
મનુબહેન ગાંધી અને ગાંધીજી
પોતાનો ત્રણ વર્ષનો પૌત્ર ગોપુ આવે તો બાપુજી તેની સાથે તેમના જેવડા બની જતા. ક્યારેક તેને ખાવાનું આપે, ક્યારેક બાપુજી દાંત વગર ચાવે તો ગોપુ તેમના ચાળા પાડે. અરે! આ દાદા અને પૌત્ર બંને જણા ફરે ત્યારે સાતતાળીનો દાવ પણ રમી લે. બાપુજી ગોપુને પકડવા જાય, ગોપુ બાપુને પકડવા આવે. ગોપુને ખુશ કરવા બાપુજી જલદી જલદી પકડાઈ જાય, અને બાપુજી ઉપર દાવ આવે ત્યારે બાપુજી એવી રીતે ગોપુને પકડે કે જાણે માંડમાંડ પકડી શકે. ગોપુને તો શું પણ જોનારને પણ એમ થયા વગર ન રહે કે અહીં ત્રણ વર્ષનાં બે બાળકો છે !
કોઈ પણ બાળક હોય, તેમની પાસે કદી ય ભેદ-ભાવ હતો જ નહિ. પોતાનું હોય કે પારકું, દેશનું હોય કે પરદેશનું હોય, બાળક હોય એટલે બસ. ગોપુ (તેમના નાના દીકરા દેવદાસભાઈને સૌથી નાનો પુત્ર અને બાપુજીનો સૌથી નાનો પૌત્ર) સાથે જેટલો વહાલો અને જેવો મીઠો વર્તાવ કરે તેટલો જ મીઠો વર્તાવ પરદેશી સાથે કરતા પણ જોવા મળે.
1947ના એપ્રિલ મહિનામાં બાપુજી દિલ્હી હતા. વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને તેમને દેશની નવેસરથી વિચારણા કરવા માટે બોલાવ્યા હતા. તે જ અરસામાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ એશિયાટિક કોન્ફરન્સ બોલાવી હતી, અને એશિયાના જુદા જુદા વિભાગોમાંથી અનેક મોટાં માણસો સ્ત્રીઓ અને બાળકો સહિત આવેલાં. આ સંમેલન દિલ્હીના ઐતિહાસિક પુરાણા કિલ્લામાં ભરાયું હતું. બાપુજીને જોવાની તો કોણ ઈચ્છા ન કરે? બાપુજીએ નામરજી તો બતાવી હતી, પણ સહુના આગ્રહને લીધે તેઓએ બે દહાડા સુધી આ સંમેલનમાં થોડો થોડો વખત હાજરી આપી હતી. શ્રીમતી સરોજિની નાયડુએ પોતાના બુલબુલ-નાદે માઈક પર ગજાવ્યું કે ‘હવે અમારા રાષ્ટ્રપિતા પધાર્યા’, ત્યારે નાનાં નાનાં પરદેશી બાળકો આતુરતાથી જોવા ઊભાં થઈ ગયાં. પણ આ બાળકોને આટલેથી સંતોષ નહોતો વળ્યો. બાળકોએ બાપુજીને અંગત રીતે મળવાની ઇચ્છા દર્શાવી. એટલે 1947ની ત્રીજી એપ્રિલે સવારના 9 વાગ્યા પછી આ બાળકો મળવા આવ્યાં. ગરમીના દિવસોમાં બાપુજી પોતાનું ભોજન વહેલું જ લઈ લેતા, એથી હું તે સમયે બાપુજીની જમવાની થાળી લાવી. બાપુજી ભોજનમાં તો પાતળા 3-4 ખાખરા, બાફેલું શાક (મીઠા વગરનું), બકરીનું દૂધ અને જો સંતરાં કે એવું કંઈ ફળ હોય તો તે લેતા.
આ પરદેશી બાળકો ખૂબ વિવેક જાળવીને પણ આતુરતાથી બાપુજી શું જમે છે તે જાણવા ઈચ્છા દર્શાવી રહ્યા હાય તેમ તેઓના ભાવ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. બાપુજીએ થાળીમાંના ચારે ય ખાખરા બાળકોને વહેંચી આપ્યા, અને થોડાક જો બીજા ખાખરા હોય તો જે બાળકો રહી ગયાં હતાં તેમને માટે લાવવા કહ્યું.
બાળકો તો જુદા જુદા દેશનાં હતાં, એટલે બાપુજી અને આ પરદેશી બાળકો વચ્ચે વાતો કરાવનાર દુભાષિયા હતા. પરંતુ બાપુજી અને બાળકો વચ્ચે તો મનથી મૂંગી ભાષામાં વાતો થતી હતી. એટલું ભાવવાળું અને પ્રેમાળ એ દૃશ્ય હતું કે જાણે કેટલાયે યુગોથી બાપુજી અને આ બાળકો વચ્ચેની દોસ્તી ન હોય! એટલું બધું ઐકયનું વાતાવરણ ઘડીભરમાં સરજાયું હતું અને પળે પળે નિખાલસ હાસ્યથી ઓરડો ગાજી ઊઠતો હતો.
એક બાળકે પોતાના ખિસ્સામાંથી ચોકલેટ કાઢી, અને બાપુજીને આપી. બાપુજી જોરથી હસી પડયા અને એ ચોકલેટ પોતાના હાથમાં લીધી. પછી મને બતાવી બધાંને કહે, ‘જુઓ, આ મારી છોકરી છે. છે તો તમારા બધાંથી મોટી—18 વર્ષની, પણ હજુ બાળક જેવી જ છે. ચોકલેટ તો એક જ છે. વળી તમને સહુને તો ભાગ આપ્યો છે; આ છોકરી એક જ બાકી છે, એને આપી દઉં ?’
બધાં બાળકોએ આ સાંભળી એકીઅવાજે હા પાડી. એક 13 વર્ષની બાળાને પોતાની તરફથી કાંઈક કાયમી યાદગીરી તરીકે આપવાની ઈચ્છા થઈ. આ જાપાની છોકરીની પાસે એક હાથરૂમાલ હતો. એ છોકરીએ ત્યાં ને ત્યાં બેસીને એક પર્સ (પૈસા રાખવાની થેલી) તૈયાર કરી ઉપર આકર્ષક ભરતકામ કર્યું, અને બાપુજીને એ આપવા ગઈ.
બાપુજી તો વાણિયા ખરા ને ? પોતાનાં હરિજનો માટે કે દરિદ્રનારાયણ માટેની ચિંતા તો તેઓ અચૂક રાખતા જ, એટલે બાપુજીએ પેલી બાળાને કહ્યું, ‘મારી પાસે તો આમાં રાખવા એક રાતી પાઈ પણ નથી.’
પેલી બાળાએ મહેનત કરી હતી તેથી જરા હતાશ થઈ. પરંતુ તુરત જ કોઈક પાસેથી 100 રૂપિયા મેળવી અંદર નાખીને બાપુજીને ધર્યા. બાપુજીએ ખડખડાટ હાસ્ય સાથે કહ્યું, ‘દોસ્ત, આ પૈસા અમારા દેશની તારા જેવડી નાની નાની ગરીબ છોકરીઓના ભલા માટે વાપરીશ. ઠીક ને ? ’ પેલી બાલિકા ખુશ ખુશ થઈ ગઈ.
26 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 345