ગાંધીજીની હાકલ સાંભળીને ગામડામાં જઈને રચનાત્મક કામ કરવાનો નિર્ણય મેં ૧૯૪૪ની સાલમાં જ કરી લીધો હતો. હજુ તો મેં કૉલેજમાં ભણવાની શરૂઆત જ કરી હતી. મુંબઈમાં જ્યાં અમે રહેતા હતા, ખાર-સાંતાક્રુઝ વિસ્તાર – ત્યાંનો તે વખતનો માહોલ રાષ્ટ્રીયતાથી ભર્યો-ભર્યો હતો. સ્વરાજ્યની ચેતના તેમ જ સ્ફૂર્તિ એક ભાવનાશીલ તેમ જ વિચારશીલ વર્ગમાં વ્યાપ્ત હતાં. તેથી મારા આ નિર્ણયને પોષણ મળતું રહ્યું અને મારો ઉત્સાહ પણ વધતો રહ્યો.
મંથન ચાલી રહ્યું હતું, સાથે સાથે ગાંધી-વિનોબાના વિચારોનું અધ્યયન પણ કરી રહ્યો હતો. તેવામાં વિનોબાજીની એક મહત્ત્વની સૂચના વાંચવા મળી. તેમના વિધાનના મૂળ શબ્દો તો યાદ નથી પરંતુ તેનો ભાવાર્થ આવો હતો, “દરેકના નસીબમાં લક્ષ્મણ જેવું સદ્ભાગ્ય પ્રાપ્ત કરવાનું તો શક્ય નથી હોતું. રામ અને સીતામાતાની પ્રત્યક્ષ સેવા કરવાનું સદ્ભાગ્ય લક્ષ્મણને મળ્યું હતું, સંજોગો એવા સરસ ઊભા થયા તેના માટે. પરંતુ ભરત જેવું ભાગ્ય તો આપણે બધા જ મેળવી શકીએ તેમ છીએ ! તેમણે રાજસિંહાસન પર ભગવાન રામચંદ્રની પાદુકાનું જ સ્થાપન કરી દીધું અને તેમાંથી પ્રેરણા તેમ જ આદેશ મેળવતા મેળવતા આખું જીવન જીવ્યા” –
આ વાંચતાં જ આ વાત હૃદયમાં વસી ગઈ. એ બાબત ધ્યાનમાં આવી ગઈ કે બાપુના બતાવેલા માર્ગ પર ચાલવા માટે તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની જરૂર નથી. પરિણામે આગળના જીવનમાં ક્યાં, કેમ, કેવી રીતે શું કરવાનું છે તે બધું સ્પષ્ટ થતું ગયું. આમ, ગામમાં જઈને વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમાં નઈતાલીમના પ્રયોગ કરવામાં જીવન વીત્યું. અને તેનું સમાધાન પણ હૃદયમાં છે.
બાપુના અવસાનના તરત બાદ વિનોબાજીના ‘શ્રાદ્ધ કે તેરહ દિન’-નાં જે પ્રવચન થયાં, તે વાંચીને ચિત્તને ઘણી સ્વસ્થતા મળી. ગાંધીજીની વિદાય બાદ લગભગ એક વર્ષ સુધી વિનોબાજી આખા દેશમાં ફર્યા. તે દરમિયાન તેઓ મુંબઈ પણ આવેલા. બોરીવલીના કોરા કેન્દ્રમાં તેમનો રાતવાસો હતો. પ્રવચન બાદ તેમને એક પ્રશ્ન પૂછવાનું સાહસ મેં કર્યું હતું. તે વખતે ‘હરિજનબંધુ’માં કિશોરલાલભાઈએ ‘ગુર્જર નાગરી’નો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાતી અને દેવનાગરી લિપિમાં માત્ર નવ અક્ષર જુદા છે. તેમનું સૂચન હતું કે આ નવ અક્ષર ગુજરાતીમાં લખતી વખતે જો આપણે દેવનાગરી લિપિમાં લખીએ તો આખા દેશના વધુમાં વધુ લોકો ગુજરાતી સહેલાઈથી વાંચી શકશે.
