જે પિતાનો વારસો એકનો સવા કરી જાણે, તેણે વારસો દીપાવ્યો ગણાય. ગાંધીજીનું જીવન એટલું બધું વૈવિધ્યપૂર્ણ હતું કે એમના સમગ્ર વારસાને સવાયો કરીને દીપાવનાર ભવિષ્યમાં ક્યારેક આવશે એમ કહેવું પડે. પરંતુ વિચાર અને આચરણના ક્ષેત્રમાં કેટલેક અંશે પોતાની રીતે, શોભાવનારા ગણ્યાગાંઠ્યા લોકોમાં વિનોબા પ્રથમ પંક્તિના હતા.
ગાંધીજીના જીવનમાં અસંખ્ય લોકો એવા આવ્યા છે, જે તેમનાથી પ્રભાવિત થયા હતા. થોડાક એવા પણ આવ્યા છે, જેનાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. આમ પરસ્પર પ્રભાવ પાડનાર લોકોમાં વિનોબા અનન્ય હતા.
વિનોબાની ગાંધીજીને પકડવાની રીત આગવી હતી. ‘નવજીવન’ કે ‘હરિજન’માં લખેલું ગાંધીજીનું લખાણ વિનોબા અક્ષરે અક્ષર વાંચતા. ગાંધીજીના કેટલાક લેખો પ્રશ્નોત્તર શૈલીમાં લખાતા. આવા લેખોને વિનોબા પોતાના મનોયત્નનું સાધન બનાવતા. પહેલાં માત્ર પ્રશ્નો વાંચી લે. ઉત્તર તરફ નજર ન કરે. પછી એ પ્રશ્નોના જવાબ પોતાના મનમાં વિચારે. પછી ગાંધીજીના જવાબો જોડે પોતાના ઉત્તરને મેળવી જુએ. ચિત્તશુદ્ધિ, રચનાત્મક કાર્યો, સત્યાગ્રહ આ ત્રણે બાબતોમાં ગાંધીજીને સમજવાની આ રીત વિનોબાને ઉપયોગી થઈ પડતી. વિનોબાએ, ગાંધીજીના સત્ય-અહિંસા આ દ્વિશબ્દી મંત્રની જગ્યાએ સત્ય-પ્રેમ-કરુણાનું ત્રિશબ્દી સૂત્ર આગળ ધર્યું. તે અહિંસાને વિધેયાત્મક સ્વરૂપમાં પ્રગટ કરવા સારુ. કરુણામાં દયા સાથે કૃતિનો ભાવ પણ આવે છે. બીજાના સુખથી સુખી થવામાં પ્રેમ છે અને બીજાના દુ:ખથી દુ:ખી થવામાં કરુણા છે.
૧૯૨૩માં ઝંડા સત્યાગ્રહ વખતે વિનોબા પહેલી વાર જેલમાં ગયા. ‘ભારત છોડો’ આંદોલન વખતે છેલ્લી વાર જેલમાં ગયા. વચમાં ચાર વાર તેમણે જેલ ભોગવેલી. એમ કુલ સાડા પાંચ વર્ષ જેલમાં ગાળેલાં. ગાંધીજીની કલ્પના મુજબનું સત્યાગ્રહી કેદી તરીકેનું જીવન વિનોબાને પ્રકૃતિ-સિદ્ધ હતું. રાજાજીએ લખેલું, “જુઓ પેલો વિનોબા ! દેવદૂત જેવો એમનો પવિત્ર આત્મા. વિદ્વત્તા, તત્ત્વજ્ઞાન અને ધર્મનાં ઊંચાં શિખરો પર વિહરે છે. અને છતાં એ મહાન આત્માએ ધારણ કરેલી વિનમ્રતા એટલી આબાદ છે અને દિલની સચ્ચાઈ એટલી તો સહજ છે કે અમલદાર એમને જાણતો ન હોય તેને તો એમની મહાનતાની ગંધ સરખીયે ન આવે ! જેલરે એમને જે વર્ગમાં મૂક્યા છે, તે વર્ગની ઠરાવેલી મજૂરી મુજબના પથરા તેઓ બરાબર ફોડે છે. કોઈને ખબર પણ નથી પડતી કે એ માણસ મૂંગે મોંએ કેટકેટલી શારીરિક યંત્રણા સહન કરી રહ્યો છે ! એમના પ્રત્યે જે વર્તણૂક થઈ રહી છે, તે સાંભળી અમને તો કમકમાટી છૂટી ગઈ ….”
