પહેલા માણસ જીવવા માટે કામ કરતો હતો, આજનો માણસ કામ કરવા માટે જીવે છે. કામ આપણને આખા આખા ગળી જાય છે. જીવલેણ મહત્ત્વાકાંક્ષા, ગળાકાપ હરીફાઈ, હંફાવી દે તેવી ઉંદરદોડ, ડરાવી તેવી અસુરક્ષા, ત્રાસ આપે તેવું ઓફિસ–પોલિટિક્સ, ક્ષમતા કરતાં વધુ ભારણ – કશું સરળ નથી – યસ, ઈટ ઈઝ ટાઈમ ટુ પ્રાયોરિટાઈઝ મેન્ટલ હેલ્થ એટ વર્કપ્લેસ …
છેલ્લાં થોડાં વર્ષોમાં માનસિક સ્વાસ્થ્ય વિષે જાગૃતિ વધી છે. તેમાં પણ કોવિડને કારણે આખા વિશ્વના લોકો માનસિક તાણ-ત્રાસનો ભોગ બન્યા અને એની અસરો આત્મહત્યા, ઘરેલુ હિંસા કે ડિપ્રેશન રૂપે વ્યાપક બની ત્યાર પછી લોકો માનસિક સ્વાસ્થ્યને વધારે ગંભીરતાથી લેવા લાગ્યા છે. આમ છતાં માનસિક સ્વાસ્થ્ય હજી પણ આપણા માટે પડકાર છે કારણ કે તેના વિષે આપણામાં જાગૃતિ ઓછી છે. આપણને શરદી કે તાવ આવે, કેન્સર પણ થઈ જાય તો આપણે એણે છુપાવતા નથી, સલાહ લઈએ છીએ, સારવાર કરાવીએ છીએ જ્યારે ડિપ્રેશન કે એંકઝાયટી કે સ્ટ્રેસ જેવી તકલીફો પર દુર્લક્ષ કરીએ છીએ. તકલીફ વધી જાય તો જાણે કોઈ નિષિદ્ધ, વર્જિત, શાપિત, કલંકરૂપ સ્થિતિ હોય એમ કોચલામાં પુરાઈ જઈએ છીએ અને સારવાર કરવાનું જેમ બને તેમ ટાળીએ છીએ.
એક જ પરિવારમાં માનસિક સમસ્યાના બે સાચા કિસ્સા બન્યા છે તે અત્યારે નોંધવાનું મન થાય છે. સુરેશભાઈને સ્ક્રિઝોફેનિયા હતો. પરણ્યા, સંતાનો કર્યાં પણ ન સંબંધોના ઊંડાણને સમજી શક્યા, ન કોઈ જાતની જવાબદારી લઈ શક્યા. ઘરના લોકોની સમજાવટ, સાથસહકાર આપવાની તૈયારી, છતાં એ ડૉક્ટર પાસે જવા તૈયાર જ ન થયા. બીમારી ઘર કરી ગઈ. કુટુંબ વર્ષો સુધી ખૂબ હેરાન થયું ને ધીરે ધીરે વિખેરાઈ ગયું. આજે 70 વર્ષના સુરેશભાઇ એકલા છે. એમને અવાજો સંભળાય છે, અસંબદ્ધ વાતો કરે છે. અવ્યવસ્થિત, ગંદા, ઘરમાં અંધારું કરીને પુરાઈ રહે છે. આ જ સુરેશભાઈના 32 વર્ષના દીકરાને એંકઝાયટી થઈ. એણે જોયું કે અતાર્કિક, અકારણ વધારે પડતી ચિંતા થાય છે, મન ઊંચું રહે છે અને વિચારો પર કાબૂ રાખી શકાતો નથી ત્યારે તેણે તરત જ એક સકાયાટ્રિસ્ટની મદદ લીધી અને થોડા મહિનામાં નોર્મલ થઈ ગયો. ઘરમાં અને કામની જગ્યાએ તેને સમજદારીભર્યો સાથ મળ્યો એ ખરું, પણ તે સાજો થયો તેનું સૌથી મોટું કારણ એ હતું કે તે પોતાની તકલીફ સમજ્યો, એને સ્વીકારી અને મોડું થવા દીધા વિના, છુપાવ્યા વિના, શબ્દો ચોર્યા વિના કુટુંબને અને પોતાની ટીમને એ તકલીફ જણાવી. હું એવા એકથી વધારે લોકોને ઓળખું છું જેઓ કોરોના દરમ્યાન ડિપ્રેશન કે સ્ટ્રેસનો ભોગ બન્યા હોય અને ઓનલાઈન સેશન્સ લઈ પોતાને સંભાળી લીધા હોય.
