કાઁગ્રેસે એક તબક્કે સરદાર પરત્વે ‘નાખો વખારે’ અભિગમ લીધો અને સંઘ પરિવારે એક તબક્કે ‘ચઢાવો છાપરે’ અભિગમ લીધો એની કંઈકે ચર્ચા સરદાર જયંતીથી નેહરુ જયંતીના પખવાડિયામાં અહીં સ્વાભાવિક જ છેડાઈ ગઈ છે. નેહરુ મહિમા મંડનનો એક અતિરેકી દોર પણ દેશે દીઠો છે. પ્રશ્ન, એમને છાવણીઓમાં ધરાર વહેંચ્યા વગર અને સામસામાં રાજકીય શસ્ત્રાસ્ત્ર રૂપે પ્રયોજવાની પક્ષીય પેરવી વગર સમગ્ર ચિત્રમાં મૂકીને જોવાનો છે.
સ્વરાજ પછી તરતનાં વર્ષોમાં, 1949માં જવાહરલાલ સાઠ વરસના થયા ત્યારે વલ્લભભાઈએ ચુંમોતેરમે, પોતાનાથી 14 વરસ નાના આ સાથીના ને પોતાના સંબંધ અને ભાવબંધને સુરેખ મૂકી આપ્યા છે :
‘હું અને જવાહરલાલ દાયકાઓથી કાઁગ્રેસસાથી રહ્યા છીએ. એક જ પરમ ગુરુ(ગાંધી)ના સમર્પિત અનુયાયીઓ અને સ્વાતંત્ર્યસંગ્રામના સાથી સૈનિકો છીએ. આજે આ વિશાળ દેશના વહીવટ અને સંગઠનનો બોજ પણ અમે સાથે ઉઠાવીએ છીએ.’
‘એકબીજાને અનેકવિધ કામગીરીઓમાં નજીકથી જાણવાને કારણે સ્વાભાવિક જ પરસ્પર ચાહના અનુભવતા થયા છીએ અને વરસોના વહેવા સાથે પરસ્પરનો સ્નેહ વધતો ગયો છે. અમે સાથે ન હોઈએ, પરસ્પર પરામર્શ શક્ય ન હોય ત્યારે અમને એકબીજાની ખોટ કેવી સાલે છે તે સમજવું ઘણાને સારુ મુશ્કેલ થઈ પડે એવું છે. અમારો આ ગાઢ પરિચય, આ નિકટતા, બે ભાઈઓ વચ્ચે હોય એવો આ સ્નેહ જોતાં જાહેરમાં જવાહરલાલની કદરબૂજના શબ્દો ઉચ્ચારવવાનું મારે માટે દુષ્કર છે. પણ દેશની દેવમૂર્તિ શા લોકનેતા, આમ જનતાના હૃદયમાં વસેલા વીરનાયક – જેનાં ઉદાત્ત કર્યો અને મહાન સિદ્ધિઓ આપણી સામે એક ખુલ્લી કિતાબ સરખી છે એને વિશે કશું ઉમેરવું કદાચ જરૂરી નથી.’
વલ્લભભાઈએ એક જ પરમ ગુરુના અનુયાયી હોવાની ને બે ભાઈઓ જેવો સ્નેહ હોવાની જિકર જવાહરલાલના સાઠમે અને પોતાના ચુંમોતેરમે કરી છે. સ્વરાજસંગ્રામના આકાશમાં નેતૃત્વની એક નક્ષત્રમાળા છે. પણ એમાં આ ત્રણ, આ સ્વરાજઃત્રિપુટી એક પ્રકારે કેન્દ્રવર્તી ભૂમિકામાં છે. દેશભક્ત ત્રણે છે, પણ ગાંધી વિશ્વફલક પર છે, નેહરુના સ્વરાજકારણમાં એક અનેરું આંતરરાષ્ટ્રીય પરિમાણ છે. સરદાર આ બેઉ વાનાં પ્રીછતે છતે વાસ્તવમાં વિલસે છે. મતભેદો, વિચારભેદો ત્રણે વચ્ચે છે જે એમણે ન તો એકબીજાથી, ન તો જનતાથી છુપાવ્યા છે. આ ત્રિપુટી અનેરા ભાવબંધે ને એવા જ હૃદયબંધે જોડાયેલી છે.
1869માં જન્મેલ ગાંધી, તે પછી 6 વરસે 1875માં જન્મેલ વલ્લભ, અને ગાંધી પછી ત્રીસે વરસે ને વલ્લભ પછી 14 વરસે 1889માં જન્મેલ જવાહર, પિતા-પુત્ર જેવો સંબંધ કલ્પી શકાય, એમની વચ્ચે? હા, પણ અંશતઃ સરદારે બે ભાઈઓ જેવા સ્નેહની વાત કરી છે, પણ મોટા ને નાના ભાઈ જેવા તો ગાંધી ને વલ્લભ છે. જવાહર અક્ષરશઃ ગાંધીના પુત્રવત છે, અને પરંપરાગત સંયુક્ત કુટુંબમાં ગાંધી-વલ્લભ મોટા ને નાના ભાઈ સરખા છે. 1915માં દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત પરત થયેલા ગાંધી 1920-21થી દેશમાં છાઈ ગયા છે, અને પોતે સાઠે પહોંચવા આડે વરસ બે વરસ માંડ છે ત્યારે નેતૃત્વની નવી પેઢીનો પ્રશ્ન સામે આવી ઊભો છે, અને તે પણ કાઁગ્રેસના પ્રમુખપદ રૂપે.
1928માં વલ્લભભાઈ બારડોલી સાથે ‘સરદાર’ રૂપે ઉભર્યા છે. ત્રેપનના સરદાર જેમ દેશમાં ધ્યાન ખેંચવા લાગ્યા છે તેમ ચાલીસી વટાવે તે આગમચ જવાહર દેશના યુવજનોમાં પ્રિયમૂર્તિ રૂપે ઉભરવા લાગ્યા છે. યુવાનોને ખેંચતાં બે વ્યક્તિત્વ જવાહર અને સુભાષનાં છે. એ જ મહિનાઓમાં ભગતસિંહે આ બેને વધાવ્યાં છે, અને નજીકની વૈચારિક પસંદગી રૂપે જવાહર પર કળશ ઢોળ્યો છે, ભગતસિંહને લાગે છે કે આદર્શનો યુવા તરવરાટ-થનગનાટ બેઉમાં છે, હણહણતી દેશભક્તિના આસામી બેઉ છે, પણ સુભાષ નકરા ભાવાવેશના જન વધુ છે અને જવાહરનો આર્થિક-સામાજિક વિચારપિંડ બંધાયેલ છે.
ગાંધી, કેમ કે તે ‘જનરેશન નેક્સ્ટ’ની રીતે વિચારે છે, પ્રમુખપદ માટે પુત્રવત જવાહરનું નામ સૂચવે છે; કેમ કે પોતાના અનુજવત સરદાર પોતાની સાથે ને પોતાની વતી ‘પુત્ર’ની સંભાળ લે તેવી અણબોલી અપેક્ષા છે. ત્રેપનના વલ્લભભાઈ એ અર્થમાં ‘જનરેશન નેક્સ્ટ’ નથી જ, જે અર્થમાં હજુ ચાળીસે માંડ પહોંચેલ જવાહર છે. રાજમોહન ગાંધીની હજી સુધી તો પ્રતિમાન રૂપ રહેલી વલ્લભભાઈની જીવનીના વાચનથી ને મધુ લિમયે શા જહાલ સમાજવાદીએ સ્વરાજસંગ્રામનાં વર્ષોની જે ચર્ચા કરી છે એના ઉજાસમાં મને ‘જનરેશન નેક્સ્ટ’નો આ મુદ્દો વસ્યો છે.
પ્રધાન ભાવ તરીકે નહીં પણ ક્વચિત અન્યાય લાગણી વલ્લભભાઈને થઈ હશે, પણ પોતે દેશના સરદાર હશે તો ગાંધીના સિપાહી પણ છે એટલે સ્વરાજ સંક્રાંતિમાં સંતુલન વિવેકપૂર્વક એ અકુતોભય વર્તે પ્રવર્તે છે. કિસાન લડત કે રિયાસતી મોરચો તો જાણે કે બરાબર, પણ ગાંધીની સલાહ પ્રમાણે જવાહરલાલે અને એમણે મળીને જે પહેલી કેબિનેટ રચી, એ કૉંગ્રેસબદ્ધ નહોતી. કૉંગ્રેસથી સામે પક્ષે રહેલ આંબેડકર, મુખર્જી, ષણ્મુખક ચેટ્ટી, રાજકારણમાં નહીં તેવા ભાભા, એવા બીજા પણ : નેહરુ-પટેલની જોડીનો મહિમા સમજાય છે?
પટેલના જીવનનું અંતિમ વર્ષ ભાગલાના એક બેકલોગ તરીકે પૂર્વ બંગાળમાંથી હિંદુ હિજરતના પડકારનું છે. મુખર્જી કેબિનેટથી ફારેગ થઈ ગયા છે. શાંતિપ્રિય બાપુનું થયું એવું જ્વાહરનું થશે, એ વિચારે રાતવરત સરદારની ઊંઘ ઊડી જાય છે. સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાને ધોરણે સમાધાન સાધી પશ્ચિમ બંગાળને વિશ્વાસમાં લેવા ભાંગલી તબિયતે સરદાર પંડે પહોંચે છે.
સ્વરાજત્રિપુટી, દેશ ક્યારે ઉતારશે તારું ઋણ?
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 નવેમ્બર 2024