાંભળે છે, કાળજીપૂર્વક દરેક પેશન્ટનની સારવાર કરે છે. મૃદુભાષી છે. દરેક પેશન્ટને પૂરતો સમય આપે છે. એમનો રિવ્યુ સ્ટાર પાંચમાંથી પાંચ છે. ડોક્ટર અમારી કોમ્યુનિટીનું ગૌરવ છે.
બન્નેની મેડિકલ પ્રેક્ટિશ અંગે કોઈપણ પેશન્ટને કોઈ ફરિયાદ ન હતી.
‘મેડમ ડોક્ટર, આપના એકાઉન્ટ અને બિલિંગ કોણ સંભાળે છે?’ પ્રોસિક્યુટરના સવાલો ચાલુ રહ્યા.
‘બિલિંગ સેક્રેટરી અને એકાઉન્ટન્ટ આ બધું સંભાળે છે. બિલિંગ ચાર્જ, ટ્રિટમેન્ટ કોડિંગ પ્રમાણે થાય છે. પેશન્ટના કો-પેમેન્ટ વિઝિટ સમયે જ વસૂલ થાય છે અને બાકીનો ચાર્જ ઈન્સ્યુરન્સ કંપની કે મેડિકેર અગર મેડિકેઇડની પાસે વસૂલ થાય છે.’
‘ખરેખર આ બધી માથાકૂટ વાળી સિસ્ટિમ છે ખરું ને?’
‘ડોક્ટર પ્રેમલજીતસિંઘ, કમ્મર, ઘૂંટણ, ખભા કે બોચીમાં અસહ્ય દુખાવો રહેતો હોય તો એને માટેની ટ્રિટમેન્ટ શું હોય છે?’
‘જો ઓરલ મેડિસિન કામ ન કરે તો બ્રેઈનને પૅઇન સિગ્નલ પહોંચાડતી નર્વને નમ કરી નાંખવામાં આવે. આ પ્રોસિજરને “નર્વ બ્લોકિંગ” કહેવાય. આ જ નર્વ બ્લોકિંગ સર્જરી દરમ્યાન પણ કરવામાં આવે છે. આમ તો એ તદ્દન સરળ પ્રોસિજર છે. બસ દુખતી નર્વમાં ઇન્જક્શન દ્વારા મેડિસિન આપવામાં આવે છે. આમાં મારી એક્ષ્પર્ટીઝ છે. નર્વ બ્લોક કર્યા પછી પેશન્ટને પૅઇન થયું નથી.’
‘હું માનું છું કે પૅઇન તો થતું હશે પણ મગજ પર એની અનુભૂતિ ન થતી હોય.’
‘હા એમ પણ કહી શકો.’
‘હાશ! મારે પણ કદાચ મારી લોઅર બેકપૅઇન માટે નર્વ બ્લોકિંગ જ કરાવવું પડશે. પણ મને નિડલની બીક લાગે છે. બીજું કે જો ડોક્ટર જો નર્વ ચૂકી જાય તો શું? પેઈન વધી જ જાયને એટલે હિમ્મત થતી નથી. મારી તો વૅઇન પણ ઘણી પાતળી અને નાજુક છે. બ્લડ સેમ્પલ કે આઈ.વી. મુકવાની હોય તો નર્સને વૅઇન શોધવાની પણ ઘણી તકલીફ રહે છે. તમને આવી વૅઇન શોધવાની મુશ્કેલી નડે છે ખરી?’
‘ના મને એવી મુશ્કેલી નથી નડતી. મને વર્ષોનો અનુભવ છે. હું સહેલાઈથી નર્વ બ્લોકિંગ પ્રોસિજર માટેની ખરી નર્વ પકડી શકું છું.’
‘તમને તો સારો અનુભવ છે; પણ જેમને અનુભવ ન હોય અને તેમને નર્વ શોધવાની તકલીફ હોય તો તેઓ શું કરે?
‘એ કાંઈ મોટી વાત નથી. એને માટે ઈમેજીન ગાઈડન્સ મશીન આવે છે. એના ઉપયોગથી ડોક્ટર સહેલાઈથી નર્વ શોધી કાઢે છે અને એ મશીન આપોઆપ નિડલને ગાઈડ કરે છે.’
‘ડોક્ટર ,તમે ઈમેજીન ગાઈડન્સનો ઉપયોગ કરો છો ખરા?’
‘હેં, વ્હોટ? યસ નો નો, યસ.’
‘યસ ઓર નો?’ પ્રોસિક્યુટરે મુક્કો પછાડીને પૂછ્યું.
‘આ મારી પાસે એક મેડિકેર ઈન્સ્યુરન્સને મોકલેલું બીલ છે એમાં તમે ઈમેજીન ગાઈડન્સ મશીન ટેકનિકનો ચાર્જ કર્યો છે. તમે આ પ્રોસિજરમાં મશીનનો ઉપયોગ કર્યો હતો કે નહિ. ડીડ યુ યુઝ ઈમેજીન ગાઈડન્સ મશીન ફોર ધ પ્રોસિજર ઓન ધીસ પેશન્ટ? યસ ઓર નો? પ્રોસિક્યુટરે મોટો બરાડો પાડ્યો.
‘નો નો……યસ યસ, યસ આઈ યુઝ ધ મશીન.’
‘રોંગ, ડોક્ટર, રોંગ. યુ આર લાયર. યુ નેવર એવર યુઝ્ડ ઈમેજીન ગાઈડન્સ મશીન ફોર ધ પ્રોસિજર. યુ નેવર યુઝ્ડ મશીન, બિકોઝ યુ નેવર હેડ ધેટ મશીન ઈન યોર ક્લિનિક. મશીન વગરની પ્રોસિજરનો ચાર્જ ઓછો હોય છે. મશીન સાથેની પ્રોસિજરનો ચાર્જ વધારે થાય અને તમે અને તમારી પત્નીએ ઈરાદાપૂર્વક ખોટા કોડિંગથી વધારે પેમેન્ટ મેળવીને ઈન્સ્યુરન્સ કંપનીઓને અને મેડિકેર મેડિકેઈડને છેતરી છે. યુ આર થીફ. યુ આર ચિટર. આ એક બે હજાર ડોલરનો કેસ નથી. યુ સ્ટોલ મિલિયન્સ ઓફ ડોલર ફ્રોમ ધ ગવર્નમેન્ટ એન્ડ ઈન્સ્યુરન્સ કંપની. યુ એબ્યુઝ ધ હેલ્થકેર સિસ્ટિમ. ધીસ ઈઝ ધ કોમ્પ્યુટર રેકોર્ડ ઓફ ધ બીલીંગ.’ બિલિંગ રેકોર્ડ્સની પ્રિન્ટ્સનો મોટો ઢગલો જજના ડેસ્ક પર ખડકાઈ ગયો.
ડોક્ટર ત્યાં જ ફસડાઈ પડ્યા. સૌમ્યા કૌર બેભાન થઈ ગયાં.
કેસ આગળ વધતો ગયો. બસ, પછી તો એક પછી એક ચિટિંગ અને ફ્રોડના આરોપો મુકાતા ગયા અને પુરવાર થતા ગયા.
છેવટે ચુકાદાનો સમય આવી ગયો………….ચૂકાદો અપાઈ ગયો.
અને ન્યુઝ મિડિયા પર સમાચાર વહેતા થયા.
“…… આજ રોજ યુનાઈટેડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ભારતીય મૂળના ૬૦ વર્ષના ડોક્ટર પ્રેમલજીતસિંહ અને એની ૫૭ વર્ષની પત્ની ડોક્ટર સૌમ્યા કૌરને ૧૧૧ મહિનાની જેલની સજા ફરમાવવામાં આવી છે. સજાને અંતે છેતરપિંડી માટે ત્રણ વર્ષ સુપરવિઝન હેઠળ રહેવું પડશે. હેલ્થકેર અંગે ખોટા સ્ટેટમેન્ટ માટે બે કાઉન્ટ, એક કાઉન્ટ ઓબસ્ટ્રેકશન ઓફ જસ્ટિસ, ચાર કાઉન્ટ વાયર ફ્રોડ અને એક કાઉન્ટ આઈડેન્ટિટી થેફ્ટ હેઠળ આ સજા ફરમાવાઈ હતી. આ ઉપરાંત ડોક્ટરે $૩,૧૦૩,૮૭૪ (૩૧ લાખ ડોલર) સરકારને પાછા ભરપાઈ રહેશે. એઓ બન્ને પેઇન ક્લિનિક ચલાવતાં હતાં. બન્ને ડોક્ટર ખાલિસ્તાન ચળવળના સમર્થક હતાં. એઓ ન તો માતૃભૂમિને વફાદાર રહ્યા કે ન તો કર્મભૂમિને.”
***
નોંધઃ સજાની શરૂઆત થાય તે પહેલાં ડોક્ટર પત્નીનું અવસાન થયું હતું. અને એની સામેનો કેસ બંધ કરાયો હતો.
(સત્ય ઘટના પર આધારિત નવા નામકરણ સહિતની, રૂપાંતરિત વાર્તા)
પ્રગટ : “ગુજરાત દર્પણ”; એપ્રિલ ૨૦૧૯
સૌજન્ય : પ્રવીણભાઈ શાસ્ત્રીની ફેઇસબૂક દીવાલેથી સાદર