Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9330558
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુખનું સરનામું આપો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|23 May 2019

હૈયાને દરબાર

સુહાના સફર ઔર યે મૌસમ હસીં, હમેં ડર હૈ હમ ખો ન જાયેં કહીં …! મુંબઈથી હજારો કિલોમીટર દૂર એવા એક રમણીય પ્રદેશની નશીલી, મદીલી, મસ્તીલી રાહ પર અમે ઝૂમી રહ્યાં છીએ. અત્યાર સુધી જે નામો પરગ્રહનાં લાગતાં હતાં એ ઝાગ્રેબ, સ્પ્લીટ, ડુબ્રોવ્નિક, બોલ અને બ્રાક આ સાત દિવસમાં એવાં પોતીકાં થઈ ગયાં છે કે જાણે અહીંનો અફાટ વિસ્તરેલો દરિયો સ્વજન હોય એવો વહાલો લાગે છે. જલની આટલી બધી રંગછટાઓ, ગતિ-રીતિ અને મૂડ હોઈ શકે એ આ દરિયાઈ ડેસ્ટિનેશન પર અનુભવી રહ્યાં છીએ. છેલ્લાં ત્રણેક વર્ષથી જે ડ્રીમ ડેસ્ટિનેશનની કલ્પના કરી હતી એ દુનિયાના સેક્સીએસ્ટ, જાદૂઈ દરિયાઈ પ્રદેશ ક્રોએશિયાની ધરતી પર અમે વિહરી રહ્યાં છીએ. શું અદ્ભુત નજારો છે નજર સામે! સમુદ્રનું સ્ફટિક જેવું નીલરંગી નિતર્યું જળ, એક ટાપુ પરથી બીજાં ટાપુ પર વિહરતી નાની નાની નૌકાઓ, લહેરો પરથી પસાર થઈને આવતી, મનને તરબતર કરતી તાજી હવા અને ટમટમતી રોશનીથી ઝબૂકતી ઢળતી સાંજની રંગીનિયત. હૈયાનો દરબાર ભરવા માટે આનાથી ઉત્તમ વાતાવરણ કયું હોઈ શકે? સંગીત અને સફર એકબીજાનાં પૂરક છે. સંગીત સાથે હોય તો સફરની મજા બેવડાઇ જાય.

પ્રવાસ આપણે કેમ કરીએ છીએ? કંઈક નવું જોવા, જાણવા અને પામવાની ઝંખનામાં?

વર્તમાનથી મુક્ત થવા? એકધારી, બોરિંગ જિંદગીમાં બ્રેક લેવા કે પછી કોઈ સુખનાં સરનામાંની શોધમાં? એ જે હોય તે, પણ ફરવું આપણને ગમે છે. ગમા-અણગમા, રાગ-દ્વેષ, પાપ-પુણ્ય કે જાહેર-અંગત આ સઘળું ત્યજીને એક તાજી હવાનો શ્વાસ લેવાની વૃત્તિ પ્રબળ બને ત્યારે પ્રવાસ શક્ય બને છે. ટ્રાવેલ ઇઝ લાઈક અ મેડિટેશન. એ છે આત્મખોજ. પ્રવાસ એટલે મુક્તિની દિશામાં પહેલું કદમ. રોજિંદી ઘટમાળ અને સાંસારિક જંજાળમાંથી મુક્ત થવા કુદરતી વાતાવરણ આપણને આપણી આંતરિક દુનિયામાં ડૂબકી મારવાની તક આપે છે. આ ઈન્ટરોસ્પેકશન કરતી વખતે ઉષ્માભર્યું એકાંત, માફકસરની આદ્રતા અને હ્રદયમાં ચપટીભર આનંદ હોય ત્યારે સુખ અસીમ વિસ્તરતું લાગે. એમાં સંગીતનો સાથ ભળે પછી તો પૂછવું જ શું? વિચારોની સાથે સંગીત લગભગ સમાંતર ચાલતું હોય છે મારા મનમાં. તેથી જ દરેક સફર સાથે કોઈક ગીત આપોઆપ સંકળાઈ જાય છે.

