Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|21 May 2025

પ્રવીણભાઈ જે. પટેલ

સૉક્રેટિસ અને એક ભારતીય રાજકારણી વચ્ચેનો આ કાલ્પનિક સંવાદ સંશોધન અને ટેકનોલોજીમાં ચીનની પ્રગતિ સાથે તાલમેલ જાળવવામાં ભારતની નિષ્ફળતા અંગે છે. ભારતીય રાજકારણી શરૂઆતમાં નસીબને દોષ આપે છે, અને સૉક્રેટિસ તેને પ્રશ્નો પૂછીને સમજાવે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતની પ્રગતિને અવરોધતાં પરિબળો વાસ્તવમાં તેની જૂનીપુરાણી શિક્ષણ પ્રણાલી, અપૂરતું સંશોધન ભંડોળ અને ટૂંકા ગાળાની રાજકીય માનસિકતા છે. જ્યારે ચીન વ્યૂહાત્મક રીતે AI, બાયોટેકનોલોજી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવાં અત્યાધુનિક ક્ષેત્રોમાં રોકાણ કરે છે, ત્યારે ભારત ગોખણપટ્ટી પર આધારિત શિક્ષણ, અમલદારશાહીના બિનકાર્યક્ષમ આટાપાટા, અને લાંબા ગાળાના દૃષ્ટિકોણના અભાવને કારણે પાછળ રહે છે. સૉક્રેટિસ ભાર મૂકે છે કે વિવેચનાત્મક વિચારસરણી અને નવીનતા ત્યારે જ ખીલી શકે છે જ્યારે યોગ્ય રીતે તેનું પોષણ કરવામાં આવે. ભારતીય રાજકારણી આખરે સ્વીકારે છે કે ભારતનો સૌથી મોટો પડકાર વાસ્તવમાં ચીન નથી, પરંતુ તેની પોતાની ખામીયુક્ત નીતિઓ છે. આ સંવાદ ભારતની શિક્ષણ અને સંશોધન નીતિઓની ખામીઓને ઉજાગર કરીને ભવિષ્યના નેતાઓને સતત પ્રગતિ માટે જ્ઞાન, શિક્ષણ અને સંશોધન માટે ઉદાર અને વ્યૂહાત્મક રોકાણને પ્રાથમિકતા આપવાનું સૂચન કરે છે.

પાર્શ્વ ભૂમિ  : સ્વર્ગના એક મનોહર જળાશય આગળ ગ્રીક ફિલોસોફર સૉક્રેટિસ આરસપહાણની બેન્ચ પર બેઠા બેઠા જગતનાં રહસ્યો અંગે વિચારમગ્ન છે. ત્યાં તાજેતરમાં જ સ્વર્ગે સિધાવેલ ભારતના એક રાજકારણી આવે છે. દેખીતી રીતે જ તે હતાશ હોય એવા દેખાય છે. અને સૉક્રેટિસને જોતાં જ તે વાતોએ વળગે છે.

ભારતીય રાજકારણી : હલ્લો, સૉક્રેટિસ! હું ઘણા લાંબા સમયથી તમારો પ્રશંસક રહ્યો છું.  હવે જ્યારે હું અહીં આવ્યો છું, ત્યારે મારે તમારી મદદ લેવી જોઈએ.

સૉક્રેટિસ : આવો, આવો, મિત્ર. સ્વર્ગમાં તમારું સ્વાગત છે.

ભારતીય રાજકારણી : સૉક્રેટિસ, મને એક વિચારથી પીડા થાય છે. ચીને હમણાં જ ડીપસીક (DeepSeek), નામનું એક અદ્યતન AI ચેટબોટ વિકસાવ્યું અને સમગ્ર વિશ્વમાં તેનો ડંકો વાગી ગયો. કહેવાય છે કે ચીન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. અને તાજેતરમાં તેણે આવી ઘણી બધી ક્રાંતિકારી શોધો કરી છે. જ્યારે મારો પ્રિય ભારત દેશ હજુ આટલી બધી સિદ્ધિઓ મેળવી શક્યું નથી. અમે દુનિયામાં અમારો ડંકો વાગી ગયો એવી ડંફાસ તો મારીએ છીએ પણ ચીનની તુલનામાં અમે ઘણા પાછળ પડી ગયા છીએ. ભાગ્ય અમને કેમ સાથ આપતું નથી, સૉક્રેટિસ?

સૉક્રેટિસ : મારા મિત્ર, તમે એવું માનો છો કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર ફક્ત ભાગ્ય ઉપર જ હોય છે?

