કાવ્યકૂકીઝ
આજે એક માસ્તરનો ઇન્ટરવ્યૂ લીધો
બહુ ભણેલો હતો એટલે પ્રાયમરીમાં ના ચાલે !
મને કહે – બાળકોને મન મૂકીને ભણાવીશ
મને હસવું આવ્યું એના ભોળપણ પર !
અરે, છોકરું ઘોડિયામાં મોબાઈલ રમતું હોય
તેને ભણાવવાની વાત કરે તે તો કેમ ચાલે?
એને કેમ સમજાવું કે હવે
કક્કો નથી ચાલતો, ધક્કો ચાલે છે …
વેકેશન-વેકેશન વચ્ચે એજ્યુકેશન સંકોચાતું હોય
ત્યાં ભણાવવાની વાત જ આઉટડેટેડ લાગે છે
ને માસ્તર કહેતો હતો – ભણાવીશ, હં !
હાવ બોચિયો જ હતો, માસ્તર !
ઓનલાઈન એજ્યુકેશનનું કહ્યું તો કહે –
એ બધાં માટે નથી
ગરીબ સ્માર્ટ ફોન લેવા ક્યાં જાય?
મેં કહ્યું – એ એનો હેડેક છે
આપણે મફત ભણાવીએ ને એ એક ફોન ના રાખે?
આમે ય ભણાવવાનું છે જ કેટલું?
હવે તો પરીક્ષણ એ જ શિક્ષણ છે.
ને પાસ કરવાના જ છે તો
ભણે કે ન ભણે તો શો ફરક પડે છે?
સાચું તો એ છે કે સ્કૂલો શિક્ષણ માટે નથી
શિક્ષકે હવે વર્ગમાં જવાનું જ નથી
હાજરી ને હોજરી હવે ઓનલાઈન જ ભરવાની
પ્રવેશોત્સવ હોય તો સાહેબોની સરભરા કરવાની
ચૂંટણી આવે તો મતદાન મથક સંભાળવાનું
વસતિ ગણતરી વખતે ડેટા ક્લેક્ટ કરવાનો
સમિતિ પરિપત્રો, પત્રકો મોકલે તે ભરવાના
એને બદલે કોઈ શિક્ષણનું કૂટે તો દયા આવે
એને એટલી પણ ખબર નથી કે
પગાર એ ઇતરપ્રવૃત્તિનો લે છે ને
વાત ભણાવવાની કરે છે
ને ભણાવવું જ હોય તો ઓનલાઈન ક્યાં નથી?
છોકરું ઘરે ભણશે તો ગેમ પણ રમી શકશે
જવાબો જોઈને જ લખવાના છે
એટલે ચોરીની તો વાત જ આવતી નથી
ને હું એમ પૂછું કે
મોબાઈલવાળાઓનો ધંધો નહીં થવા દેવાનો?
મારું ચાલેને તો હું તો સ્કૂલો જ બંધ કરાવી દઉં
બધાં ઘરે ભણે તો સ્કૂલો ખોલવાની જરૂર જ શી છે?
ઓનલાઈન ભણો, ફી ભરો, પગાર લો, રિઝલ્ટ લો
પછી સ્કૂલની જરૂર જ ક્યાં રહે છે?
ને માસ્તર કહે – વર્ગમાં ભણાવીશ.
ભણાવીશ, માય ફૂટ !
0
(‘સંદેશ’ની કોલમ)
e.mail : ravindra21111946@gmail.com
![]()


પુરુષ, પુરુષનો દુશ્મન હોય, બંને એક્બીજાના લોહીના તરસ્યા હોય, તો પણ પુરુષ, પુરુષના દુશ્મન તરીકે ઓળખાતો નથી, જ્યારે સ્ત્રી, બીજી સ્ત્રી સાથે હળીમળીને રહેતી હોય, તો પણ બંને એકબીજાની દુશ્મન ગણાતી આવી છે. બને કે એ પણ પુરુષ પ્રધાન સમાજની જ નીપજ હોય. પણ, બે સ્ત્રીમાં તો પુરુષ પણ વચ્ચે ન હોય, છતાં શત્રુતા ગાજતી રહે છે, એનું આશ્ચર્ય અને ચિંતા, બંને થાય. બને કે એમાં પણ ઊંડે ઊંડે પુરુષ જ પડેલો હોય. એમ લાગે છે કે યુદ્ધ આનાં મૂળમાં છે. એક કાળે બે રાજ્યો વચ્ચે યુદ્ધો થતાં ને જે રાજા વિજેતા થતો તેનો બીજા રાજ્ય પર હક ઊભો થતો. એ રાજ્યની સંપત્તિ અને સ્ત્રી પર વિજેતા રાજા હક કરતો ને એનો માલિકીભાવ સ્થાપિત થતો. સ્ત્રીને પણ સંપત્તિની જેમ જીતી લવાતી. પરાજિત રાજાની રાણી કે બીજી કોઈ પણ સ્ત્રી કે સ્ત્રીઓને ભોગવવાનો કે તેને રાણી બનાવવાનો કે દાસી રાખવાનો વિજેતાને પરવાનો મળી જતો. આ સંજોગોમાં જો વિજેતા રાજા પરિણીત હોય તો તેની રાણી માટે વિકટ સમસ્યા સર્જાતી. જો વિજેતા રાજા બીજા રાજ્યની રાણી કે સ્ત્રીને પરણે તો પહેલી રાણીને ઉપેક્ષા થવાનો ભય લાગતો. રાણી તરીકેના તેના હકો પર તરાપ પડતી લાગતી. આ બધું પેલી નવી આવેલી સ્ત્રીને કારણે થતું હોવાનું એને લાગતું ને રાણી નવી સ્ત્રીની ઈર્ષા કરતી કે કેટલાક કિસ્સાઓમાં નવી સ્ત્રીને અગાઉની રાણી પણ નડતર રૂપ લાગતી. આનો છેડો દુશ્મનાવટમાં આવતો.