
વાલજીભાઈ પટેલ
શું કોઈ સરકારી IAS અધિકારી સરકારના પરિપત્રને બદલવા સરકારને ફરજ પાડી શકે ખરા? પણ પ્રવીણ ગઢવીએ એ કામ કર્યું. જેનો હું સાક્ષી છું.
અમરેલીમાં પ્રવીણ ગઢવી કલેકટર હતા અને હું અમરેલીમાં જમીન આંદોલન ચલાવતો હતો ત્યારે અમે આ કામ પાર પાડેલું. અને દલિતોને ફાળવેલ 3,000 એકર જમીનો બચી ગઈ.
અમે આનંદિત થયેલા, પણ પ્રવીણભાઈ મારો સ્વભાવ જાણે એટલે એમણે મને આ પ્રસંગ જાહેરમાં ન કહેવાની સૂચના આપેલી. હું ચૂપ રહ્યો. કારણ કે, મારે તેમની નોકરીની મર્યાદા પણ જોવાની હતી.
આજે પ્રવીણ ગઢવી આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે આવા સવાયા દલિતનો ઉપકાર હું ભૂલી જાઉં તો નગુણો ગણાઉં. એટલે વિગતે વાત કરીશ.
ખેત જમીન ટોચ મર્યાદા કાયદા-૧૯૬૦ની કલમ-29 હેઠળ દલિતોને ફાળવેલ જમીનો નવા કરારની જમીન ગણાય. અને આવી નવા કરારની જમીનો આ કાયદાની કલમ-30ની જોગવાઈ અન્વયે જિલ્લા કલેકટરની મંજૂરી વગર વેચી શકાય નહિ. આમ આ જોગવાઈ બિન દલિતો માટે આડખીલીરૂપ હતી.
ગુજરાતમાં તે વખતે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. મોદી સરકારે આ અવરોધ દૂર કરવા નવા કરારની જમીનો ૧૫ વર્ષ પછી જૂના કરારમાં ફેરવી શકાય અને એવી જમીનો વેચી પણ શકાય તેવો હુકમ કર્યો. એટલું જ નહીં, કાયદાની જોગવાઈ અન્વયે આવી જમીનો વેચવાની મંજૂરી આપવાના અધિકાર માત્ર કલેકટર પાસે જ હતા. તેના બદલે સરકારે એવા અધિકાર મામલતદારોને પણ આપ્યા.

પ્રવીણભાઈ ગઢવી
પરિણામે દલિતોના નામે મંડળીઓ બનાવી કબજો કરી બેઠેલા રાજકીય દલિત નેતાઓ આ કરોડો રૂપિયાની સેંકડો એકર જમીનોના માલિક બની ગયા. અને માત્ર કાગળો ઉપર સભ્યો કરી બનાવેલી મંડળીઓનાં રાજકીય દલિત નેતાઓએ મામલતદારો પાસેથી આ જમીનો વેચવાની મંજૂરીઓ મેળવી સવર્ણોને 3,000 એકર જમીનોના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા.
રોકડિયો લાભ મેળવવા આ દલિત આગેવાનોએ પાંચ લાખમાં વેચેલી જમીનોમાં ત્રણ લાખ રોકડા લઇ દસ્તાવેજ તો માત્ર બે લાખમાં કર્યા. ત્રણ હજાર એકર જમીન ધરાવતી અમરેલીની સૌથી મોટી ખેત મંડળીનાં માલિક કાઁગ્રેસની હરિજન વિકાસ પરિષદના ગોવા કાળા મારુ અને તત્કાલીન નિવૃત્ત ડેપ્યુટી કલેકટર ડી.કે. મારુએ 70 લાખ રૂપિયાના દસ્તાવેજો કરેલા.
અમે કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટીસે અમરેલી રજીસ્ટારની કચેરીમાં નાણાં ભરી બધા વેચાણ દસ્તાવેજોની નકલો મેળવી. અને અમરેલી કલેક્ટરની કોર્ટમાં શરતભંગનાં મેં કેસ દાખલ કર્યા. જેમાં કાયદાની કલમ-30 હેઠળ કલેકટરની મંજૂરી વગર થયેલ દસ્તાવેજો તેમ જ બિનઅધિકૃત અધિકારી મામલતદારની મંજૂરી મેળવી થયેલ વેચાણ દસ્તાવેજો કાયદા વિરોધી હોઈ આવા દસ્તાવેજો રદ્દ કરવા લેખિત ફરિયાદ કરી.