ભારતીય રાજકારણી : તમે શું કહેવા માગો છો? ભારત મહાન દેશ છે! અમારા લોકો પણ બુદ્ધિશાળી છે. અમે ચીનાઓ કરતાં લગીરે ઓછા સક્ષમ નથી. હા, ફરક માત્ર એટલો જ છે કે તેઓ હાલમાં અસાધારણ ગતિએ આગળ વધી રહ્યા છે, અને અમે થોડા પાછળ પડી રહ્યા છીએ.

સૉક્રેટિસ : અચ્છા, તમે માનો છો કે ચીનના લોકો કરતાં તમે ઓછા સક્ષમ નથી.

ભારતીય રાજકારણી : અલબત્ત, સૉક્રેટિસ. અમે પણ અવકાશ વિજ્ઞાન, મિસાઈલ ટેકનોલોજી વગેરેમાં પ્રગતિ કરી છે. હવે તો અમે સંરક્ષણ માટે જરૂરી સરંજામ પણ થોડો ઘણો એક્સપોર્ટ કરીએ છીએ.

સૉક્રેટિસ : તો તમને પીડા કઈ વાતની છે?

ભારતીય રાજકારણી : અમે અમારા દેશને વિશ્વગુરુ માનીએ છીએ, છતાં અમે અમારા પડોશી દેશ ચીન સાથે પણ કદમ મિલાવી શકતા નથી. અમારું બુદ્ધિધન, અમારા તેજસ્વી યુવાનો, પશ્ચિમના વિકસિત દેશોમાં જતા રહે છે. અને બીજી બાજુ ચીન દરેક ક્ષેત્રમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. અમારા આવા દુર્ભાગ્યનું કારણ શું છે?

સૉક્રેટિસ : મને આશા છે કે તમે મારી સાથે સંમત થશો કે  દરેક રાષ્ટ્ર તેનાં પોતાનાં પરાક્રમોથી તેનું ભાગ્ય ઘડે છે. તમે કહો છો કે ભારતના તેજસ્વી યુવાનો દેશ છોડીને જતા રહે છે. પણ તમે મને કહો, તેઓ કેમ તમારા દેશમાં રહેવાનું પસંદ કરતા નથી?

ભારતીય રાજકારણી : તેઓ પરદેશ જતા રહે છે કારણ કે બીજા દેશોની યુનિવર્સિટીઓ અમારી યુનિવર્સિટીઓ કરતાં વધુ સારી છે. અમારા લોકોને ત્યાં વધુ સારી તકો મળે છે- સુસજ્જ પ્રયોગશાળાઓ, ઉત્તમ પ્રાધ્યાપકો, સંશોધન માટે અપાર ભંડોળ અને ઊંચા પગારની નોકરીઓ. જ્યારે અમારી યુનિવર્સિટીઓ ક્રાંતિકારી સંશોધનને પ્રોત્સાહન આપતી નથી.

સૉક્રેટિસ : સરસ. તમે દાવો કરો છો કે તમારી યુનિવર્સિટીઓ ઉચ્ચ કક્ષાનાં સંશોધનોને પ્રોત્સાહન આપતી નથી. ચાલો આપણે નવી અને ઉત્તમ શોધો માટેની આવશ્યક શરતોની તપાસ કરીએ.  તમે મને કહો કે જ્ઞાન અને વિજ્ઞાનના વિકાસ માટે શ્રેષ્ઠ રીત કઈ? જૂના પુરાણા જ્ઞાનને માત્ર કંઠસ્થ કરવાની કે તાર્કિક રીતે વિચાર કરવાની પદ્ધતિ?

ભારતીય રાજકારણી : તાર્કિક વિચાર પદ્ધતિ દ્વારા જ જ્ઞાનનો વિકાસ થાય. જે સિસ્ટમ વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે તે વધુ સારા સંશોધકો ઉત્પન્ન કરશે.

સૉક્રેટિસ : અને મને કહો, શું ભારતીય શિક્ષણ પ્રણાલી પ્રશ્નો પૂછવાને પ્રોત્સાહન આપે છે?

ભારતીય રાજકારણી : જેટલું જોઈએ તેટલું નહીં. અમારા વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાને બદલે પરીક્ષા પાસ કરવા માટે જવાબો યાદ રાખવા પર વધુ ભાર મૂકે છે. અમારા વિદ્યાર્થીઓમાં કંઈક નવું કરવાની માનસિકતાનો અભાવ છે. તેઓ પ્રશ્ન કરવાને બદલે ગોખણપટ્ટી કે યાદશક્તિ પર વધુ ભાર મૂકે છે.