વિદેશના આ દરિયા કિનારે આત્મમંથન કરતાં ‘સુખ’ વિશે જાતજાતના વિચારો આવી રહ્યા છે. સુખ એ આમ તો એક મધુર ભ્રમણાથી વિશેષ કંઇ નથી. રમેશ પારેખનું ‘સુખ’ નામનું કાવ્ય તમે વાંચ્યું હશે તો ખબર હશે જ. આપણાં જાણીતાં કલાકાર મીનળ પટેલે અભિનય દ્વારા પ્રખ્યાત કરેલી ‘સુખ’ નામની એ કવિતામાં ભ્રામક સુખ વિશેની વાત બહુ સચોટ વર્ણવી છે. કવિ કાવ્યના જ અંતિમ ભાગમાં લખે છે કે ;

મૂળે ખુસાલિયાને ગોતવું’તું સુખ,
જોવું’તું નજરોનજર.
પછી પારકું હોય કે પોતાનું – પણ સુખ.
ઈ અડબાઉને એમ કે ચોપડિયું’માં લખ્યું હોય ઈ બધું સાચું જ હોય.
સુખનાં ઝાડવાં ફિલમુમાં ઊગે
સુખના ફુવારા કવિતામાં ઊડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને બસ એમ જ થઇ ગ્યું કે સુખ હોય.
દીકરો અહીંયા જ થાપ ખાઈ ગ્યો …
એને એમ કે
સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય જ !
ટપુભાઈ ને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે …
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું ?
આપણે તો જાણીએ, ચંદુભાઈ કે
સસલાને સિંગડા હોય તો
માણસને સુખ હોય.
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ
ચોપડિયું વાંચીએ
પણ ખુસાલિયા, સુખો માટે આવી ખોતરપટ્ટી?
જે નથી એને માટે આવો રઘવાટ?
અભણ હતો, સાલો.
જે વાંચવું જોઈએ ઈ વાંચ્યું નહીં.
નવલકથાયું નહીં, ઇતિહાસ.
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે ?
એમાં છે ચપટી ય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઈ પાને?
આપડા આ ખુસાલિયાનાં હાથ
જેને જેને અડે ઈ પદારથ દુ:ખ થઇ જાય –
એક દિવસ ખુસાલિયો
પોતાનાં સપનાંને અડ્યો’તો !
ત્યારથી છે આવી દિમાગને ચાટી જાતી બળતરાઉ !
પણ હાળો, મરસે !
સુખ નથી આઠે ય બ્રહ્માંડમાં.
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઈ જાણતો નથી
ઈ જ એનું સુખ !
આપડે સું, મરસે, હાળો –
આપડને તો એના વધ વધ થતા હાથની દયા આવે,
આવે કે નહીં, ચંદુભાઈ?

આ ચોટદાર કવિતા અમદાવાદની સુપ્રસિદ્ધ સંગીત ત્રિપુટી શ્યામલ-સૌમિલ-આરતી મુનશીને સ્પર્શી ગઈ. એમાંથી સર્જાયું આ લોકપ્રિય ગીત, સુખનું સરનામું આપો.

