યુ.પી.માં ચૂંટણી જાહેર થતાં જ રણશિંગુ ફૂંકતાં હોય એમ વીડિયો આલ્બમ પણ રજૂ થવા માંડ્યા. ગોરખપુરના સાંસદ અને જાણીતા ભોજપુરી ગાયક રવિકિશને ‘યુ.પી.મેં સબ બા'નામે એક વીડિયો આલ્બમ લખલૂંટ ખર્ચે તૈયાર કરી આખા યુ.પી.માં ફેલાવી દેવા માટે જરૂરી સંખ્યા સાથે તૈયાર કર્યો. યોગી આદિત્યનાથે એ આલ્બમ લૉન્ચ કર્યું. જાણે ચૂંટણી યુદ્ધનું જોરદાર શસ્ત્ર હોય એવો દાખડો ય કર્યો. રવિકિશનના વીડિયોમાં જાત જાતનાં લોકેશન,એનાં જુદાં જુદાં લૂગડાંનો વેશ હતો.
પરંતુ યુ.પી.માં (ભલે મેઘાણીની ચારણકન્યા તો નહીં પણ નાનકડી છોકરીએ) ભા.જ.પ.ના આ આલ્બમ સામે નાનકડી, એક મિનિટ વીસ સેકન્ડની કવિતા ગાઈને ભા.જ.પ.ની ઊંઘ હરામ કરી નાંખી છે .સોશિયલ મીડિયાની ભાષામાં બોલે તો એ..ટ..લી..વાઈરલ થઈ કે અત્યારે આંકડો દસ લાખ ચાહકોનો થયો છે! એનું ગીત યુ.પી.મેં કા બા.. છે.
મેં વધુ માહિતી મેળવવા ખાંખાખોળા કર્યા તો જોયું કે આ નેહા સિંહનાં તમામ ગીતો પ્રજાની વેદનાને વ્યક્ત કરે છે. વળી, આનંદની એક વાત એમના એક ઈન્ટરવ્યુમાંથી જાણવા મળી કે ભોજપુરી ગીતસંગીતમાં પ્રવેશેલી અશ્લીલતા સામે પણ જંગ કરે છે જે સંગીતની પિતૃસત્તા ભા.જ.પ.માં છે! રીંકીયા પાપા..યાદ કરો.
નેહા સિંહ રાઠોર કેવળ ગાતાં જ નથી, પોતે જ ગીત રચે છે. એમના આ ગીતની અપાર લોકચાહનાથી ભા.જ.પ.ને અત્યારે પડ્યા ઉપર પાટું જેવું થયું છે. રવિકિશનનું મોંઘું ગીત કે બચાવમાં આવેલા બીજાં ગીતો ફિસ્સાફસ્સ લાગે છે. બી.જે.પી.ના ટ્રૉલબહાદુરોએ અપમાન અને ગાળોનો વરસાદ કર્યો છે. નેહા સિંહનાં મા અને ભાઈ ડર્યાં. થોડો વખત સ્થાન છૂપાવવું પડયું. અજિત અંજુમ સાથેની મુલાકાતમાં એમણે કહ્યું કે આ ગીત મારી પણ વેદના છે કોરોનામાં રેમિડીસેવરના અભાવે પરિવારજન ગુમાવ્યાં છે. એમના ગીતમાં ક્રાઇમમાં હવે નંબર વન બનેલું ગોરખપુર છે, હાથરસનો બળાત્કાર છે, લખીમપુરની કિસાનોની હત્યા છે, ચૂંટણી ટાણે દલિતોને ત્યાં જઈને કરાતું દલિત ટુરિઝમ છે, અયોધ્યાની જમીન કૌભાંડ છે.
લાખ ધમકી મળવા છતાં આ ગાયિકા ડરી નથી. એણે કહેલું યુ.પી.મેં કા બા નો બીજો ભાગ આવશે અને ગઈકાલે આવી ગયો.
બેઉ કવિતા સાદા કેમેરાથી, સામાન્ય ઘરમાં એક જ સ્થિતિમાં શુટ થઈ છે. સરકારી પ્રચારતંત્રની હવા કાઢી નાંખી છે આ ગીતોએ. અજિત અંજુમના ઈન્ટરવ્યુમાં એણે કહ્યું જુઓ કેવાં ટાંચા સાધનોથી હું કામ કરી રહી છું! ગીતમાં એક માખી કનડતી ખભે બેસે છે એની વાત પણ કરી. વીડિયો જોયો ત્યારે વાત સાચી લાગી. એ માખી જ નેહા સિંહ રાઠોરનું પ્રતીક છે. યુ.પી.ને બેહાલ કરી વોટ માંગવા નીકળતાં ઈમાનદાર નેતાઓને આ ગીત પેલી માખીની જેમ કનડશે.
આવી કવિતામાં કવિતા કેટલી એવું કલૉઝરીડિંગ કરવાનો હવે સમય નથી. પ્રેશર કૂકરના સેફટી વાલ્વ જેવી હોય છે આવી કવિતા. અંદર કેટલો બળાપો છે એનો અંદાજ આપે છે. લગભગ બધી જ ચેનલોમાં એનાં ઈન્ટરવ્યુઝ થયા છે. આપણને સહુને પારુલબહેનની રચના 'શબવાહિની ગંગા' યાદ આવશે.
જય હો કવિતા.
જાન્યુઆરી ૨૫, ૨૦૨૨
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 10