
ઉમાશંકર જોશી
ગાંધીજી મુખ્યત્વે કર્મના માણસ હતા, શબ્દના નહીં. એમનું ચાલે તો શબ્દ વગર જ ચલાવે. પછીથી અઠવાડિયે એક દિવસ મૌનને એમણે રાખ્યો પણ હતો. પણ પ્રવચન કરતાં અધેાળ આચરણ વધે એવી એમની શ્રદ્ધા. પણ એમણે જોયું કે શબ્દ પણ મોટી શક્તિ છે, કર્મને પ્રેરનારી શક્તિ છે. ક્યારેક શબ્દ કર્મ સમોવડ પણ નીવડે છે. એટલે એમણે શબ્દની શક્તિને પણ યોજી. ભરપૂર યોજી, સબળપણે–સફળપણે યોજી.
શરૂઆતમાં શબ્દ એમને વશ નથી એવું ઇંગ્લેંડમાં ભાષણ આપવા ઊભા થયા અને એક જ વાક્ય બે ત્રણ વાર બોલીને આગળ વધી ન શક્યા અને બેસી જવું પડયું એ જાતના દાખલા પરથી માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’નું ગુજરાતી જોઈને પણ કોઈને એવું લાગે. છતાં જરી બારીકાઈથી તપાસતાં, ગાંધીજીમાં ભલે વાગ્મિતા જોવા ન મળતી હોય, પણ એમનામાં કથનની સુરેખતા અને સરળતાનાં તો લગભગ સર્વત્ર દર્શન થશે. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં બધાં લખાણો એવાં નથી, પણ જે ગાંધીજીના ખાતરીપૂર્વક છે, તેની ભાષા હૃદયસોંસરી ઊતરી જાય એવી જોવા મળે છે.
મોહનદાસ 19 વરસની વયે વિલાયત જવા ઊપડે છે ત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જુલાઈ 4, 1888ના રોજ એમને વિદાયમાન આપવા થયેલા મેળાવડામાં ઉત્તર આપતા જે બોલેલા તેમાંનું એક વાક્ય ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના 12-7-1888ના અંકમાં છપાયેલા અહેવાલમાં સંઘરાયું છે. એ વાક્યમાં ગાંધીજીના વ્યક્તિત્વની આખી તાસીર પ્રગટ થાય છે :
“હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં ખરા જિગરથી ગૂંથાશે.”
(1) સ્વભાવની અનાક્રમકતા અને વાત્સલ્ય ‘હું આશા રાખું છું”- એ ઋજુ વચનમાં નીતરે છે.
(2) એ ઉંમરે પણ પોતાનો પોતા વિશે ખ્યાલ એ છે કે બીજાઓએ પોતાનો દાખલો લેવાનો છે. નેતૃત્વ કરવાની ખાતરી છે.
(3) આ કામ ઇંગ્લેંડ જઈ આવવાનું હતું એટલે એ કરવા દ્વારા મુખ્ય શું સાધવાનું હતું તેની તરત વાત કરે છે.
(4) હિંદુસ્તાનમાં પાછા ફરીને ઇંગ્લેન્ડમાં મેળવેલી સજ્જતા વડે મોટાં કામો કરવાનાં છે. પોતાના અંગત ઉત્કર્ષ માટેનાં મોટાં કામો નહીં, પણ ‘સુધારા’નાં મોટાં કામે કરવાનાં છે. હાડે પોતે સુધારક (રિફોર્મર) છે તે ઉપર પૂરેપૂરો ભાર અહીં મુકાયો છે.
(5) ખરા જિગરથી સુધારાનાં કામો કરવાનાં છે. દેશના લોકો કેવા નગુણા કે નઠોર કે અપાત્ર છે એવી ટીકા કરતાં, બળાપા કાઢતાં કે કણસતાં સેવા કરવાની નથી. કોણ ફરજ પાડવા આવ્યું હતું ? પોતાને એના વિના ચેન પડતું નથી એ રીતે કરવાની છે. ખરા જિગરથી કરવાની છે.
આ બે શબ્દો આખા વાક્યોમાં આત્મત્યાગના અમૃતઘૂંટડા પીવાની લગનીને છતી કરી દેનારા છે.
(6) સેવાનાં કામો હાથ ધર્યાં, પતાવ્યાં, હાશ છૂટ્યા!—એમ કહી હાથ ખંખેરી પછી મોજશોખમાં પડવાનું નથી. આ તો લગની લાગી તે લાગી. ગૂંથાઈ જવાનું છે, સમગ્ર જાત એમાં ડુબાવવાની (ટોટલ ઇન્વોલ્વમેન્ટની) આ વાત છે. ક્રિયાપદની પસંદગી ઉત્કૃષ્ટ છે. ગાંધીજી ક્રિયાના માણસ છે. એમનાં વાક્યો ટૂંકાં ટૂંકાં, કેવળ ક્રિયાપદના આધારે ઊભેલાં જણાશે.
એક આત્માના આખા ય અભિગમને એક વાક્યમાં આપણે પામી શકીએ છીએ. ગાંધીજીનો સૌથી પહેલો નોંધાયેલો આ ઉદ્ગાર હત્યાપૂર્વે કોઈએ હસ્તાક્ષર માગતાં એમણે ટપકાવી દીધો હોત તો તે વખતે પણ એમને ભાગ્યે જ એથી વધુ કહેવાનું હોત.
ગાંધીજી સવ્યસાચી હતા. અંગ્રેજી વધુ સુઘડ, બાઈબલની શૈલીની ઝાંયવાળું લખતા એમ પણ કોઈ કહે.
એડવર્ડ થોમ્પ્સન બીજી ગોળમેજી પરિષદ વખતે એમને ખરડાઓ તૈયાર કરી આપતા અને પછી જોતા કે ગાંધીજી કેટલુંક કાપી નાખે અને ક્યાંક એકાદ નામયોગી અવ્યય મૂકી દે. થોમ્પ્સન નોંધે છે કે ગાંધીજી અંગ્રેજી ભાષાની નામયોગી અવ્યયની શક્તિના ભારે પરખંદા હતા.
ગાંધીજીના ગુજરાતી લખાણમાં સરળતા, ઘરેલુપણું, સોંસરાપણું અને અનુભવમાંથી નીતરતી વાણીમાં અવશ્ય પ્રગટ થતી સચ્ચાઈ અને ઉદારતા જોવા મળે છે. ‘મંગળ પ્રભાત’ના કોઈ પણ એક નિબંધની ભાષાશક્તિ તપાસી જુઓ. અરે, ‘આરોગ્યની ચાવી’ જેવી પુસ્તિકામાં પ્રગટ થતી ભાષાની શક્તિનું પૂરું બયાન કરવું હોય તો તેનું એ પુસ્તક કરતાં ક્યાં ય મોટા કદનું પુસ્તક મારે લખવું પડે.
ગાંધીજી ધ્યેયલક્ષી સાહિત્યકાર છે. લલિતવાઙમયના પ્રકારમાં આવી શકે એવું કાંઈ હોય તો તે ચરિત્રાત્મક લખાણો અને કોઈ-કોઈક જ-નિબંધો બલકે નિબંધકંડિકાઓ. એટલે સાહિત્યકાર કે એવાં ખાનાંઓમાં ગોઠવવા કરતાં એમની ભાષાની શક્તિનો તાગ મેળવવો એ જ મુખ્ય ઉપક્રમ રહે એ યોગ્ય છે.
(ડૉ. રમણ મોદીના પુસ્તક ‘ગાંધીજીનું સાહિત્ય’ના પ્રવેશકમાંથી)
09 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 358