કેરળ સરકાર ભારતની સૌ પ્રથમ સેક્સ રજીસ્ટ્રી સ્થાપવા જઈ રહી છે. મલયાલમ ફિલ્મોની એક શીર્ષ અભિનેત્રી સાથે ચાલુ કારમાં ત્રણ કલાક સુધી દુર્વ્યવહાર થયો તે પછી રાજ્ય સરકારે સેક્સના ગુનાના મુજરિમોને લગતી તમામ માહિતી એક સિસ્ટમમાં એકઠી રાખવાનો અને કોઈ પણ વ્યક્તિ એનાથી સૂચિત થઈ શકે તે માટે તેને ઓનલાઇન સાર્વજનિક કરવાનો નિર્ણય લેવાયો છે.
કેરળમાં મહિલાઓ અને બાળકો સંબંધી ગુનાની સંખ્યા ગયા વર્ષે 17 હજાર હતી, જેમાં 2,500 ગુના બળાત્કારના હતા. એમાં ગયા સપ્તાહે લોકપ્રિય અભિનેત્રી સાથે જે થયું તે પછી સરકારે પેનિક બટન દબાવીને સેક્સ અપરાધીઓને સાર્વજનિક રીતે શરમમાં મૂકવાનું નક્કી કર્યું છે, જેથી એમને ગુનો દોહરાવતાં રોકી શકાય. સેક્સ રજીસ્ટ્રી અંગ્રેજી-ભાષી દેશોમાં સાધારણ બાબત છે. આ દિશામાં ભારત પ્રથમ બિન-અંગ્રેજી ભાષી દેશ હશે, જે સેક્સ રજીસ્ટ્રી શરૂ કરશે. આ પ્રકારની વ્યવસ્થા અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, દક્ષિણ આફ્રિકા, જમૈકા અને ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં છે. આમાંથી અમેરિકાની સેક્સ રજીસ્ટ્રી જ આમ જનતા માટે પણ ખુલ્લી છે, જ્યારે બાકીના દેશોમાં કાનૂન વ્યવસ્થા સંબંધી એજન્સીઓ જ સેક્સ-રજીસ્ટ્રી ચેક કરી શકે છે.
દિલ્હીમાં નિર્ભયા સમૂહ-બળાત્કાર બાદ આ બીજો ભીષણ કિસ્સો છે, જેના કારણે પૂરા કેરળ રાજ્યમાં જનતામાં પ્રચંડ રોષ છે, અને રાજ્યમાં પ્રતિદિન સ્ત્રી વિરોધી ગુનાઓની સ્થિતિ ગંભીર થતી જોઇને સેક્સ-રજીસ્ટ્રીનો વિચાર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ભારતમાં બીજાં રાજ્યો પણ આનું અનુકરણ કરે તે સ્વાભાવિક છે, કારણ કે ભારતમાં વધતા-ઓછા અંશે દરેક રાજ્યમાં સ્ત્રીઓને રંજાડવાનું બહુ સામાન્ય છે.
કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે. કેરળમાં બીજાં રાજ્યોની સરખામણીમાં સ્ત્રીઓનો રેશિયો (એક હજાર પુરુષે 1058 સ્ત્રીઓ) પણ વધારે છે. છેલ્લી અડધી સદીથી કેરળમાં સુખ-સંપત્તિનું જબ્બર જુનૂન છે. ઘરબાર, પ્રદેશ છોડીને લાખોની સંખ્યામાં મલાયલીઓ બીજાં રાજ્યોમાં સુખની તલાશમાં ગયા છે. કેરળમાં સૌથી વધુ શરાબ પીવાય છે. મલાયલીઓ ભૌતિક સુખને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સુખવાદ અને ઉપભોગીપણાનાં કારણે જ સમાજ અને પરિવારનો ઢાંચો (જેમાં માણસાઇ અહમ હોય છે) હલી ગયો છે, અને આ જ કારણથી સેક્સ સંબંધી ગુના (જેનો સીધો સંબંધ સુખવાદ સાથે છે) વધી રહ્યા છે.
સેક્સ સંબંધી ગુનાઓમાં શું કરવું અને ન કરવું, એ પોલીસ કે કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન એના સ્થાને છે, પરંતુ એનાથી ય અહમ પ્રશ્ન એ છે કે સેક્સ સાથે (એની બહેતરીન પ્રસ્તુિતમાં કે એના બદતરીન કરતૂતમાં) આપણે કેવી રીતે પનારો પાડવો? જે દેશમાં 51 કરોડનો યુવા વર્ગ હોય તેની પાસે સેક્સને લઇને કોઇ દિશા-દોરી ન હોય એ એક સમાજ તરીકે, એક રાષ્ટ્ર તરીકે આપણી વિફળતા કહેવાય. એનું સૌથી મોટું કારણ એ છે કે સેક્સને લઇને આપણો દૃષ્ટિકોણ પશ્ચિમના ચોકઠામાં ફિટ થઈ ગયો છે. ચાહે એ કાયદા-વ્યવસ્થાનો પ્રશ્ન હોય કે પછી સિનેમા-કળાનો હોય (જેમ કે ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર) આપણે ઉત્તરોત્તર એનાં સમાધાનો કે ઉપાયો પશ્ચિમી સમાજના સંદર્ભોમાં ખોજીએ છીએ.
સેક્સની શરમ કરવાનો કે એને સજા કરવાનો અભિગમ જ પશ્ચિમથી આવ્યો છે. ભારતની પરંપરામાં સેક્સ ક્યારે ય બેઇજ્જતી કે તિરસ્કારનો વિષય રહ્યો ન હતો. જ્યારથી એમાં સંકુચિતતા અને ચીઢ પ્રવેશી ત્યારથી દમન શરૂ થયું અને એમાંથી જ સેક્સને દંડવાની જરૂરિયાત પણ ઊભી થઈ. કેરળ જેવા ‘સુસંસ્કૃત’ સમાજમાં સેક્સ એના પારંપરિક માનવીય સહવાસમાંથી નીકળીને ક્રાઇમ બની જાય, તેનું કારણ સેક્સને પોતાનો દીકરો ગણવો કે અનૌરસ સંતાન? એની મૂંઝવણ છે. આ ભાંજગડ ભારતની નથી, ઉછીની આવેલી છે.
મુસ્લિમ અને બ્રિટિશ શાસનના એક લાંબા સમય દરમિયાન જે નુકસાન થયું તે હિન્દુ સમાજના આત્મવિશ્વાસનું. આજે આપણે મિલિટરી અને આર્થિક તાકાતના જોરે દુનિયા સાથે સ્પર્ધા કરવા કોશિશ કરીએ છીએ, પરંતુ એક સંસ્કૃિત તરીકે આપણામાં ભારોભાર સંશય છે. એક તરફ કામસૂત્ર, ગીત ગોવિંદ, કોણાર્ક અને ખજૂરાહોનો ઇતિહાસ છે, તો બીજી તરફ હિન્દી ફિલ્મોમાં ચુંબનને સેન્સર કરવાનો વર્તમાન છે. આપણે એક એવો સમાજ છીએ જેનામાં સેક્સના દમન અને સેક્સના શૃંગારની ભેળસેળ થઈ છે.
આનું કારણ એ નથી કે ક્રિશ્ચિયાનિટીમાં કે ઇસ્લામમાં કામુકતા ન હતી. ક્રિશ્ચિયાનિટીમાં સેક્સનો તિરસ્કાર રોમન અને ગ્રીક સંસ્કૃિતના આંત્યતિક સુખવાદમાંથી આવ્યો હતો, જ્યારે ઇસ્લામિક સમાજમાં તો વિષયાસક્તિની ધૂમધામ રહી છે. આમ છતાં હિન્દુ સમાજમાં શંૃગાર પ્રત્યે સંશય પેદા થયો, કારણ કે આપણે વિદેશી શાસકોને આપણા કરતાં બહેતર ગણવાનું શરૂ કર્યું. એમાંથી સેક્સનું દમન અને એને સજા કરવાનો ભાવ આવ્યો.
પશ્ચિમના પંડિતોએ એમના સમાજમાં સેક્સને ચીઢથી જોયો હતો, એટલે એમણે જ્યારે શંૃગારને ભારતીય જીવનમાં સહજતાથી ગોઠવાયેલો જોયો ત્યારે તેમાં એમને એક પ્રકારના વિદ્રોહ અને ચુનૌતી દેખાઈ. વિદેશી પંડિતોએ આ જ ચોકઠામાં સેક્સને વ્યાખ્યાઇત કર્યો. ભારતીયો આ નજરથી સેક્સને જોવા ટેવાયેલા ન હતા, અને પશ્ચિમના વિશ્લેષકોએ જ્યારે આ સહજતાને ‘આધુનિકતા’માં ખપાવી ત્યારે હિન્દુ સમાજમાં એક પ્રકારની શર્મિન્દગી પેદા થઈ. વિદેશીઓને આજે પણ શિવલિંગની પ્રાર્થના જોઇને આશ્ચર્ય થાય છે.
પશ્ચિમના અભ્યાસુઓએ ભારતીય સેક્સને આધ્યાત્મિકતાથી હટાવીને જોવાનું શરૂ કર્યું એમાંથી હિન્દુ સમાજને પોતાની સંસ્કૃિતમાંથી વિશ્વાસ ડગી ગયો અને આપણે ક્રિશ્ચિયન તથા ઇસ્લામિક પરિપ્રેક્ષ્યને માનતા થઈ ગયા. 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારનો જે દૌર આવ્યો તેમાં શુદ્ધતા અને વિકાસની આખી વ્યાખ્યા પશ્ચિમના રંગે રંગાયેલી હતી અને હિન્દુ સમાજ માટે જે બાબતો સહજ હતી (અને વિદેશીઓ માટે દૂષિત) તેને પણ વાળીઝૂડીને બહાર મૂકી દેવાઈ.
માણસની તમામ વૃત્તિઓમાંથી એક માત્ર સેક્સ જ ખાસો જટિલ રહ્યો છે. એ શાલીન કે સાધારણ નથી. એ આપણને અસ્વસ્થ કરી મૂકે છે. સેક્સ બેતુકો, બેઢંગ અને વિવેકશૂન્ય છે. સેક્સ માણસની ઉચ્ચતમ જવાબદારીઓ અને મૂલ્યો સાથે દ્વંદ્વ ઊભો કરે છે. સેક્સ એવી અરાજક અને ધૃષ્ટ તાકાત છે, જે સહજ અને સાધારણ રીતે એની સામે પેશ આવવાના આપણા બધા પ્રયાસોને વિફળ બનાવીને રોડાં પાથરતો રહે છે.
હિન્દુ સમાજે સેક્સના મામલે ચતુરાઇ કેળવી હતી.
પશ્ચિમથી વિપરીત, જેમણે સેક્સને મનોરંજન અને પ્રજનનના ચોકઠામાંથી જ જોયો છે, આપણે સેક્સને બાકી ત્રણ પુરુષાર્થ (ધર્મ, અર્થ અને મોક્ષ) સાથે મૂકીને ‘નોર્મલ’ બનાવ્યો હતો. ઉત્તરોત્તર વિક્ટોરિયન નૈતિકતા અને વિદેશીઓ સાથે ભારતના બ્રાહ્મણ વર્ગની પરોક્ષ બંદિશના કારણે સેક્સ જીવનની સહજ આધ્યાત્મિકતામાંથી નીકળીને ‘ગિલ્ટ’માં તબદીલ થઈ ગયો. આજે (અનેક સર્વે અને અભ્યાસ કહે છે તેમ) ભારતનો એક મોટો વર્ગ સેક્સને લઈને દમન, અપરાધ અને કુંઠામાં જીવે છે.
સેન્સર બોર્ડ પ્રકાશ ઝાની ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ને ‘પોર્નોગ્રાફિક ફેન્ટસી’ ગણીને સર્ટિફાઇ કરવાનો ઇન્કાર કરે કે પછી કેરળ સરકાર બળાત્કારીઓને સાર્વજનિક રીતે શર્મિંદા કરવાનું નક્કી કરે તે બતાવે છે કે આપણે સેક્સને એના ‘ઉચિત’ સ્થાનેથી ગુમાવી બેઠા છીએ, અને સંયમ તથા શંૃગારના સહઅસ્તિત્વના સ્થાને કટ્ટરતાનો શિકાર બની ગયા છીએ.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 05 માર્ચ 2017