સૉક્રેટિસ : જો તમે વિદ્યાર્થીઓની એવી પેઢી તૈયાર કરવા ઇચ્છો છો જે સ્વીકૃત ધારણાઓને પડકારે, સત્ય શોધે અને અજાયબીઓ બનાવે, તો તમારે પહેલાં તેમને પ્રશ્ન પૂછવાનું શીખવવું જોઈએ, જેમ હું તમને પ્રશ્ન પૂછું છું તેમ. જો કોઈ શિક્ષણપ્રણાલી પ્રશ્નો પૂછનારને નિરુત્સાહિત કરે તો તે સક્ષમ વિચારકો કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? જો તમે ઇચ્છો છો કે તમારા વિદ્યાર્થીઓ વિવેચનાત્મક રીતે વિચારે અને નવીનતા લાવે, તો શું તમારે પહેલાં તેમને અંધ ભક્ત બનીને જે કહેવામાં આવે તે બધું વગર વિચારે સ્વીકારવાને બદલે પ્રશ્ન પૂછવાનું શીખવવું જોઈએ નહીં?

ભારતીય રાજકારણી : તે ખરેખર એક સમસ્યા છે.

સૉક્રેટિસ : તો, મને કહો, શું ભારતે ચીનની નવીન શોધોની ઇર્ષ્યા કરવી જોઈએ કે સંશોધન અને શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાંથી શીખવું જોઈએ?

ભારતીય રાજકારણી : અલબત્ત, અમારે શીખવું જોઈએ! પરંતુ અમે સદીઓથી ચાલતી આવતી અમારી શિક્ષણ પદ્ધતિ કેવી રીતે બદલી શકીએ? તેમાં તો ઘણો ખર્ચ થાય.

સૉક્રેટિસ : મારા મિત્ર, તમે મને કહો, એક છોડને એક શક્તિશાળી વૃક્ષ બનવા માટે શું જોઈએ છે?

ભારતીય રાજકારણી : ફળદ્રુપ જમીન, સૂર્ય પ્રકાશ અને ખાતર-પાણી.

સૉક્રેટિસ : અને જો કોઈ માળી આવી આવશ્યક વસ્તુઓ આપ્યા વિના એક કુમળા છોડને મજબૂત વૃક્ષ બનાવવાની આશા રાખે તો શું થાય ?

ભારતીય રાજકારણી : સ્વાભાવિક રીતે જ તે છોડ સુકાઈ જશે.

સૉક્રેટિસ : શું કુંભાર યોગ્ય ચાકડા અને ભઠ્ઠી વિના સુંદર ઘડો બનાવી શકે?

ભારતીય રાજકારણી : બિલકુલ નહીં. યોગ્ય સાધનો વિના, સૌથી કુશળ કારીગર પણ અપંગ જેવો થઈ જાય.

સૉક્રેટિસ : જો કોઈ કારીગર ઉત્તમ સાધનો બનાવવા માંગે છે, તો શું તેને યોગ્ય વર્કશોપની જરૂર ન પડે?

ભારતીય રાજકારણી : અલબત્ત! કોઈ પણ કારીગર યોગ્ય સાધનો અને સુસજ્જ કાર્યસ્થળ વિના સારી રીતે કામ કરી શકે નહીં.

સૉક્રેટિસ : અને જો એક કારીગર પાસે અત્યાધુનિક સુવિધાઓ હોય અને બીજો ક્ષતિગ્રસ્ત શેડમાં કામ કરતો હોય તો કયો કારીગર વધુ સારાં સાધનો બનાવશે તેવી અપેક્ષા તમે રાખો છો?

ભારતીય રાજકારણી : સ્વાભાવિક રીતે વધુ સારી સુવિધાઓ ધરાવતો કારીગર.

સૉક્રેટિસ : અને તમારા વિદ્યાર્થીઓનું શું? તેમના શિક્ષકોનું શું? વૈજ્ઞાનિકોનું શું? શું તે આધુનિક સાધનો, સગવડો અને પ્રયોગશાળાઓ વિના મહાન શોધો કરી શકે?

ભારતીય રાજકારણી : ના. સંશોધન માટે અદ્યતન સાધનો, સુવિધાઓ અને અનુકૂળ વાતાવરણની જરૂર છે.

સૉક્રેટિસ : શું તમે જાણો છો કે ચીને આ સમસ્યાને કેવી રીતે હલ કરી છે?

ભારતીય રાજકારણી : હા. ચીને શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ, સંશોધન ઉદ્યાનો, અને અત્યાધુનિક પ્રયોગશાળાઓમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની યુનિવર્સિટીઓ ઉદ્યોગો અને સરકારી એજન્સીઓ સાથે સઘન સહયોગ કરે છે અને ખાતરી કરે છે કે તેમનાં સંશોધનો નવીન  ઉપયોગીતાઓમાં પરિણમે.

સૉક્રેટિસ : અને છતાં, તમને આશ્ચર્ય થાય છે કે જેણે અત્યાધુનિક સંશોધન માળખામાં ભારે રોકાણ કર્યું છે તે ચીન, નવીનતામાં ભારતને પાછળ છોડી રહ્યું છે. જો ચીન આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ, બાયોટેકનોલોજી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, અવકાશ સંશોધન અને અન્ય ક્ષેત્રોમાં હરણફાળ ભરે તો તેમાં નવાઈ પામવા જેવું શું છે? ભલા માણસ, તમે એક વાત સમજો. સંશોધનો રાતોરાત ફળ આપતાં નથી. તમને ખબર છે કે પહેલો ઇલેક્ટ્રિક બલ્બ કોણે શોધ્યો હતો?  અને કેટલા પ્રયત્નો પછી?

ભારતીય રાજકારણી : હા, મેં સાંભળ્યું છે કે અમેરિકન સંશોધક થોમસ એડિસને (Thomas Edison) ઈ.સ. ૧૮૭૯માં પહેલો ઇલેક્ટ્રિક બલ્બ શોધ્યો હતો. અને કહેવાય છે કે તેણે હજાર કરતાં વધુ પ્રયત્નો કર્યા પછી આ બલ્બ શોધ્યો હતો.

સૉક્રેટિસ : બરાબર. અને થોમસ એડિસને કહ્યું હતું કે ‘I have not failed. I’ve just found 10,000 ways that won’t work.’

ભારતીય રાજકારણી : પણ તમે કહેવા શું માગો છો, સૉક્રેટિસ?

સૉક્રેટિસ : મારો કહેવાનો અર્થ એ છે કે સંશોધનની પ્રક્રિયા ટ્રાયલ અને એરર ઉપર આધારિત છે. તમે કશુંક નવું બનાવવાનો પ્રયત્ન કરો તો નવી વસ્તુ રાતોરાત બની જતી નથી. નવી વસ્તુ બનાવતાં તમે ભૂલો કરો, પછી ફરી પ્રયત્ન કરો, વળી તેમાં પણ કોઈ ભૂલ રહી જાય તો નવેસરથી તમારે શ્રી ગણેશ કરવા પડે. આમ તેમાં ઘણા પ્રયત્નો કરવા પડે છે અને ઘણો ખર્ચો પણ કરવો પડે છે. Research is the function of funds, મારા મિત્ર.  અને તેમાં ઘણી ધીરજ પણ રાખવી પડે છે.

ભારતીય રાજકારણી : હા, ભારતમાં અમે લોકો કહીએ છીએ કે, ધીરજનાં ફળ મીઠાં.

સૉક્રેટિસ : તો, મને કહો, મારા મિત્ર, જો એક રાષ્ટ્ર તેના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને ફક્ત ઝાંખા પ્રકાશવાળી અને અપૂરતાં સાધનોવાળી વર્કશોપ પૂરી પાડે, અને બીજું રાષ્ટ્ર તેમના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો માટે જ્ઞાનનું ભવ્ય મંદિર બનાવે, તો કયું રાષ્ટ્ર મહાન શોધો કરે તેવી શક્યતા વધુ છે?

ભારતીય રાજકારણી : અલબત્ત, જ્ઞાનનું ભવ્ય મંદિર ધરાવતો દેશ!

સૉક્રેટિસ : તો એક તરફ ચીન આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને બાયોટેકનોલોજીમાં આગળ વધતું જાય અને બીજી તરફ ભારત તેના તેજસ્વી યુવાનોને જાળવી રાખવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું હોય તો ચીન તમારાથી આગળ નીકળી જાય તેમાં શી નવી નવાઈની વાત છે?

ભારતીય રાજકારણી : તે આશ્ચર્યજનક નથી, પરંતુ નિરાશાજનક છે. અમારી પાસે બૌદ્ધિક ક્ષમતા છે, પરંતુ અમારી માળખાકીય ઊણપો અમને પાછળ રાખે છે. અમારી પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IITs) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (ISc) જેવી કેટલીક અગ્રણી સંસ્થાઓ છે. જો કે મારે કબૂલ કરવું જોઈએ કે અમારી ઘણી યુનિવર્સિટીઓમાં વિશ્વસ્તરીય સંશોધન-માળખાનો અભાવ છે. અમારી ઘણી બધી પ્રયોગશાળાઓ જૂની થઈ ગઈ છે. ભંડોળ દુર્લભ છે તથા અમલદારી તંત્રના જૂના જમાનાના નીતિ-નિયમોના અવરોધો અત્યાધુનિક ટેકનોલોજી મેળવવાનું મુશ્કેલ બનાવે છે.

સૉક્રેટિસ : અને ભારતમાં પરદેશો જેવી સંશોધનોની સગવડો અને તકો પૂરી પાડવા માટે કોણ જવાબદાર છે? શું તે આકાશમાં વાદળોની જેમ સ્વયં પેદા થાય છે, કે પછી તે સત્તામાં રહેલા લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે?

ભારતીય રાજકારણી : અલબત્ત, તે શાસકો અને નીતિ નિર્માતાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

સૉક્રેટિસ : તો પછી મને કહો, શું કોઈ ખેડૂત બીજને સારી રીતે વાવ્યા વિના અને જમીનને યોગ્ય રીતે ખાતર-પાણી આપ્યા વિના ખરાબ પાક આવ્યાનો શોક કરે તો તે માટે કોણ જવાબદાર? શું સંશોધનને પણ પોષણની જરૂર નથી? જો કોઈ રાષ્ટ્ર નવીન શોધો કરવામાં શ્રેષ્ઠ બનવા માંગે છે, તો શું તેણે જ્ઞાનનાં ક્ષેત્રોમાં પૂરતા રોકાણ રૂપી ખાતર-પાણી ન આપવાં જોઈએ?

ભારતીય રાજકારણી : પરંતુ, અમારી સરકારો પણ શિક્ષણ સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રોને નાણાંકીય સહાય તો કરે જ છે.

સૉક્રેટિસ : તમારી વાત સાચી. તમારી સરકારો આવી સંસ્થાઓને અનુદાન આપે છે. પણ ચીનની સરખામણીમાં કેટલું?

ભારતીય રાજકારણી : એટલે?

સૉક્રેટિસ : તમે મને કહો, શું ચીન અને ભારતની અર્થવ્યવસ્થા એકસરખી છે?

ભારતીય રાજકારણી : ના, ચીનની અર્થવ્યવસ્થા અમારા કરતાં ઘણી મોટી છે. ચીનનો GDP લગભગ ૧૮ ટ્રિલિયન છે, જ્યારે ભારતનો GDP લગભગ ૩.૭ ટ્રિલિયન છે.

સૉક્રેટિસ : હવે તમે મને કહો, ભારત અને ચીન રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D)માં કેટલું રોકાણ કરે છે?

ભારતીય રાજકારણી : ભારત તેના GDPના લગભગ ૦.૭ ટકા R&D પર ખર્ચ કરે છે, જ્યારે ચીન લગભગ ૨.૫ ટકા ખર્ચ કરે છે.

સૉક્રેટિસ : અને જો ચીન તેના GDPના ૨.૫ ટકા R&D માટે નિવેશ કરે અને ભારત તેના GDPના એક ટકા કરતાં પણ ઓછો ભાગ R&D માટે રોકે, તો કયો દેશ સરવાળે વધુ ખર્ચ કરે છે ?

ભારતીય રાજકારણી : સ્વાભાવિક રીતે જ ચીનનો કુલ ખર્ચ વધુ થાય. ચીન R&D પર ૪૫૦ બિલિયનથી વધુ ખર્ચ કરે છે, જ્યારે ભારત ભાગ્યે જ ૩૦ બિલિયન ખર્ચ કરે છે. વાસ્તવિક કુલ રોકાણમાં મોટો તફાવત રહેલો છે.

સૉક્રેટિસ : હવે મને કહો, ભારત અને ચીન શિક્ષણમાં કેટલું રોકાણ કરે છે?

ભારતીય રાજકારણી : ભારત તેના GDPના ૩.૫ ટકા શિક્ષણ માટે ખર્ચે છે જ્યારે ચીન તેના GDPના ૪.૦૨ ટકા ખર્ચે છે. એટલે કે ભારત શિક્ષણ પર કુલ ૧૬૫.૬ બિલિયન ખર્ચે છે, જ્યારે ચીન ૭૧૨.૯૪ બિલિયન ખર્ચે છે. આમ ચીનનું શિક્ષણ પરનું કુલ રોકાણ ભારત કરતાં ૫૪૭.૩૪ બિલિયન વધુ છે.

સૉક્રેટિસ : મારા મિત્ર, જો બે ખેડૂતો ખેતી કરવા માગતા હોય, પરંતુ એક ખેડૂત પાસે વિશાળ ફળદ્રુપ જમીન હોય અને બીજા પાસે જમીનનો માત્ર એક નાનો ટુકડો હોય, તો કોણ વધુ પાક પકવશે?

ભારતીય રાજકારણી : અલબત્ત, મોટી અને વધુ ફળદ્રુપ જમીન ધરાવતો ખેડૂત.

સૉક્રેટિસ : તો આ એક વિચિત્ર વાત નથી? તમે કહો છો કે ભારત સંશોધનમાં ચીનને પાછળ છોડી દેવા માંગે છે, છતાં ભારત સંશોધન અને શિક્ષણ માટે ચીન દ્વારા પૂરા પાડવામાં આવતા પોષણથી અનેક ગણું ઓછું પોષણ આપે છે. મને કહો, જો બે યોદ્ધાઓ યુદ્ધમાં પ્રવેશ કરે છે, અને એકને યુદ્ધ પહેલાં પોષક ખોરાક આપીને હૃષ્ટપુષ્ટ કરવામાં આવે અને બીજો ભૂખ્યો રહે, તો કોણ વધુ સારી રીતે લડી શકશે?

ભારતીય રાજકારણી : દેખીતી રીતે જ સારી રીતે પોષાયેલો પહેલવાન સારી રીતે લડી શકશે.

સૉક્રેટિસ : તો પછી જ્યારે ભારતમાં શિક્ષણ અને સંશોધન કુપોષિત રહે ત્યારે તમે શા માટે અપેક્ષા રાખો છો કે તેનો વિકાસ થાય? ચીન, પોતાની વિશાળ સંપત્તિનો ઘણો મોટો ભાગ શિક્ષણ અને સંશોધન માટે વાપરે છે, તેની સરખામણીમાં ભારતનું રોકાણ કેટલું?

ભારતીય રાજકારણી : ઊંટના મોંમાં જીરા જેટલું.

સૉક્રેટિસ : અને શિક્ષણ અને સંશોધન માટે વપરાતા ભંડોળનો આ તફાવત વિજ્ઞાનની પ્રગતિને અસર કરે કે નહીં?

ભારતીય રાજકારણી : તેનાથી ઘણો ફરક પડે છે! મજબૂત સરકારી સમર્થન સાથે, ચીની વૈજ્ઞાનિકો સંપૂર્ણપણે તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જ્યારે ભારતમાં, ઘણા સંશોધકો નજીવી ગ્રાન્ટ માટે અરજી કરવામાં અને ખર્ચાયેલા દરેક રૂપિયાને યોગ્ય ઠેરવવામાં કિંમતી સમય બગાડે છે. કેટલાક તો હતાશાને કારણે સંશોધનને સંપૂર્ણપણે છોડી દે છે.

સૉક્રેટિસ : મને કહો, શું તમે માનો છો કે જે રાષ્ટ્ર તેના વિદ્યાર્થીઓને, વિચારકોને કે વૈજ્ઞાનિકોને ઓછું ભંડોળ પૂરું પાડે તે ક્યારે ય સંશોધનોમાં વિશ્વનું નેતૃત્વ કરી શકે?

ભારતીય રાજકારણી : ના, તે કરી શકતું નથી. યોગ્ય ભંડોળ વિના, તેજસ્વી દિમાગ પણ ક્રાંતિકારી શોધો કરવા માટે સંઘર્ષ કરશે.

સૉક્રેટિસ : તો પછી ભારતે સંશોધનમાં પોતાનું રોકાણ કેમ વધાર્યું નથી?

ભારતીય રાજકારણી : એક તો અમારાં સંસાધનો ટાંચાં છે. બીજું, સરકારમાં ઘણા લોકો સંશોધનને બિનજરૂરી ખર્ચ તરીકે જુએ છે, તેને રોકાણ નથી સમજતા. તેઓ તાત્કાલિક જરૂરિયાતો – મફત અનાજ અને સબસિડી જેવી મત જીતવા માટેની રાજકીય યોજનાઓ અને તેના પ્રચાર પર ખર્ચ કરવાનું પસંદ કરે છે. અમે ભારતના રાજકારણીઓ મતદારોને રીઝવવા માટે ટૂંકા ગાળાના ફાયદા ઉપર વધુ ધ્યાન આપીએ છીએ. અમે અમારા લોકોને મફતમાં સગવડો આપવાની હરીફાઈ કરીએ છીએ. શિક્ષણ અને સંશોધન ઝડપી અને નજરે દેખાય તેવો ફાયદો આપતું નથી. તેથી અમે લોકો તેની ઉપર વધુ ધ્યાન નથી આપતા. જ્યારે, ચીનમાં સરકાર તેની શિક્ષણ સંસ્થાઓ અને સંશોધનમાં ભારે રોકાણ કરે છે, ખાતરી કરે છે કે તેમના વિદ્વાનોને જરૂરી સંસાધનો મળી રહે.

