પ્રાચીન ગ્રીસમાં થઈ ગયેલ સોક્રેટીસ(ઈ.પૂ. ૪૭૦-૩૯૯)નો એક મહત્ત્વનો વારસો તેની સંવાદ પદ્ધતિ છે. તે આજના જટિલ વિશ્વમાં પણ સુસંગત છે. તેમનો અભિગમ પ્રશ્નોત્તરીના માધ્યમથી, સત્યની શોધ માટે, આત્મ-પરીક્ષણ, વિવેચનાત્મક વિચારસરણી અને નૈતિક જાંચ-પડતાલને ઉત્તેજન આપે છે. સીધા જવાબો આપવાને બદલે, સોક્રેટિક પદ્ધતિ પૂછપરછ-આધારિત અભિગમને પ્રોત્સાહન આપે છે, જે લોકોને સતત પ્રશ્નોત્તરી અને સ્વ-પરીક્ષા દ્વારા સત્ય શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રવચનોથી વિપરીત, સોક્રેટિક સંવાદો લોકોના વિચારોમાં દેખાતા વિરોધાભાસને ઉજાગર કરે છે. અને લોકોને તેમની માન્યતાઓ અને ધારણાાઓ પર સવાલ કરવા, તેમની સમજણને સુધારવા, અને વધુ તર્કબદ્ધ પરિપ્રેક્ષ્ય અપનાવવા પ્રેરિત કરે છે. આજના માહિતીના ફુગાવાવાળા અને ખોટી માહિતીને ઝડપથી ફેલાવતા જમાનામાં આ પદ્ધતિ અમૂલ્ય છે. કારણ કે, તે ખુલ્લા મનથી જુદા જુદા વિચારોની ઊંડી વિચારણા કરવા પ્રેરે છે.
સોક્રેટિક સંવાદો, વિવેચાનત્મક વિચારસરણી ઉપરાંત બૌદ્ધિક નમ્રતાને પ્રોત્સાહિત કરતા શક્તિશાળી ઉપાય તરીકે પણ અત્યંત મૂલ્યવાન ગણાય છે. આવી સંવાદાત્મક પ્રક્રિયા વિશ્લેષણાત્મક કૌશલ્યને તીક્ષ્ણ બનાવે છે અને માનવજ્ઞાન અને નીતિશાસ્ત્રની જટિલતાઓ પ્રતિ જાગૃતિ આણે છે. સોક્રેટિક સંવાદોમાં સામેલ થનારાઓને નિખાલસતાથી સ્વતંત્ર રીતે વિચારવાની અને તાર્કિક રીતે સંવાદ કરવાની તાલીમ મળે છે. કોઈપણ સમાજમાં વિચારશીલ અને જાણકાર નાગરિકોના વિકાસ માટે આવા ગુણો જરૂરી છે. આથી સામાજિક એકતા મજબૂત બને છે અને ન્યાયી સમાજના સર્જન માટે અનુકૂળતા ઊભી થાય છે. આથી જ વિશ્વની શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીઓમાં મહદંશે આ પદ્ધતિ દ્વારા શિક્ષણ અપાય છે.
અહીં, સોક્રેટીસ અને સ્વર્ગસ્થ ભારતીય દેશભક્ત વચ્ચે સ્વર્ગમાં થયેલ એક કાલ્પનિક સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. સ્વર્ગના શાંત પ્રાંગણમાં, સોક્રેટીસ એક પ્રખર ભારતીય દેશભક્તને મળે છે. દેશભક્ત ભારતની પ્રાચીન સંસ્કૃતિની પ્રશંસા કરે છે અને પોતાની દેશભક્તિનું નિરૂપણ કરે છે. સોક્રેટીસ તેને પૂછે છે કે : શું સાચી દેશભક્તિનો અર્થ એ નથી કે પોતાની દેશની પ્રાચીન પરંપરાઓ બદલાયેલ સંજોગોમાં પણ પ્રસ્તુત છે, ન્યાયી છે, અને સારી છે તેની ખાતરી કરવી ? અને તે માટે આલોચનાત્મક અભિગમ અપનાવવો જરૂરી નથી ? દેશભક્ત ભારતની એકતા અને સાંસ્કૃતિક જાળવણીનો બચાવ કરે છે, અને બતાવે છે કે પોતાના દેશની એકતા માટે એક જ સંસ્કૃતિ હોવી તે હિતાવહ છે. તે માને છે કે પોતાના દેશની પરંપરાગત સંસ્કૃતિની વિવેચના કરવી કે તેથી ભિન્ન વિચારો વ્યક્ત કરવા એ દેશની એકતા માટે જોખમકારક છે. સોક્રેટીસ દલીલ કરે છે કે આલોચનાત્મક અભિગમ કે વિચારવૈવિધ્ય દેશની એકતાને મજબૂત બનાવે છે. અંતે, દેશભક્ત સ્વીકારે છે કે અવિચારી અભિગમ કરતાં પોતાના દેશ પ્રત્યે સતત વિવેચનાત્મક દૃષ્ટિકોણ અપનાવવો એ જ સાચી દેશભક્તિ છે. આમ, આ સંવાદમાં તાર્કિક વિચારવિમર્શ થકી, ઉત્સાહી દેશભક્તની સમજ વિકસતી જોવા મળે છે. તે વધુ શાણપણ-યુક્ત બને છે.
પાર્શ્વભૂમિ : સ્વર્ગના નીરવ પ્રખ્યાત ફિલસૂફ સોક્રેટીસ શાંત વિચાર અવસ્થામાં બેઠા છે. દેશપ્રેમ અને ઉત્સાહથી ભરપૂર એક ભારતીય દેશભક્ત તેમની નજીક આવે છે.
ભારતીય દેશભક્ત (ગૌરવ અને જુસ્સા સાથે) : ઓહ, સોક્રેટીસ ! એથેન્સના પ્રખ્યાત ફિલસૂફ. મેં તમારી શાણપણની ઘણી વાતો સાંભળી છે. ભારતને તમે તો જાણો જ છો કે અદ્ભુત દેશ છે. એક પ્રાચીન ભવ્ય સંસ્કૃતિથી સમૃદ્ધ ભૂમિ, જ્યાં દેવતાઓ, યોદ્ધાઓએ માતૃભૂમિ માટે ….
સોક્રેટીસ (ઉપર જોઈને, માયાળુ સ્મિત કરતા) : આવો, આવો, મારા મિત્ર ! તમારો જુસ્સો અદ્ભુત છે. હા, મેં તમારા ભારત દેશ વિષે ઘણું સાંભળ્યું છે. પરંતુ તમારી દૃષ્ટિએ ‘મહાનતા’ એટલે શું ? શું ભારત તેની પ્રાચીન પરંપરાઓને કારણે મહાન છે કે તેના યોદ્ધાઓની બહાદુરીને કારણે ? કે ભારતમાં તેથીયે કાંઈ વિશેષ છે જે તેને મહાન બનાવે છે ?
દેશભક્ત (ખચકાટ વિના) : બધે બધું, સોક્રેટીસ ! ભારતની પ્રાચીન સંસ્કૃતિનું શાણપણ, અમારા ચાર વેદ, અમારે ત્યાં થઈ ગયેલ શક્તિશાળી રાજાઓ અને નિ:સ્વાર્થ યોદ્ધાઓ એ બધું જ ભારતની ભૂમિને મહાન બનાવે છે. અમે અનેક વિદેશી આક્રમણકારોનો પ્રતિકાર કર્યો છે, અમારી પવિત્ર પરંપરાઓનું રક્ષણ કર્યું છે, અને જેઓ અમને વિભાજિત કરવા ઇચ્છતા હતા તેમની સામે અમે સદીઓથી અમારી એકતા અડીખમ જાળવી રાખી છે.
સોક્રેટીસ (વિચારપૂર્વક) : ઓહ, તમે એકતાની વાત કરો છો. પરંતુ આ એકતાનું મૂળ શું છે ? શું તે શસ્ત્રબળ છે, દુ:શ્મનોનો ડર છે, કે તેથી પણ કંઈક વિશેષ છે ?
દેશભક્ત (ગર્વથી) : તે માતૃભૂમિ માટેનો પ્રેમ છે ! ભારત માતા, અમારી માતા ! તે અમારી ઓળખ, અમારું ગૌરવ, અને અમારા જીવનનો ઉદ્દેશ્ય છે. અમે તેને ભરપૂર પ્રેમ કરીએ છીએ. અને તેના માટે અમારું સર્વસ્વ બલિદાન કરવા તત્પર રહીએ છીએ. અમારો પ્રાણ પણ, કોઈ પણ ખચકાટ વિના.
સોક્રેટીસ (હકારમાં) : તમારી વાત સાચી છે. પોતાની માતૃભૂમિ અને પોતાના બાંધવો માટેનો પ્રેમ એ દેશવાસીઓ માટે એક પ્રબળ બંધન હોય છે. અમે ગ્રીક લોકો પણ અમારી માતૃભૂમિને અનહદ પ્રેમ કરતા હતા. તેથી હું તમારો દેશપ્રેમ સમજી શકું છું. પણ, મને કહો, ઘણા બધા ધર્મો અને સંસ્કૃતિઓ ધરાવતા તમારા દેશમાં એકતાનો અર્થ શું છે ?
દેશભક્ત : સાચી એકતા માટે અમારા બધા દેશવાસીઓએ સમાન માન્યતાઓ અને મૂલ્યો રાખવાની જરૂર છે. વધુ પડતી વિવિધતા આપણને નબળા પાડે છે. જો આપણે ખરેખર એક થવું હોય તો આપણે બધાએ એક આસ્થા અને એક સંસ્કૃતિનું પાલન કરવું જોઈએ.
સોક્રેટીસ : તમે કહો છો કે એક જ પ્રકારની વિચારસરણીથી દેશ શક્તિશાળી બને છે. પણ મને કહો, જો લોકો સમજણને બદલે ડરને કારણે એકરૂપ બને તો શું તેને ખરેખર શક્તિ કહી શકાય?
દેશભક્ત : ડરથી કે સમજણથી યેન કેન પ્રકારેણ એકતા હોવી જરૂરી છે. એકતા માંગે છે સમાનતા. દરેક વ્યક્તિ સમાન માર્ગે ચાલે. પસંદગીની વધુ પડતી સ્વતંત્રતા સમાજની સંવાદિતા ડહોળી નાખે છે. એક રાષ્ટ્ર એક કુટુંબ જેવું હોવું જોઈએ, જેમાં દરેક વ્યક્તિ સમાન નિયમોનું પાલન કરે છે.
સોક્રેટીસ : શું કોઈ પણ કુટુંબમાં, વિવિધ સભ્યો જુદાં જુદાં મંતવ્યો નથી ધરાવતા ? જો દરેક વ્યક્તિ એકરસખું વિચારે, તો શું તેને સાચી સમજદારી કહી શકાય?
દેશભક્ત : જો દરેક વ્યક્તિ સમાન મૂલ્યોનો આદર કરે તો સમજણ અપ્રસ્તુત છે. મતભેદો માત્ર વિભાજન પેદા કરે છે.
સોક્રેટીસ : તો, તમારી દૃષ્ટિએ, અન્ય માન્યતાઓને સહન કરવી એ સદ્દગુણને બદલે જોખમ છે ?
દેશભક્ત : બરાબર, સહિષ્ણુતા સિદ્ધાંતમાં ઉમદા લાગે છે, પરંતુ તે સમાજના ફેબ્રિકને નબળી પાડે છે. જ્યારે તમે બધી માન્યતાઓને સહન કરો છો, ત્યારે તમે નબળા પડો છો. આપણા સમાજને મજબૂત રાખવા માટે આપણે એક જ પ્રકારનાં મૂલ્યો અને એક જ પ્રકારની જીવનશૈલીનો આગ્રહ રાખવો જોઈએ.
સોક્રેટીસ : પણ શું એકરૂપતાનો આગ્રહ રાખવાથી રોષ પેદા થતો નથી ? કદાચ કોઈ વ્યક્તિ તમારી માન્યતાઓને અનુકૂળ હોવાનો દેખાડો કરે પણ અંદરથી ગૂંગળામણ અને નારાજગી અનુભવે તો શું તે જોખમરૂપ ન બની શકે ?
દેશભક્ત : તે હોઈ શકે છે. પરંતુ દેશની એકતા માટે આપણે કોઈ કિંમત તો ચૂકવવી જોઈએ. એકતા મફતમાં નથી આવતી, તેની કિંમત હોય છે. દેશની એકતા માટે લોકોએ પોતાના વ્યક્તિગત મત જતા કરવા જોઈએ. એક મજબૂત રાષ્ટ્રને તેના નાગરિકો પાસેથી બલિદાનની જરૂર હોય છે.
સોક્રેટીસ : પરંતુ, તમારા જેવા વૈવિધ્યસભર દેશમાં કઈ એક વિચારસરણી એકતા લાવી શકે ?
દેશભકત : અમારી સદીઓથી ચાલી આવતી પ્રાચીન સનાતન સંસ્કૃતિ, અમારી પરંપરાઓ, ઉદાર અને સર્વસમાવેશી છે. તે અમારા દેશમાં નિ:સંદેહ એકતા લાવવા સક્ષમ છે.
સોક્રેટીસ : પરંતુ, તમે માનો છો કે સાચો દેશભક્ત પોતાની સંસ્કૃતિ કે પરંપરાઓ અંગે ક્યારે ય સંદેહ કરતો નથી ? શું તમને નથી લાગતું કે : જેમના પ્રતિ તમને સાચો પ્રેમ હોય, જેમ કે તમારાં માતા-પિતા કે તમારાં બાળકો, તેમના વિષે, તેમના ભલા માટે, તેઓ સચ્ચાઈ અને ન્યાયના માર્ગથી ચલિત ન થાય તે માટે પ્રસંગોપાત્ત ચાંપતી નજર રાખવી જરૂરી હોય છે ?
દેશભક્ત (જુસ્સાપૂર્વક) : જેની મહાનતા વિષે લવલેશ પણ શંકા ન હોય તેની પર સંદેહ શા માટે કરવો જોઈએ ? ભારતની પરંપરાઓ પવિત્ર છે, સ્વયં દેવતાઓ દ્વારા જ તે અમને પ્રાપ્ત થઈ છે. જેમ કે અમારો સનાતન ધર્મ, અમારી વર્ણ વ્યવસ્થા, અમારી જ્ઞાતિ વ્યવસ્થા. તેના પર સવાલ ઉઠાવવાથી અમારી સંસ્કૃતિ નબળી પડી જાય. અને જેઓ અમને નિર્બળ કરવા માગે છે તેવા લોકોને મોકળો રસ્તો મળી જાય.
સોક્રેટીસ (ભમર ઊંચી કરીને) : ઓહ, તો તમે માનો છો કે તમારી મહાન સંસ્કૃતિ જોખમમાં મુકાઈ શકે છે. પણ, મિત્ર તમે મને કહો, તમે કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકો કે પરાપૂર્વથી ચાલતું આવ્યું છે તે બધું જ સાચું કે ડહાપણ ભરેલું છે. અને માની લો કે જે તે સમયે જે ખરેખર સાચું મનાતું આવ્યું હોય, તે બદલાયેલ સંજોગોમાં તેટલું જ અનુરૂપ કે પ્રસ્તુત રહી શકે છે ? શું તેનું વગર વિચાર્યે કરેલું પાલન ડહાપણભર્યું કહેવાય ? જો કોઈ પણ પરંપરાની યથા યોગ્યતાની કદી પણ ચકાસણી કરવામાં ન આવે તો શું તે યાવચ્ચંદ્ર દિવાકરૌ પ્રસ્તુત કે હિતકારી રહી શકે ?
દેશભક્ત (ગુસ્સાથી) : તમે ફિલોસોફરો ! હમેશાં શંકા કરો છો, હંમેશાં ઊહાપોહ કરો છો ! અમારી ગીતામાં લખ્યું છે કે સંશયાત્મક વિનશ્યતિ. કોઈ પણ રાષ્ટ્રની તાકાત તેના લોકોની પોતાના રાષ્ટ્ર પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પિતતામાં રહેલી હોય છે, નહીં કે અર્થવિહીન અને અનંત વાદ-વિવાદમાં. જ્યારે આપણે અંદરોઅંદર ઝઘડીએ છીએ ત્યારે દુ:શ્મનો તેનો ફાયદો ઉઠાવે છે. તેઓ આપણને તોડવા માટે તૈયાર જ હોય છે. તેથી સૌએ આવા વાદવિવાદથી દૂર રહેવું જોઈએ.
સોક્રેટીસ (શાંતિથી) : છતાં, મારા મિત્ર, જો આપણું ઘર ગમે તેટલું મજબૂત હોય તો પણ શું તે કોઈ પણ તોફાનમાં ટકી રહેશે કે નહીં તે માટે આપણે તેના માળખાનું નિયમિત નિરીક્ષણ કરવું જોઈએ નહીં ? તે જ રીતે, જો રાષ્ટ્રના લોકો પોતાના વ્યવહાર ખરેખર ન્યાયી, કાનૂનસંમત, અને વાજબી છે કે નહીં તે પોતાને ન પૂછે તો કોઈ પણ રાષ્ટ્ર મજબૂત બની શકે ?
દેશભક્ત (રક્ષણાત્મક રીતે) : ન્યાય ? ન્યાય આપણા લોકોનું રક્ષણ કરવાથી અને આપણી જીવનશૈલીના અસ્તિત્વને સુનિશ્ચિત કરવાથી મળે છે. જો ન્યાય વિભાજન તરફ દોરી જાય અથવા આપણો સંકલ્પ નબળો પાડે તો તે શું આપણું ભલું કરશે ?
સોક્રેટીસ (વિચાર કરીને) : તમે તમારા લોકોના રક્ષણની વાતો કરે છો, તમારી અસ્મિતાને જાળવી રાખવાની વાત કરો છો. હું માનું છું કે પોતાના લોકોનું રક્ષણ કરવું કે પોતાની અસ્મિતા જાળવી રાખવી સૌ કોઈની ફરજ છે. અને મને લાગે છે કે તમે તમારી આઝાદીની લડાઈ આ માટે જ લડ્યા હતા. પરંતુ, જો તમે જેને તમારા માનતા હો તેમાંથી કોઈ લોકો અન્યાયી હોય તો શું તમે તેમના વર્તનને ખરેખર વખાણવા યોગ્ય ગણશો ? શું આપણે એ પૂછવું જોઈએ નહીં કે એકતાના નામે આપણા લોકોએ કરેલાં બધાં જ કૃત્યો ખરેખર પ્રશંસનીય હોય છે ? કે પછી, આવા લોકો માત્ર આપણી સંસ્કૃતિને બહાને આપણી સત્તા જાળવી રાખવા વાસ્તે મદદરૂપ છે માટે આપણે તેમને સારા ગણીએ છીએ, આપણા ગણીને તેમનો બચાવ કરીએ છીએ ?
દેશભક્ત (આંખો સાંકડી કરીને) : થોભો, શું તમે એમ સૂચવો છો કે અમારો આઝાદીનો સંઘર્ષ અન્યાયી હતો ?
સોક્રેટીસ (નમ્રતાથી) : ના, હું એમ નથી કહેતો. પરંતુ, હું પૂછું છું : તમે તમારી આઝાદીની લડાઈ શા માટે લડ્યા હતા ? શું તે ફક્ત વિદેશી શાસકોથી સ્વતંત્ર થવાની લડાઈ હતી ? કે પછી, અન્યાય અને શોષણ સામેની લડાઈ હતી ? વધુ શિષ્ટ, ન્યાયી અને સુસંસ્કૃત જીવન જીવી શકાય તેવી આઝાદી માટેની લડાઈ હતી ?
દેશભક્ત (નરમ, પરંતુ મક્કમ) : અમે અમારી માતૃભૂમિ અને અમારા લોકોને વિદેશી શાસનથી મુક્ત કરવા માટે લડ્યા હતા. અંગ્રેજોએ અમારી સંપત્તિ અને અમારી પ્રતિષ્ઠા છીનવી લીધી હતી. તેથી અમારે લડવું પડ્યું હતું. શું તે ન્યાય માટેની લડાઈ નહોતી ?
સોક્રેટીસ (માથું હલાવતાં) : જુલમથી મુક્ત થવાની ઇચ્છા ન્યાયી છે. પરંતુ જુલમી શાસકો ચાલ્યા ગયા પછી શું ? શું તેથી દેશભક્તની ફરજ પૂરી થાય છે ? શું સાચા દેશભક્તે નવા શાસકોનું શાસન પણ ન્યાયી હોય તે સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખવું ન જોઈએ ?
દેશભક્ત (વિચારીને) : હા, તમારી વાત સોએ સો ટકા સાચી છે. અમે અન્યાયી શાસકોને દૂર કરવા, તેમનાથી મુક્ત થવા, અમે અમારી આઝાદીની લડાઈ લડ્યા હતા. પરંતુ, કમનસીબે આઝાદી પછી પણ, કેટલાક પડકારો ચાલુ રહ્યા છે. કેટલાક દેશદ્રોહી લોકો અમારા દેશની એકતા પર સવાલ ઉઠાવતા રહે છે, તેઓ અમને વિભાજિત કરવા માંગે છે.
સોક્રેટીસ (હળવાશથી) : તમે કેવી રીતે નક્કી કર્યું કે કોણ દેશદ્રોહી છે ? શું તે એવા લોકો છે જેઓ ભારતની એક રાષ્ટ્ર તરીકેની અમારી કલ્પના સાથે અસમંત છે. અથવા તેઓ રાષ્ટ્ર નિર્માણ અંગે તમારાથી અલગ વિચારો ધરાવે છે અને જુદા માર્ગે ચાલવા માગે છે ?
દેશભક્ત (ચિંતિત થઈને) : સોક્રેટીસ, કેટલાક વિચારો ખતરનાક હોય છે ! બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ, સમાનતા, સામાજિક ન્યાય જેવા કેટલાક વિચારો અમારી સદીઓથી ચાલતી આવતી પરંપરાઓથી વિરુદ્ધ છે. તે અમારી એકતાને નબળી પાડે છે. અમને દુર્બળ બનાવે છે. એક સંસ્કૃતિ, એક વિચારધારા, અને એક દૃષ્ટિકોણ ધરાવતા લોકો જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.
સોક્રેટીસ (વિચારપૂર્વક) : હં, એક દૃષ્ટિકોણ, એક સંસ્કૃતિ … પરંતુ શું એક રાષ્ટ્ર વિવિધ વિચારો સાથે મજબૂત ન બની શકે ? શું વિવિધ ફૂલોવાળો બગીચો માત્ર એક જ જાતનાં ફૂલોવાળા બગીચા કરતાં વધુ સુંદર નથી હોતો ? શું કુદરત પણ વિવિધતાને ઉત્તેજન નથી આપતી ?
દેશભક્ત (ખચકાતાં) : સોક્રેટીસ, વિચારોની વિવિધતા સિદ્ધાંતમાં સારી લાગે છે. પરંતુ, વાસ્તવમાં તે વિભાજન અને સંઘર્ષ તરફ દોરી જાય છે. ભારત એક મજબૂત દેશ હોવો જોઈએ. જો અમે હંમેશાં વાદવિવાદ કરતા રહીએ તો અમે એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે મજબૂત બની શકીએ ?
સોક્રેટીસ (હસતાં) : મારા મિત્ર, શક્તિ ખામોશીમાં નથી, વિવિધતાને દબાવી દેવામાં નથી. સાચી તાકાત તો ડર્યા વિના વિચાર-વિમર્શ કરવાની અનુમતિ આપે છે. એક મજબૂત રાષ્ટ્ર અસંમતિને સહન કરી શકે છે. કારણ કે, તે જાણે છે કે સચ્ચાઈ જાંચ પડતાલ કે છાનબીનનો સામનો કરી શકે છે.
દેશભક્ત (નિસાસો નાખતાં) : થોભો, કદાચ તમે સાચા છો. પરંતુ જેઓ પોતાના ફાયદા માટે રાષ્ટ્રને નુકસાન પહોંચાડવા માંગે છે તેનું શું ?
સોક્રેટીસ (વિચારપૂર્વક) : જેઓ રાષ્ટ્રને નુકસાન કરવા માગે છે તેમનો સામનો તો કરવો જ જોઈએ. પરંતુ શું આપણે ક્યારેક સત્ય શોધકો અને નુકસાન પહોંચાડનારાઓ વચ્ચે ગોટાળો નથી કરતા ? ક્યારેક જુસ્સામાં આવીને શું આપણે એવા લોકોને દબાવી નથી દેતા જેઓ કદાચ આપણને વધુ શાણા અને સમજદાર બનાવવાનો પ્રયાસ કરતા હોય છે ?
દેશભક્ત (ધીમેથી) : સોક્રેટીસ, મેં મારું જીવન ભારતના ગૌરવ માટે લડવામાં વીતાવ્યું હતું. પણ હવે મને લાગે છે કે શું હું પ્રશ્ન ઉઠાવનારાઓને ચૂપ કરવામાં ખોટું કરતો હતો ? શું હું ન્યાય અને વધુ સારા ભારતની તેમની શોધને સમજી શક્યો નહોતો ? શું દેશભક્તિમાં હું આંધળો થઈ ગયો હતો ?
સોક્રેટીસ (માથું હલાવતાં) : સરસ. આવા પ્રશ્નો ઊભા થવા એ શાણપણની નિશાની છે. આપણા જીવનની અને આપણાં કૃત્યોની તટસ્થતાથી તપાસ કરવી એ પણ એક પ્રકારની દેશભક્તિ છે, તે પણ જરૂરી છે. વિચારશીલતા, એ તમે તમારા દેશને આપેલી તમારી સૌથી મોટી ભેટ છે. તે તમારો સાચો રાષ્ટ્રપ્રેમ બતાવે છે, નહીં કે આંધળી ભક્તિ કે અવિચારી આજ્ઞાપાલન.
આ વાર્તાલાપ પછી બંને વિદ્વાનો હસતા હસતા સ્વર્ગની કેન્ટીનમાં ચા પીવા જાય છે.
૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા-૩૯૦ ૦૦૨.
E-mail: pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 નવેમ્બર 2024 – પૃ. 04 – 06