બેલા નાનું એવું ગામ. વસ્તી આશરે પાંચ હજારની. જમીન સારી, પાણીની વ્યવસ્થા સારી એટલે લોકો ખાધે પીધે સુખી હતાં. ગામમાં હજી પણ જૂની પ્રથા હતી કે ગામનો કોઈપણ પ્રશ્ન ઊભો થાય તો ગામના મુખ્ય પાંચ લોકોની પંચાયત ગામનાં ચોરે મળે અને બંને પક્ષને સાંભળી ન્યાય આપે; જે મહદ્દઅંશે બધાંને માન્ય હોય. એમ આજે પણ ગામની પંચાયત મળી હતી.
“તો બોલો વિરજીભાઈ, તમારે શું કહેવું છે?”
“હું….હું શું કહું! મેં જ મારા હાથે કાંડા કાપી નાખ્યા હતા. તમે મને ઘણું સમજાવ્યો હતો પણ પુત્રના પ્રેમમાં બધું જ બે છોકરાને નામે કરી દીધું; હવે બંને ના-મકર જઈ અમને રાખવા તૈયાર નથી. દીકરીએ પણ સમજાવ્યાં હતાં. અમે તેને પણ દબાણ કરી વારસાઈ હક્ક જતો કરવા માટે તેની પાસે લખાણ કરાવ્યું હતું. અમારે તો ઉપર આભ અને નીચે જમીન છે. તમે જે નિર્ણય આપો તે.”
“વિરજીભાઈ, તમે બધું જ સરકારી ચોપડે બંને દીકરાને નામે ચડાવી દીધું છે એટલે એમા તો પંચાયત શું! કરે; તમારા દીકરાને સમજાવી જોઈએ, જો, સમજે તો.”
“સારું, .. બાપલિયા એમ કરો.”
“રઘુ અને જનુ, તમને ખબર છે કે તમારા બાપાએ જમીન બંને ભાઈ વચ્ચે દસ, દસ વિઘાના ભાગ પાડી તમને આપી છે; હવે તેની પાસે જીવન નિર્વાહની કોઈ મૂડી નથી, તો તમારી ફરજ છે તેમને સાચવવાની, તમે ના-મકર ન જઈ શકો.”
“તો અમે ક્યાં ના પાડી છે પણ આટલી ટૂંકી જમીનમાં બધાંનો નિર્વાહ કરવો શક્ય નથી, અમારે પણ વસ્તાર છે.”
“તમે આ ઉંમરે બંનેને છૂટા પાડો એ તમને યોગ્ય લાગે છે? એ લોકોની હવે ક્યાં લાંબી જિંદગી છે. અત્યાર સુધી તમારો ઉછેર કરતાં કરતાં સાથે જ રહ્યાં છે. દીકરા તરીકે એ લોકો વિષે વિચારવાની તમારી પણ ફરજ છે.”
“પણ, આ સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બંને છોકરા નફફટ થઈ આવો જવાબ આપી ચાલ્યા ગયા.”
“બોલો વિરજીભાઈ, તમારું શું કહેવું છે?”
“હવે અમારી ક્યાં લાંબી જિંદગી બાકી રહી છે. અમે ક્યાંક બટકુક રોટલો રળી ખાસું.”
“મારી પંચને એક વિનંતી છે.”
“બોલો ઉમેદચંદશેઠ, તમારે વિનંતી ન કરવાની હોય, વાત જ કરવાની હોય.”
“મારી પાસે ઘણાં ખેતર-વાડી છે અને હું તો ભાગિયું જ કામ કરાવું છું, તેમાંથી એક વાડી પડું પંદર વિઘાનું છે તે વિરજી પટેલને વાવવાં આપું; એક મારો ભાગિયો તેને મદદ કરશે અને જે કંઈ ઉપજ આવે તે ભાગિયા સાથે સુવાંગ વિરજીભાઈની. બોલો છે મંજૂર?”
