દાંડી યાત્રાના સ્મરણો :
મીઠાના સત્યાગ્રહની દાંડીયાત્રાને ૧૯૮૦માં પચાસ વર્ષ થયાં. એ પ્રસંગને ઉજવવા સારું અમે સાત મિત્રોએ એ જ રસ્તે એ જ સમયપત્રકથી પદયાત્રા કરી. ગાંધીજીનો એક હેતુ હતો જે હવે તો નહોતો (એવું નહિ કે મીઠા ઉપર કર નથી, પણ અમે તેના વિરોધમાં નહોતા ગયા !!). એટલે અમે અમારા સારું જુદા હેતુ સ્થાપિત કર્યા. તેમાં મુખ્ય તો ગ્રામજનો સાથે મુલાકાત, ગાંધીજી વિષે વાત કરવી, લોકશાહી વિષે વાત કરવી, તે એક તરફ. બીજી તરફ અમારામાંથી અમુક જણા વૈજ્ઞાનિક હતા તેથી ચર્ચા માટે આરોગ્ય, સ્વાસ્થ્ય, તેમ જ વૈજ્ઞાનિક અભિગમ વિષે પણ વાત કરવાનું નક્કી કરેલું. તે માટે લોકોના જુદા જુદા સમૂહોમાં ચર્ચા ઉપાડવાની એક ખાસ ટેકનીક પણ અમે ઉપસાવી હતી. મૂળ દાંડીના સમયના કેટલાક આંકડા ભેગા કરલા તે સાંપ્રત સાથે સરખાવવાનું પણ થોડું કર્યું. ચોવીસ દિવસના આનંદ અને પરિશ્રમની વાત ક્યારેક વિસ્તારથી કરીશું.
આજે એ યાત્રાની રોજનીશીમાંથી જે ભાગ મને હજુ ય રોમાંચ અપાવે છે તેટલા ભાગની, બે દિવસની, વાત કરવી છે. શરૂ કરતાં પહેલાં દાંડી કૂચના માંર્ગનો નકશો સાથે આપ્યો તે જોઈ લઈએ. યાત્રાના રસ્તામાં સાત નદી આવતી હતી. તેમાં સાબરમતી તો પુલ પરથી પસાર કરી.
માતર પાસે વાત્રક નદીની રેતીમાંથી ચાલતા જઈ શકાયું. અમારી જોડે સામાન માટે એક હાથલારી હતી તેને રેતીમાં ધકેલવી પડી પરંતુ મુશ્કેલી ન હતી. ખેડા જિલ્લાથી ભરુચ જિલ્લા વચ્ચે મહી નદી પડે છે. એ કહેવાય નદી, પણ તેના મુખ આગળ સાગર નદીમાં દાખલ થાય છે. એટલે તેનો પટ બહુ પહોળો છે. આથી જ તેનું હુલામણું નામ મહીસાગર છે. આ તરફ ખેડા જિલ્લાના બોરસદથી પેલી તરફ ભરુચમાં કારેલી સુધીની યાત્રાની આ વાત છે.
બોરસદમાં :
યાત્રાના સાતમાં દિવસે, ૧૮ માર્ચે, સાંજે બોરસદ આવેલા. ત્યાની ઇ.એમ. હાઇસ્કૂલના ટ્રસ્ટી રમણભાઈ પટેલ ઉત્સાહી અને સુશિક્ષિત વકીલ હતા. તેમના આયોજનમાં જે સભા થઇ તેમાં ૧૯૩૦ની યાત્રાના એક સૈનિક શિવાભાઈ પટેલ આવ્યા હતા. જે છ દાંડી યાત્રીઓને રૂબરૂ મળવાનો અમને મોકો મળ્યો તેમાં આ છેલ્લા. બાકીના સાબરમતી આશ્રમમાં, ત્યાંથી નીકળતા પહેલા મળ્યા હતા. આ વૃદ્ધ સજ્જન આવતી કાલના પડાવ કંકાપુરા જઈ અમારી મદદ માટે કેટલુંક આયોજન કરીને વળતા બોરસદ આવેલા. ગાંધીજી માટેની તેમની ભક્તિ દાંડીના પચાસ વર્ષ પછી પણ કૈંક કરી છૂટવાની પ્રેરણા આપતી હતી તે વાત અમને ઊંડે સુધી સ્પર્શતી હતી.
