ફ્રેન્ચ વિચારક અને લેખક જ્યા-પોલ-સાર્ત્રે 1964માં સાહિત્યનું નોબેલ પારિતોષિક ઠુકરાવતી વખતે કહ્યું હતું, “એક લેખકે લખાયેલા શબ્દને વફાદાર રહીને જ એનો રાજનૈતિક, સામાજિક કે સાહિત્યિક અભિગમ કેળવવો જોઈએ એને જેટલાં પણ સન્માન મળે છે એનાથી એના વાચકો એક પ્રકારના અહેસાન હેઠળ આવી જાય છે. હસ્તાક્ષર કરતી વખતે ‘જ્યા-પોલ-સાર્ત્ર’ લખવું અને ‘જ્યા-પોલ-સાર્ત્ર, નોબેલ પારિતોષિક વિજેતા’ એમ લખવું એ બંનેમાં ફરક છે. એક લેખકે સંસ્થાઓથી પ્રોત્સાહિત થવાથી બચવું જોઈએ.”
સાર્ત્ર સૈદ્ધાંતિક રીતે કોઈ પણ માન-સન્માન ઇનામ-અકરામના વિરોધી હતા. સ્વિડિશ અકાદમીએ એમના નામે નોબેલ જાહેર કર્યું અને એમણે એનો ઇન્કાર કર્યો ત્યારે મીડિયામાં ‘કૌભાંડ’ મચી ગયું હતું. તેની સ્પષ્ટતા કરતાં સાર્ત્રે કહેલું, મારો વિરોધ નોબેલ પારિતોષિક સામે નથી. હું તો લેનિન પારિતોષિક પણ ન લઉં અને અગાઉ લીજિયોન ઓફ ઓનર અને કોલેજ ડી ફ્રાન્સનો પણ ઇન્કાર કરી ચૂક્યો છું. મારો વિરોધ લેખક કોઈ સંસ્થાના અહોભાવ હેઠળ આવે તેની સામે છે.
ઉત્તરપ્રદેશના દાદરી ઇલાકામાં ગૌમાંસ રાખવાની શંકા પરથી થયેલી હત્યાને લઈને સર્જાયેલા માહોલમાં નરેન્દ્ર મોદીની ચુપકીદીનો વિરોધ કરવા અંગ્રેજી લેખક નયનતારા સહગલે 1986માં મળેલું સાહિત્ય અકાદમી પારિતોષિક પાછું આપી દીધું તે પછી સહગલે, ઇન ધ ફર્સ્ટ પ્લેસ, આ પારિતોષિક કેમ સ્વીકાર્યું હતું અને દાદરીની ઘટના પહેલાં ય અનેક ઘટનાઓ બની ત્યારે તે પાછું કેમ ન આપ્યું હતું તેવા અનેક સવાલો ઊઠ્યા.
નયનતારા સહગલના પગલે મશહૂર હિન્દી કવિ અશોક વાજપેયી, મલાયલી લેખિકા સારા જોસેફ અને ઉર્દૂ લેખક રહમાન અબ્બાસે પણ અકાદમીના એવોર્ડ પાછા આપ્યા છે. આ તમામ લેખકોના વિરોધ એ છે કે અગાઉ કન્નડ લેખક એમ. કુલબર્ગીની હત્યા અને છેલ્લે દાદરીની ઘટના પછી દેશમાં બિનસાંપ્રદાયિકતા અને ભિન્ન મત ખતરામાં છે અને મોદી સરકાર આ બાબતે મૌન બનીને તમાશો સેવી રહી છે.
સાહિત્યકારો દ્વારા પુરસ્કાર પાછા આપવા કે સરકારના વિરોધમાં ઊભા થઈ જવું એ નવી વાત નથી. હિન્દી કહાનીકાર ફણીશ્વર રેણુને એમની નવલકથા ‘મૈલા આંચલ’ માટે પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. ઇન્દિરા ગાંધીની કટોકટી અને સરકારી દમનના વિરોધમાં રેણુએ પદ્મશ્રી એવોર્ડ પરત કરી દીધો હતો. 1984માં ઇન્દિરા ગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિર પર સૈનિક કાર્યવાહી કરી તેના વિરોધમાં અંગ્રેજી પત્રકાર-લેખક ખુશવંત સિંહે 1974માં તેમને મળેલો પદ્મભૂષણ એવોર્ડ પાછો મોકલી આપ્યો હતો. એક સદી પહેલાં જલિયાંવાલા બાગમાં થયેલા નરસ઼ંહારથી વ્યથિત થઈને રવીન્દ્રનાથ ટાગોર બ્રિટિશ સરકારે આપેલી ‘સર’ની ઉપાધિ પાછી આપી દીધી હતી.
રાબેતા મુજબ, સરકાર તરફી ‘બુદ્ધિજીવી’ લેખકો-પત્રકારોએ દાદરીની ઘટનાથી વ્યથિત લેખકોની પુરસ્કાર વાપસીને દંભ અને ડબલ સ્ટાન્ડર્ડ ગણાવી છે. પત્રકાર રાજદીપ સરદેસાઈએ એવો સવાલ ઉઠાવ્યો કે નયનતારા સહગલ, જે નેહરુની બહેન વિજયાલક્ષ્મી પંડિતની દીકરી છે, ઇન્દિરાની હત્યા પછી કોંગ્રેસીઓએ શીખોની કત્લેઆમ ચલાવી હતી. તેનો વિરોધ કેમ કર્યો ન હતો? 1975માં ઇન્દિરાએ કટોકટી જાહેર કરી ત્યારે નયનતારાએ વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ 1986માં ‘રિચ લાઇક અસ’ પુસ્તક માટે અકાદમી પુરસ્કાર મળ્યો ત્યારે તેમને 1984ના શીખ-દંગલનો વિરોધ કરવાનું કેમ ન સૂઝ્યું?
આ દલીલમાં તર્ક છે, પણ ડહાપણ નથી. નયનતારાએ શીખ વિરોધી રમખાણોમાં મોં ન ખોલ્યું. બાબરી ધ્વંસ વખતે અવાજ ઊંચો ન કર્યો અને ગુજરાતનાં તોફાનોમાં મોદીની ટીકા ન કરી એટલે દાદરીની ઘટનામાં બોલવાનો એમને કોઈ હક નથી એવું ગણિત વાહિયાત છે. એક લેખકને વિરોધ કરવાની એક જ વાર તક મળે છે અને એ પહેલી તક ગુમાવી દીધા પછી એ કાયમ માટે એ અધિકારથી વંચિત રહે છે, એવો આત્યંતિક અભિગમ ‘લેખક પહેલી વખત તો બોલ્યો ન હતો’ એના કરતાં વધુ જોખમી છે. એ ન્યાયે તો જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં નાઇટહૂડ પાછો આપનાર રવીન્દ્રનાથ ટાગોરને ‘ગીતાંજલિ’ માટે નોબેલ પુરસ્કાર લેવાનો હક ન હતો.
હકીકતમાં કોઈ એક રાજકીય કે સામાજિક પરિસ્થિતિ ઉપર લેખક બોલે છે કે નહીં તે મુદ્દો મહત્ત્વનો છે. લેખક એટલા માટે લખતો નથી કે એના નામ પાછળ (ડોક્ટર કે સંસદ સભ્યની જેમ) ‘લેખક’નું લટકિણયું લાગે. લેખક એટલા માટે લખે છે કે એને કશુંક કહેવાનું હોય છે. મોટાભાગે તો લેખકને એના લખાણના બદલામાં (ડોક્ટર કે સંસદ સભ્યથી વિપરીત) ભૂખમરો જ મળતો હોય છે. લેખન એ સન્માનજનક પેશો છે, પરંતુ કસદાર નથી. મોટાભાગના લેખકો માટે લખવું એ દ્વિતીય વ્યવસાય છે, પ્રથમ નહીં, કારણ કે પ્રથમ વ્યવસાયથી જ એનું ઘર ચાલે છે.
છતાં, લેખક એનું સુખ-ચૈન બરબાદ કરીને લખે છે, કારણ કે એ સમાજની કે એમાં રહેતા માણસની કોઈક બાબતથી પ્રભાવિત થયો છે અને એ વાત એણે કરવી છે. ‘એનિમલ ફાર્મ’ અને ‘1984’ નામની અત્યંત અસરકારક, ભવિષ્યવેત્તા નવલકથા લખનાર જ્યોર્જ ઓરવેલે કહ્યું હતું કે, “લેખક ઐતિહાસિક ઉત્તેજના અને રાજકીય હેતુ માટે લખે છે. લેખક દુનિયાને અમુક દિશામાં લઈ જવા ઇચ્છે છે, ચોક્કસ પ્રકારના સમાજની રચના કરવા લોકોના વિચારોમાં જરૂરી તબદીલી લાવવા માગે છે. હું જ્યારે લખવા બેસું છું ત્યારે એવું નથી વિચારતો કે મારે એક મહાન કૃતિનું સર્જન કરવું છે. હું લખું છું કારણ કે મારે કોઈ અન્યાય કે જૂઠની વાત કરવી છે.”
ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે પોતાના સમયથી આગળની વાર્તાઓ લખનાર ઉર્દૂ લેખક સઆદત હસન મંટોએ ‘હું શા માટે લખું છું’ લેખમાં લખ્યું હતું. “હું એટલા માટે લખું છું કે મારે કશુંક કહેવાનું છે. હું લખું છું એટલા માટે કે થોડુંક કમાઈ શકું જેથી કશુંક કહેવા માટે કાબેલ રહું.”
લેખક એટલા માટે લખે છે કારણ કે લોકો એ વાંચે છે અને વિચારે પણ છે. બીજા વ્યવસાયથી વિપરીત લેખકોના શબ્દોની સચ્ચાઈ અને પવિત્રતા હજુ જળવાઈ રહી છે. શબ્દ હજુ ય એક ટોર્ચનું કામ કરે છે. વિચાર હજુ ય એક આવેગ અને ચર્ચા અને ખ્વાબનો વિકલ્પ પૂરો પાડે છે. લેખકના શબ્દો અને વિચારોમાં ભવિષ્યની એક સંભાવના પડેલી હોય છે. લેખક આપણને આપણી શર્મ, આપણી નિષ્ફળતા, આપણાં દુ:ખ-દર્દથી રૂબરૂ કરાવે છે. લેખક જ્યારે લખે છે ત્યારે એક સામાજિક ચેતના આપણી સાથે સંવાદ કરે છે.
સાહિત્યને લોકોનો આત્મા કહેવાય છે. આ કારણથી જ રાજસત્તા અને સાહિત્ય વચ્ચે છત્તીસનો આંકડો હોય છે. સત્તા સ્વભાવથી જ નિરંકુશ હોય છે. એને સવાલો સાંભળવાની આદત નથી. જ્યારે સાહિત્યકારનું તો કામ જ સવાલો ઉઠાવવાનું છે. મીર તકી મીરે એના સમયના અમીર-ઉમરા પર કડવી જુબાન ચલાવી હતી. અંતિમ મુઘલ બાદશાહ બહાદુરશાહ ગેફરના દરબારમાં નિયુક્તિ મેળવનાર ગાલિબે અહેસાનમંદીમાં દબાઈ જવાને બદલે વ્યંગમાં લખ્યું હતું, “ગાલિબ વઝીફાખ્વાર તો, દો શાહ કો દુઆ … વો દિન ગયે કી કહતે થે નૌકર નહીં હૂં મૈં.”
જ્યારે બીજા બધા રાજાના દરબારમાં કૂરનીશ બજાવતા હોય ત્યારે કોઈ એક અવાજ પ્રતિરોધમાં ઊઠે એ સામાન્ય વાત નથી. ઘેટાં ચાલે નહીં ચાલવું એ હિંમતનું નામ છે. ભિન્ન જાત હોવી, વિરોધમાં સૂર હોવો એ એકલતાનું કામ છે. નયનતારાએ મોદીના મૌનમાં પંક્ચર પાડ્યંુ તો આપણે એમની પડખે ઊભા જ રહેવાના બદલે એમના આશય પર શંકા કરી. નયનતારા અને એમના પગલે જે સંખ્યાબદ્ધ સાહિત્યકારોએ એવોર્ડ પરત કર્યા એ ઘણી બધી ઘટનાઓનું ચરમ બિંદુ છે. એટલે મહત્ત્વનો મુદ્દો એ નથી કે વિરોધ કરવાવાળી વ્યક્તિ લાયક છે કે ‘નાલાયક’ (આડવાત: નયનતારાએ કટોકટીનો વિરોધ કર્યો ત્યારે એમને વધાવી લેવાયા હતા). મહત્ત્વની વાત એ છે કે કયા મુદ્દાનો વિરોધ થાય છે.
એવોર્ડ પરત કરવા એ કોઈ શરત નથી. દરેક વ્યક્તિને એ અધિકાર છે કે એણે કયા મુદ્દાનો વિરોધ કરવો અને કઈ વાતનું સમર્થન કરવું. એના તરીકા અલગ અલગ હોઈ શકે. ભારતમાં પહેલી વાર બન્યું છે! એક સામટા ઘણાં બધા લેખકોએ ‘સાંપ્રદાયિક વ્યવહાર વિચાર અને વૃત્તિ સામે અવાજ ઉઠાવ્યો છે. આપણે ત્યાં લેખકોના વિચાર કે શબ્દને ગંભીરતાથી લેવાની પરંપરા છે. હિન્દી કવિ દુષ્યંતકુમારે કહ્યું હતું તેમ:
કૈસે આકાશ મેં સુરાખ નહીં તો સકતા,
એક પત્થર તો તબિયત સે ઉછાલો યારો.
https://www.facebook.com/permalink.php?story_fbid=1492571367737584&id=1379939932334062&substory_index=0&pnref=story