ફિલ્મ ઇન્ડિયાને બાબુરાવ પટેલ એકલા હાથે લખતા. એમાં હિન્દી સિનેમાના ચમરબંધી એક્ટરોની ચામડી ઊતરી જાય તેવા લેખો અને રિવ્યૂ છપાતા હતા.
બધા પટેલ પટેલ ના હોય, પાટિલ પણ હોય, એટલે, ફિલ્મ ઇન્ડિયાવાળા, બાબુરાવ પટેલ પટેલ ખરા પણ પાટીદાર નહીં. એ પાટિલમાંથી પટેલ થઈ ગયેલા. કેમ થઈ ગયેલા? એનો જવાબ નથી. બહુ લાંબા સમયથી એવી માન્યતા ચાલી આવે છે કે બાબુરાવ પટેલ ગુજરાતી હતા. એમાં પાછું, એમને પરણેલી પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશીલા રાણીનું નામ પણ આપણને એમ માનવા પ્રેરે કે બાબુરાવની બીવી પણ કો’ક પાટીદાર સુશીલાબહેન છે. પટેલ અને સુશીલા ભેગાં થાય તો આપણને ‘ઘર-ઘર’ રમતાં હોઈએ તેવી ફીલિંગ થાય તે સ્વાભાવિક છે પરંતુ બાબુરાવ અને સુશીલા રાણી બંને જુદા જુદા ઘરના : કર્ણાટક અને મહારાષ્ટ્ર.
પત્રકાર-લેખક સિદ્ધાર્થ ભાટિયા(ભાટિયા ગુજરાત ઉપરાંત પંજાબ, રાજસ્થાન અને સિંધમાં પણ છે)ની અફલાતૂન કિતાબ ‘ધ પટેલ્સ ઓફ ફિલ્મ ઇન્ડિયા’માં બાબુરાવ પટેલ ગુજરાતી હતા કે નહીં તેનો ખુલાસો થયો છે. બાબુરાવ મુંબઈથી નજીક પાલઘર પાસેના એક ટચૂકડા ગામ માસવામાં 4 એપ્રિલ 1904ના પેદા થયા હતા. એમના પિતા પાંડુરંગ વિઠ્ઠલ પાટિલ નાની-મોટી વકીલાત કરતા હતા. એમની માતા જમના બાબુરાવ ચાર વર્ષના હતા ત્યારે સિધાવી ગયેલાં અને પિતા બીજી પત્ની લાવ્યા તેના આશ્રયે મોટા થયા. આ પાટિલ પરિવાર મુંબઈ આવ્યો ત્યાં સુધીમાં ‘પટેલ’ થઈ ગયો હતો. કેમ? ખબર નથી. કદાચ પાટિલ કરતાં પટેલમાં વધારે વજન હશે.
અને બાબુરાવે સાબિત પણ કરી દીધું કે પટેલો કેવા ભાયડા હોય, પછી ભલેને ખાલી સરનેમ જ પટેલ હોય. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ પત્રકાર તરીકે જેનો ડંકો વાગ્યો હોય, વાંચતી વખતે (વાચક તરીકે) દાઝી જવાય અને (જેને વિશે લખાયું હોય તેને) ઉઝરડા પડી જાય એવું લખવાવાળા પત્રકારો ન તો સિનેમામાં રહ્યા છે કે ન તો મુખ્ય ધારામાં રહ્યા છે. એક જમાનામાં પત્રકારત્વ એક વ્યવસાય હતું. આજે નોકરી કે ધંધો બનીને રહી ગયું છે.
અમિતાભ બચ્ચનને પત્રકારોનો એટલો કડવો (અને વરવો) અનુભવ થયેલો કે એણે કહેલું કે અમને (એટલે કે સ્ટારને) બનાવવાવાળા અને તોડવાવાળા તો આ પત્રકારો છે, દર્શકો નહીં. તોડફોડિયા પત્રકારોની પ્રજાતિમાં આ બાબુરાવનું નામ પ્રથમ આવે.
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પહેલું સમર્પિત સામયિક ગુજરાતીમાં ‘મોઝ-મઝા’ 1924માં શરૂ થયેલું. એની સફળતાથી પ્રેરાઈને અન્ય ભાષામાં ફિલ્મી સામયિકો શરૂ થયાં. અંગ્રેજીમાં ધમાકેદાર એન્ટ્રી બાબુરાવ પટેલના ફિલ્મ ઇન્ડિયા (1935 થી 1961) સામયિકે કરેલી. કહે છે કે આ ફિલ્મ ઇન્ડિયાએ એવો ત્રાસ વર્તાવ્યો કે ટાઇમ્સવાળા જૈનોએ ફિલ્મફેર (1952) શરૂ કરવું પડેલું. આ ફિલ્મ ઇન્ડિયાને બાબુરાવ પટેલ એકલા હાથે લખતા. એમાં હિન્દી સિનેમાના ચમરબંધી એક્ટરોની ચામડી ઊતરી જાય તેવા લેખો અને થિયેટરોમાં ફિલ્મો ઊતરી જાય તેવા રિવ્યૂ છપાતા હતા. 1948માં રાજકપૂરની ‘આગ’ આવી તેના રિવ્યૂમાં બાબુરાવે લખેલું, ‘નરગિસ ખભાથી ઉપરના ભાગે, કરુણ દૃશ્યોમાં, સારો અભિનય કરે છે. પરંતુ, નૃત્ય કરતી વખતે એની બેઢંગ ‘બેક સાઇડ’ અને ચપટુ શરીર ઘૃણાસ્પદ લાગે છે.’
આવાઝ (1956) ફિલ્મના રિવ્યૂમાં બાબુરાવ લખે છે કે, ‘(આ ફિલ્મમાં) રાજેન્દ્રકુમાર દેખાય છે ય સ્ટુપિડ અને એક્ટિંગ પણ સ્ટુપિડ છે. કારણ? સ્ટુપિડ એટલા માટે દેખાય છે કારણ કે એ દિલીપકુમાર જેવો દેખાવા ફાંફાં મારે છે અને સ્ટુપિડ એક્ટિંગ એટલા માટે કરે છે કારણ કે એ દિલીપકુમાર જેવી એક્ટિંગ કરવા ગયો છે!’ વિભાજન બાદ પાકિસ્તાન જતી રહેલી નૂરજહાંનો ચહેરો બે વિશ્વયુદ્ધમાંથી પસાર થયા પછી ઘરડો થઈ ગયો છે એવું બાબુરાવે લખેલું. રાજકપૂરની જ બીજી ક્લાસિક ‘શ્રી 420’ રજૂ થઈ ત્યારે ફિલ્મ ઇન્ડિયાએ એને એક ઇડિયટની ઠન ઠન ગોપાલ જેવી કહાની ગણાવેલી. વી. શાન્તારામની મ્યુિઝકલ બ્લોકબસ્ટર ‘નવરંગ’ આવી ત્યારે એના લેખમાં બાબુરાવે મથાળું ઠઠાળેલું : મેન્ટલ માસ્ટરબેશન ઓફ અ સેનાઇલ સોલ (ઓક્સફર્ડ અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનરીની મદદ લેવી!)
મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાં દસમું ધોરણ પણ પૂરું ન કરનાર બાબુરાવને બૌદ્ધિક શિક્ષણ નહીં મળ્યાનો અફસોસ રહી ગયેલો. અને એ અફસોસમાંથી જ ફિલ્મ ઇન્ડિયા અને એ બંધ થયું તે પછી 1961માં મધર ઇન્ડિયા નામનું રાજકીય સામયિક આવેલું. આજે આ બંને (ખાસ કરીને ફિલ્મ ઇન્ડિયા) સામયિકના જૂના અંકો કે એના કવર પેજની તસવીરો સંઘરી રાખવાનું મન થાય તેવી જણસ ગણાય છે. પંજાબના ગુરદાસપુર જિલ્લાના સાકરગઢમાં આનંદ પરિવારનો નાનો દીકરો દેવ આનંદ આ ફિલ્મ ઇન્ડિયાના અંકોને રદ્દીમાંથી લઈ આવતો હતો અને એમાંથી એને ફિલ્મોનો ચસકો લાગેલો. રદ્દીની એ દુકાનનો દેવ એટલો નિયમિત ગ્રાહક કે દુકાનનો માલિક રદ્દી આવે તો એમાંથી ફિલ્મ ઇન્ડિયાની પસ્તી જુદી કાઢી રાખતો. આવા જ એક અંકમાંથી દેવને સમાચાર વાંચવા મળેલા કે ‘સુપરસ્ટાર’ અશોકકુમાર ‘બંધન’ (1940) ફિલ્મના પ્રીમિયર માટે ગુરદાસપુર આવવાનો છે. ફિલ્મ સ્ટારને નજીકથી જોવાનો એ પહેલો અનુભવ અને ત્યાંથી જ સફર શરૂ થયેલી.