તારીખ ૧૯ માર્ચ બુધવાર. ગઈ કાલે મોડું થતા વિદ્યાર્થીઓ સાથે વાતો નહોતી થઇ તેથી સવારે ૭.૩૦ વાગે પહેલા હાઇસ્કૂલ ગયા અને બે કલાક ત્યાં ગાળ્યા. તેમાં એક વિષય હતો હાલમાં ગયેલા ( ફેબ્રુઆરી ૧૯૮૦) ખગ્રાસ સૂર્ય ગ્રહણ અને તેની આસપાસની માન્યતાઓનો. સ્વાભાવિક છે કે કેટલાંક શિક્ષકો જ રૂઢિના પક્ષે હોય. એ બધા સળ પર ઈસ્ત્રી ફેરવવા જ તો અમે નીકળ્યા હતા ! મજા આવી. એક છોકરીને NCCમાં જોડાવું હતું પણ સાંજના સમયે ઘરકામ હોવાના કારણે નહોતી જોઈન કરી શકાતી તેની વાત થઇ. નીકળતી વખતે અમારા સાથી કિરણભાઈએ વર્ગ શિક્ષિકાને કહ્યું કે પેલીનાં માબાપ જોડે વાત કરી મંગળ-બુધ તેને છૂટી રાખવા સમજાવે, તો બેને આંખથી ઈશારો કરી એક શિક્ષકને બતાવ્યા. એ જ પેલીના પિતા હતા અને ક્યારના આડી આંખે ચર્ચા સાંભળતા હતા ! સારી રમૂજ થઇ પણ સાથે સાથે સંદેશ પણ ગયો. આ એક ઉદાહરણ, અમે યાત્રામાં કેવાં કામ કરતાં હતા તેનું.
બોરસદ છોડી ચાલવા મળ્યું ત્યારે બધા થોડા ગંભીર હતા. અત્યાર સુધી અમે ચરોતર ખુંદતા આવ્યા હતા. સુંદર રસ્તાઓ, ઝાડપાન અને જીવંત વસતી હતી. પરંતુ અહીંથી રસ્તો સૂનો હતો કારણ આગળ રાસ સિવાય કોઈ મોટું ગામ નહોતું. રાત્રી મુકામ કંકાપુર. એ અહીં પૂરતો તો ધરતીનો છેડો હતો. ધુવારણ વીજ મથકનો રસ્તો થોડો સમય સાથે ચાલ્યો પણ એ ફંટાઈ ગયા પછી રસ્તામાં અમારા સિવાય કોઈ નહોતું. અમને કહેવાયું હતું કે ધીરે ધીરે પટેલોની વસતી ઘટતી જશે અને ‘બારૈયા’ની વસ્તી વધતી જશે. આ શબ્દ સાથે એક માત્ર પરિચય હતો ઝવેરચંદ મેઘાણીના પુસ્તક ‘માણસાઈના દીવા’ મારફત. એ સાચી વાતોનો સંગ્રહ છે જેમાં રવિશંકર મહારાજે ધીરજથી અરજણ બારૈયાને કેમ સુધાર્યો તેનું વર્ણન છે. પરંતુ ૧૯૪૬ની વાર્તાનો સુધરેલો નાયક તો અમને મળવાનો નહોતો. અમે ત્રણ કચ્છના અને ચાર તમિલ, એમ સાતમાંથી કોઈને એ કોમનો પરિચય ન હતો કે ક્યારે ય એકેય બારૈયાને તો મળ્યું પણ નહોતું. અધૂરામાં પૂરું, ઝારોલા ગામની ભાગોળે છોકરાઓનું એક ટોળું ઊભું હતું, તેણે પહેલા તો એ ઉંમરની તુમાખીનો પરિચય આપ્યો અને પછી જ્યારે અમારો મકસદ સમજ્યા ત્યારે સાવધાન રહેવાની સલાહ આપી !!
