પીટર બગીચામાં બેન્ચ પર બેઠો હતો. પીટર અને મેકનો રોજ સાંજે બગીચામાં મળવાનો નિયમ હતો. પીટર આજે થોડો વ્યગ્ર અને ચિંતામાં હતો. આજે તેને બગીચામાં શું બની રહ્યું છે એ તરફ જરા પણ ધ્યાન નહોતું. તેને મેક ક્યારે બાજુમાં આવીને બેસી ગયો એ ખ્યાલ ન રહ્યો. આટલો વ્યગ્ર પીટર ક્યારે ય નહોતો થયો. તેને નાતાલના ઉત્સવની ચિંતા હતી.
“પીટર, તું આજે કંઈક ચિંતામાં હો એવું લાગે છે. હું, તારી બાજુમાં ક્યારનો આવીને બેઠો છું પણ તારું ધ્યાન જ નથી. શું વાત છે મને કહે. તારી ચિંતાનો કોઈક રસ્તો શોધી કાઢશું. મેં પહેલાં તને આટલો ચિંતામાં ક્યારે ય નથી જોયો.”
“મેક, નાતાલનો તહેવાર આવે છે. તને તો ખબર છે કે નાતાલ ઈવમાં હું શાંતાક્લોઝ બનીને બાળકો, યુવાનો અને વડીલોને મનગમતી ભેટ આપું છું. પછી એ લોકો સાથે ડિનરમાં જોડાઉ છું. ઘણાં વરસોથી મારો આ ક્રમ ચાલ્યો આવે છે. પણ આ વરસે હું શું કરીશ તેની ચિંતા છે.”
“હા, પણ એમાં તને તકલીફ શું છે. નાતાલ તો દર વર્ષે આવે છે. આ વર્ષે પણ તું શાંતાક્લોઝ બનીને દર વર્ષની જેમ બધાંને મનગમતી ભેટ આપજે. આ વર્ષે હું પણ તારી પાસે ભેટ લેવા આવીશ.”
“મેક, હું આખું વર્ષ નાતાલની ઉજવણી માટે થોડા થોડા પૈસા બચાવીને નાતાલની ભેટ માટે ભંડોળ ઊભું કરતો રહું છું. પણ આ વર્ષે તેમ કરી શક્યો નથી. એક તો આ મોંઘવારીમાં કંઈ બચત થતી નથી. અને ઘરમાં બીમારીના લીધે બચાવેલા પૈસામાંથી અડધા પૈસા વપરાય ગયા છે. આ વર્ષે ભેટની ખરીદી કરવા માટે મારી પાસે પૂરતું બેલેન્સ નથી, એટલે શું કરવું એ દ્વિધા અને ચિંતામાં છું.”
“કરવાનું શું હોય. દર વર્ષની માફક આ વર્ષે પણ તારે શાંતાક્લોઝ બનવાનું અને બધાંને મનગમતી ભેટ આપી ડિનરમાં પણ સામેલ થઈ નાતાલની મજા માણવાની.”
“પણ મેં તને મારી મુશ્કેલી બતાવી તેનું શું કરું? કોઈ રસ્તો સૂઝતો નથી. નાતાલનો તહેવાર નજીક આવી ગયો છે અને મારી પાસે પૈસાની કોઈ વ્યવસ્થા નથી.”
“પીટર, પણ કે બણ કંઈ નહીં, તારે આ વર્ષે પણ શાંતાક્લોઝ બનવાનું એ નક્કી વાત છે. મારા મિત્રને બહુ મોટો મોલ છે. ત્યાં તારે જોઈએ એ પ્રકારની ભેટ તને મળી જશે. તારે ત્યાંથી ભેટ આપવા માટેની મનપસંદ ભેટ ખરીદી લેવાની. પૈસાની ચિંતા કરમાં. તારી પાસે તારું જે કંઈ બેલેન્સ હોય એ મને આપી દેજે. બાકીના પૈસા હું ઉમેરી દઈશ. તારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બિન્દાસ થઈને ખરીદી કરજે.”
“મેક, તે મારો મોટો બોજ હળવો કરી દીધો. તે ઉમેરેલા પૈસા હું તને કટકે કટકે આપી દઈશ. હું કેટલા ય દિવસથી આ જ ચિંતામાં હતો કે જો હું શાંતાક્લોઝ બનીને ભેટ આપવા ન જાઉં તો બધાં નિરાશ થઈ જાય, ખાસ કરીને બાળકો. બાળકોને શાંતાક્લોઝે આપેલી ભેટનું બહુ મહત્ત્વ હોય છે.”
પીટરે મેકના મિત્રના મોલમાંથી ભેટ સોગાદની ખરીદી કરીને મન મૂકીને દર વર્ષની જેમ નાતાલની ઉજવણી કરી. પીટરનું મન ખૂબ આનંદમાં હતું. આ વર્ષે પીટરે મન મૂકીને બધાંને ભેટ આપી હતી. પીટર મેકના ઘરે પહોંચ્યો. “આવ, પીટર, તારા શાંતાક્લોઝવાળી ઇવેન્ટમાં બહુ મજા આવી. મેં પણ મન મૂકીને ભાગ લીધો હતો. ખૂબ આનંદ કર્યો. આ બધું તારા લીધે શક્ય બન્યું.”
“મેક, તારો આભાર માનવા અને બાકીના પૈસા જે મોલના બીલમાં તે ઉમેર્યા છે એ તને આપવા આવ્યો છું. નાતાલની આ વરસની ઉજવણી બહુ શાનદાર રહી.”
“ક્યાં પૈસાની વાત કરે છો? મારે તારી પાસેથી કોઈ પૈસા લેવાના બાકી નીકળતા નથી.”
“કેમ આપણે વાત થઈ હતી કે ભેટ સોગાદ માટેની વસ્તુઓ મારે તારા મિત્રના મોલમાંથી ખરીદી લઈને નાતાલની શાનદાર ઉજવણી કરવાની. અને મેં મન મૂકીને ખરીદી કરી હતી. આ વખતની નાતાલની ઉજવણી ખૂબ સરસ રહી. દર વર્ષ કરતાં મેં ભેટ પણ વધારે આપી. બધાં ખુશ થઈ ગયા હતા. તેમાં ય બાળકો તો બહુ દેખાતાં હતા.”
“હા, એ મેં પણ જોયું હતું પણ તારે એ પૈસા આપવાના નથી.”
“કેમ? એવું ન ચાલે. તે મને મદદ કરી અને મારી આબરૂ જાળવી લીધી. તારે પૈસા લેવા જ પડે.”
“જો, પીટર. તું શાંતાક્લોઝ બનીને બધાંને ભેટ આપતો હતો ત્યારે હું પણ ત્યાં હાજર હતો. તે આપેલી એ ભેટમાં મને બધું મળી ગયું. સાચું કહું મેં આજ સુધી આવી નાતાલની મજા માણી નથી. તને શાન્તાક્લોઝમાં જોઈને મને મારા ગ્રાન્ડફાધર યાદ આવી ગયા. એ પણ દર વર્ષે શાંતાક્લોઝ બનીને અમને અને સગાં સંબંધીઓને ભેટ આપતા હતા. મને આજે સમજાયું કે ગ્રાન્ડફાધર ભેટ આપીને અને અમે ભેટ લઈને કેમ ખુશ ખુશ થઈ જતા હતા. મારા ગ્રાન્ડફાધર કહેતા દરેક તહેવાર ખુશીઓ માણવા માટેનો હોય છે. આપણે પણ તહેવાર માણીને ખુશ થવાનું અને બીજાને ખુશ કરવાના. હું બધાંને મનપસન્દ ભેટ આપીને ખુશ કરું છું અને ખુશ થાઉં છું.”
“મેક, હું નાનો હતો ત્યારે શાન્તાક્લોઝને જોઈને મને પણ શાંતાક્લોઝ બનવાનું મન થઈ જતું. પણ ત્યારે એ ખબર નહોતી કે શાંતાક્લોઝ જે ભેટ આપે છે એ પોતે ખરીદ કરેલી હોય છે. ત્યારે તો શાંતાક્લોઝ ભેટ આપે એ લઈને ખુશ થઈ જતો. પણ, પછી જ્યારે આ બાબતની મને ખબર પડી એટલે મેં પણ નાતાલ પછી બીજી નાતાલ આવે ત્યાં સુધીમાં ભેટની ખરીદી કરી શકાય એટલું ભંડોળ એકઠું કરવાનું શરૂ કર્યું અને પછી શાંતાક્લોઝ બની લોકોમાં નાતાલની ખુશીમાં ભેટ આપીને નાતાલની મજા માણવાનું શરૂ કર્યું. આ વર્ષે તે મારી આબરૂ સાચવી લીધી.”
“પીટર, મેં તારી આબરૂ નથી સાચવી, પણ તારા લીધે મને નાતાલ અને શાંતાક્લોઝનું મહત્ત્વ સમજાયું. અત્યાર સુધી હું નાતાલના ઉત્સવને એક પ્રેક્ષક તરીકે જોતો હતો અને ક્યારેક ક્યારેક ભાગ લેતો હતો. હવે હું દર વર્ષે તને શાંતાક્લોઝ તરીકે જોઈશ અને તેમાં મારી છબી જોઈને નાતાલની ખૂબ મજા માણીશ.”
“હા, મેક, આ જ તો નાતાલની ખરી મજા છે. ખુશીઓ વહેંચો અને ખુશી માણો. તહેવારો આવે છે ખુશીઓ મનાવવા માટે અને સંબંધોને મજબૂત કરવા માટે.”
મેકે ઊભા થઈ પીટરને ભેટીને કહ્યું, “હેપી નાતાલ, હેપી શાંતાક્લોઝ, માય ફ્રેન્ડ.
ભાવનગર, ગુજરાત
E.mail : nkt7848@gmail.com