એક ચૌદ-પંદર વરસનો છોકરો. જૂનાગઢની નિશાળમાં નાપાસ થઈને ભાવનગરની દક્ષિણામૂર્તિ નામની અનોખી શિક્ષણ સંસ્થામાં ભણવા આવ્યો છે. એ સંસ્થાના પ્રાર્થના મંદિરની અગાસી ઉપર એકલો બેઠો છે. સાંજ ઢળવા આવી છે. આકાશમાં દેખાતા શુક્રના તારા તરફ પેલો છોકરો તાકી રહ્યો છે. અર્ધ સભાન, અર્ધ અભાન એવી અવસ્થામાં ગણગણવા લાગે છે :
તારા! તારા! તારા જેવી
મીઠી મીઠી આંખ દે!
પંખી મીઠા! તારા જેવી,
ચેતનવંતી પાંખ દે.
સાત સમંદર વિંધી જાઉં,
હસતી આંખે જોતો જાઉં.
પછી તો સડસડાટ આખી કવિતા લખી નાખે છે અને બીજે દિવસે ગુજરાતીના શિક્ષક ગિરીશભાઈને બતાવે છે. તેને કહ્યા કારવ્યા વગર ગિરીશભાઈ એ કવિતા ‘કુમાર’ માસિકના તંત્રીને મોકલી દે છે. એ જમાનામાં જાણીતા કવિ માટે પણ પોતાની કવિતા ‘કુમાર’માં છપાય એટલે ધન ઘડી ને ધન ભાગ ગણાય. અને આ છોકરડાની પહેલવહેલી કવિતા ‘કુમાર’માં છપાય છે. તારા જેવી આંખ અને પંખી જેવી પાંખ મળે તેવી અભિલાષા પ્રગટ કરનાર આ વિદ્યાર્થી તે કૃષ્ણલાલ શ્રીધરાણી.
માગીએ છીએ તો આપણે બધા, પણ માગેલું બધાને મળતું નથી. પહેલી જ રચનામાં શ્રીધરાણીએ તારા જેવી મીઠી આંખ માગી અને તેમને તે મળી. તારાના તેજ જેવી તેજસ્વી કવિતાનું અવતરણ તે સાંજે થયું તે પછી જીવનના અંત સુધી એ પ્રવાહ ચાલતો રહ્યો – હા, વચમાં કેટલાંક વર્ષ તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો, પણ સૂકાઈ ગયો નહોતો. પહેલો કાવ્ય સંગ્રહ ‘કોડિયાં’ પ્રગટ થયો ત્યારે શ્રીધરાણીની ઉંમર હતી માત્ર ૨૩ વર્ષ.
શ્રીધરાણીની બીજી અભિલાષા હતી પંખી જેવી ચેતનવંતી પાંખ મળે તેની. આવી પાંખ મળે તો સાત સમંદર વિંધી જવાની અને સમંદર પારના મુલક હસતી આંખે જોવાની મુરાદ હતી. એ પણ ફળી. ૧૯૩૪માં એક બાજુ ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, અને બીજી બાજુ દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ, અને શાંતિનિકેતનમાં ભણ્યા પછી વધુ અભ્યાસ માટે શ્રીધરાણી અમેરિકા ગયા. ત્યાં ભણી એમ.એ., પીએચ.ડી. થયા. આજે આપણને આ વાતની નવાઈ ન લાગે, પણ ૧૯૩૪માં હજી અમેરિકા ગુજરાતનો એક જિલ્લો બન્યું નહોતું. બાર વર્ષ અમેરિકામાં રહી ગાંધીજીની વિચારણા, હિન્દુસ્તાનની આઝાદી માટેની લડત, વગેરે વિષે અમેરિકન લોકોને લખાણો અને ભાષણો દ્વારા ઢંઢોળીને જાગૃત કર્યા. વોર વિધાઉટ વાયોલન્સ, માય ઇન્ડિયા, માય અમેરિકા, વોર્નિંગ ટુ ધ વેસ્ટ, ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ, ધ બીગ ફોર ઓફ ઇન્ડિયા, જેવાં પુસ્તકો લખ્યાં. તેમાંનું માય ઇન્ડિયા, માય અમેરિકા જેવું અફલાતૂન પુસ્તક તો આજ સુધી અમેરિકામાં ફરી ફરી છપાતું રહ્યું છે. એક કનૈયાલાલ મુનશીને બાદ કરતાં બીજા કોઈ ગુજરાતી લેખકે અંગ્રેજીમાં આટલાં પુસ્તકો લખ્યાં નહિ હોય.