"દર બે મહિને અમે જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ. દર બે મહિને નવી થીમ સાથે કાર્યક્રમ કરવો એ અમારે માટે ચેલેન્જ જ છે છતાં ઘણાં વર્ષોથી આ ઉપક્રમ ચાલે છે. એ રીતે એક વખત અમે એવો થીમ નક્કી કર્યો હતો જેમાં એક વાર્તા, એક વિષય અને એક ગીત, એ પ્રમાણે આખો કાર્યક્રમ ઘડાયો. આ થીમનો હેતુ એ હતો કે સામાન્ય રીતે શ્રોતાઓ ગીતના શબ્દો સાંભળે, સંગીતની ચમત્કૃતિને માણે પણ એના ભાવવિશ્વમાં ડૂબકી મારવી એના માટે થોડી મુશ્કેલ હોય કારણ કે એ માટે એણે ગીત વારંવાર સાંભળવું પડે તો જ એ ગીતના ભાવવિશ્વમાં પ્રવેશી શકે. તેથી આ કાર્યક્રમમાં અમે નાની નાની વાર્તાઓ લેવાનું નક્કી કર્યું. અવાજના માલિક એવા જાણીતા રેડિયો જોકીઝને નિમંત્રણ આપી આ વાર્તાઓનું પઠન, એના ચિંતનનું નરેશન અને પછી ગાયન રજૂ કરવાની થીમ નક્કી થઈ. આમ કથન, મનન અને ગાયન પર આધારિત કાર્યક્રમનું આયોજન કર્યું.

આ કાર્યક્રમમાં રમેશ પારેખની લાજવાબ કૃતિ ‘સુખ’નું પઠન થયું ત્યારે એને અનુરૂપ ગીત કયું લેવું તે તરત મળ્યું નહીં. શ્યામલ મુનશીએ તેથી તાત્કાલિક આ ‘સુખનું સરનામું’ ગીત લખી કાઢ્યું જેમાં સુખનું સરનામું તો છે જ નહીં, પરંતુ એક પ્રશ્ન તરતો મુકાયો છે કે સુખ ખરેખર છે કે નહીં? છે તો એ ક્યાં છે? કયું સુખ છે? પોતાનો પરિવાર? પોતાનું ઘર? પ્રિયજનો? પોતાનો દેશ-પરદેશ? આસમાન સુખ છે? જમીન, દરિયો, પહાડ કે પાતાળ? સુખ નજરની સામે છે કે પછી દુ:ખની બરાબર પાછળ? એવા પ્રશ્નોને આધારે સુખનું સરનામું ગીત બન્યું અને રજૂ થયું. પહેલા જ પરફોર્મન્સમાં શ્રોતાઓને ખૂબ ગમ્યું કારણ કે એમાં ઊંડા ઊતરીને સુખ પામવાની વાત હતી. આ ગીત સાંભળીને કોઈકે મને સૂચવ્યું કે સુખ થીમ પર આધારિત આખો સંગીત કાર્યક્રમ જ કરો ને! ત્યારે મેં હસીને કહ્યું કે આપણી પાસે એક સુંદર બટન હોય એના પરથી આખો કોટ સીવડાવવા જેવી આ વાત છે. બટ અગેઇન, એ અમારે માટે ચેલેન્જ હતી. અમે ફરીથી સુખનાં ગીતો શોધવા માંડ્યાં. વેણીભાઇનું સુખના સુખડ જલે રે મનવા ઉપરાંત કેટલાંક ગીતો મળ્યાં અને કેટલાંક શ્યામલ અને તુષાર શુક્લે નવાં લખ્યાં. આમ ફક્ત આ ગીતના આધારે ‘સુખનું સરનામું’નાં બે સફળ કાર્યક્રમો થયા. અમને ઘણી વખત એવું લાગે કે ગીત કેટલાં નિમિત્ત લઈને આવતું હોય છે અને પર્ફોર્મન્સને ઉજાગર કરતું હોય છે. ગીતોની પણ જન્મકુંડળી હોય છે. ‘સુખનું સરનામું’ અમારે માટે ખરેખર સુખનું સરનામું બની રહ્યું છે, કહે છે સૌમિલ મુનશી.

કાવ્યના રચયિતા શ્યામલ મુનશી કહે છે, "માનવમાત્રને શોધ છે સુખની. સહુને સુખી થવું છે. સુખી થવાની સાદી રીત છે અન્યને સુખી કરવાની ! પણ સુખની શોધ વાસ્તવમાં ‘સ્વાર્થ’ બની ગઈ છે. આવા સમયે, સુખનું સરનામું આપતાં ગીતો અને સુખની સમજણ સ્પષ્ટ કરતું સંકલન કાર્યક્રમની વિશેષતા બને છે.

સુખને સ્પર્શવાની, સુખને અનુભવવાની, સુખને પામવાની અને સુખને શાશ્વત કરવાની ઝંખના એ માનવસહજ વૃત્તિ છે. સુખ શું? સુખ ક્યાં છે? સુખ કેટલું છે? એવા પ્રશ્નો વચ્ચે માણસનું મન ભટકતું રહે છે. સુખનું સરનામું શું? સુખ સુધી પહોંચવાની દિશા કઈ? સુખને બહાર શોધવામાં રહેલી ભ્રમરવૃત્તિ કે સુખને ભીતર જોવામાં થતી પ્રાપ્તિ? ગુજરાતી ગીતો દ્વારા સુખને સમજવાનો પ્રયત્ન, સુખને જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવવાનો, સુખને જુદાં જુદાં દ્રષ્ટાંતોથી આલેખવાનો પ્રયાસ અમે કર્યો ‘સુખનું સરનામું’ દ્વારા. શ્રોતાઓએ એને ભરપૂર વધાવી લીધો.

અહીં આ પરદેશમાં અમે પણ કોઇક પ્રકારના સુખને પામવા જ નીકળ્યા છીએ. ક્ષણિક તો ક્ષણિક, સુખ જ્યાં જેટલું મળે એટલું મેળવી લેવું.

કુદરતના પ્રેમમાં ફરી ફરી પડવાનું મન થાય એવા ક્રોએશિયાના સાગર કિનારે અમે પ્રિયજનો, મિત્રો અને ‘મુંબઈ સમાચાર’ના વ્હાલા વાચકોને સ્મરીએ છીએ. મરીઝ સાહેબ કહી ગયા છે ને :

બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

‘ગેમ ઑફ થ્રોન્સ’ વેબસિરીઝ દ્વારા રાતોરાત ફેમસ થઈ ગયેલા ક્રોએશિયાના ક્યુટ ટાઉન ડુબ્રોવ્નિકના કોસ્ટલ રોડ પર, દરિયાની બરાબર સમાંતર અમારી કાર તેજ ગતિએ સરકી રહી છે. રાત્રે સાડા આઠે અહીં સૂર્યાસ્ત થાય છે. ક્ષિતિજ પર ધરતીને ચૂમવા મથી રહેલો સૂરજ સમુદ્રમાં સોનેરી આભા રેલાવી રહ્યો છે. ડુબ્રોવ્નિક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. આપણે ભલે કોસ્મેટિકલી, ડિજિટલી મોડર્ન થઈ ગયાં હોઇએ, પરંતુ કુદરત એકમાત્ર આપણો કમ્ફર્ટ ઝોન છે. આ ક્ષણે તો એ જ અમારા સુખનું સરનામું છે. તમે ત્યાં ‘સુખનું સરનામું’ ગીત યુટ્યુબ પર સાંભળીને અમને યાદ કરજો, સુખનું સરનામું શોધજો.

————————

સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર
એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો

* ગીત : શ્યામલ મુનશી  * સંગીત : સૌમિલ મુનશી  * કલાકાર: શ્યામલ-સૌમિલ મુનશી

https://www.youtube.com/watch?v=YCqmkhmdnKg

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=507834

Loading

23 May 2019 નંદિની ત્રિવેદી
← દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, તેની સાથે માણસનો વિનાશ પણ જોડાયેલો છે
ભારતીય દંપતી →

Search by

Opinion

  • પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો
  • ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ
  • મોંઘા ગુલાબના ઉપવનો
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક
  • પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 
  • ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

Poetry

  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…
  • એક ટીપું

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved