ઃ આજનાં પરિણામથી તમને દુઃખ તો બહુ થયું હશે, નહીં? કાઁગ્રેસ ક્યાં ય જીતી નહીં …
ભા.જ.પ.ના ટીકાકારો કાઁગ્રેસી કે ‘આપ’વાળા જ હોય, એવું સમીકરણ તમને બહુ ફાવે એવું છે. તમને ય અંદરથી ખબર છે કે એ બધે લાગુ પડતું નથી. પણ તમે ય શું કરો? તમારે તો વફાદારીપૂર્વક લાઇન ચલાવવી પડે ને.
ઃ હકીકતમાં, કાઁગ્રેસ સહિતના કોઈ પણ પક્ષની જીતથી ખુશી થાય એવો પ્રશ્ન જ નથી. દેશને સડસડાટ નીચે લઈ જતી ભા.જ.પી. નેતાગીરી જીતી તેનું દુઃખ છે. એને તો હવે જાણે દેશને વધારે નીચે લઈ જવાનો પરવાનો મળી ગયો હોય એવું લાગશે.
ઃ અને સમાજવાદી પાર્ટી જીતી હોત તો દેશ ઊંચો ચડત?
ઃ ના, વધુ નીચો ઉતરતો અટકત અને ભા.જ.પી. નેતાગીરીની બિનધાસ્ત બેશરમી પર થોડો અંકુશ આવત. હાથરસ-લખમીપુર જેવાં ઠેકાણે પણ જીતી ગયા પછી બાકી શું રહ્યું?
ઃ તમને ભા.જ.પ. અને મોદી સામે આટલો બધો વાંધો કેમ છે?
ઃ તેમની કાર્યપદ્ધતિ, બિનલોકશાહી વલણ, વહીવટી આવડતના નામે લોચાલાપશી અને સત્તાના સંપૂર્ણપણે કેન્દ્રીકરણને કારણે. પણ એ તમને અત્યાર સુધી ન સમજાયું હોય તો હવે સમજાવું મુશ્કેલ છે. કોરોનામાં બધા પ્રકારની અગવડો વેઠ્યા પછી પણ લોકોને એ ન સમજાતું હોય, તો હવે ક્યારે સમજાશે?
ઃ તો શું ભા.જ.પ.ને મત આપનારા બધા મૂરખ છે?
ઃ ના, મૂરખ શબ્દ યોગ્ય નથી. ભા.જ.પ.ને મત આપનારામાંથી ઘણા એવા હશે, જેમને ધર્મના નામે અને/અથવા મુસ્લિમો પ્રત્યે ધિક્કારના નામે ઊઠાં ભણાવી શકાય – તેમનામાં રહેલા નકારાત્મક ભાવોને સુદૃઢ કરીને તેને પક્ષના ફાયદા માટે વાળી શકાય. ભા.જ.પી. નેતાગીરીને એ કામ બરાબર ફાવે છે અને એ કામ માટે તેમની પાસે અઢળક સંસાધનો, સંગઠન, શક્તિ તથા વૃત્તિ છે.
ઃ … અને વિપક્ષોની ભૂમિકા?
ઃ બેશક, વિપક્ષો તો જવાબદાર ખરા જ. કેમ કે, હજુ તે પોતપોતાના વ્યક્તિકેન્દ્રી વર્તુળમાંથી બહાર આવી શકતા નથી. મારા જેવા ઘણા લોકોને ખેદ અને ચિંતા એ વાતનાં છે કે ભા.જ.પ. સરકાર થકી સમાજ અને દેશને લાંબા ગાળાનું નુકસાન થઈ ચૂક્યું છે – હજુ થઈ રહ્યું છે. પણ વિપક્ષોને તેમની સત્તા અને કારકિર્દી સિવાય બીજી કશી ચિંતા નથી. સમાજ અને દેશ માટે ઊભાં થયેલા જોખમોની ગંભીરતા વિપક્ષોને અડતી નથી. એટલે તે અહમ્ મૂકીને ભા.જ.પ. સામે એક થઈ શકતા નથી.
ઃ પણ ઘણા વિશ્લેષકો કહે છે કે ભા.જ.પ.ને ધિક્કારના રાજકારણનો નહીં, તળિયાના સ્તરે કરેલી કામગીરીનો બદલો મળ્યો છે.
ઃ આવાં કારણો જીત પછી શોધવાનું વધારે સહેલું પડે છે. પણ ઉત્તર પ્રદેશમાં અને યોગીરાજમાં દેખીતા ધિક્કાર, ભય તથા કુશાસનના વાતાવરણને ઠંડા કલેજે નજરઅંદાજ કરીને, ‘તળિયાના સ્તરે કરેલી કામગીરી’ના વખાણ કરવા જેટલી 'સ્થિતિસ્થાપકતા’ મારામાં નથી અને તેનો આનંદ છે.
ઃ તો તમે હવે શું કરશો?
એ જ, જે ૨૦૦૨થી કરતો આવ્યો છું. સાચું લાગે તે લખવાનું, તક મળ્યે તેના વિશે વાત કરવાની અને સ્વસ્થતાની સાથોસાથ જુસ્સો ટકાવી રાખતા જીવનના બીજા આનંદો માણવાનું ચાલુ રાખવાનું.
ઃ ટૂંકમાં, તમે નહીં સુધરો, એમ ને?
ઃ સુધરવું એ તો બહુ મહત્ત્વનું કામ છે. મારા જેવા સામાન્ય નાગરિકને બદલે દેશના વડા પ્રધાન એ બાબતમાં પહેલ કરે તો દેશને બહુ ફાયદો થાય.
Email : uakothari@gmail.com
(લેખકના બ્લોગ urvishkothari-gujarati.blogspot.comમાંથી સાભાર, તા. ૧૦-૦૩-૨૦૨૨)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 01-02
![]()


કટ્ટરતાથી કટ્ટરતા જ પોષાય છે. તેનાથી આવતી લાગતી આભાસી શાંતિ સૌહાર્દની નહીં, સ્મશાનની હોય છે. સામસામા કટ્ટરવાદના ટકરાવથી અવિશ્વાસ કાયમી બને છે, વેરઝેર ઊંડાં ઉતરે છે, ફોલ્ટ લાઇનો પેદા થાય છે.
સાવરકરના સંરક્ષણના ઉત્સાહમાં સંરક્ષણ મંત્રી એટલી સાદી હકીકત ચૂકી ગયા કે સાવરકરે અંગ્રેજ સરકારને પહેલી બે અરજીઓ અનુક્રમે વર્ષ ૧૯૧૧માં અને વર્ષ ૧૯૧૩માં કરી હતી. તે સમયે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. ત્યારે તેમની અને સાવરકરની વચ્ચે કોઈ પત્રવ્યવહાર થયો હોવાનું ગાંધીજીનાં કે સાવરકરનાં ચરિત્રોમાં નોંધાયું નથી.