પંચાયત એક સાથે હકારમાં ઉમેદચંદશેઠની વાતને વધાવી લીધી. વિરજીભાઈની આંખમાં હર્ષનાં ઝળઝળિયાં આવી ગયાં; નામ એવા ગુણ ધરાવતા શેઠે ગામની અને વિરજીભાઈની આબરૂ સાચવી લીધી.
વિરજીભાઈ નખશીખ ખેડૂત હતા. તેની સૂઝબૂઝ, અનુભવ અને ભાગિયાની કાર્યદક્ષતાને લીધે વાડીમાં ત્રણ ત્રણ સિઝનનો મબલખ પાક ઉતારવા લાગ્યો. છોકરા સાથે સંબંધો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું હતું. દીકરી, સારસંભાળ લેવા આવતી. શરૂઆતમાં ચીજ વસ્તુઓ પણ પહોંચાડતી હતી, પછી વિરજીભાઈને જરૂરત ન રહી, દીકરીને આપી શકે તેવી સ્થિતિ થઈ ગઈ હતી.
કહે છે ને “વાવે તેવું લણે”, એવું જ રઘુ અને જનુની બાબતમાં થયું. બાપાના અનુભવનો, ખેતી વિષયક જ્ઞાનનો લાભ ન લીધો કે ત્યારે ખેતીમાં ધ્યાન ન આપ્યું એટલે બાપાના વખતમાં દુઝતી ખેતીની જમીન બંજર થઈ ગઈ. પણ બાપા પાસે જઈ શકાય એમ નહોતું. ઘરમાં હાંડલા કુસ્તી કરવાં લાગ્યા હતાં. માથે વાળ જેટલું દેવું થઇ ગયું હતું. જમીન વેચવા સિવાય કોઈ રસ્તો બાકી રહ્યો નહોતો.
“આવો વિરજીભાઈ, બોલો, બધું ઠીક ઠાક છે ને?”
“તમે તો વાડીએ પછી આવ્યા જ નહીં?”
“અરે! વિરજીભાઈ તમારી જેવા કાબેલ ખેડૂતને વાડી સોંપ્યાં પછી એમાં જોવાનું ન હોય, બોલો શું કામ છે? બાકી વાડી તો તમે અને તમારા ઘરવાળા જીવે ત્યાં સુધી તમારી પાસે જ રહેશે.”
“શેઠજી, મેં સાંભળ્યું છે કે મારા છોકરા જમીન વેચી શહેરમાં જવાના છે?”
“તમે સાચું સાંભળ્યું છે ખેતી કરવી એ તમારા દીકરાની હાથની વાત નથી અને દેવું પણ ચૂકવવું પડેને; બાપના રાજમાં જલસા જ કર્યા છે. પણ તમે શું કામ ચિંતામાં છો?”
“શેઠજી, એક વાત કહું, ખેડૂતના દીકરા માટે જમીન એ “મા”તુલ્ય હોય છે. સંજોગોવસાત ક્યારેક જમીન વેચવી પડે તો પણ એ તેના માટે મૃત્યુ સમાન હોય છે. જ્યારે મારા દીકરામાં અણઆવડત છે, અણઘણ છે જમીનના મૂલ્યની કિંમતની ખબર નથી.”
“જાવ વિરજીભાઈ, તમારી વાત હું સમજી ગયો, જમીન હું ખરીદી લઈશ અને તમે મને જમીનના પૈસા ચૂકતે ન કરો ત્યાં સુધી એ જમીન મારી પાસે તમારી અમાનત તરીકે રહેશે, બસ, હવે છે કોઈ ચિંતા?”
“શેઠજી, આજે તમે મારી “મા”તુલ્ય જમીનને બીજાના હાથમાં જતી, મરતી બચાવી લઈ મને જિંદગીભરનો ઋણી બનાવી દીધો”…. .વિરજીભાઈની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો હતો અને ઉમેદચંદશેઠ નિષ્પૃહી નજરે વિરજીભાઈને, જમીન પ્રેમી વિરજીભાઈને નીરખી રહ્યા હતા ….
ભાવનગર
e.mail : Nkt7848@gmail.com