સૉક્રેટિસ : પણ, મારા મિત્ર, તમે મને કહો, શું ચીને રાતોરાત પ્રગતિ કરી? જ્યારે ચીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અગ્રણી બનવાનું નક્કી કર્યું, ત્યારે શું તેઓ તાત્કાલિક પરિણામો મેળવવા માગતા હતા, કે તેઓએ ભવિષ્ય માટે યોજના બનાવી હતી?

ભારતીય રાજકારણી : એક જમાનામાં અમે ચીન કરતાં ઘણા આગળ હતા. પરંતુ પછી ચીને ભવિષ્ય માટે યોજના બનાવી. દાયકાઓ પહેલાં, ચીને સંશોધન, ટેકનોલોજી પાર્ક અને ઉચ્ચ શિક્ષણમાં વ્યૂહાત્મક રોકાણો કર્યાં. હવે, તેઓ તેનાં ફળ મેળવી રહ્યા છે. અને અમે પાછળ પડી ગયા.

સૉક્રેટિસ : તો શું ભારત ચીન સાથે સ્પર્ધા કરવા માગતું હોય તો તેણે પણ આવું જ ન કરવું જોઈએ?

ભારતીય રાજકારણી : તેમ કરવું જોઈએ. પરંતુ ભારતના રાજકારણીઓ અને અમલદારોની માનસિકતા બદલવી સરળ નથી. ઘણા રાજકારણીઓ અને અમલદારો જ્યાં સુધી સંશોધનોના ફાયદા નજરોનજર ન જુએ ત્યાં સુધી તેઓ સંશોધનનું મૂલ્ય સમજતા નથી

સૉક્રેટિસ : અને છતાં, શું એક શાણા નેતાનું કર્તવ્ય નથી કે તે પ્રગતિના મૂળનું સિંચન કરે અને તેનાં તાત્કાલિક ફળની અપેક્ષા ન રાખે?

ભારતીય રાજકારણી : હા, અમારા પૂર્વજો કહેતા હતા કે ઉતાવળે આંબા ન પાકે. પરંતુ અમારા રાજકારણમાં શાણપણ દુર્લભ છે. ઘણા નેતાઓ લાંબા ગાળાના વિકાસ કરતાં ટૂંકા ગાળાના લાભોને પ્રાથમિકતા આપે છે. અમે લોકો ચૂંટણીઓના પ્રચારમાંથી જ ઊંચા આવતા નથી.

સૉક્રેટિસ : મને કહો, મારા મિત્ર, જો કોઈ માણસ આંબાનો છોડ ન વાવે પણ તેનાં ફળ ખાવાની અપેક્ષા રાખે, તો શું તે નિરાશ નહીં થાય?

ભારતીય રાજકારણી : નિરાશ જ થાયને? અમારે ત્યાં કહેવત છે કે, વાવો તેવું લણો.

સૉક્રેટિસ : મારા મિત્ર, મને કહો, જ્યારે કોઈ જહાજ દરિયામાં લક્ષ્ય વિના તણાય છે, ત્યારે આપણે સમુદ્રને દોષ આપવો જોઈએ કે કેપ્ટનને?

ભારતીય રાજકારણી : આપણે કેપ્ટનને દોષ આપવો જોઈએ, કારણ કે જહાજને સુરક્ષિત રીતે માર્ગદર્શન આપવું તેની ફરજ છે.

સૉક્રેટિસ : તો મને કહો, ભારતના જહાજના કેપ્ટન કોણ છે?

ભારતીય રાજકારણી :  બેશક, અમે રાજકારણીઓ. રાજકારણીઓ જ નીતિઓ નક્કી કરે છે, સંસાધનો ફાળવે છે અને રાષ્ટ્રની પ્રાથમિકતાઓ નક્કી કરે છે.

સૉક્રેટિસ : અને શું તમારા રાજકારણીઓએ સમજદારીપૂર્વક રાજ્ય કર્યું છે તેમ કહી શકાય?

ભારતીય રાજકારણી : જો હું પ્રમાણિકપણે કહું તો, ના. અમારા નેતાઓ મોટે ભાગે ટૂંકા ગાળાના રાજકીય લાભ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ લાંબા ગાળાના રાષ્ટ્રીય વિકાસ કરતાં ચૂંટણી જીતવાને પ્રાથમિકતા આપે છે.

સૉક્રેટિસ : તો મને કહો, ચીને કયો રસ્તો અપનાવ્યો છે?

ભારતીય રાજકારણી : ચીનના નેતાઓ દાયકાઓથી સ્પષ્ટ દૃષ્ટિકોણ ધરાવે છે. તેઓ લાંબા ગાળાનાં લક્ષ્યો નક્કી કરે છે અને તેમને સતત અનુસરે છે. તેઓ રાજકીય હુંસાતુંસી કરતાં રાષ્ટ્રીય વિકાસને પ્રાથમિકતા આપે છે.

સૉક્રેટિસ : અને પરિણામ શું આવ્યું છે?

ભારતીય રાજકારણી : ચીન આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સૌર ઊર્જા, બાયોટેકનોલોજી અને અદ્યતન ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે. તેમની યુનિવર્સિટીઓ વૈશ્વિક રેન્કિંગમાં બહુ આગળ છે, અને તેમના વૈજ્ઞાનિકો ક્રાંતિકારી સંશોધનો કરી રહ્યા છે. અને એ શોધોને આધારે તેમનું અર્થતંત્ર વધુ મજબૂત બની ગયું છે.

સૉક્રેટિસ : અને ભારતનું શું?

ભારતીય રાજકારણી : અમે થોડી પ્રગતિ કરી છે, પરંતુ અમે ચીનથી ઘણા પાછળ છીએ. અમારી યુનિવર્સિટીઓ નિષ્પ્રાણ થઈ ગઈ છે, અમારા ઉદ્યોગો પણ સંશોધન પર ધ્યાન આપતા નથી, અને અમારું શ્રેષ્ઠ બુદ્ધિ-ધન વિદેશમાં તકો શોધે છે.

સૉક્રેટિસ : મને કહો, જો બે દોડવીરો દોડ શરૂ કરે, પરંતુ એક દૃઢ નિશ્ચય સાથે આગળ વધે છે અને બીજો નાની નાની બાબતોથી વિચલિત થઈને ઠોકર ખાય છે, તો કોણ જીતશે?

ભારતીય રાજકારણી : જે દૃઢ નિશ્ચય અને શિસ્ત સાથે દોડે છે તે.

સૉક્રેટિસ : તો પછી એમાં કોઈ આશ્ચર્ય છે કે ચીન આગળ વધી ગયું છે જ્યારે ભારત પાછળ છે?

ભારતીય રાજકારણી : અત્યારે તો મને ડર છે કે અમે વિકાસની ગાડી ચૂકી ગયા છીએ. ચીન જેવાં અન્ય રાષ્ટ્રો આગળ વધી રહ્યાં છે જ્યારે અમે તેમને પકડવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. સૉક્રેટિસ, હું હવે જોઈ શકું છું કે ભારતનો સૌથી મોટો દુ:શ્મન ચીન કે કોઈ વિદેશી શક્તિ નથી, પરંતુ તેની પોતાની નીતિઓ છે. મને થાય છે કે અમે આ વહેલા સમજી લીધું હોત તો અમારી દશા આવી દયનીય ન હોત.

સૉક્રેટિસ : સાચું શાણપણ, મારા મિત્ર, જીવતા લોકોમાં પણ દુર્લભ છે. પરંતુ જો જીવતા લોકો મૃતકો પાસેથી શીખી શકે, તો કદાચ તેઓ એ જ ભૂલોનું પુનરાવર્તન ન કરે. આશા રાખીએ, તમારા અનુગામીઓ આપણો સંવાદ સાંભળતા હશે અને તેમાંથી કોઈ બોધપાઠ લેતા હશે. અને જો તેમ થાય તો કદાચ, સમય જતાં, ભારત ફક્ત વિદ્વાનો જ નહીં, પણ સમૃદ્ધિના સોદાગરો અને શાણપણના શોધકોને પણ ઉછેરશે – જેઓ, તમારી જેમ, પ્રશ્ન પૂછવાનું મહત્ત્વ સમજવા લાગશે.

ભારતીય રાજકારણી : તેઓએ તેમ કરવું જોઈએ. અને મને અફસોસ છે કે, મારા સમય દરમિયાન, મેં આ માટે હિમાયત કરી ન હતી. પરંતુ જો મારા ઉત્તરાધિકારીઓ મારી સલાહ માગે તો તેમને હું કહીશ : જ્ઞાનમાં રોકાણ કરો, શિક્ષણ અને સંશોધન માટે ઉદારતાથી ભંડોળ આપો, નિયમોના બ્રિટિશ જમાનાના આટા-પાટા દૂર કરો અને ધીરજ રાખો. કારણ કે સાચી પ્રગતિ ચૂંટણીઓ જીતવાથી નહીં પરંતુ ભાવિ પેઢીઓના વિકાસથી માપવામાં આવે છે.

001, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – 390 002
ઈ મેલ :pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઍપ્રિલ  2025; પૃ. 04-07 તેમ જ 03

Loading

21 May 2025 પ્રવીણ જ. પટેલ
← જમીન 
સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’ →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 
  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved