તા. 18 મેની સાંજે સાર્થક પ્રકાશનના એક સીમાચિહ્ન સમા કાર્યની પરિણતિના સમારોહમાં જવાનું થયું.
આટલું લખ્યા પછી થયું કે વેલ, આ તો (સાચા, પણ) બહુ મોટા શબ્દો પ્રયુક્ત થઈ ગયા. એના બદલે એમ કહું તો ય એટલું જ સાચું છે, કે એક સાર્થક જલસામાં જવાનું થયું. અને ખરેખર, અમારી તળપદી બોલીમાં કહું તો, જલસી પડી ગઈ!
સાર્થકના કાર્યક્રમોમાં કાયમ જોયું છે કે આદર પૂરેપૂરો, ખોટી ઔપચારિકતા જરા ય નહીં. અહીં પણ એ જ લાક્ષણિકતા જોવા મળી. AMAમાં પહોંચતા જ સૌથી પહેલાં તો સમરસિયાં મિત્રોને મળવાનો જલસો થયો. સાર્થકના નિમિત્તે પણ કેટલાક મિત્રો થયા છે; ને એવું ય બને છે કે અમુક પ્રિય પરિચિતોની આવા નિમિત્તે અનાયાસ મુલાકાત થતી રહે છે. એનો રાજીપો છે.
દીપકભાઇ સોલિયાએ ખુદ ગબ્બર પણ ખુશ થઈ જાય એવી શૈલીમાં સમારોહનો આરંભ કર્યો. ઉર્વીશભાઈએ ‘સાર્થક જલસો’ના 22મા અંક વિશે અને ‘ગાંધી પછીનું ભારત’ના અનુવાદ વિશે કહ્યું. બન્નેનો પરિચય સાંભળીને વાંચવાની ઉત્સુકતા પ્રબળ થઈ. એમણે સહઅનુવાદક સ્વ. દિલીપ ગોહિલને અંજલિ આપી. સ્વ. રજનીકુમાર પંડયાને પણ બહુ સ્નેહથી યાદ કર્યા. એ ઉપરાંત સ્વ. જયંતભાઈ મેઘાણીને પણ સંભાર્યા, જેઓ આ અનુવાદકાર્ય કેટલે પહોંચ્યું એની તત્પર પૃચ્છા કર્યા કરતા. આઠ વર્ષે આ અઘરું કામ પૂર્ણ થયું હોઈ જયંતભાઈ આ વિમોચન ન જોઈ શક્યા; પણ સુઘડ છપાઈ, કાળજીભરી વિષયસૂચિ, અનુવાદની ચોકસાઈ વગેરે જોઈને તેઓ કેવા રાજી થયા હોત એ કલ્પી શકાય એમ છે.
એ પછી આદરણીય મુરબ્બી પ્રકાશભાઈનું વક્તવ્ય. અપેક્ષા મુજબ જ એમાં ઊંડાણની સાથે એમની પ્રસિદ્ધ ‘વિટ’ના ચમકારા હોય જ. આ સમારંભમાં જલસો પડે એક વાત એ પણ હતી કે તમામ વક્તાઓના વ્યાખ્યાનમાં ગાંભીર્યની સાથોસાથ સૌમ્ય હાસ્ય પણ સતત વણાયેલું રહ્યું.
રામચંદ્ર ગુહાએ આવો magnum opus કઈ રીતે લખ્યો, એનું સંશોધન કઈ રીતે કર્યું એ વિશે અતિ દીર્ઘતા વગર પણ સરસ રીતે વાત કરી. એમણે પોતે જ કહ્યું કે મારા આ ગ્રંથમાં સામાજિક, રાજનૈતિક વગેરે ક્ષેત્રો આવરી લેવાયા છે, પણ મને લાગે છે કે આર્થિક ક્ષેત્રને હું પૂરો ન્યાય આપી શક્યો નથી. આ કક્ષાના વિદ્વાનને તદ્દન સ્વાભાવિક રીતે મંચ પરથી આવું કહેતા જોવા એ સામાન્ય વાત તો નથી જ. એમણે એ પણ કહ્યું કે આ ગ્રંથ લખવાની તક મારી પાસે બહુ યોગ્ય સમયે ઉપસ્થિત થઈ – મારે ચાલીસીની શરૂઆતમાં – જ્યારે મારી પાસે આ કામને ન્યાય આપી શકાય કરી શકાય એટલાં અનુભવ અને ઉર્જા હતાં; પણ સાથે જ મારા વિચારો કે અભિપ્રાયોમાં અવસ્થાજડતા આવી નહોતી. ગુહા સાહેબના વક્તવ્ય વિશે બહુ વિગતમાં અહીં નથી ઉતરતી; પણ એનો વીડિયો ઓનલાઈન મૂકાય એવી આશા વ્યક્ત કરું છું.
બીજા દિવસે સવારે નવજીવન ખાતે કેટલાક મિત્રોને ‘રામભાઈ’ (ઉર્વીશભાઈનું સંબોધન) સાથે અનૌપચારિક ગોષ્ઠી માટે નિમંત્રણ હતું. એ ગોષ્ઠી એટલે સવાયો જલસો! એમાં વેરિયર એલ્વિન (જેમને રામચંદ્ર ગુહા પોતાના જીવનને વળાંક દેવાનું શ્રેય આપે છે), જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, ચંડીપ્રસાદ ભટ્ટ, અનુપમ મિશ્રા, વિનોબા ભાવે જેવી વિભૂતિઓથી માંડીને સાંપ્રત રાજકારણના પ્રવાહો સુધી વિવિધ વિષયો પર વાતો થઈ. ગાંધી તો અલબત્ત હોય જ. ગુહા સાહેબે એક માર્મિક વિધાન પણ કર્યું : ઈતિહાસકાર જ્યોતિષી કે રાજ્યપુરોહિત ન હોઈ શકે. આ મહાગ્રંથ લખવાની પ્રક્રિયા વિશે પણ એમણે વધુ વિગતે વાત કરી. ‘જ્ઞાનગુમાનની ગાંસડી’ના જરા ય ભાર વિનાની એમની ‘ડાઉન ટૂ અર્થ’ પ્રેઝન્સ યાદ રહેશે.
બે દિવસના આ નાનકડા જ્ઞાનસત્ર પછી હવે આ ગ્રંથમાંથી પસાર થવા આતુર છું.
(મેં કોઈ તસવીરો ન લીધી હોઈ આ તસવીર ઉર્વીશભાઈની દીવાલેથી ચોરી છે.)
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર