
મનુબહેન ગાંધી અને ગાંધીજી
સાડા નવે ટ્રેન ઊપડ્યા પછી મેં બાપુજીને ખાવાનું આપ્યું. બધો સામાન બાજુના નાનકડા ખાનામાં મૂક્યો હતો. હું ખાવાનું લઈને આવી ત્યારે બાપુજીએ મને કહ્યું, “તું ક્યાં હતી?” મેં કહ્યું, “હું આપના માટે દૂધ ગરમ કરતી હતી.” બાપુજીએ બહાર જોવાનું કહ્યું, પણ હું સમજી નહીં. મને બાપુજીએ પૂછ્યું, “આ બીજા ખાના માટે તેં કોઈને કંઈ કહ્યું હતું?” મેં કહ્યું : “હા, બાપુજી, આપણે અહીં બધું રાખીએ તો આપને ગરબડ થશે, આથી મેં શ્રીબાબુને કહ્યું હતું કે બે ખાનાં હોય તો વધુ સારું.”
આથી બાપુજી વધુ નારાજ થયા. “કેવો લૂલો બચાવ ? આંધળો પ્રેમ તે આનું નામ. તને ખબર છે ને કે વાઇસરોયે મને એરોપ્લેનમાં આવવાનું આગ્રહપૂર્વક કહ્યું, અને તેની મેં ના પાડી. એથી બિચારી મૃદુલાએ સ્પેશિયલ જોડાવવાની હું હા પાડું એટલા માટે પોતાની અનેક યુક્તિઓ અજમાવી, આજીજી કરી. પણ મેં સમજાવ્યું કે, એમાં કેટલી બધી ગાડીઓને મારી ગાડી માટે થોભવું પડે અને ખર્ચના ખાડામાં ઊતરવું પડે ! હિન્દુસ્તાનના હજારો ગરીબો જો એરોપ્લેનમાં ન બેસે તો મારાથી કેમ બેસાય ?”
“આથી સ્પેશિયલની તો ના જ પાડી. તેં આજે જેમ એક ખાનું વધારે માગ્યું છે તેમ જો મારા માટે સલૂન માગ્યું હોત તો તે પણ મળત. પણ એ તને અને મને શોભત? હું જાણું છું કે, તું મારા પરના પ્રેમને વશ થઈને મારી કાળજી રાખી રહી છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પાડવી.”
બાપુજી ખૂબ દુઃખથી—વ્યથાથી એકશ્વાસે બોલતા હતા. મારી આંખમાંથી આંસુની ધાર ચાલી. મેં મન ખૂબ મક્કમ રાખવા પ્રયત્ન કર્યો, પણ ન રહી શકયું.
બાપુજી કહે, “જો તું સમજી ગઈ હોત તો રડવું ન આવત.” મને ભય તો એ હતો કે, મારી ભૂલને માટે બાપુજી રખેને કંઈક આકરું પગલું ભરે – ઉપવાસ કરશે તો ? કારણ કે બાપુજી હંમેશાં બીજાની કરેલી ભૂલને પોતે જ ભૂલ કરી છે એમ માનતા અને એનું પ્રાયશ્ચિત્ત પોતે કરતા.
આમ કરતાં મિરજાપુર સ્ટેશન આવ્યું. માસ્તરને બોલાવ્યા. મારી બધી વાત કહી : “મારી પૌત્રી છે, બિચારી ભોળીભલી છે. મારા ઉપર પ્રેમ અને ભક્તિ રાખે છે, એટલે મને કેમ ઓછી તકલીફ થાય તે માટે પોતાની અક્કલ દોડાવ્યા કરે છે. પણ એને ખબર નથી કે આમાં મને વધુ તકલીફ છે. હવે આ સામાન લઈ આ ખાનાનો ઉપયોગ બીજાં પૅસેંજરો માટે કરો.”
પરંતુ સ્ટેશન-માસ્તરે આજીજી કરી કે, “આપ કહો તો હું બીજો ડબો જોડી આપું.”
બાપુજી કહે, “બીજો ડબો તો જોડો જ; પણ જરૂરિયાત કરતાં વધુ ચીજો વાપરવી એ પણ હિંસા છે, ચોરી છે, પરિગ્રહ છે. અને મળતી ચીજોનો દુરુપયોગ કરાવી આ છોકરીને બગાડવા માગો છો?” અંતે સ્ટેશન-માસ્તર બિચારા શરમાઈ ગયા અને મેં તો ચુપચાપ સામાન ફેરવી નાખ્યો. અમારા ડબ્બામાં ભીડ તો થઈ છે, પણ તે બાપુજીને ગમ્યું. મને કહે, “મેં તને કેટલો મોટો પાઠ આપ્યો? તું એને સમજપૂર્વક લેવાને બદલે રડી પડી એ મને ન ગમ્યું.”
મેં કહ્યું, મને બીક એ લાગી કે, મારા વાંકને આપ પોતે માથે ઓઢી લઈ ઉપવાસ કે કંઈક એવી જાતનું પગલું ભરો તો ?” મને પ્રેમથી થાબડીને કહે, “ એવો હું ગાંડો છું?”
**
પ્રાર્થનામાંથી આવીને બાપુજીએ પ્રવચન લખ્યું. ખૂબ ગરમીને કારણે ઠંડા પાણીને સ્પંજ કર્યો, માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂક્યાં. ડૉકટર સાહેબે તો બરફ જ મંગાવ્યો હતો, પણ બાપુજીએ એવું ખોટું ખર્ચ કરવાની ના કહી અને માટલા ઉપર ભીના પાણીનો કટકો બંધાવ્યો. એ પાણીનાં જ પોતાં માથા પર મૂકાવ્યાં. એટલે અર્ધા-અર્ધા કલાકે બાપુજીનો ટુવાલ અને માટલાનો ટુવાલ બદલવાને રહે છે. ડૉ. સાહેબ મને કહે, “બાપુજીએ તારી પ્રવૃત્તિ વધારી દીધી. રોજ એક રૂપિયાને બરફ મંગાવી લે તો આખો દહાડો ચાલે ને ? અને બાપુજીને પણ ઠંડક વધુ મળશે.”
બાપુજીની સામે જ આ વાત કહી એટલે બાપુજી ખડખડાટ હસતા હસતા કહે, “તમે તો કમાઓ છો, તમારા દીકરાઓ પણ કમાય છે. પણ આ છોકરીને કે મને કોઈ પગાર દેતું નથી, એટલે એ છોકરી બરફ ક્યાંથી મંગાવે? અને આપણે ક્યાં એવાં સુંવાળાં છીએ કે એટલી બધી જરૂર પણ હોય? આ ભીનું કપડું વીંટાળીએ એટલે બરફનાં પાણીનું કામ સરે.”
08 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 357