કિશોરલાલભાઈની આ વાતનો હું પ્રચારક જ બની ગયો હતો. મેં બાબાને પૂછ્યું, “તમે કિશોરલાલભાઈની લિપિ-સુધારની વાતનો પ્રચાર કેમ નથી કરતા ?” બાબાએ તે વખતે આનો શું જવાબ આપ્યો તે હમણા તો યાદ નથી, પરંતુ તેમણે આ વાત તરફ બહુ ધ્યાન ન આપ્યું. એ બરાબર યાદ છે. પણ હું ક્યાં પોતાની વાત છોડું તેવો હતો ! મેં તો બાબાને એક પત્ર લખ્યો અને પોતાની વાત દોહરાવી.
આના પરિણામે એક અસાધારણ ઘટના બની ગઈ. તા. ૩-૧૧-૯૪ના દિવસે પરંધામ આશ્રમ પવનારથી લખાયેલો એક પોસ્ટકાર્ડ મારી પાસે આવ્યો. જેમાં સુંદર અક્ષરોથી લખેલો વિનોબાજીનો વિસ્તૃત જવાબ હતો ! હું તો આનંદાશ્ચર્યથી ચકિત-સ્તબ્ધ થઈ ગયો. ગાંધીજીએ જેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કરેલા તેવા મહાપુરુષની મારા જેવા નાચીઝ યુવકની સાધારણસી પૃચ્છાના જવાબમાં ‘શ્રી જ્યોતિન્દ્ર’ કરીને પત્ર આવે એ તો મારા સ્વપ્નમાં પણ ન હતું. પરંતુ આ તો વિનોબા હતા ને ! તેમણે પત્રમાં લખ્યું હતું કે, “ગુર્જર-નાગરીને ગુર્જર-લિપિના સુધારા તરીકે હું પસંદ કરું છું. પરંતુ નાગરીના સુધારા માટે મારી એક યોજના છે જેને મેં ‘લોકનાગરી’ નામ આપ્યું છે. અને ‘લોકનાગરી લિપિ’ નામની નાનકડી પુસ્તિકા મરાઠીમાં પ્રકાશિત કરી છે. એ લિપિમાં એક આખું માસિક પત્ર ‘સેવક’ પણ પ્રકાશિત કરું છું. તમે જો થોડી ઘણી મરાઠી જાણતા હો તો હું તમને એ વાંચવાની ભલામણ કરું છું. તેનું વાર્ષિક મૂલ્ય રૂપિયા ત્રણ છે અને તે ગોપુરી, વર્ધાથી પ્રકાશિત થાય છે.
“હવે તમને પ્રશ્ન થશે કે લોકનાગરીનો નમૂનો હું ‘સર્વોદય’ હિંદી માસિકમાં કેમ નથી આપતો ? તેનો જવાબ એટલો જ છે કે પહેલાં હું વિચારોનો પ્રચાર-પ્રસાર ઇચ્છું છું; તેના પછી લિપિ-સુધાર જેવી વાતો પર વિચાર કરીશું …. મારે પોતાના સુધાર કોઈ પણ રીતે લોકો પર લાદવા નથી.”
– વિનોબા
‘પોકેટ મની’ તરીકે મને મારાં મા દર મહિને છ રૂપિયા આપતાં હતાં. જેમાંના મોટા ભાગના પૈસા આમ પણ હું પુસ્તકો ખરીદવા જ વાપરતો હતો. તો સહેલાઈથી અને ખુશ થઈને મેં ‘સેવક’નું લવાજમ મોકલી આપ્યું. ‘સેવક’ દ્વારા મેં ઘણું પ્રાપ્ત કર્યું. મુખ્યત: તેમાંથી વિનોબાજીના વિચારો અપનાવવાની પ્રેરણા તેમ જ ઉત્સાહ મળ્યાં. જીવનમાં સાદગી આવી. આમ, જીવનના અલગ અલગ મોડ પર પૂ. બાબા પાસેથી પ્રેરણા મળતી જ રહી અને જીવવા માટેની શક્તિ પણ મળતી રહી.
એક વાર વેડછીમાં ગાંધીવિદ્યાપીઠની સ્થાપના બાદ પવનાર આશ્રમ જવાનું થયું. બાલભાઈએ પૂ. બાબાને લખીને આપ્યું કે આ વેડછીથી આવ્યા છે. બાબા અમારી સામે જોઈને બોલ્યા,
“વિષ્ણુ-સહસ્રનામની જેમ મારું પણ એક વિષ્ણુ-સહસ્રનામ છે, જેમાં દેશ અને વિશ્વભરના બધા સાથી કાર્યકરો તેમ જ મિત્રોનાં નામ છે. તેમને હું હંમેશ યાદ કરું છું. તેમના પર અભિધ્યાન પણ કરું છું. એ યાદીમાં જુગતરામભાઈનું નામ પણ છે. સત્યાગ્રહ (સાબરમતી) આશ્રમથી તેમનો અને અમારો સાથ છે.”
મારા સાથી મિત્ર મીનુભાઈ કકલિયાએ કહ્યું, “જુગતરામકાકાની પ્રેરણાથી જ ગાંધીવિદ્યાપીઠ શરૂ કર્યું છે. આ જ્યોતિભાઈ તેના આચાર્ય છે. શિક્ષકોને તેઓ નઈ તાલીમનું પ્રશિક્ષણ આપી રહ્યા છે.
હવે બાબાએ સીધું મારી સામે જોયું ને બોલ્યા, “અરે ભાઈ, નોકરીઓ તો છે નહીં, હજારો બેકાર ફરી રહ્યા છે. કોઈને નોકરી મળે તો માનો કે લોટરી લાગી ગઈ ! આવા નોકર પેદા કરવા એ આપણું કામ નથી. જુઓ, નઈતાલીમનું કામ કરવા માંગતા હો તો તમારા વિદ્યાલયની સામે બોર્ડ લગાડો અને તેના પર લખો કે, “અહીં સર્ટિફીકેટ મળશે નહીં. માત્ર સારા શિક્ષક બનવા માંગતા હોય તેવા મિત્રોને મદદ કરવામાં આવશે.” શું આવું કરવાની હિંમત છે, તમારામાં ? – અને પછી તેઓ પાતાની મસ્તીથી હસવા લાગ્યા.
પૂ. બાબાનો મસ્તીભર્યો એ ચહેરો અને આંખોની ચમક આજે પણ આંખોની સામે છે. તેમની એ અપેક્ષા સુધી તો અમે નહીં પહોંચી શક્યા, પરંતુ અમારો પ્રયત્ન જરૂર એવો રહ્યો કે અમારા વિદ્યાલયમાં શિક્ષણ લેનાર ભાઈ-બહેન નોકરી માટે નહીં પરંતુ સાચા આદર્શ શિક્ષક બનવા પ્રયત્નશીલ રહે.
૧૯૭૨ના ઑક્ટોબરમાં હિંદુસ્તાની તાલીમી સંઘ તરફથી શ્રીમન્નારાયણજીએ રાષ્ટ્રીય શિક્ષા-સંમેલનનું આયોજન સેવાગ્રામમાં કર્યું હતું. સંમેલનમાં ગાંધી-વિનોબા વિચારમાં માનવાવાળા તેમ જ તે રીતે કામ કરનારાઓની સંખ્યા મર્યાદિત હતી. મોટાભાગના પ્રોફેસર્સ, યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ વગેરે હતા. સંમેલનનું ઉદ્ઘાટન તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ કર્યું. એ સંમેલનની એક બેઠક વિનોબાજી પાસે પવનારમાં કરવામાં આવે તેવું વિચારવામાં આવ્યું. આવેલા મહાનુભાવોને વિનોબાજીનો કેટલો પરિચય હશે, તે એક સવાલ જ હતો. ખાસ કોઈ જિજ્ઞાસા, ઉત્કંઠા તેમનામાં જોવા મળતી ન હતી. કદાચ એમને લાગતું હશે કે આ જુનવાણી ગાંધીવાદી ડોસો સ્વાવલંબન, ચરખો ચલાવવો વગેરે સિવાય બીજી શું વાત કરશે ?