૧૯૪૬માં સ્વદેશ પાછા આવી શ્રીધરાણી દિલ્હીવાસી બન્યા. અમેરિકા-વાસનાં બાર વર્ષ કવિતાએ દેશવટો લીધો હતો. ૧૯૪૮માં ભારતમાં કવિતા અને શ્રીધરાણીનું પુનર્મિલન થયું. ૧૯૫૭માં ‘કોડિયાં’ની સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરી. સ્વદેશ આગમન પછીનાં બાર વર્ષમાં લખાયેલાં કાવ્યોનો સંગ્રહ ‘પુનરપિ’ શ્રીધરાણીએ તૈયાર કરી રાખેલો, પણ તે પ્રગટ થયો ૧૯૬૧માં. ૧૯૬૦ના જુલાઈની ૨૩મી તારીખે માત્ર ૪૯ વર્ષની વયે શ્રીધરાણીનું અકાળ અવસાન થયું, તે પછી.
૧૯૩૪માં ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો તે પહેલાં ૧૯૩૧માં શ્રીધરાણીનું નાટક ‘વડલો’ પ્રગટ થયું હતું. તે પછી ઠેઠ ૧૯૫૨માં આ નાટક વિષે શ્રીધરાણીએ લખેલું : “ઉંમર વધતી જાય તેમ તેમ આપણને પહેલાં લખેલું સુધારવાનું મન થાય. પણ ‘વડલો’ મારી એક એવી કૃતિ છે કે એમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. વડલોથી હું કૃતાર્થતા અનુભવું છું.” તે પછી પણ તેમણે પીળાં પલાશ, મોરનાં ઈંડાં, પદ્મિની, પિયો ગોરી, સોનાપરી, જેવાં નાટક-એકાંકી આપ્યાં, તો ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો જેવી કથાકૃતિઓ પણ આપી.
પંખી જેવી ચેતનવંતી પાંખ ઝંખનાર શ્રીધરાણી સતત વધુ વ્યાપક અને વિશાળ આકાશમાં ઊડતા રહ્યા. ૧૯૧૧ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે ભાવનગર પાસેના ઉમરાળામાં જન્મ, ભણ્યા ભાવનગર, ઘડાયા ગુજરાત વિદ્યાપીઠમાં, ખીલ્યા શાંતિ નિકેતનમાં, ખુલ્યા અમેરિકામાં. સ્વદેશ પાછા આવીને અમદાવાદ કે મુંબઈવાસી નહિ, પણ દિલ્હીવાસી બન્યા. ગાંધીજી, ગુરુદેવ ટાગોર, પંડિત જવાહરલાલ નેહરુ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઇન્દિરા અને ફિરોઝ ગાંધી, જેવી રાષ્ટ્રીય કક્ષાની અગ્રણી વ્યક્તિઓ સાથે શ્રીધરાણીને ઘરોબો હતો. વિશ્વવિખ્યાત ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ સાથે જાહેર ચર્ચા કરી શકે એવી તેમની હેસિયત હતી. ધાર્યું હોત તો આઝાદી પછીની સરકારમાં માનમોભાભર્યું સ્થાન મેળવવાનું અઘરું નહોતું. એવી ઓફર આવેલી પણ ખરી. પણ પોતાની સ્વતંત્રતાને આંચ ન આવે એટલા ખાતર તેમણે પત્રકારનો વ્યવસાય સ્વીકારેલો અને અંગ્રેજીના પત્રકાર તરીકે પણ ઉજળો હિસાબ આપેલો. શ્રીધરાણીના અવસાન પછી અંજલિ-લેખમાં ગગનવિહારી મહેતાએ લખેલું : “કોઈ પર દ્વેષ-ભાવ રાખતા નહિ, અંગત હુમલા કરતા નહિ, અમુક વ્યક્તિ માટે પ્રચાર કરતા નહિ. એમના લેખો દિલ્હીનાં મંત્રીમંડળોમાં, પરદેશી રાજદૂતોના કાર્યાલયોમાં, અમલદાર વર્ગમાં, તેમ જ લોકસભા અને રાજ્યસભામાં ધ્યાનથી વંચાતા.” આવા એક અનોખા લેખક અને પત્રકારને જન્મ દિવસ નિમિત્તે આ નાનકડી આદરાંજલિ.
સૌજન્ય : ‘ટ્રિબ્યૂટ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2014