પાકિસ્તાન જઈને (ગરીબી અને કોર્ટ કેસોમાં) ફસાઈ ગયેલા લાજવાબ કહાનીકાર સાદત હસના મંટોએ હિન્દી ફિલ્મોની અનેક શખ્સિયત પર લખેલું એમાંથી એક બાબુરાવ પટેલ પણ સિદ્ધાર્થ ભાટિયા ‘ધ પટેલ્સ ઓફ ફિલ્મ ઇન્ડિયા’માં લખે છે કે પાછળથી રાજ કપૂરના લેખક તરીકે મશહૂર થનારા ખ્વાજા અહેમદ અબ્બાસ આ ફિલ્મ ઇન્ડિયામાં નિયમિતપણે ‘ભારત વિરોધી’ ફિલ્મો વિશે લેખ લખતા હતા. બાબુરાવ પટેલ 1939માં (પહેલીવાર) હોલિવૂડ ફરવા ગયા ત્યારે ફિલ્મ ઇન્ડિયાનો હવાલો અબ્બાસને એવી સૂચના સાથે આપેલો કે એની બે લોકપ્રિય કોલમો, સવાલ-જવાબ અને યુ હાર્ડલી બીલીવમાં સહેજ પણ આઘું-પાછું ન કરવું. (બાબુરાવે ત્રણ શાદી રચાવેલી. એક વાચકે ‘સવાલ-જવાબ’ કોલમમાં ‘કેમ ત્રણ પત્ની?’ એવું પૂછેલું. જવાબમાં બાબુરાવે ગુજરાતીમાં જવાબ લખેલો : તમારા બાપાનું શું જાય છે? વકીલ રામ જેઠમલાણીની બે પત્નીને લઈને કોઇકે પૂછેલું કે, ‘તમારી પહેલી પત્ની ખુશ છે?’ ત્યારે જેઠમલાણીએ કહેલું, ‘યસ, તમારી એક જ પત્ની કરતાં મારી પ્રથમ પત્ની વધારે ખુશ છે.’)
બાબુરાવના નામે પ્રથમ અંગ્રેજી ફિલ્મ સામયિક શરૂ કરવા ઉપરાંત બીજો એક રેકોર્ડ પણ છે. આજકાલ તો લોકો રાજનીતિમાં ઘૂસવા માટે પત્રકાર બની જતા હોય છે પણ એ સમયે બાબુરાવ પ્રથમ પત્રકાર હતા જે ભા.જ.પ.ના જૂના અવતાર જનસંઘની ટિકિટ ઉપર 1967ની સંસદમાં ચુંટાયા હતા. 1960 સુધીમાં બાબુરાવમાં રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ જન્મી ચૂકી હતી અને એ માટે જ એમણે મધર ઇન્ડિયા સામયિક શરૂ કરેલું. બે સામયિકોનો માર સહન ન થયો એટલે ફિલ્મ ઇન્ડિયા બંધ કરી દીધું અને પૂરું ફોકસ મધર ઇન્ડિયા પર લગાવી દીધું. આ સામયિક પણ ખાસ્સું લોકપ્રિય થયેલું.
કાનપુરમાં જવાહરલાલ નહેરુએ એક પાર્ટી કરેલી તેમાં બાબુરાવ સપત્ની ગયેલા. ગરમી હતી એટલે પાર્ટી લોનમાં રાખેલી. ત્યાં પવનમાં સુશીલા રાણીની સાડીનો પાલવ ઊડીને નીચે પડી ગયો. નહેરુ બાજુમાં ઊભેલા હતા. એમણે મુશ્કુરાઈને પાલવ ઉઠાવીને સુશીલાને થમાવ્યો. બાબુરાવે આનો ફોટો પાડી લીધો અને ફિલ્મ ઇન્ડિયાના તાજા અંકમાં છાપીને લખ્યું : કોનું હાસ્ય વધુ મોહક છે? કોઇકે નહેરુને આ અંક બતાવીને પૂછ્યું, કે શું જવાબ છે? ત્યારે નહેરુએ કહ્યું, ‘આ નવજુવાનની મુશ્કુરાહટ લાજવાબ છે.’ એ વખતે બાબુરાવ પર લખાયેલા એક લેખકમાં જામીલ અન્સારી નામના પત્રકારે લખેલું, ‘પિસ્તોલ જો નિશાન ચૂકી જાય તો બાબુરાવ પિસ્તોલના બટ વડે કામ પૂરું કરે છે.’
પટેલોને આમે ય જુગાડ કરતા તો આવડે જ છે!