બાબાએ હંમેશની જેમ પોતાની કુટીની સામે પ્રાર્થના-સ્થળ પર બેસીને બોલવાનું શરૂ કર્યું. તે વખતે તેમને જે સૂઝતું જતું હતું તે તેઓ ‘લાઉડ થીંકીંગ’ સ્વરૂપે દિલ ખોલીને બોલી રહ્યા હતા. આચાર્યોની એક સહજ ગોષ્ઠી કરવાનો પોતાનો મનસૂબો પણ તેમણે વ્યક્ત કર્યો.
પહેલાં તો ‘હું તમારા જેવો શિક્ષિત નથી, મેટ્રિક પછી ફેટ્રિક સુધી જ પહોંચ્યો છું’…. એવી નમ્રભાવે પ્રસ્તાવના કરી. પછી અભણ પ્રોફેટ(મોહંમદ સાહેબ)ની વાત કરતા એક તડાકો જ લગાવ્યો : “શિક્ષિત લોકોની એ પરિસ્થિતિ છે કે તેમના અને ભગવાન વચ્ચે એક ‘પડદો’ ઊભો થઈ જાય છે. પુસ્તક દીવાલ બની જાય છે – સૃષ્ટિ અને વ્યક્તિ (પોતાની) વચ્ચે. તેથી આજ સુધી જેટલું ‘લર્નિંગ’ થયું છે તેને ભૂલી જવાની, તેનું ‘અનલર્નિંગ’ કરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ; જેથી સાફ, સ્વચ્છ દૃષ્ટિ પ્રાપ્ત થાય.”
ત્યારબાદ ‘યોગ-ઉદ્યોગ-સહયોગ’ વાળું સર્વોત્તમ, દિશાસૂચક, નઈતાલીમના ઇતિહાસમાં એક સીમાસ્તંભરૂપ ગણાય એવું તેમનું પ્રખ્યાત વ્યાખ્યાન થયું. શિક્ષણનું એક ઉપનિષદ જ જાણે પ્રગટ થયું ! અંતમાં ગુણદર્શન, ગુણગ્રહણની વાત મૂકતાં તેમણે અસમના મહાપુરુષ સંત માધવદેવને ટાંક્યા –
अधमे केवले दोष लवय
मध्यमे गुणदोष लवे करिया विचार
उत्तमे केवले गुण लवय
उत्तमोत्तमे अल्प गुण करय विस्तार !
જે અધમ છે, તે સામેવાળાના માત્ર દોષ જુએ છે, મધ્યમ બુદ્ધિનો મનુષ્ય ગુણ-દોષ બંને જોઈને વિચાર-વિવેક કરે છે. ઉત્તમ વ્યક્તિ માત્ર ગુણ ગ્રહણ કરે છે, જ્યારે કે ઉત્તમોત્તમ જે છે, તે કોઈનામાં નાનકડો પણ ગુણ જુવે તો તેને મોટો કરીને જુવે છે. આટલું કહીને બાપુ સાથે થયેલી પોતાની વાત સંભળાવી. વિનોબાજીએ પૂછ્યું, “બાપુ, આપ તો સત્યનિષ્ઠ છો, તો પછી પોતાના દોષ વધારીને અને સામી વ્યક્તિના ઘટાડીને જોવાનું કેમ કહી શકો ? ગણિતમાં વધારવાનું- ચઢાવવાનું નથી હોતું.”
બાપુએ કહ્યું, “તારી વાત સાચી છે, પરંતુ વિચારવાની વાત એ છે કે આ ‘સ્કેલ’ વધારવાની વાત છે. પોતાનો દોષ માણસને હંમેશાં નાનો દેખાય છે. તેથી તેને વધારીને જોવાથી પ્રોપર પર્સ્પેક્ટીવ-યથાર્થ દર્શન આવે છે. તેવી જ રીતે બીજાનો ગુણ, જે આપણને નાનો દેખાય છે, તેને વધારીને જોવાનું કહ્યું છે.”
આ સંવાદ સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. આંખોમાંથી અનાયાસ આંસુ વહેવા લાગ્યાં. ધન્ય ઘડી હતી એ ! જીવન જીવવાની એક ચાવી તેમણે પકડાવી દીધી હતી. મજાની વાત તો એ હતી કે બાપુએ આ મહાન ‘ગણિતશાસ્ત્રી’ને ગણિતની પરિભાષામાં જ જવાબ આપ્યો હતો !
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2024; પૃ. 08-09