રચનાત્મક ક્ષેત્રે તત્ત્વનિષ્ઠાના ઉદાહરણ તરીકે તકલી પર કાંતતા. જેટલી મજૂરી મળે તેનાથી જીવનયાપન કરવાનું વિનોબાએ નક્કી કરેલું. ઋષિખેતી અને કાંચનમુક્તિનો પ્રયોગ પણ કર્યો હતો. વિનોબાનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હતું. એમનામાં ઘણી મૌલિકતા હતી. સહેજે કોઈથી પ્રભાવિત થાય એવા નહોતા. ગાંધીજી પાસેથી વિનોબાને વ્યક્તિગત મોક્ષસાધના અને સામાજિક ક્રાંતિનો સમન્વય મળ્યો. સંતોના ઉપદેશ અને જમાનાની માગ, ગાંધીજીમાં વિનોબાએ એક થતાં જોયાં.
સત્યાગ્રહને વિનોબાજીએ માત્ર સંઘર્ષના એક સાધન તરીકે નહીં, પણ જીવનનિષ્ઠા તરીકે પરિભાષિત કર્યું. સત્યાગ્રહની દિશા તીવ્રથી તીવ્રતર ને તીવ્રતમ તરફની નહીં, પણ સૌમ્યથી સૌમ્યતર અને સૌમ્યતમ તરફની હોવી જોઈએ. એટલે કે સામા પક્ષ પર ઉત્તરોત્તર વધુ દબાણ લાવવું એ સત્યાગ્રહની રીત નથી. વિનોબાએ પ્રતિરોધી પ્રેમ એવો શબ્દ આપેલો. એ જ રીતે નિર્ભયતાનો અર્થ એમણે કરેલો કે આપણે કોઈથી ન ડરીએ અને કોઈને ડરાવીએ નહીં – બંને મળીને નિર્ભયતા બને છે. પોતાની જાતને દેહથી ભિન્ન જોવામાં જ નિર્ભયતા છે.
વિનોબા સ્વરાજોત્તર કાળના ગાંધીવિચારની કડી સમાન હતા. ગાંધીની વિચારયાત્રાને વિનોબાએ પોતાની મૌલિક રીતે આગળ ચલાવી. ગાંધીજીના જવાથી ખાસ કરીને દેશના રચનાત્મક કાર્યકરોમાં આવેલો શૂન્યાવકાશ તેમણે ભર્યો. દેશની આગળ આર્થિક, સામાજિક, નૈતિક ક્રાંતિનાં વિચારબીજ ગાંધીજીએ ‘લોક સેવા સંઘ’ની યોજના દ્વારા મૂકેલાં. વિનોબાજીએ ‘સામ્યયોગ’ એવો શબ્દ યોજીને રાજનીતિને બદલે લોકનીતિ ઊભી કરવાનું સૂચન કર્યું. ભૂદાન-ગ્રામદાન-ગ્રામ સ્વરાજ આંદોલન ચરિતાર્થ કરવાના કાર્યક્રમો પણ આપ્યા.
વિનોબા આધ્યાત્મિક રીતે એટલી ઊંચાઈએ પહોંચેલા કે તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકરભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગદર્શન, તે ઉપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિકસૂત્ર, યાજ્ઞવલ્કયસ્મૃતિ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરેલો. ધૂળિયા જેલમાં હતા ત્યારે જ ‘ગીતાઈ’ની પ્રથમ આવૃત્તિ છપાઈ. આજે તેની અનેક આવૃત્તિઓ થઈ છે. ધૂળિયાની જેલ પહેલાં એ અનુવાદ થઈ ગયો હતો. જેલમાં એને છેલ્લો ઘાટ અપાયો. માતૃસ્મરણમાં એને ‘ગીતાઈ’ નામ આપ્યું. ગાંધીજીના ચૌદ વરસના સહવાસમાં પણ એકાંતપ્રિય રહેલા વિનોબા સર્વલભ્ય ઉપાસના કરતા થઈ ગયા હતા.
‘ગીતાઈ’ જો મહારાષ્ટ્ર સારુ હતી તો ‘ગીતા પ્રવચનો’ આખા દેશને સારુ અને અમુક અંશે આખા જગત માટે હતાં. જે આજે ભારતની બધી મુખ્ય ભાષાઓ ઉપરાંત વિશ્વની પણ અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂક્યાં છે. આ બે ગ્રંથો દ્વારા વિનોબાએ ભારતીય સંસ્કૃતિના પોતાના છોડ પર ગાંધીની કલમ ચડાવી હતી અને ગાંધીજીની હયાતીમાં જ એમનો વારસો શોભાવ્યો હતો.
તકલી દ્વારા સ્વાવલંબનના પ્રયોગમાં વિનોબા એવા ગૂંથાઈ ગયા કે શરીર સાચવવાનું પણ ભાન ન રહ્યું. વિનોબાનું વજન ૨૦-૨૫ રતલ જેટલું ઘટી ગયું. વિનોબાજીનું કૃશ શરીર જોઈને મિત્રોએ ગાંધીજી આગળ રાવ ખાધી. ગાંધીજીએ પ્રેમાધિકાર ચલાવ્યો. એ પ્રયોગ બંધ કરાવ્યો. શરીર સુધારવા હવાફેર કરવા સૂચવ્યું. વિનોબાએ આજ્ઞા માથે ચડાવી પણ હવાફેર પોતાની રીતે કર્યો. હવાફેર કરવા તેઓ પંચમઢી-દેવલાલી કે માથેરાન ન ગયા. પોતે જ્યાં હતા ત્યાંથી ૫-૬ કિલોમીટર દૂર ધામ નદીને પેલે પાર જમનાલાલજીનો એક બંગલો હતો ત્યાં જવાનું ઠરાવ્યું. ગાંધીજી જાણતા હતા કે વિનોબા આનાથી વધુ મચક આપે એમ નથી. એટલે એ વિચાર મંજૂર રાખ્યો. પણ શરત કરી કે ત્યાં જઈને આરામ લેવાનો છે. આરામ એટલે સંપૂર્ણ આરામ. કંઈ કામ કરવાનું નહીં. અને ચિંતન પણ નહીં કરવાનું. વિનોબાએ એ શરત મંજૂર રાખી અને પોતાની દૃષ્ટિએ અર્થ કર્યો. ધામ નદી ઓળંગતી વખતે મનમાં તેમણે ત્રણ વાર ઉચ્ચારણ કર્યું : સંન્યસ્તં મયા, સંન્યસ્તં મયા, સંન્યસ્તં મયા. અને જીવવા પૂરતી ખાવાપીવા, નહાવાધોવા જેવી પ્રવૃત્તિઓ સિવાય બીજી બધી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી અને વિચારો વિશે પણ શૂન્યતા સાધી.
શૂન્ય મહલમેં દિયના બારિલે
આસન સે મત ડોલ રે – તોહે પીવ મિલેંગે.
એ દિવસોનું વર્ણન કરતાં એક વાર વિનોબાએ આ લેખકને (નારાયણભાઈને) કહેલું : ‘સ્થિતિ એવી હતી કે હું કશાય વિશે સભાન નહોતો. ક્યાંક બેસવું હોય તો પહેલાં જગા ઉપર હાથનો પંજો પછાડી જોઈ લેવું પડે કે ક્યાં છું !’ કામનો ભાર નહીં. દૂધનું પ્રમાણ વધારેલું. ૧૦ માસમાં વજન વધીને ૧૨૮ રતલ સુધી પહોંચી ગયું !
આવા હૃદયસ્થ વિનોબાએ ગાંધીજીમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સમન્વય જોયેલો. આવી વિચક્ષણ પ્રતિભાને તેમની પુણ્યતિથિએ શત શત નમન.
(‘મારું જીવન એ જ મારી વાણી’ ખંડ-૩ના આધારે.)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 નવેમ્બર 2024; પૃ. 07 તેમ જ 11