હૈયાને દરબાર
જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ
ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ
જાગ નહીં તો પ્રાણનું મારું ઊડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ
જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ
• ગાયક : પ્રફુલ દવે • સંગીત : મહેશ-નરેશ
ફિલ્મ : મેરુ-માલણ
https://www.youtube.com/watch?v=NP0l3vu9B-g
————————
ગત પૂર્ણિમાની અજવાળી રાતે પૂનમનો ચાંદ જોઈને એક મજાનું ગુજરાતી લોકગીત યાદ આવી ગયું. એ ગીત હતું, ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં. ગોવાળ અરજણિયાને એની પ્રેમિકા ચેતવણી આપતી ને મોહ પામતી સંબોધી રહી છે. મૂળ ગીત નાયિકાના ભાવનું છે પરંતુ, મોટા ભાગે પુરુષ ગાયકના અવાજમાં પ્રચલિત થયું છે. ખૂબ બધા તળપદા શબ્દો, ભાવ, લય અને સૂરનું ગજબનું સંયોજન ધરાવતું આ ગીત આમ તો પ્રફુલ દવેએ ગાઈને પ્રચલિત કર્યું છે પરંતુ, મારા પિતા જયન્ત પંડ્યાને એ ખૂબ ગમતું એટલે અમારી નાની ઉંમરે અમારે માટે તો ગીતના ગાયક પપ્પા જ. આમ તો એ શિષ્ટ સાહિત્યકાર ગણાય. લોકસંગીતનું માહાત્મ્ય સમજે પણ લંડન ભણીને આવ્યા હોવાથી બ્રિટિશ એટીકેટ સ્વભાવમાં વણાઈ ગયેલી. છતાં, એમના લંગોટિયા મિત્ર અને એ વખતના અમદાવાદના ધારાસભ્ય ઘનશ્યામ પંડિત ભેગા મળે ત્યારે બન્ને ઘણા ખીલે. પંડિત સાહેબના બંગલે દેશ-વિદેશની વાતો, સાહિત્યિક ચર્ચાઓ, કવિતા પાઠ અને લાડુનાં જમણ સાથે ગીતોનો દૌર પણ ચાલે. એમાં પપ્પાને ગમતાં બે ગીતો તો એ લલકારે જ. એમાં એક ચાંદો ઊગ્યો ચોકમાં તથા બીજું મમ્મીનું ફેવરિટ જાગ રે માલણ જાગ. સાથે અન્ય એક ગીત, માતાજીના ઊંચાં મંદિર નીચા મોલની એક પંક્તિ ઘનશ્યામભાઈનાં પત્ની પુષ્પાબહેનને માટે ગવાય, (કારણ કે મિષ્ટ ભોજન પુષ્પાકાકી પાસેથી મળવાનું હોય!)
ક્યાં છે મારા ઘનશ્યામભાઈનાં ગોરી,
મુખલડે અમી ઝરે રે લોલ!
આમ, ચાંદો ઊગ્યો ચોકમાં તથા જાગ રે માલણ જાગ ગીતો મારા કુમળા મનની કોરી સપાટી પર હંમેશ માટે અંકાઈ ગયાં હતાં. ગુજરાતમાં એ વખતે ગ્રામ્ય પરિવેશની ફિલ્મો આવતી. ફિલ્મોમાં ગામડાં સંસ્કૃતિને પરિણામે કેટલાં ય ફિલ્મી ગીતો એની લોકપ્રિયતાને લીધે લોકગીતો જેવાં બની ગયાં હતાં. હેમુ ગઢવી, ઈસ્માઈલ વાલેરા જેવાં અનેક જાણીતા લોકગાયકોમાં એ વખતે એક નવું નામ ઉમેરાયું. એ નામ એટલે પ્રફુલ દવે. હૃદયમાંથી સીધો નીકળતો બુલંદ અવાજ તથા એમની ભાવપૂર્ણ ગાયકીને પરિણામે પ્રફુલ દવે ટૂંક સમયમાં ગુજરાતના ઘર ઘરમાં ગુંજતું નામ બની ગયું હતું.