એક વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય તો તેની અસર તેના કુટુંબ, તેનો સમાજ અને તેના કામ પર પડે છે. દરેકની એ ફરજ છે કે પોતાના મનને સ્વસ્થ, તંદુરસ્ત રાખવું અને કોઈ માનસિક તકલીફથી પીડાતું હોય તો તેને બુદ્ધિપૂર્વકનો સાથ આપવો. જે જાતની જિંદગી આપણે જીવી રહ્યા છીએ, અને જે જાતની આપણી માનસિકતા છે તે માનસિક સમસ્યાઓને કાયમી આમંત્રણ જેવી છે. તેથી જ મનોચિકિત્સકો ‘લાઈફસ્ટાઈલ ચેન્જ’ અને ‘માઈન્ડસેટ ચેન્જ’ બંને પર ભાર મૂકે છે.
માનસિક સ્વસ્થ વ્યક્તિ પ્રસન્ન હોય છે, જીવનના પડકારોને ઝીલવા સક્ષમ હોય છે અને સમાજને માટે કઇંક સારું કરવા તત્પર હોય છે. દર વર્ષે 10 ઓકટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિન, જે તે વર્ષની વિશ્વસ્તરની પરિસ્થિતિ અનુસાર થીમ સાથે ઉજવાય છે. આ વર્ષની થીમ છે ‘ઈટ ઈઝ ટાઈમ ટુ પ્રાયોરિટાઈઝ મેન્ટલ હેલ્થ એટ વર્કપ્લેસ.’ વર્લ્ડ ફેડરેશન ઑફ મેન્ટલ હેલ્થના સભ્યો, શેરહોલ્ડરો અને સમર્થકોના મતદાનથી થીમ નક્કી થાય છે. આ વર્ષે એમને કામની જગ્યાએ માનસિક સ્વાસ્થ્ય પર ભાર મૂકવાની જરૂર લાગી છે કેમ કે તેનાથી કંપનીઓની ઉત્પાદકતા, હાજરી, એકંદર કાર્યક્ષમતા અને વ્યક્તિના અંગત અને પારિવારિક જીવન પર સીધી અસર થાય છે.
સર્વેક્ષણો મુજબ 47 ટકા લોકોના સ્ટ્રેસનું સૌથી મોટું કારણ વર્કપ્લેસ સ્ટ્રેસ છે. સ્ટ્રેસના બે પ્રકાર છે : ઍક્યુટ અને ક્રોનિક. થોડા સમય માટેનું હોય એને ઍક્યુટ સ્ટ્રેસ કહે છે જ્યારે જે લાંબા સમય સુધી ચાલે એને ક્રોનિક સ્ટ્રેસ કહે છે. મોટા ભાગે એવું જોવા મળે છે કે ઍક્યુટ સ્ટ્રેસ આગળ જતાં ક્રોનિક સ્ટ્રેસમાં પરિણમે છે. વર્કપ્લેસ સ્ટ્રેસનાં કારણોમાં કામનું ભારણ, ડેડલાઈન્સ, અયોગ્ય ટીમ કલ્ચર, નોકરીની અસલામતી, ઓછું વેતન અને કદરનો અભાવ મુખ્ય છે. વધારે પડતી અપેક્ષા રાખવામાં આવતી હોય અને અપેક્ષાઓ એકબીજા સાથે મેળ પડે તેવી ન હોય, કામ કેવી રીતે – ક્યારે કરવું એનો પૂરતો કંટ્રોલ ન હોય, ટીમ અને મેનેજર પાસેથી પ્રોત્સાહન કે સાથ ન મળતાં હોય, કામની જગ્યાએ સુમેળભર્યા સંબંધોનો અભાવ હોય, પોતાની ભૂમિકા કે જવાબદારી અંગે કે પછી કંપની કેવાં સંજોગો અને પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે એ અંગે પૂરતી સ્પષ્ટતા ન હોય, કામની જગ્યા અસુવિધાભરી કે ખટપટવાળી હોય, કામ માટે યોગ્ય તાલીમ કે કુશળતા ન હોય, લાંબા કલાકો, ફરતી રહેતી શિફ્ટ, અપૂરતા વર્ક-બ્રેક, કર્મચારીનાં કૌશલ્ય સાથે મેળ ન ખાય તેવી, અર્થહીન કે જટિલ કામગીરી, સારી તક ન મળવી, ઓફિસમાં રમાતું રાજકારણ, ભેદભાવ, શોષણ આ બધાની નકારાત્મક અસર કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે.
