લેરી કોલિન્સ અને ડોમિનિક લૅપિયર લિખિત, અને અિશ્વન ભટ્ટ દ્વારા અનુવાદિત, પુસ્તક ‘અર્ધી રાતે આઝાદી’, તે પ્રકાશિત થયું તે સાલ 1975માં વાંચેલું, ત્યાર બાદ ફરી વાંચવા હાથમાં લીધું તે પૂરું કર્યે જ હાશ થઇ. તેમાં સ્વતંત્રતા પ્રાપ્તિની મંગલ વેળાએ જે દ્રશ્ય અને પરિસ્થિતિનું વર્ણન વાંચ્યું તે નીચે પ્રસ્તુત છે. એ વાંચ્યા બાદ રાજકોટ શહેરમાં હરતાં ફરતાં અને બહારગામ મુસાફરી કરતાં જે જે વિરોધાભાસો વારંવાર નજર સમક્ષ જોવા મળતા રહ્યા તેની ય અભિવ્યક્તિ રજૂ કરી છે.
નહેરુની સામે સાડીઓ, શેરવાણી, અચકન અને ડિનર જેકેટ પહેરીને નવા જન્મ લેતા દેશના પ્રતિનિધિઓ ગોઠવાયા હતા. દુનિયામાં ક્યાં ય જોટો ન મળે તેટલી સંસ્કાર, ધર્મ, ભાષા અને જાતિની વિવિધતા અહીં એકઠી મળી હતી. સાથે સાથે વિશ્વમાં ક્યાં ય જોવા ન મળે તેવા દારિદ્રયની પણ આ ધરતી હતી. આ ધરતીનું મહામૂલું ધન તેમાં દેખાતો વિરોધાભાસ જ હતો. તેના ખેતરો કરતાં તેની પ્રજા વધારે ફળદ્રુપ હતી. ઈશ્વરપરસ્ત અને ક્યાં ય જોવા ન મળે તેવી ભયાનક અને ક્રૂર કુદરતી આફતોથી ઘેરાયેલી એ ધરતી હતી. ભૂતકાળની ભવ્ય સિદ્ધિઓનો એ દેશ હતો અને અત્યારે વિશ્વમાં કોઈ પણ સમુદાય કરતાં કઠિન અને જટિલ પ્રશ્નો ધરાવતી એ ધરતી હતી, જેનું ભાવિ ચિંતાતુર હતું અને છતાં, આ બધાંમાં, આ બધાં દર્દો છતાં માનવકુળના સંસ્કાર-ક્ષિતિજ પર ભારત એક સર્વોચ્ચ અને અનન્ય સહનશીલતાના પ્રતીક સમું હતું.
આ ફકરામાં ઉલ્લેખ છે એ વિરોધાભાસો આઝાદીના સિત્તેર વર્ષો બાદ કઇંક વધુ તીવ્રતાથી નજરે પડે છે, અને તેની આખરી લીટીમાં કહ્યું છે તેમ, ‘ભારત માનવકુળના સંસ્કાર-ક્ષિતિજ પર એક સર્વોચ્ચ અને અનન્ય સહનશીલતાના પ્રતીક સમું’ ભાસતું હોય, એ જોવા મન પુરાવા એકઠા કરવા મથતું હતું જાણે. આ રહી દ્રશ્ય વિરોધાભાસોની નાનીશી યાદી :-
જાહેરમાં
મહિલાઓ ઝરી સતારાવાળી સાડી પહેરે જાહેરમાં
વળી શૌચ સારુ ચાલીને જાય પણ જાહેરમાં
અમે પાન અને તમાકુ ખાઈએ જાહેરમાં
પછી લાલચોળ પિચકારી મારીએ જાહેરમાં
સોના-ચાંદીનાં ઘરેણાં પહેરી મા’લીએ જાહેરમાં
શેરી ‘ને રસ્તાઓ પર કૂડો-કચરો ફેંકીએ જાહેરમાં
મસ મોટી મહેલાતો રચીએ જાહેરમાં
એની પછીતે ટીનની ઝૂંપડીમાં રહીએ જાહેરમાં
ગંજાવર શોપિંગ મૉલ બાંધીએ જાહેરમાં
પડખે રસ્તા પર શાક-ભાજી વેંચીએ જાહેરમાં
રોજ રોજ ઈશ્વરને ભજીએ જાહેરમાં
એનાં સંતાનોને પેટ ભરી ભાંડીએ જાહેરમાં
નેતાઓને રોડ શોમાં ફેરવીએ જાહેરમાં
વિરોધીઓને જૂતાના હાર પહેરાવીએ જાહેરમાં
અમે વાઇબ્રન્ટ ગુજરાતના વતની એ કબૂલીએ જાહેરમાં
વિકાસના વાહનો આડેધડ ચલાવીએ જાહેરમાં
e.mail : 71abuch@gmail.com
![]()



