૨૩ ડિસેમ્બર, ૧૯૯૪ના દિવસે, સંયુક્ત રાષ્ટ્રિય સંઘે એમના ઠરાવ ૪૯/૨૧૪ મારફતે દર વર્ષે ૯મી ઑગસ્ટે આંતર-રાષ્ટ્રિય વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાનું ઠેરવ્યું.
આ વર્ષની ઉજવણીનો વિષય છે, ‘કોઈ પાછળ રહી ના જાય : આદિવાસી સમુદાયો અને નવા સામાજિક કરારની માંગણી’.
વિશ્વની ૭૦% વસ્તી વધતી જતી આવક અને ધનની અસમાનતા ધરાવતા દેશોમાં વસે છે. આમાં આદિવાસી સમુદાયોનો પણ સમાવેશ છે. આદિવાસી સમુદાયો આમે ય ગરીબીનો ઊંચો દર અને ભારોભાર સામાજિક-આર્થિક ગેરલાભનો સામનો કરી રહ્યાં છે. અસમાનતાનો ઊંચો દર સામાન્ય રીતે સંસ્થાગત અસ્થિરતા, ભ્રષ્ટાચાર, નાણાંકીય કટોકટી, વધતી ગુનાખોરી, ગરીબી તથા ન્યાય, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો અભાવ સાથે સંકળાયેલો છે. ગરીબી અને ધરખમ અસમાનતાઓ આદિવાસી સમુદાયો માટે તીવ્ર સામાજિક તણાવો અને સંઘર્ષો સર્જે છે.
ગરીબીને એના તમામ સ્વરૂપો અને પાસાઓ સહિત નાબૂદ કરવી અને અમાનતાને ઘટાડવી એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૨૦૩૦ના ટકાઉ વિકાસની કાર્યસૂચિના હાર્દમાં રહેલા છે. સમગ્ર સમાજ — માત્ર સરકારો નહીં પરંતુ સામાજિક કર્મશીલો, આદિવાસી સમુદાયો, સ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો — આ તમામની સંયુક્ત રાષ્ટ્ર અધિકારપત્ર (યુનાઈટૅડ નૅશન્સ ચાર્ટર) મુજબ “આપણે, સર્વ લોકો”ના હિતમાં નવા સામાજિક કરારની બાંધણી અને પુન:રચનામાં ભૂમિકા હશે.
આદિવાસી સમુદાયો અને સરકારો વચ્ચે સમજૂતી સ્થાપવામાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં આદિવાસી સમુદાયોની સહભાગિતાનો હક મહત્ત્વનું ઘટક છે. તેથી, આદિવાસી સમુદાયોની અર્થપૂર્ણ અને અસરકારક ભાગીદારી તથા એમની મુક્ત, જાગૃત અને પૂર્વ પરવાનગી મેળવીને નવા સામાજિક કરાર મારફતે આદિવાસી સમુદાયોને અસર કરતા બાદબાકીના વારસા અને હાંસિયાકરણને પડકારવા પડશે. પરિણામે ૨૦૩૦ની કાર્યસૂચિના ઉદ્દેશો પણ હાંસલ કરી શકાશે.
કોવિડ-૧૯ મહામારીએ વધતી જતી અસમાનતાઓની અસરો પર પ્રકાશ પાડ્યો છે અને નવા સામાજિક કરાર સંદર્ભે પુન:વિચારની તાતી જરૂરિયાત અંગે ચર્ચાને વેગ આપ્યો છે. તમામ લોકો અને આપણા ગ્રહ માટે કારગર એવી સામાન્ય બુદ્ધિની જરૂર ઊભી થઈ છે. મહામારીએ વધુ સમાનતા ધરાવતા અને ટકાઉ વિશ્વની પુન:રચનાની અનેરી તક સર્જી છે — એવું વિશ્વ જે સર્વ માટે યથાર્થ અને સમાવેશક સહભાગિતા તથા ભાગીદારી દ્વારા સમાન તકોને અવકાશ પૂરો પાડવા પર અને સર્વના હકો, સન્માન અને સ્વતંત્રતાનો આદર કરવા પર આધારિત હોય.વિશ્વભરમાં કોવિડ-૧૯થી અપ્રમાણસર અસર પામેલા બહુલ આદિવાસી સમુદાયો માટે, વધુ સારી પુન:રચના અને સામાજિક કરારોના પુન:વિચાર સંદર્ભે, એમનાં અવાજો, જરૂરિયાતો અને
ચિંતાઓને લક્ષમાં લેવાનો, એમની મુક્ત, જાગૃત અને પૂર્વ મંજૂરી મેળવવાનો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના આદિવાસી સમુદાયોના હકોના જાહેરનામામાં માન્યતા પ્રાપ્ત આદિવાસી સમુદાયોના સામૂહિક અને વ્યક્તિગત હકોનો સમાવેશ હોવો આવશ્યક છે.
ચાલો, આજે વિશ્વ આાદિવાસી દિન નિમિત્તે આપણે સૌ આ આવકારદાયક પહેલમાં આપણું નાનું તો નાનું યોગદાન આપીએ અને આપણી માનવ ફરજ બજાવીએ. વિશ્વભરમાં વસતા વહાલાં આદિવાસી ભાઈ-બહેનોને વિશ્વ આદિવાસી દિનની શુભ કામનાઓ.
જય આદિવાસી! જય જોહાર!
સંદર્ભ: www.un.org
ફોટા : રૂપાલી બર્ક
e.mail: rupaleeburke@yahoo.co.in
![]()


૨૬ એપ્રિલ, ૧૯૩૭માં જન્મેલા ફાધર સ્ટૅન સ્વામી એસ.જે. (સ્ટૅનિસ્લૉસ લૉર્દુસ્વામી), આદિવાસી અધિકાર કર્મશીલ આજે ૫ જુલાઈ, ૨૦૨૧ના દિને ફાની દુનિયાને ૮૪ વર્ષે અલવિદા કરી ગયા છે. તેઓ હોલી ફેમિલી હૉસ્પિટલમાં પલ્મનરી ઇન્ફૅક્શન, કૉવિડ પશ્ચાત્ થયેલા ફેફસાંના કૉમ્પ્લિકૅશન્સ અને ન્યુમોનિયા માટે સારવાર હેઠળ આઈ.સી.યુ.માં હતા. ૪ જુલાઈ, ૨૦૨૧ના રોજ સવારે ૪.૩૦ વાગે એમને કાર્ડિયૅક અરૅસ્ટ આવ્યા બાદ વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાનમાં આવ્યા નહીં.