દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ગાંધીજી જેલ ભોગવીને પાછા ફિનિક્સ આશ્રમમાં આવ્યા અને તરત એમણે સાથીઓ આગળ પોતાનું મનોમંથન રજૂ કર્યું :
હજારો ભોળા નિરક્ષર લોકો મારા કહેવાથી મારી ઉપર શ્રદ્ધા રાખી લડાઈના દાવાનળમાં કૂદી પડ્યા અને દેખ્યું ન જાય એવું દુ:ખ એમણે વેઠયું છે. એમનાથી વેગળો હું કેમ રહું ? મારે એમનામાંના એક બનીને રહેવું જોઈએ. મારે કામ પ્રસંગે ગોરાઓને મળવું પડે કે રાજધાનીમાં જવું પડે તો પણ આ સત્યાગ્રહની લડત ચાલે છે ત્યાં સુધી કોટ-પાટલૂન ને નેકટાઈ હું નહિ પહેરું. નાનકડા સમાજમાંના એક બનીને જીવવામાં મને રસ નથી આવતો. મારે તો આ હજારો ગિરમીટિયાઓમાંના એક બનીને જીવવું છે. લડતને કારણે વિધવા બનેલી બહેનનાં આંસુ લુછવા માટે મારે આટલું તો કરવું જ જોઈ એ. આવતી કાલથી એક લુંગી અને સાદું પહેરણ એ મારો પોશાક રહેશે. ખપની વસ્તુઓ રાખવા એક બગલથેલો રાખીશ.
દલીલ થઈ : લુંગી કરતાં ધોતિયું સારું નહિ ! હરવું ફરવું વિશેષ ફાવશે. આપણો મૂળ પહેરવેશ પણ એ જ છે ને ?
ગાંધીજી : ખરું, પણ અત્યારે પ્રશ્ન ગિરમિટિયાઓનો છે. એમનો મોટો ભાગ મદ્રાસીઓનો છે. માટે લુંગી જ પહેરું. મારી લુંગી ચીંથરેહાલ નહિ હોય એટલો ફરક રહેવાનો. તેઓ માથે કંઈક ને કંઈક બાંધે છે. પણ આપણે તો માથે પહેરવાનું છોડ્યું છે, એટલે હવે નવું ફરી શરૂ કરવું નથી. શહીદોનો શોક પાળવા મૂછનું મુંડન કરવું જરૂરી છે. અને પગમાં સેન્ડલ પણ રાખવાં નથી. અસંખ્ય ગિરમીટિયાઓને પગમાં ક્યાં કંઈ હોય છે ?
ચંપલ છોડવાની વાતથી સૌ ચોંક્યા. એક જણે વિનંતી કરી : આપના પગ કસાયેલા નથી. ચાલવાનું આખો દિવસ રહેશે.
બાપુ દૃઢ નિરધારથી બોલ્યા : સાચું છે. મારા પગનાં તળિયાં વધુ આળાં છે. પણ લોકોને દુઃખમાં હોમું ત્યારે મારેયે કંઈક તો ખમવું જોઈએ ના ? ઘણું થશે તો થોડું ધીમું ચલાશે એ જ ના ?
બાપુએ લાકડીનો સાથ પણ એ દિવસોથી સ્વીકાર્યો.
[‘ગાંધીકથા’]
નોંધ : 1915માં આજના દિવસે પૂ. બાપુ દક્ષિણ આફ્રિકાની લડતમાં વિજયી બનીને પાછા ભારત પધાર્યા હતા. એ પુણ્યસ્મૃતિમાં આજનો દિવસ બિનનિવાસી ભારતીય દિન તરીકે ઉજવાય છે.
09 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 206