હૈયાને દરબાર
નયણાં
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ;
સાચાં તો યે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
સાત રે સમંદર એના પેટમાં –
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ:
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ:
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
• કવિ : વેણીભાઈ પુરોહિત • સંગીત: અજિત મર્ચન્ટ
https://www.youtube.com/watch?v=x3O4p5scBFY
———————-
કવિ વેણીભાઈ પુરોહિતના નામ સાથે આંખનો અફીણી ગીત એવું જડબેસલાખ જોડાઈ ગયું છે કે એમનાં બીજાં કેટલાં ય સુંદર ગીતો સામાન્ય શ્રોતાઓ માટે નગણ્ય થઈ જાય છે. ફિલ્મ ગુણસુંદરીનો ઘરસંસારનાં લાજવાબ ગીતો : પંથવર પાછા આવો તો કહું કાનમાં, તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો તથા રાતી રાતી પારેવાની આંખ રે, માઝમ રાતે નિતરતી નભની ચાંદની, એવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘કંકુ’નાં યાદગાર ગીતો મુને અંધારાં બોલાવે, પગલું પગલામાં અટવાણું, લુચ્ચા રે લુચ્ચા લોચનિયાની લૂમ તથા ભીંત ફાડીને પીપળો ઊગ્યો, ઘનશ્યામ ગગનમાં તથા ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં જેવાં કેટલાં ય સરસ ગીતોના કવિ વેણીભાઈ છે, એ બહુ ઓછાને ખબર છે. અનેક ફિલ્મોનાં ગીતો એમણે લખ્યાં પરંતુ એ વખતે પુરસ્કાર તો સાવ નજીવા એટલે અઢળક કામ કર્યું હોવા છતાં આર્થિક સધ્ધરતા તો આવે જ નહીં.
જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈ માધ્યમિક શિક્ષણ સુધી જ ભણ્યા પણ કવિતાઓ એવી મજેદાર કરી કે ગુજરાતીઓના દિલ ડોલાવી મૂક્યા. વ્યવસાયે પત્રકાર. બેતાળીસના હિંદ છોડો આંદોલનના કારણે કારાવાસ પણ વેઠ્યો. મજબૂત લય અને ભાવની નજાકત એ એમની કવિતાની લાક્ષણિક્તા. એમણે ‘સિંજારવ’ (૧૯૫૫), ‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨), ‘દીપ્તિ’ (૧૯૬૬) અને ‘આચમન’ (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા હતા. કર્મભૂમિ મહદ્દઅંશે મુંબઈ રહી.
ઉમાશંકર જોશી એમને ‘બંદો બદામી’ કહેતા.
સંત ખુરશીદાસ ઉપનામથી એમણે પુષ્કળ લેખો લખ્યા હતા. અખા ભગતના ઉપનામે ‘જન્મભૂમિ’માં તેમની વ્યંગાત્મક કોલમ પણ પ્રસિદ્ધ થતી હતી.
કાવ્યની દૃષ્ટિએ વેણીભાઈનું યાદગાર ગીત પસંદ કરવું હોય તો ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં સિવાય કશું યાદ ન આવે, પણ એમનું લોકપ્રિય ગીત સિલેક્ટ કરવું હોય તો ગુજરાતી ગીતોના ટોપ ટેનમાં અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે? આંખનો અફીણી વિશે આ જ કોલમમાં લખાઈ ચૂક્યું છે અને ઊનાં રે પાણી ગીત વિશે ન લખીએ તો કવિને અન્યાય થયો કહેવાય.
આ ગીતનું શીર્ષક છે ‘નયણાં’. પહેલી નજરે વાંચીએ તો આખા ગીતમાં નયણાં શબ્દ ક્યાં ય આવતો નથી, પરંતુ જેમ જેમ વાંચતાં જઈએ એમ ગૂઢાર્થો ખૂલતાં જાય. આંખનું તેજ, આંખનો ભેજ અને આંખનાં સપનાંની વાત કેવી નોખી ભાત પાડે છે! ગીતની ચરમસીમાએ તો કવિએ કેવું ગજબ લખ્યું છે:
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ:
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં …
જલનાં દીવા જલમાં ઝળહળે … કલ્પના લાજવાબ છે. જો કે, નિબંધકાર સુરેશ જોશીએ આ ગીતનો ઉત્કૃષ્ટ આસ્વાદ કરાવ્યો છે. એમનો આસ્વાદ વાંચ્યા પછી આપણે કંઈ કહેવાનું રહે નહીં.
સુરેશ જોશી લખે છે, "કાવ્ય માત્રને આસ્વાદ્ય બનાવવાને જે અદ્ભુત અનિવાર્ય બની રહે છે તે ‘અદ્ભુત’ જ આ કાવ્યનો પ્રાણ છે. એરિસ્ટોટલે કહ્યું છે કે પ્રકૃતિ વિરોધોમાંથી સંવાદ રચવામાં રાચે છે. એણે ‘મેટાફર’ રચવાની શક્તિને પ્રતિભાના વ્યાવર્તક લક્ષણ તરીકે ઓળખાવી છે. આ ‘મેટાફર’ને એ આ પ્રમાણે ઓળખાવે છે : A good metaphor implies an intuitive perception of the similarity in dissimilarity.
આ કાવ્યની આખી માંડણી જ વિરોધમૂલક સાદૃશ્યના પર થયેલી છે. ‘ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં -’ એ પ્રથમ પંક્તિથી જ વિરોધ તો શરૂ થઈ ચૂક્યો. સંસ્કૃતમાં ‘મીનાક્ષી’ની ખોટ નથી. એ રેઢિયાળ ઉપમાનો અહીં વિરોધના બળે કવિએ ઉદ્ધાર કર્યો. માછલી અને આંખ વચ્ચેના ચટુલતા, ચંચલતા વગેરે સમાન ધર્મોનો અહીં અણસાર નથી; જળમાં રહેવું એટલી જ સમાનતા પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચે છે. પણ આ સમાનતાને પણ કવિએ વિરોધના ગ્રાસમાંથી બચાવી નથી. માછલી પાણીમાં રહે એ વાત સાચી પણ એ ઊનાં પાણીમાં નહીં રહી શકે. આમ કરવાથી કવિએ વિરોધની ધાર કાઢી છે. પછીની બે પંક્તિમાં આ માછલાંની અદ્ભુતતા સમજાવતાં કવિ કહે છે :
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ
આમ તો આપણે ભેજ અને તેજને વિરોધી ગણીએ છીએ, જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ અદૃશ્ય થઈ જાય. પણ આ આંખમાં તો ભેજ અને તેજ સદા સાથે વસે છે. આંખનું તેજ જેમ સજીવતાની નિશાની છે તેમ આંખમાંની આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે.
આંખનું તેજ તે પારકું ઝીલેલું તેજ નથી. એ તો પોતાનું, ‘આતમા’નું તેજ છે. એનો પ્રકાશ બહાર પડતો નથી પણ એના વડે જ પ્રકાશ દેખતો થાય છે. આથી જ તો આવડી શી આપણી કીકીમાં કેટલા ય સૂર્ય ડૂબી જાય છે; ને જો એ જ ન હોય તો લાખ સૂરજનું તેજ આપણને કશું દેખાડી શકતું નથી. માટે જ તો આત્મા હોય ત્યાં સુધી આંખનું તેજ હોલવાતું નથી. આંખ બંધ કરો તો એ તેજ અંદરની સૃષ્ટિને અજવાળે છે. બુદ્ધના અન્તરમાં ઊઘડેલાં ચક્ષુમાં આથી જ તો અસાધારણ સુન્દરતા પ્રગટી ઊઠી.
આ તેજ અને ભેજથી આંખની મહત્તા સ્થાપીને કવિ કહે છે:
"સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં!
છેલ્લે પંક્તિ છે, ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. બીજી રીતે કહીએ તો વિરોધને ગાળી નાંખવા જેટલી વિશાળતા એનામાં હોય છે. આથી આપણે તો ‘અમરત’ અને ‘ઝેર’ને પરસ્પરવિરોધી ગણીએ, પણ શિવ તત્ત્વમાં તો ઝેરનો ય અંગીકાર છે. આપણી આંખ ઝેર જીરવે છે ને અમી વરસાવે છે. આપણામાં રહેલું એ શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત એ ‘આગલાં’ ને ‘પાછલાં’ છે, એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, એ જુદી જુદી વસ્તુ નથી.
વેણીભાઈની કવિ તરીકેની મર્યાદાઓમાંથી આ કાવ્ય, મોટે ભાગે, મુક્ત રહી શક્યું છે. પાંખી લાગણીને બહેલાવીને ગાવી, ને એને માટે ઘેરા શબ્દો યોજવા, ગઝલના મિજાજને નામે, થોડા જાણીતા રદીફકાફિયા અને તદબીરોનાં સંકુચિત વર્તુળમાં કવિતાને અટવાવી મારવી એ વિકસેલી કાવ્યસૂઝવાળા સાધકને ન પરવડે. તળપદાપણું, સરળતા જાળવીને વ્યંજકતા અને સુઘટ્ટ પોત સિદ્ધ કરતાં કવિને ફાવ્યું છે. ભેજ અને તેજના વિરોધ દ્વારા ક્રમશ: સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે.
વેણીભાઈના અલગારી સ્વભાવ વિશે ઘણી વાતો સાંભળી છે. પ્રમાણમાં એ અંતર્મુખી. પણ જેમની સાથે ફાવી જાય એમની કંપનીમાં પૂરા ખીલે. આપણા જાણીતા અને માનીતા નાટ્યલેખક પ્રવીણ સોલંકી એમની સ્મૃતિઓ સંકોરતાં કહે છે, "અમે બન્ને ઘાટકોપરના. કક્કડ ચાલના એક રૂમ રસોડાના ઘરમાં એ રહે. ધોતિયું, બંડી અને મોઢામાં પાન એ એમની ઓળખ. સર્જન કરવાનું મન થાય કે કંઈક નવી કાવ્ય પંક્તિ સ્ફૂરે ત્યારે ઊભા થઈ જાય અને કહે, પ્રવીણ હું જાઉં છું. ગાભણો થયો છું. વેણ એવી ઊપડી છે કે ઘેર ગયે જ છૂટકો! એમણે મારી ‘ગજરામારુ’ નામની ફિલ્મનાં ગીતો પણ લખ્યાં હતાં. નાટકોના શોખીન એટલે નાટકોના રિવ્યુ ખૂબ સારા લખે. એમને જીવતાંજીવત જે માન-સન્માન મળવાં જોઈએ એ નહોતાં મળ્યાં.
એમનાં મૃત્યુ પછી સ્મારક બનાવવાની વાત છેવટે સાત-આઠ વર્ષ પહેલાં ફળીભૂત થઈ. મધુરીબહેન કોટક અને મારા હસ્તે રાજાવાડી વિસ્તારમાં વેણીભાઈ ચોકનું ઉદ્ઘાટન થયું હતું. બસ, એટલું જ થયું. આપણી પ્રજા સાહિત્યકારો, કલાકારોને માન આપવામાં વિદેશની સરખામણીએ ઊણી ઊતરે છે એ હકીકત છે. પણ, વેણીભાઈ પોતાની મસ્તીમાં મહાલનારા કવિ હતા. દૂલા ભગત જેવા. એમનું પ્રદાન સાહિત્યિક ક્ષેત્રે અમૂલ્ય છે.
અગ્રગણ્ય લેખિકા સોનલ શુક્લએ વેણીભાઈનું સ્મરણ તાજું કરતાં કહ્યું, "સંગીતકાર અજિત મર્ચન્ટ, રેડિયો-ટેલિવિઝનના ડી.જી. રહી ચૂકેલા ગિજુભાઈ વ્યાસ, ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયા તથા વેણીભાઈ મિત્રો. અજિતભાઇએ મને ઊનાં રે પાણી વિશે કિસ્સો કહ્યો હતો. એકવાર ચારે ભાઈબંધ અજિતભાઇને ઘરે ભેગા થયા હતા. ત્યાંથી નીકળીને શિવાજી પાર્કના બગીચામાં જઈને બેઠા. થોડીક વાર પછી વેણીભાઈ એકદમ ચૂપ થઈ ગયા. બધાએ પૂછ્યું કે એકાએક શું થયું? ગિજુભાઈ બોલ્યા કે કવિ ગાભણા થયા લાગે છે. તો વેણીભાઈ કહે, "હા, હા, જલદી કાગળ આપો. હવે બાગમાં કાગળ ક્યાં શોધવો? કોઈકની પાસે કેવેન્ડર્સ સિગારેટનું ખોખું હતું. એ આપીને કહે લખો આની ઉપર. અંદરની બાજુ કોરી હોવાથી વેણીભાઈએ શબ્દો ઉતાર્યા : ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં …! ગીતનું મુખડું અવતરી ચૂક્યું હતું એટલે કવિ હળવા થઈ ગયા. આ ગીત પછી મોટેભાગે અજિત મર્ચન્ટે જ કમ્પોઝ કર્યું હતું. મીઠો અને રણકાદાર અવાજ ધરાવતાં વીણા મહેતાએ સૌપ્રથમ ગાયું હતું. એ પછી વેણીભાઈનું અન્ય એક અદ્ભુત ગીત – મને ખૂબ ગમતું, અમારા મનમાં એવું હતું કે તમને ઓરતાં થશે, વીંઝણલા વાશે ને વાદળી ધીમું ધીમું ગાશે … મેં નાટ્યકાર મિત્ર પ્રવીણ જોશીને આપ્યું જે એમણે ‘મોતી વેરાણાં ચોકમાં’ નાટકમાં લીધું હતું. સરિતા જોશી એ ગીત ગાતાં હતાં. ગીતની પહેલી જ લાઈન કેવી સોલિડ છે કે પુરુષના મનમાં ઊર્મિ-ઓરતા આવે. સ્ત્રી તો લાગણીશીલ હોય જ છે પણ પુરુષને ઓરતા થાય એવી અભિવ્યક્તિ વેણીભાઈ જેવા સંવેદનશીલ કવિને જ સૂઝે.
વાત મૂળ એ છે કે માત્ર જાણીતાં ગીતો સાંભળવાની મથામણમાં આપણે આવાં અતિ સુંદર ગીતો ચૂકી જઈએ છીએ. જાહેર કાર્યક્રમોમાં આવાં ગીતો સંભળાતાં જ નથી. ઈન્ટરનેટ પર અમદાવાદના ગાયક અનિલ ધોળકિયાના અવાજમાં આ ગીત ઉપલબ્ધ છે. મૂળ ભુજના એ કલાકારે આ ગીત સરસ ગાયું છે પણ આજના કલાકારો પણ આ ગીત ગાય અને એનો આસ્વાદ થાય તો નવી પેઢી સુધી આપણાં ઉત્તમ કાવ્યો પહોંચી શકે.
—————————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 માર્ચ 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=623711