પહેલી વાર.
હા. પહેલી વાર.
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એવું બન્યું કે
લાખો લોકો રોડ પર આવી ગયા
અને તેમને સંબોધવા માટે
એક પણ નેતા ઘરની બહાર ના નીકળ્યો.
કેટલી મહાન તક હતી.
કેટલી વિરલ, ઐતિહાસિક તક હતી.
ક્રાંતિ કરવાની. પરિવર્તન લાવવાની.
જેના માટે આ નેતાઓ આખી જિંદગી મથતા રહ્યા
એ તક સામે આવીને ઊભી હતી
અને તેઓ ઘરમાં મોતના ડરથી બેસી રહ્યા.
આ નેતાઓ ટોળાં ભેગા કરવા શું શું નહોતા કરતા?
આ નેતાઓ રથયાત્રામાં જગન્નાથના રથને ખેંચવા દોડી જતા,
કેમ કે ત્યાં લાખો ભક્તો ઉમટતા હતા.
આ નેતાઓ નવરાત્રીમાં ગરબા રમવા દાંડિયા લઇને પહોંચી જતા,
કેમ કે ત્યાં ભક્તિરસમાં ઘેલી હજારો માઇભક્તો
હજાર હાથવાળી માતાની આરતી ઉતારતી હતી.
દરેક જગ્યાએ જઇને
તેઓ ભારત માતાની જયના સૂત્રો પોકારતા હતા,
વંદે માતરમના નારા લગાવતા હતા,
પહેલી વાર
હા. પહેલી વાર.
અહીં દિલ્હી-ઉત્તર પ્રદેશની બોર્ડર પર
અમદાવાદ-રાજસ્થાનની બોર્ડર પર
આ રાજકારણીઓ જય શ્રી રામનો ઘોષ જગાવવા ડોકાયા નહીં.
એમણે ઘરમાં બેસીને રામાયણ જોવાનું પસંદ કર્યું.
એમણે ઘરમાં બેસીને
એમના પૌત્રો સાથે કેરમ રમવામાં સમય વીતાવ્યો.
કોઈએ ગીટાર વગાડી,
તો કોઈએ યોગા કર્યો.
કોઈએ થાળી વાટકા કઈ રીતે ધોવાય એનું ડેમોન્સ્ટ્રેશન કર્યું,
તો કોઈએ પેઇન્ટિંગ કર્યું,
કોઈએ મિત્રોને વીડિયો કોલિંગ કર્યા અને
એમના હસમુખા ચહેરા ફેસબુક પર પોસ્ટ કર્યા,
બધાએ એમના પ્રોફાઇલ પિક્ચર બદલી નાંખ્યા.
જય શ્રી રામના બદલે સ્ટે એટ હોમ
ઘરે રહીને જ દેશભક્તિ દર્શાવાય એવી ચીસો પાડી.
અહીં લાખો મજૂરો લોકઆઉટ તોડીને
બહાર આવી ગયેલા,
ઝારખંડના લખને
એના પાંચ મહિનાના પુત્રને માથે બેસાડેલો,
ગાઝિયાબાદના રામશરણની પત્ની ફુલને
એની એક માસની દીકરીને પીઠ પાછળ બાંધેલી,
મોતી, ટોમી, લલ્લુ નિશાળે જવાના બદલે
પાંચસો કિલોમીટર દૂર આવેલા
એમના ગામ જવા નીકળી પડેલા.
આંખમાં ઊંઘ, શરીરમાં થાક. દિમાગમાં ઉલઝન.
કોરોનાની એમને બીક નહોતી.
ઘરે બેસી રહીશું તો કોઈ મોઢામાં કોળિયો પણ નહીં નાંખે
એની પાક્કી, એકદમ પાક્કી ખાત્રી હતી.
એ નીકળી પડેલા.
હજારોની તાદાદમાં.
રસ્તામાં એમના માટે
કોઈ રામભક્તોએ વિસામો ઊભો ના કર્યો.
રસ્તામાં એમના માટે કોઈ નેતા
હાથ જોડીને ઊભો ના રહ્યો.
રસ્તામાં એમના માટે કોઈ દેશભક્ત
વંદે માતરમના સૂત્રો બોલાવવા ગયો નહીં.
એ લોકો એકલા જ હતા એમની આ લોંગ માર્ચમાં,
એકલા. બેબસ. લાચાર.
એ હતા આઝાદ ભારતના ગુલામ વિસ્થાપિત નાગરિકો.
એ કાશ્મીરના પંડિતો નહોતા,
જેમના માટે મીડિયા રોજ ડિબેટો ગોઠવતું હતું.
એ યુરોપ-અમેરિકામાં ગયેલા એન.આર.ઈ. નહોતા,
જેમના માટે ભારત સરકાર લાલ જાજમ પાથરતી હતી.
એ તો મજૂર હતા.
શ્રમજીવી, સર્વહારા હતા.
પોતાનું ગામ છોડીને રોજી રોટીની શોધમાં મહાનગરોમાં આવેલા
દસ બાય દસની ખોલીમાં રહેતા ઉંદરો હતા.
એ માણસ નહોતા.
એમણે સિત્તેર વર્ષમાં
દેશનો જી.ડી.પી. બસો ગણો વધાર્યો,
એમના પ્રતાપે
તમારા નીફ્ટી ને સેન્સેક્સ આભને આઁબ્યા,
એમણે મહાનગરોના ફ્લાયઓવર્સ, મેટ્રો રેલ્સ, સ્કાય સ્ક્રેપર્સ બનાવ્યા,
બાંધકામની સાઇટો પર પતરાના શેડ
નીચે બે થાંભલા વચ્ચે
મેલી ધોતીનું ઘોડિયું બાંધીને
એમણે એમની ભાવિ પેઢીને ઉછેરી,
એમનાં બાળકો જન્મ્યાં ત્યારે
એમણે હાલરડું સાંભળ્યું નહોતું
એમણે સીમેન્ટ કોન્ક્રિટના જાયન્ટ ક્રશર્સ મશીનોનો
કર્કશ અવાજ સાંભળેલો.
એ જ બાળકો આજે
સડકો પર નીકળેલા
એમના માતાપિતા પરિવાર સાથે,
જેમણે જન્મતાની સાથે
પોલાદ-સીમેન્ટનાં રમકડાં જોયેલા
એમને કોરોનાની બીક થોડી હતી?
એ તો તમારી આ દંભી વ્યવસ્થાને નાગી કરવા નીકળ્યા હતા.
જે વ્યવસ્થાએ ક્યારે ય એમના આરોગ્ય, શિક્ષણ વિષે વિચાર્યું નહોતું,
એ વ્યવસ્થા સામે એમણે બંડ પોકાર્યું હતું.
તમે ભલે ગમે તે કહો.
એમને ગમે તે બિરુદ આપો
મૂરખ, અભણ, અડિયલ, ડફોળ, સ્ટુપિડ.
તમે ડાઇનિંગ ટેબલો પર જમનારા,
તમે બી.એમ.ડબલ્યુ.માં ફરનારા,
તમે ઓક્સફ્રડ, કેમ્બ્રિજમાં તમારા સંતાનોને ભણાવનારા,
તમે મેરિટધારી, જનોઈધારી,
પવિત્ર, શુદ્ધ, સ્વચ્છ જીવનશૈલીના પ્રવક્તાઓ,
આજે આંખો ફાડીને જોયા કરો છો ટી.વી. ચેનલો પર
માઇલોના માઇલો ચાલી જતી આ વંચિતોની વણઝારોને.
આ જ અસલી ભારત છે.
સાચુ ભારત છે. સમર્થ ભારત છે.
તમે પરજીવી, પેરેસાઇટ કીડાઓ
આ ભારતને ક્યારે ઓળખશો?
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 07 ઍપ્રિલ 2020