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 28 જૂન 2015
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5036114-NOR.html
![]()


એટલે, બને છે એવું કે ઠાકુર રાજનાથ સિંહ ચૌહાણ (વિજય આનંદ) માતાએ પસંદ કરેલી ઉચ્ચ ખાનદાનની છોકરી સાથે લગ્ન કરી લે તે માટે તુલસી (આશા પારેખ) પોતાનો પ્રેમ જતો કરે છે અને ઠાકુર સામે દલીલ પેશ કરતાં કહે છે : ‘હું જેને સપનાનું ઘર કહી શકું એવા આ ઘરમાં તુલસી માટે ક્યાં જગ્યા છે? હું તો જન્મોજનમથી ઘર બહાર રહી છું. હું તો આજના યુગની વૃંદા છું જેને ભગવાન કૃષ્ણ ઘરમાં લાવી શક્યા ન હતા. મારું વૈવાહિક સુખ તો તુલસીના છોડની જેમ ઘર બહાર રહેવામાં જ છે.’
જીનોમી કોડ એટલે વંશસૂત્ર જેમાં પ્રત્યેક વંશાણુ(જીન)માં આપણા (ગઈકાલના અને આવનારા) જીવનની તમામ માહિતી બંધ પડેલી છે. આપણે જેવા દેખાઈએ છીએ, જેવો વ્યવહાર કરીએ છીએ, જેવી શારીરિક યા માનસિક મુશ્કેલીઓ અથવા તો સરળતાનો અનુભવ કરીએ છીએ એનું આખું રિમોટ કંટ્રોલ આ જીનમાં હોય છે. માનવ શરીરમાં (અથવા તો, સમસ્ત જીવ શરીરમાં) આવી હજારો લાખો જીવિત કોશિકા હોય છે. કોશિકાઓના આવા વિશાળ સમૂહને જીનોમી કહે છે.
એક મિત્રે ઇમેલ મોકલ્યો છે. એમાં સમાચાર છે કે વાઇકિંગ સંસ્કૃિત વખતની રુન્સ બોલીમાં સાંકેતિક રીતે લખાયેલા 900 વર્ષ જૂના એક શબ્દને શોધકર્તાઓએ ‘કિસ મી’ તરીકે ઓળખી કાઢ્યો છે. રુન્સ પૌરાણિક જર્મન પ્રથમાક્ષરોમાંથી બનેલી બોલી હતી જે પ્રથમ સદીની આસપાસ સ્કેન્ડેનેિવયન વાઇકિંગ સંસ્કૃિતમાં લોકપ્રિય હતી. એ એક સાંકેતિક બોલી હતી અને જગતમાં એનાં નવ દૃષ્ટાંત જ ઉપલબ્ધ છે જેમાંથી આ ‘કિસ મી’ એક છે.
આપણે કિસ કેમ કરીએ છીએ? આ સવાલનો ઉત્તર નથી કારણ કે વિજ્ઞાને લગભગ તમામ વૃત્તિઓની છાનબીન કરી છે સિવાય કિસ. કિસિંગમાં એટલી વિભિન્નતા છે કે વિજ્ઞાન એનો સિદ્ધાંત કે નિયમ રચી શક્યું નથી. સંબંધે સંબંધે કિસ જુદી હોય છે. પતિ-પત્નીની કિસ, મા-દીકરાની કિસથી અલગ હોય છે. બે મિત્રોની કિસ બે ભાઈઅોની કિસ કરતાં જુદી હોય છે. ગાલ પરની કિસ હાથ પરની કિસ કરતાં ભિન્ન છે. ગુરુ એના શિષ્યના કપાળ પર કિસ કરે છે. શિષ્ય ગુરુના પગને કિસ કરે છે. ફ્રેન્ચ સંસ્કૃિતમાં 20 પ્રકારની કિસ છે. જર્મનો 30 પ્રકારે ચુંબન કરી શકે છે. જગતમાં 90 પ્રતિશત લોકો કિસ કરે છે. પરંતુ 10 પ્રતિશત સંસ્કૃિત એવી ય છે જ્યાં કિસ કરવી વર્જિત છે.
જેની લોકપ્રિયતા અપાર અને અમાપ છે તે હોઠ સે હોઠ મીલે કિસને ‘ફ્રેન્ચ કિસ’ કહેવાય છે. 20મી સદીની શરૂઆતમાં જગતમાં ફ્રેન્ચ લોકો એમની સેક્સ અભિવ્યક્તિમાં સાહસી અને ખુલ્લા હતા. એમાંથી તસતસતા ચુંબનને ‘ફ્રેન્ચ કિસ’ નામ મળેલું. ફ્રેન્ચ લોકોની એક કિસનું નામ ‘હોટ એર’ (ગર્મ હવા) છે. જેમાં સ્ત્રીના કાન નીચેના ઇરોજીનસ (કામોત્તેજક) ભાગ પર ચુંબન કરતી વખતે એના કાનમાં હલકો હલકો શ્વાસ છોડવાનો!