અમરેલી જિલ્લાના હડાળાની પ્રાથમિક શાળામાંથી નીકળેલો પ્રફુલ દવેનો એ કુમળો અવાજ હવે તો અમરેલીથી અમેરિકા સુધી ગુંજી ચૂક્યો છે. હડાળાની શાળામાં તેમણે નાનપણમાં પ્રાથમિક શાળાની સભામાં ગાયું, શિક્ષકોનું પ્રોત્સાહન મળ્યું. કોલેજકાળમાં તેમણે ભાવનગરમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો અને પ્રફુલ દવેના અવાજમાં ગવાયેલા મણિયારાએ તો દેશ-વિદેશમાં એવી માયા લગાડી કે હવે તે વિશેષ ઓળખ આપવાના મોહતાજ નથી રહ્યા.
ઘણાને ખબર નહીં હોય કે પ્રફુલ દવે પહેલાં તો ડૉક્ટર હતા. એમના પિતા પ્રફુલભાઈને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હતા. તેઓ કહેતા કે ગાવામાંથી રોટલો ન નીકળે અને ગાવાના પૈસા કોઈ દિ નો લેવાય. એટલે દીકરો ભણી ગણીને દાક્તર થાય અને હકનું ખાય એવી પિતાની ઈચ્છા. પણ, દાક્તર બનવા ફદિયાં ઝાઝાં જોઈએ. એટલા પૈસા તો બાપ પાસે હતાં નહીં, એટલે પ્રફુલભાઇ ભાવનગરની આયુર્વેદિક કોલેજમાં ભણ્યા અને આયુર્વેદની ડિગ્રી લઈને અમરેલી પાસેના એક ગામમાં એમણે દવાખાનું ખોલ્યું ને બે વર્ષ ચલાવ્યું પણ ખરું. પરંતુ, નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. કોલેજમાં શોખથી ગાતા પ્રફુલભાઈ પછી તો શહેર, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જીતતા ગયા અને સંગીત જગતમાં એમના નામની નોંધ લેવાતી ગઈ.
પ્રફુલભાઈ એ સમય યાદ કરતાં કહે છે કે, "અમદાવાદના ટાઉનહોલમાં મેં પહેલી વાર મણિયારો રજૂ કર્યું ત્યારે ઓડિયન્સમાં સંગીતકાર ગૌરાંગ વ્યાસ બેઠા હતા. એમણે ‘લાખો ફૂલાણી’ ફિલ્મમાં આ ગીત તથા નવોદિત ગાયકને લેવા પિતા અવિનાશ વ્યાસને વિનંતિ કરી. મહેન્દ્ર કપૂર પાસે ગવડાવવાનું એ વખતે લગભગ નક્કી હતું છતાં અવિનાશભાઈએ કહ્યું કે પ્રફુલ દવેને બોલાવો મુંબઈ. અવિનાશભાઈના ઘરે હું ગયો. ફિલ્મ ડિરેક્ટર અરુણ ભટ્ટ સહિત આખી ટીમ કસોટી લેવા બેઠી હતી. ગૌરાંગભાઈએ હારમોનિયમ કાઢ્યું અને મેં મણિયારો શરૂ કર્યું. બધા એકચિત્તે સાંભળી રહ્યા હતા. અરુણ ભટ્ટે અવિનાશભાઈની સામે જોયું અને ઈશારો કરી પૂછ્યું કે કેવું લાગ્યું? અવિનાશ વ્યાસ પારખુ સંગીતકાર. તરત જ એ બોલ્યા, "મધપૂડો છે આ ગાયક. મારે માટે એ ધન્ય ક્ષણ હતી. મહેન્દ્ર કપૂરને સ્થાને મારી પસંદગી થઈ અને મણિયારાએ મને ફેમસ કરી દીધો. મણિયારાથી શરૂ થયેલી યાત્રામાં પછી તો એક એકથી ચડિયાતાં ગીતો ઉમેરાતાં ગયાં.
આજે આપણે જે ગીત વિશે વાત કરવી છે એ ગીત છે, જાગ રે માલણ જાગ. પ્રફુલભાઈને આજે ય આશ્ચર્ય છે કે ફિલ્મ ‘મેરુ માલણ’નું આ ગીત આટલું બધું લોકપ્રિય થયું કેવી રીતે!
"આ જ ફિલ્મનું ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી ઊડી જાય ગીત ખૂબ જાણીતું હતું. એ ગીત તો રોમેન્ટિક અને રિધમિક એટલે લોકપ્રિય ન થાય તો નવાઈ! પરંતુ, જાગ રે માલણ જાગમાં વાદ્ય અરેન્જમેન્ટ ઓછી હતી. માત્ર ઢોલ, સિતાર અને વાયોલિન જેવાં બે-ચાર વાદ્યો ધરાવતું ગીત આટલું બધું લોકપ્રિય થશે એવી અમને કોઈને આશા નહોતી. અત્યારે તો મારે વિચારવું પડે હિટ લિસ્ટમાં ઓઢણી આગળ છે કે માલણ. પ્રફુલભાઈ જણાવે છે. ગીતની લોકપ્રિયતાની વાત આગળ વધારતાં પ્રફુલભાઈ રમૂજી અંદાજમાં કહે છે કે આ તો મેં ગાયક પ્રફુલ દવેની વાત કરી. હવે ફિલોસોફર એટલે કે ચિંતક-વિચારક પ્રફુલભાઈની વાત સાંભળો.
"એક ગામમાં મારો પ્રોગ્રામ હતો. એક ભાઈ મળવા આવ્યા. મને કહે કે તમારું જાગ રે માલણ જાગ મેં સાતથી આઠ હજાર વાર સાંભળ્યું છે એટલું બધું મને ગમે છે. સવારે ઊઠતાંની સાથે બ્રશ કરતાં પહેલાં હું આ ગીત સાંભળું છું. હું તો મનમાં ઘણો પોરસાયો. મેં એમને કહ્યું કે કાર્યક્રમ પછી આપણે સાથે જમીશું. મને ઉત્કંઠા હતી કે આ ભાઈને ગીતમાં એવું તે શું ગમી ગયું કે એમણે સાત હજાર વાર સાંભળ્યું છે! કહાની હવે યુ ટર્ન લે છે. જમતાં જમતાં જ મેં એમને પૂછી લીધું કે જાગ રે માલણ જાગ તમને કેમ આટલું બધું ગમે છે? એ ભાઈ બોલ્યા કે ગીત તો ઠીક, એમાંની આ પંક્તિ મને અત્યંત પ્રિય છે :
ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
આ પંક્તિમાં મારી પ્રેમિકા લતાનું નામ આવે છે એમ કહીને એક અને લતા શબ્દ છૂટો પાડીને એમણે ગાયો; ઝીલશે નહીં ધરતી મારી એક લતાનો ભારો! હું તો અચંબિત થઈ ગયો. ત્યારે જીવનના સત્યનો અહેસાસ થયો કે ગાયકોએ બહુ અહંકાર રાખવો નહીં કે ફલાણું ગીત મારું સુપરહિટ ને ઢીંકણું મારું પોપ્યુલર! લોકો પોતપોતાની રીતે જ એનું અર્થઘટન કરે છે. આપણે તો નિમિત્ત માત્ર! આ ગીત પ્રખ્યાત થવા પાછળ મને બીજું એક સત્ય પણ લાધ્યું. જે ગીતમાં જાગવા-જગાડવાની વાત છે એ ગીતો હિટ થાય છે. જાગને જાદવા, જાગો મોહન પ્યારે, જાગ દર્દ ઈશ્ક જાગ, જાગો રે જાગો રે જાગો રે … વગેરે. જાગ રે માલણ જાગમાં પરજના સ્વરોનો પ્રયોગ થયો છે. પરજના સ્વરો એટલે પંચમથી નીચેના એકેય સ્વર ન લેવાય. પરજનાં ગીતોનો સમય રાત્રે બાર પછીનો કહેવાય. એ સમયે મોટા ભાગના માણસોને ઊંઘ ચડે ને એ નીંદરમાં પોઢી જાય. આપણાં સંતો, સદ્ગુરુઓ માણસને જગાડવાની, જાગૃત કરવાની હંમેશાં વાત કરે. હવે જગાડવા માટે ધીમો અવાજ ન ચાલે. એ મોટા અવાજે જ કહેવું પડે. એટલે આ ગીતમાં પરજના બુલંદ સ્વરો પ્રયોજાયા છે. કબીરનો એક દોહો પણ પરજમાં છે :
જાગો લોગોં મત સૂઓ, મત કરો નિંદર સે પ્યાર
જૈસો સપનોં રૈન કો, ઐસો રે સંસાર …
સંતો કહે છે કે ઊંઘવામાં સમય ન બગાડો. જિંદગીમાં સમય ઓછો છે એટલે જાગી જાઓ. અલબત્ત, ‘મેરુ માલણ’ ફિલ્મમાં ફિલ્મની હીરોઈન સ્નેહલતા કોમામાં સરી પડી છે ત્યારે એનો પ્રેમી નરેશ કનોડિયા એને જગાડવા માટે આ ગીત ગાય છે. પરંતુ, મારે કહેવું જોઈએ કે આ ગીતે મને પોપ્યુલર તો કર્યો પણ જિંદગીનાં સત્યો પણ સમજાવ્યાં. પ્રફુલભાઈ હસીને વાત પૂરી કરે છે. પ્રફુલ દવેના કંઠમાં ગુજરાતના ગામડાંનાં ડાયરાની હલક જીવે છે, તો વળી ગુજરાતીપણાની ઝલક પણ છલકાય છે. આશા ભોસલે સહિત બિનગુજરાતી કલાકારો સાથે પણ એમણે ગીતો ગાયાં છે. ગુજરાતી ગીતની લિજ્જત અને લિબાસ બદલવામાં પ્રફુલ દવેનો ફાળો નોંધનીય છે. ગીતને લોકગીતની કક્ષાએ પહોંચાડી શકવાની ક્ષમતા પ્રફુલભાઈમાં છે એ એમનું સૌથી મોટું પ્રદાન કહી શકાય.
મણિયારો, મારું વનરાવન છે રૂડું, આપણા મલકના માયાળુ માનવી, ચાંદો ઊગ્યો ચોકમાં, ધૂણી રે ધખાવી બેલી (જેસલ-તોરલ ફિલ્મમાં મહેન્દ્ર કપૂરનો અવાજ), જાગ રે માલણ જાગ, અમે છૈયે વાયા વિરમગામના … જેવાં ગીતોએ એ વખતે તરખાટ મચાવી દીધો હતો. પ્રફુલભાઈ હજુ ય કાર્યરત અને સંગીતમય છે. એમનાં સંતાનો હાર્દિક અને ઈશાની સંગીત ક્ષેત્રે વ્યસ્ત છે. પા પા પગલી મેં કીધી ઝાલીને તારો હાથ … ઈશાની દવે અને પ્રફુલ દવેનું આધુનિક કવર સોંગ ગયા વર્ષે ૨૦૧૯માં જ રિલીઝ થયું અને લોકપ્રિય થયું. બાપ-દીકરીનો પ્રેમ એમાં છલકતો દેખાય છે. ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ ગીત પણ એમણે મોડર્ન ટ્રીટમેન્ટ સાથે લાજવાબ રજૂ કર્યું છે. બન્ને ગીતોમાં શબ્દો, ઢાળ એના એ જ, ફરક માત્ર સંગીતમય પ્રસ્તુતિનો. આજની યુવાપેઢીને ગમે એ રીતે તૈયાર થયેલાં આ બન્ને ગીતો પણ યુટ્યુબ પર સાંભળજો. મજા આવી જશે. જાગ રે માલણ જાગ તો સાંભળવાનું જ ને!
—————————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 ફેબ્રુઆરી 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=623035