એક વાતની અહીં નોંધ લેવી રહી કે મેકોલે ભારતમાંના તત્કાલીન બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાન ભારતની શિક્ષણ વિષયક નીતિ ઘડવા કે અમલમાં મુકવા માટે જવાબદાર નહોતા. તેમનો હેતુ ભારતની પ્રજાને ઉદારમતવાદી વલણોનો પરિચય કરાવવાનો જરૂર હતો, પણ તેમને ક્રિશ્ચિયન ધર્મની અસર નીચે લાવવાનો નહોતો. તેઓ ભારત સ્થિત બ્રિટિશ સરકાર માટે કામ કરતા હતા અને તેમનું ધ્યેય એ સરકારના વહીવટને સુધારવાનું હતું, અને તેમ કરવા માટે યોગ્ય લાયકાતવાળા કારકુનોની ભરતી કરવી તેઓ જરૂરી માનતા હતા. એવી પ્રચલિત માન્યતા છે કે તેઓ ભારતીય ભાષામાં અપાતા શિક્ષણના વિરોધી હતા, જે સત્યથી વેગળી માન્યતા છે. તેમની ગણતરી ઉચ્ચ શિક્ષણ ઇંગ્લિશમાં આપવાની હતી, જેથી બુદ્ધિશાળી વર્ગને આધુનિક વિજ્ઞાન અને ઉદાર રાજકીય ફિલોસોફી સમજવાની તક મળે. એવું આધારભૂત માહિતી પરથી જાણવા મળ્યું છે કે તેઓ એટલા ઉદાર મતના તો હતા જ કે તેમને વિશ્વાસ હતો કે ભારતના લોકો પોતાના જીવનને સ્પર્શતા મુદ્દાઓને સંભાળી લેશે, પોતે એ માટે જવાબદારી લેશે, બૌદ્ધિક વિકાસ કરશે અને આખર સમય જતાં ગરીબી અને પછાતપણાને પોષતી દમનકારી અને શોષણયુક્ત અંધશ્રદ્ધાઓને સ્વેચ્છાએ ત્યાગી દેશે.
સતીશ કુમાર છેલ્લા 50 વર્ષથી શાંતિ અને પર્યાવરણના મુદ્દાઓ પર ગાંધી – વિનોબાના વિચારો અન્યો સમક્ષ રજૂ કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓએ નવ વર્ષની ઉંમરે જૈન ધર્મની દીક્ષા લીધી. ધર્માચરણના માર્ગે મોક્ષ પ્રાપ્તિ માટે ગામે ગામ ફરતા રહ્યા. તેવામાં 17 વર્ષની ઉંમરે તેમના હાથમાં ગાંધીજીની આત્મકથા આવી. જૈન સાધુ હોવાને નાતે શ્રીમદ્દ રાજચંદ્રની ગાંધીજી પર થયેલ અસરથી તેઓ માહિતગાર હતા. આત્મકથા વાંચવાથી સતીશ કુમારનું જીવન બદલાયું. અધ્યાત્મને પામવા અને પચાવવા અહિંસા, કરુણા અને પ્રેમનું અનુસરણ કરવું જરૂરી છે, પણ તેમ કરવા માટે જગતને છોડવું જરૂરી નથી, સંસારમાં રહ્યે રહ્યે પણ અધ્યાત્મ માર્ગ પર ચાલી શકાય તે ગાંધીએ બતાવ્યું. આથી સતીશ કુમારને પ્રતીતિ થઇ કે તમામ પરિસ્થિતિ અધ્યાત્મને સમજી, તેને વ્યવહારિક રૂપમાં અમલમાં મૂકીને બદલી શકાય. વળી અધ્યાત્મનો માર્ગ બધા માટે ખુલ્લો છે. રોજી રોટી મેળવવા કમાવા તો જવું પડે, પણ એમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણ મધ્ય નજરમાં હોય તો કમાણી એ તેની બાય પ્રોડક્ટ છે તેમ શ્રીમદ્દ રાજચંદ્ર અને ગાંધીજીએ પોતાના જીવન અને કાર્યથી સિદ્ધ કરી બતાવ્યું. એટલે કે સેવા એ મુખ્ય ધ્યેય હોય તો પ્રોફેશનમાં વોકેશન લાવી શકાય. તેમની આ વાત ખૂબ જ વિચાર પ્રેરક લાગી.