રાસ ગામે:
રાસ ખૂણામાં આવેલું પરંતુ ખેડા જિલ્લાનું આઝાદીની લડતનું એક મહત્ત્વનું ગામ છે. ઇ.સ. ૨૦૧૭માં અતિ વૃષ્ટિ થઇ ત્યારે મહેસૂલ ન આપવાના સત્યાગ્રહમાં સરદાર પટેલે આગેવાની લઇ ગામને તૈયાર કરેલું. એ લડત નવેક વર્ષ ચાલી અને ગામ લોકોએ અહિંસાના રસ્તે ઘણી તકલીફો ઉઠાવી. તેની વાત જુદેથી કહેવા જેવી છે. પરંતુ દાંડી લડત સાથે એનું કનેક્શન એ કે દાંડી શરૂ થયાથી પાંચ દિવસ પહેલા વલ્લભભાઈ અહી આયોજન માટે આવેલા ત્યારે તેમની ધરપકડ થયેલી. ગાંધીજીને લડતના આયોજનમાં તેમની ગેરહાજરી થોડો વખત સાલી પણ હતી, કારણ શરૂના દિવસોમાં મહાદેવભાઈ પણ તમિલનાડુ, રાજાજી જોડે સત્યાગ્રહ કરવા ગયેલા.
ગામમાં ગાંધી ભક્તિ જૂની પેઢીમાં તો દેખાતી હતી. અમને એક જૂના નેતા આશાભાઈ પટેલને મળવા લઇ ગયા. એમની ઉમર એક સો વર્ષની. રાસ સત્યાગ્રહના અને તે પછી દાંડી વખતે સરદારની અટક પછી સ્થાનિકે તૈયારીના એ નેતા હતા. તેમની પાસે અમને સરદારના હસ્તાક્ષરવાળા ઢગલાબંધ પત્રો જોવા મળ્યા. જાણે અમે ઇતિહાસનાં પાનાંઓ જીવંત જોતા હતા. આવો મોકો કોને મળે? જો કે ગામલોકો અમને ઈશારા કર્યા કરતા હતા કે વાતો કાઢશો તો એ તો બોલ્યા જ કરશે. વૃદ્ધો પ્રતિ યુવાનોનો અભિગમ પેઢી દર પેઢી એ જ રહ્યો હશે!
દહેવાણ ઠાકોર:
રાસથી આગળનો રસ્તો એટલે મુશ્કેલીથી ગાડાવાટ હતી. હાથગાડી ચલાવવી ભારી હતી. કંકાપુર અને દહેવાણ જાણે જોડિયા ગામો છે. માંડ એકાદ કિલોમીટરનું અંતર. કદાચ જ્ઞાતિ પ્રમાણે કે આવક પ્રમાણે હશે. કંકાપુર અતિશય ગરીબ લાગ્યું. લીતો માત્ર રસ્તા પર જ હતી અને મોટા ભાગના ઘરોમાં જાજરૂ ન હતા. આથી ગઈકાલે શિવાભાઈ દહેવાણના ઠાકોર સાથે વાત કરી અમારા રહેવાની ગોઠવણ કરી ગયેલા. પરંતુ અમે રસ્તે રસ્તે સીધા કંકાપુર જઈ ચડેલા. ગ્રામજનોએ એટલા પ્રેમથી આવકાર્યા કે અમને આ લોકો વિષે આડુંઅવળું વિચારવા બાબત શરમ થઇ. વધુમાં ઠાકોરને ત્યાં રહેવા જવાની વાત કાઢવાની જ ઈચ્છા ન થઇ. અમારામાંથી બે જણ તેમને ‘બંગલે’ જઈ તેમને અમારી વાત સમજાવી માફી માગી આવ્યા. ‘ઠાકોર’ શબ્દ સાથે એક ઘમંડ હિન્દી ફિલ્મોએ જોડી આપ્યું છે જે અહીં ખરું ન હતું. કન્કાપુરમાં રહ્યા અને રાત્રે બાપુનો સ્લાઈડ શો કર્યો.
અહીં મહીસાગર પાર કરવા માટે એક ઓવારો દહેવાણમાં હશે, એવું દાંડીયાત્રાનો ઇતિહાસ વાંચતાં જણાય છે. પરંતુ ૧૯૩૦માં અત્યારના ઠાકોરના પિતાજી હતા. તેમણે રાસ ગામની ખાલસા થયેલી જમીનો અંગ્રજોએ લીલામ કરી તે સસ્તા ભાવે ખરીદી હતી. એ હિસાબે તે સત્યાગ્રહીઓના વિરોધી હતા. આથી જ્યારે ગાંધીજીને મહી પાર કરવા ઓવારાની જરૂર હતી ત્યારે એ ઠાકોરે કહેલું કે જો એ દહેવાણ આવશે તો એમનો ‘ટાંટિયો ભાંગી નાંખીશ’. આથી ગાંધીજીએ કંકાપુરા પાસેથી મહીના કોતરોમાંથી નદીમાં ઊતરવું જરૂરી થયું હતું. અને ત્યાંથી હોડીમાં ચડવા માટે સમુદ્રમાં ભરતી હોવી જોઈએ. નહિ તો હોળીમાંથી ઉતારી કાદવમાં ચાલીને બહાર જવું પડે. (સાથેના ચિત્રોમાં આ પરિસ્થિતિ બરાબર સમજાશે.) તે દિવસે ભરતી રાત્રે હતી, આથી ગાંધીજી ૧૯મી માર્ચે રાત્રે જ મહીસાગર પાર સામે કાંઠે ગયેલા અને રાતભર કાંઠા નજીક ઝૂંપડીમાં રાહ જોઈ હતી.
અમે ૨૦ તારીખે સવારે નીકળ્યા. વિધિની બીજી બલિહારી એ હતી કે અમારા માટે હોડીની વ્યવસ્થા દહેવણના ઠાકોરે કરી કે જેના પિતાએ મહાત્માજીને ધમકી આપેલી હતી ! વધારામાં એમણે બે માણસો અમારી હાથલારી મછવામાં ચડાવવામાં મદદ કરવા માટે પણ સાથે મોકલ્યા. અગાઉ કહ્યું તેમ અમે ઇતિહાસની નવી કડીઓ જોડે સંકળાવામાં નિમિત્ત બનતા હતા. અમારે બદલે કોઈ નેતા હોત તો આ વાતો ટ્વીટર કે ફેસબૂકની પોસ્ટ બની હોત !
હોડી ઉપર તો હજુ સમય થંભી ગયો હતો. એક બહેને બહુ જ સરળતાથી પૂછ્યું કે ‘ગાંધી મા’ત્મા હજી હયાત છે?’ હોડીના કૂવાથંભને ગ્રામજનો મહી દેવતાનો થાંભલો માનતા હતા એટલે માણસ કે સામાનને એનો ટેકો લેવાની મનાઈ હતી. એટલે આમ તેમ ઝોલા ખાતા અને સંભાળતા અમે સામે કાંઠે પહોચ્યા. ઊતરીને રસ્તામાં કાદવ અને કાંટાનો સામનો કરી કારેલી ગામની ભાગોળે નીકળ્યા. ૨૪ દિવસની અમારી યાત્રાના આ ચોવીસ કલાક વિશેષ હતા.
e.mail : prvaidya@gmail.com