લાંબા સમય સુધી આવું ચાલે તો વ્યક્તિ તાણ અનુભવવા લાગે છે અને પોતાને દૂર રાખવાની વૃત્તિનો ભોગ બને છે. કામ કરવાની પ્રેરણા ચાલી જાય છે. પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસ ચાલ્યાં જાય છે. ક્યારેક આક્રમક, ક્યારેક રડમસ, ક્યારેક આળો બની જાય છે. આ સ્થિતિનો સામનો કરવા માટે પોતાની સંભાળ રાખતાં શીખવું જોઈશે. તંદુરસ્ત આહાર, પૂરતી ઊંઘ, કસરત, ધ્યાન, મિત્રો-પરિવાર સાથે સરસ સમય વીતાવવો, શરીરમનને સમયાંતરે થોડો આરામ ખૂબ જરૂરી છે. એટલું જ જરૂરી છે સીમા નક્કી કરવાનું. નક્કી કરો કે તમે તમારી વર્ક શિફ્ટ સિવાય ઓફિસના કામમાં કેટલો સમય આપી શકો છો – ઓફિસનાં કામ માટે 24 કલાક ઉપલબ્ધ રહેવાથી માનસિક થાક વધે છે અને કામની પૂરી કદર થતી નથી એવું લાગે છે.
મનોચિકિત્સકો કહે છે કે કામ તો લોકો પહેલા પણ કરતા, આજે પણ કરે છે પણ ફરક એ છે કે પહેલા માણસ જીવવા માટે કામ કરતો હતો, આજનો માણસ કામ કરવા માટે જીવે છે. એટલે તકલીફ એક કલાક કે એક દિવસની નથી, કાયમી છે. કામ આપણને આખાને ગળી જાય છે. આપણી પાસે પોતાના અને પરિવાર માટેનો સમય નથી. જીવલેણ મહત્ત્વાકાંક્ષા, ગળાકાપ હરીફાઈ, હંફાવી દે તેવી ઉંદરદોડ, ડરાવી તેવી અસુરક્ષા, ઓફિસ-પોલિટિક્સ, ક્ષમતા કરતાં વધુ ભારણ – કશું સરળ નથી.
આર્થિક અસ્થિરતાનો માહોલ અને સફળતા પાછળની અંધ દોટનો શિકાર કંપનીઓ પોતાના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ નથી તેનું આ પરિણામ છે. કર્મચારીઓ સખત દબાણ, સતત સંઘર્ષ અનુભવતા હોય અને હાજર હોવા છતાં ગેરહાજર જેવી સ્થિતિમાં હોય તો કંપનીને નુકસાન થાય જ. એક સર્વેક્ષણ કહે છે કે ભારતની કંપનીઓ કર્મચારીઓની ખરાબ માનસિક સ્થિતિને કારણે વર્ષે અબજો ડોલરનું નુકસાન ભોગવે છે. કેટલીક કંપનીઓ આ સત્ય સમજવા લાગી છે અને કાઉન્સેલિંગ, જિમ, વેલનેસ પ્રોગ્રામ્સ, સહકારભર્યું વાતાવરણ, યોગ્ય તાલીમ, મદદરૂપ નીતિઓ, સ્ટ્રેસ મેનેજમેન્ટ – ટાઈમ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન વગેરેનું આયોજન કરતી રહે છે.
‘ક્રિએટિંગ એ મેન્ટલી હેલ્ધી વર્કપ્લેસ બિગિન્સ વિથ રેકગ્નાઈઝિંગ એવરીવન્સ સ્ટ્રગલ્સ, ઇવન ઇફ ઈટ ઈઝ નોટ વિઝિબલ.’ ઉદ્યોગો, કંપનીઓ અને મેનેજમેન્ટ આ સત્ય સમજે તો તેમને અને તેમના કર્મચારીઓને ફાયદો થાય.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ઑક્ટોબર 2024