મારી ફરિયાદ કલેકટર પ્રવીણ ગઢવીની કોર્ટમાં સુનાવણીમાં આવી. તેમણે મારી ફરિયાદ વાંચી મને કહ્યું, “વાલજીભાઈ, મને બે દિવસ વિચારવા આપો.”
બે દિવસ પછી હું તેમની ઓફીસમાં મળવા ગયો. અને તેમણે મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પાસેથી માર્ગદર્શન મેળવવા પત્ર લખેલો એ પત્ર મને વાંચવા આપ્યો. પ્રવીણભાઈએ મારી ફરિયાદના સંદર્ભે અગ્ર સચિવ મહેસૂલને લખેલ પત્રમાં સ્પષ્ટ જણાવેલ કે, કાયદાની કલમ-30ની જોગવાઈ હેઠળ નવા કરારની જમીન કલેકટરની મંજૂરી વગર વેચી શકાય નહિ તેવી જોગવાઈ છે. તેમ જ સરકારના પરિપત્ર મુજબ આવી જમીન વેચવા મામલતદાર પણ મંજૂરી આપી શકે તેવો હુકમ પણ થયેલ છે. જેથી મારી સમક્ષ આવેલ આ ફરિયાદમાં નિર્ણય લેવા મને માર્ગદર્શન આપશો. બસ, આ પત્રે મહેસૂલ ખાતામાં હલચલ મચાવી દીધી.
મામલતદારને સરકારે આપેલ અધિકાર કાયદા વિરુદ્ધનો હતો. એટલે સરકારે તાત્કાલિક મામલતદારને અધિકાર આપતા પરિપત્રને રદ્દ કરવાનો અને કલમ-30 હેઠળ માત્ર કલેકટરને જ અધિકારો આપતી જોગવાઈનો જ અમલ કરવો તેવો હુકમ થયો.
આમ કાયદાની દૃષ્ટિએ મામલતદારની મંજૂરીથી થયેલ મંડળીના દસ્તાવેજો આપોઆપ ગેરકાયદેસર બની ગયા. ત્યારબાદ પ્રવીણ ગઢવીની તો અમરેલીથી બદલી થયેલી અને ઝાલાવાડિયા નવા કલેકટર આવ્યા. એટલે નવા કલેકટર ઝાલાવાડિયાની કોર્ટમાં દોઢ વર્ષ સુધી મારા બધા જ કેસ ચાલ્યા અને આખરે કલેકટર અમરેલીએ કાયદાની કલમ-30 હેઠળ આ મંડળીઓએ કરેલ બધા જ વેચાણ દસ્તાવેજ ગેર કાયદેસર ઠેરવી રદ્દ કરવાનો હુકમ કર્યો.
આમ જો દિવંગત પ્રવીણ ગઢવીએ માર્ગદર્શન મેળવવાના બહાને મારી ફરિયાદ લઇ અગ્ર સચિવને પત્ર લખ્યો ન હોત તો આ પરિણામ ન આવત. સરકારની નજરમાં આવું જોખમ લઈને પણ સરકારને પરિપત્ર રદ્દ કરવાની ફરજ પડે તેવી દિવંગત પ્રવીણ ગઢવીની હિંમત અને કુનેહમાં મને તેમની દલિતો પ્રત્યેની કટીબધ્ધતાનાં દર્શન થયા.
કદાચ આ જગ્યાએ કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું કામ કરનાર પ્રવીણભાઈ, તમારો દલિત સમાજ પર મોટો ઉપકાર છે. મને માફ કરશો, મારી પાસે આપને શ્રદ્ધાંજલિ આપવા માટે માત્ર ઠાલા શબ્દો સિવાય બીજું કંઇ જ નથી. તમારી યાદ મારી મોંઘી મૂડી છે. કદીએ નહિ ભૂલાય પ્રવીણભાઈ !
[વાલજીભાઈ પટેલ, એક્ટિવિસ્ટ, કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ, 20 મે 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર