મુદ્રણને પગલે ગુજરાતીના લેખનની રીતમાં કેટલાક ફેરફાર ધીમે ધીમે થયા. અગાઉ હસ્તપ્રતોમાં શબ્દો છૂટા પાડયા વગર સળંગ લખાણ લખાતું હતું. આને પરિણામે લખાણ ઉકેલવામાં તથા તેનો અર્થ બેસાડવામાં કેટલી મુશ્કેલી પડે છે તે હસ્તપ્રતોના અભ્યાસીઓ જાણે છે. અંગ્રેજી મુદ્રણ જોઈને ગુજરાતી મુદ્રણમાં શબ્દોને છૂટા પાડવાનું પહેલેથી જ શરૂ થયું. જો કે શબ્દોને છૂટા પાડવા માટે શરૂઆતમાં અંગ્રેજી કરતાં જુદો રસ્તો અપનાવ્યો હતો. ૧૭૯૭ની બોમ્બે કુરિયરની જાહેર ખબરોમાં તેમ જ ફરદુનજી મર્ઝબાજીએ શરૂઆતમાં છાપેલાં પુસ્તકોમાં બે શબ્દો વચ્ચે મધ્યરેખાબિંદુ (ઇન્ટર પોઇન્ટ) મૂકીને શબ્દો છૂટા પાડયા છે. પ્રાચીન લેટિનમાં આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ જોવા મળે છે. બહેરામજી છાપગર કે ફરદુનજી મર્ઝબાનજી પ્રાચીન લેટિનથી પરિચિત હોય એવો સંભવ નથી. તેમણે આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ કયાંથી અપનાવ્યો હશે એ જાણવાનું આજે શક્ય નથી. જો કે થોડાં વર્ષો પછી શબ્દોને છૂટા પાડવા માટે ઇન્ટર પૉઇન્ટને બદલે ખાલી જગ્યા-સ્પેસ-નો ઉપયોગ શરૂ થઈ ગયો હતો.
બીજો ફેરફાર થયો તે વિરામ ચિહ્નોના ઉપયોગનો. હસ્તપ્રતોમાં એક માત્ર પૂર્ણવિરામ સિવાય બીજું કોઈ વિરામ ચિહ્ન વપરાતું નહીં. પૂર્ણ વિરામ માટે પણ ઊભો દંડ (।) વપરાતો. કવિતામાં બે દંડ ( ।। ) પણ વપરાતા. સળંગ લખાતા લખાણમાં આ દંડને કારણે વાક્ય કયાં પૂરું થયું તે સમજાતું. પણ તે સિવાય બીજાં કોઈ વિરામ ચિહ્નો વપરાતાં નહીં. ૧૮૨૧માં સુરતમાં છપાયેલા બાઈબલના નવા કરારના અનુવાદમાં માત્ર એકવડા અને બેવડા દંડ જ વપરાયા છે, બીજાં કોઈ વિરામ ચિહ્નો વપરાયાં નથી.
ભારતની બીજી ભાષાઓની જેમ ગુજરાતીએ પણ ધીમે ધીમે અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નો અપનાવ્યાં છે. હિંદીએ બીજાં બધા ચિહ્નો અપનાવ્યાં પણ પૂર્ણવિરામને માટે અધોરેખાબિંદુ(.)ને બદલે અગાઉનો દંડ વાપરવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતીમાં પણ શરૂઆતમાં પૂર્ણવિરામ માટે અધોરેખાબિંદુનું ચિહ્ન વપરાયું નથી. શબ્દોને છૂટા પાડવા માટે વપરાતા મધ્યરેખાબિંદુ સાથે તેની સેળભેળ થઇ જાય એ બીકે એમ થયું હશે. એટલે શરૂઆતમાં પૂર્ણવિરામ માટે અધોરેખાબિંદુને બદલે ફુદરડીની (*) નિશાની વપરાય છે. આ ફુદરડી અક્ષરના માપની જ રહેતી તેનાથી નાની નહીં અને તેની આકૃતિ અક્ષરોથી તરત જુદી પડે એવી હતી. પછી મધ્યરેખાબિંદુનો ઉપયોગ બંધ થયો એટલે સોળભેળની બીક રહી નહીં અને તેથી ફુદરડીને બદલે પૂર્ણવિરામને માટે (.)નું ચિહ્ન વપરાવા લાગ્યું. અંગ્રેજીમાં વપરાતાં બીજાં વિરામ ચિહ્નો તે પછી ધીમે ધીમે વપરાતાં થયાં. છેલ્લા કેટલાક દાયકાઓમાં અંગ્રેજી મુદ્રણની ગતિ, ખાસ કરીને અમેરિકામાં, બને તેટલાં ઓછાં વિરામ ચિહ્નો વાપરવા તરફની છે. પણ આપણે ૧૯મી સદીમાં બ્રિટિશ અંગ્રેજીમાંથી વિરામ ચિહ્નો અપનાવ્યાં ત્યારે મુદ્રણમાં તેમની જે બહુલતા હતી તેને જ આજ સુધી વળગી રહ્યાં છીએ.
અંગ્રેજી મુદ્રણ જોઈને આપણે બીજી બે વાત પણ અપનાવી. પહેલી તે ગદ્ય લખાણ સળંગ ન લખતાં તેમાં પેરેગ્રાફ પાડવાની. અલબત્ત, શરૂઆતમાં પેરેગ્રાફ લગભગ સ્વેચ્છા મુજબ (આર્બિટ્રરીલી) પડાતા. પણ પછી ધીમેધીમે ભાવ, વિચાર કે મુદ્દા સાથે પેરેગ્રાફનો સંબંધ બંધાયો. તેવી જ રીતે પદ્યની બાબતમાં પંક્તિ અને કડીને સળંગ ન છાપતાં જુદાં પાડીને છાપવાનું આપણે અપનાવ્યું. પદ્યની પંક્તિનું માપ સાધારણ રીતે ગદ્ય લખાણના માપ કરતાં નાનું રાખવાનું – પંક્તિને ઇન્ડેન્ટ કરવાનું આપણે અપનાવ્યું. પંક્તિ જુદા જુદા માપની હોય તો તેમને આરંભે અથવા અંતે અલાઇન કરવાનું વલણ પણ અપનાવ્યું. બે પેરેગ્રાફની જેમ બે કડી વચ્ચે પણ વધુ જગ્યા-સ્પેસ-રાખવાનું શરૂ કર્યું. હસ્તપ્રતોના જમાનામાં આમાંનું કશું નહોતું.
(વધુ હવે પછી)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 13 અૉક્ટોબર 2014