અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ રાજસ્થાનના ગવર્નર કલ્યાણસિંહે રાષ્ટ્રીયગીત ‘જન ગણ મન અધિનાયક’માંથી ‘અધિનાયક’ શબ્દને પડતો મૂકવાની માગણી કરીને જે વિવાદ ઊભો કર્યો છે તે વિવાદ આમ તો નવો નથી. આ ગીતમાં ‘અધિનાયક જય હો’ દ્વારા રવીન્દ્રનાથ ટાગોરે તત્કાલીન બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમની સ્તુિત કરી હતી એવો આરોપ અગાઉ પણ થઈ ચૂક્યો છે.
રાજસ્થાન વિશ્વ વિદ્યાલયના દીક્ષાન્ત સમારોહમાં કલ્યાણસિંહે કહ્યું હતું કે, ‘જન ગણ મન અધિનાયક જય હો કિસ કે લીયે હૈ? આ તો અંગ્રેજ શાસકની સ્તુિત છે. આ ભૂલ સુધારીને ‘જન ગણ મન મંગલ ગાયે’ કહેવાનો સમય પાકી ગયો છે. મને રવીન્દ્રનાથ ટાગોરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સન્માન છે પરંતુ મને લાગે છે કે રાષ્ટ્રગીતમાંથી ‘અધિનાયક’ શબ્દ પડતો મૂકવો જોઈએ.’
કલ્યાણસિંહના કહેવા મુજબ ટાગોરે આ ગીત જ્યોર્જ પંચમના ભારત આગમન પર 26 ડિસેમ્બર, 1911ના દિવસે આયોજિત દિલ્હી દરબારમાં રાજાની સ્તુિત માટે લખ્યું હતું અને એમાં ‘અધિનાયક’ વિશેષણ બ્રિટિશ સમ્રાટનું વર્ચસ્વ બતાવવા માટે વાપરવામાં અાવ્યું હતું. ગીતમાં આ વિશેષણને યથાવત્ રાખવાથી દેશની પરાધિનતાની યાદ તાજા રહે છે, એમ કલ્યાણસિંહનું કહેવું છે.
ટાગોરનું આ ગીત રાજાની સ્તુિતમાં છે કે નહીં તે અંગે ખાસ્સી સંદિગ્ધતા છે. આ ગીત પહેલીવાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા આયોજિત દિલ્હી દરબારમાં ગાવામાં આવ્યું હતું તે સાચું? તત્કાલીન સમાચારપત્રોમાં આ દિલ્હી દરબારના જે અહેવાલો આવ્યા હતા તેમાંથી એક માન્યતા લોકપ્રિય બનતી ગઈ કે ટાગોરે જ્યોર્જ પંચમની આરતી ઉતારી હતી.
1911 સુધી ભારતની રાજધાની કલકત્તામાં હતી. 1905માં બંગાળના વિભાજનની માગણી સાથે બંગાળીઓ અંગ્રેજો સામે વિદ્રોહમાં ઊભા થઈ ગયા એટલે પોતાને બચાવવા માટે અંગ્રેજો રાજધાનીને કલકત્તાથી ખસેડીને દિલ્હી લઈ આવ્યા અને 1912થી દિલ્હીને રાજધાની જાહેર કરી. તે વખતે પૂરા ભારતમાં વિદ્રોહની ચિનગારી ચંપાઈ ગઈ હતી અને એને શાંત કરવાના પ્રયાસમાં જ ઇંગ્લેન્ડના સમ્રાટ જ્યોર્જ પંચમને ભારત આમંત્રિત કર્યા હતા.
12 ડિસેમ્બર, 1911માં રાજા ભારત આવ્યા ત્યારે કોંગ્રેસે ટાગોરને અધિવેશન માટે ગીત લખવા આગ્રહ કર્યો હતો. એ સમયે ટાગોર પરિવાર અંગ્રેજોની નજીક હતો અને ઘણા સભ્યો ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા હતા. ટાગોરના દાદા દ્વારકાનાથે પણ કંપનીની નોકરી કરેલી. ટાગોરના એક પરિવારજને તો જ્યોર્જ પંચમના માથે છત્રી પણ પકડી રાખી હતી એવું ય કહેવાય છે.
કલકત્તાના તત્કાલીન સમાચારપત્રો ધ ઇંગ્લિશમેન, ધ સ્ટેટસ મેન અને ધ ઇન્ડિયનમાં આવા અહેવાલ પણ પ્રગટ થયેલા કે સમ્રાટના સન્માનમાં ટાગોરે રચેલા ગીતના ગાયનથી દિલ્હી દરબારનો સમારોહ શરૂ થયેલો. દિલ્હી વિશ્વવિદ્યાલયના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર પ્રદીપ કુમાર દત્તા અને ટેલિવિઝન પત્રકાર મૃણાલ પાંડેના મત અનુસાર આ આખી ગલતફેમી ગલત રિપોર્ટિંગના કારણે પેદા થઈ છે. મૃણાલ પાંડે કહે છે કે ટાગોરના જીવનનો અભ્યાસ કર્યા પછી એવું સાફ ખબર પડે છે કે 26 તારીખે દિલ્હી દરબારમાં રામભુજ ચૌધરી નામના કોઈક કવિએ સમ્રાટના સન્માનમાં હિન્દીમાં સ્વરચિત ગીત ગાયું હતું પણ એનો કોઇ રેકોર્ડ કે દસ્તાવેજ ઉપલબ્ધ નથી. એના બીજા જ દિવસે કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન હતું જેમાં ટાગોરની ભત્રીજી સરલા દેવીએ સ્કૂલી બચ્ચીઓ સાથે ટાગોરનું ગીત ગાયું હતું. પરંતુ અંગ્રેજી સમાચારપત્રોએ બંને સમાચારનું ભેગું રિપોર્ટિંગ કરીને લખ્યું હતું કે બે નેટિવ્સ (એટલે કે દેશી) લોકોએ જ્યોર્જ પંચમની તારીફમાં સ્વરચિત ગીત ગાયાં હતાં.
28 ડિસેમ્બર, 1911ના ધ બેન્ગાલ નામના સમાચારપત્રમાં અહેવાલ હતો, ‘કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મહાન બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોરના ગીતના ગાયનથી શરૂ થયું. એ પછી સમ્રાટ જ્યોર્જ પંચમ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો ખરડો પસાર કરવામાં આવ્યો. આ પ્રસંગે સમ્રાટની સ્તુિતમાં છોકરા-છોકરીઓ દ્વારા એક ગીત પણ ગાવામાં આવ્યું.’
પ્રોફેસર પ્રદીપ કુમાર દત્તા કહે છે કે ટાગોરના જીવન અને કામનો જેને થોડો ય પરિચય હોય તેને ‘ટાગોરે રાજાની આરતી ઉતારી હતી’ એ વિચાર વાહિયાત લાગે. ટાગોરના સમકાલીનોને ખબર હતી કે ટાગોર બ્રિટિશ સરકારની ખિલાફ હતા. એટલું જ નહીં, કોંગ્રેસનું અધિવેશન પૂરું થયું તેના ગણતરીના દિવસોમાં જ બ્રિટિશ સરકારે એક પરિપત્ર બહાર પાડીને ટાગોરનું શાંતિનિકેતન સરકારી અફસરોનાં બાળકો માટે અયોગ્ય હોવાની સૂચના આપી હતી અને અફસરો બાળકોને ત્યાં ભણવા મૂકે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
1919માં, જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી, ટાગોરે જ્યોર્જ પંચમ દ્વારા અર્પિત નાઇટહૂડનો ખિતાબ પરત કરી દીધો હતો. એમને જ્યારે ‘જન ગણ મન’ માટે નોબેલ પારિતોષિક (જેની કમિટીના અધ્યક્ષપદે જ્યોર્જ પંચમ હતા)ની ભલામણ થઈ ત્યારે ટાગોરે જ એનો વિરોધ કરીને કહ્યું હતું કે મને જો નોબેલ પુરસ્કાર આપવો હોય તો ‘ગીતાંજલિ’ માટે આપો પણ આ ગીત માટે તો ન જ આપો.
રવીન્દ્રનાથની બહેનના પતિ સુરેન્દ્રનાથ બેનર્જી લંડનમાં આઇ.પી.એસ. ઓફિસર હતા. તેમને એક પત્રમાં ટાગોરે લખેલું, ‘જન ગણ મન અંગ્રેજોએ મારી પર દબાણ કરીને લખાવ્યું છે. એના શબ્દોના અર્થ સારા નથી. એને ગાવામાં ન અાવે તે ઇચ્છનીય છે.’ ગાંધીજીએ આ ગીત માટે ટાગોરને ઠપકો પણ આપેલો. 1947માં સ્વાધીનતા પછી સંવિધાન સભામાં ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત જાહેર કરવું કે ‘જન ગણ મન’ને એ મુદ્દા પર લાંબી બહસ થયેલી. અંતમાં ‘વંદે માતરમ્’ની તરફેણમાં વધુ મત પડ્યા હતા પરંતુ નહેરુ ‘જન ગણ મન’ને જ રાષ્ટ્રગીત બનાવવા માગતા હતા એટલે સંવિધાન સભાએ 24, જાન્યુઆરી, 1950ના દિવસે ‘જન ગણ મન’ને ભારતના રાષ્ટ્રગાનના સ્વરૂપમાં સ્વીકારી લીધું. સ્વાધીનતા આંદોલનના સમયથી જ મુસલમાનો ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત માનવા તૈયાર ન હતા એટલે વિભાજન વખતની કોમી લાગણીને ધ્યાનમાં લઈને ‘જન ગણ મન’નો કોંગ્રેસે આગ્રહ રાખ્યો હતો.
એક્ચુઅલી, આ ગીત લખવાની ‘વિનંતી’ આવી એનાથી ટાગોરને અચરજ પણ થયું હતું. બંગાળી ક્રાંતિકારી અને ઢાકા અનુશિલન સમિતિના સ્થાપક અધ્યક્ષ પુલીન બિહારી દાસને 10 નવેમ્બર, 1937માં લખેલા પત્રમાં ટાગોરે વિનંતી અંગે આશ્ચર્ય તો પ્રગટ કર્યું જ હતું પણ એનાથી ય વધુ દુ:ખ તો તેમણે એ અફવા માટે કર્યું હતું જેમાં એવો આરોપ હતો કે ટાગોરે દિલ્હી દરબાર માટે આ ગીત રચ્યું હતું. ટાગોરે એવી સ્પષ્ટતા પણ કરેલી કે તેમણે આ ગીત ભારતનું ભાગ્ય લખનાર વિધાતાની સ્તુિતમાં લખ્યું હતું અને નહેરુએ એ કારણસર જ એની તરફદારી કરી હતી.
13 માર્ચના અન્ય એક પત્રમાં ટાગોર લખે છે, ‘જે લોકો એમ સમજતા હોય કે જ્યોર્જ પંચમ યા ષષ્ઠમની તારીફમાં હું ગીત ગાવા જેવી પરમ મૂર્ખતા કરું તો એમને જવાબ આપવાનું પણ હું મારી શાનની ખિલાફ સમજું છું.’ આ જ પત્રમાં ટાગોરે ‘અધિનાયક’ વિશેષણની પણ સ્પષ્ટતા કરી હતી. ટાગોર લખે છે, ‘એ ભાગ્ય વિધાતા, ભારતના જન-માનસનો રખેવાળ જ્યોર્જ પંચમ ના હોઇ શકે.’ ટાગોરની ગીતાંજલિમાં પણ શાહ-સમ્રાટ(અધિશ્વરના રૂપમાં)નો સંદર્ભ આવે છે. ‘અધિનાયક’નો અર્થ ઇંગ્લેન્ડનો રાજા છે એવો તર્ક લલચામણો તો છે પરંતુ ટાગોર જેવો બૌદ્ધિક અને સંવેનશીલ કવિ કોઈક દિવ્ય વિભૂતિ, પરમ આત્માને બદલે હાડ-માંસના માણસને સંબોધી રહ્યા હોય એ માનવાલાયક નથી.
1941માં ટાગોરના અવસાન પછી કરવામાં આવેલા એક સર્વેમાં ‘વંદે માતરમ્’ની તરફેણ ઘણાએ કરી હતી પરંતુ ‘જન ગણ મન’માં મજબૂત રાષ્ટ્રીય ભાવના છે તેવું ય અનુભવ્યું હતું. તે વખતે અલામા ઇકબાલનું ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ પણ રાષ્ટ્રગીતની હોડમાં હતું, પરંતુ ‘હિન્દુસ્તાન’ શબ્દના કારણે જ ઊડી ગયું હતું. ‘જન ગણ મન’ એક સેક્યુલર વિચાર કે ભાવના હતી અને એટલે જ ‘વંદે માતરમ્’ અને ‘સારે જહાં …’ની સામે વ્યાપક સ્વીકૃતિ પામ્યું હતું.
આજે 100 વર્ષ પછી એમાં ‘ખોડ’ કાઢીને ઇતિહાસને નવેસરથી લખવાની ચેષ્ટા બિનજરૂરી જ નહીં, હાસ્યાસ્પદ પણ છે એવું જો અાપણા ‘અધિનાયકો’ સમજે તો ભારતનું ભાગ્ય વધુ સુરક્ષિત હશે.
અસ્તુ.
સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 26 જુલાઈ 2015
https://www.facebook.com/permalink.php?story_fbid=1441010722893649&id=1379939932334062&substory_index=0