શૈલજા પાઈક પુણેના યરવડાનાં વતની છે. યરવડાની ઝૂંપડપટ્ટીમાં નાનકડા ઘરમાં ત્રણ બહેનો સાથે તેમનો ઉછેર થયો હતો. શૈલજા, પ્રતિષ્ઠિત મૅકઆર્થર ફૅલોશિપ મેળવનાર પ્રથમ દલિત મહિલા બન્યાં છે. આ ફૅલોશિપ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે તબક્કા વાર આઠ લાખ ડૉલર (અંદાજે 6.71 કરોડ રૂપિયા) આપવામાં આવે છે.
જૉન ડી. અને કેથરિન ટી. મૅકઆર્થર ફાઉન્ડેશન તરફથી મૅકઆર્થર ફૅલોશિપ પ્રોગ્રામ માટે ‘જીનિયસ ગ્રાન્ટ’ ફૅલોશિપ દર વર્ષે વિવિધ ક્ષેત્રોના સર્જનાત્મક વિદ્વાનોને આપવામાં આવે છે. આ વર્ષે ઇતિહાસના વિદ્વાન તરીકે શૈલજા પાઈકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફૅલોશિપ દર વર્ષે 22 લોકોને આપવામાં આવે છે. મૅકઆર્થર ફૅલોશિપનો મૂળભૂત માપદંડ ‘ક્રીએટિવિટી’ છે. આ ફૅલોશિપનો હેતુ નવા વિચારો સાથે ઊભરતા સંશોધકોને પ્રોત્સાહન આપવાનો અને તેમના કામનું સમર્થન કરવાનો છે. આ ફૅલોશિપ પાછળનો મૂળ વિચાર એવા લોકોને પ્રકાશમાં લાવવાનો છે, જેઓ જોખમ લે છે અને સમાજની જટિલ સમસ્યાઓનો સામનો કરે છે, જેઓ બધા કરતાં અલગ વિચારે છે અને સુંદર, સર્જનાત્મક તેમ જ પ્રેરણાદાયી સર્જન કરે છે. ફૅલોશિપ મેળવનારા લોકો ભવિષ્યમાં સારું કામ કરશે એવી અપેક્ષા સાથે તેમની ક્ષમતામાં વિશ્વાસ દાખવનારી આ ફૅલોશિપ છે તે વધારે મહત્ત્વની વાત છે. આ ફૅલોશિપ માટે કોઈ અરજી કરવાની હોતી નથી કે કોઈ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ નથી. આ ફૅલોશિપ માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા વિદ્વાન અને આશાસ્પદ ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવે છે.
શૈલજા કહે છે : “આ ફૅલોશિપ મેળવીને હું ખૂબ જ ખુશ છું. મને લાગે છે કે હું વાદળો પર ચાલી રહી છું. હું કચરા અને ગંદકીથી ઘેરાયેલા વિસ્તારમાં ઉછરી છું. ત્યાં ભૂંડ રખડતાં હતાં. અમારી પાસે નિયમિત પાણીની સુવિધા ન હતી કે શૌચાલય પણ ન હતું. જાહેર શૌચાલયોની સ્મૃતિ તો આજે પણ શૂળ બનીને પીડે છે. રસોઈ અથવા સફાઈ જેવાં નિયમિત કામો માટેનું પાણી વસાહતમાંના એકમાત્ર જાહેર નળમાંથી લાવવું પડતું હતું. પાણી મેળવવા માટે લાંબી કતારમાં ઊભા રહેવું પડતું હતું. તેની સામાજિક, શૈક્ષણિક, ભાવનાત્મક અને માનસિક એમ તમામ સ્તરે ઊંડી અસર પડે છે. અમારી પાસે પૂરતી સુવિધા અને સવલત ન હતી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શિક્ષણ કેટલું મહત્ત્વનું છે તે મારાં માતા-પિતા સમજ્યાં અને એ માટે મને પ્રોત્સાહિત કરી. તેથી જ હું મારી જાતને અભ્યાસ માટે સમર્પિત કરી શકી. હું સાંજના સમયે મારી જાતને ગોદડીમાં લપેટી અને ઘરના લોકોને શાંત સ્વરમાં વાત કરવાનું કહીને અભ્યાસ માટે શક્ય તેટલું અનુકૂળ વાતાવરણ બનાવતી હતી. હકીકતમાં એવા વાતાવરણમાં અભ્યાસ કરવો પડકારજનક હતું. હું સાંજે સાડા સાત વાગ્યે ઊંઘી જતી હતી અને મધરાતે બે-ત્રણ વાગ્યે જાગી જતી હતી. ત્યારથી સવારના છ-સાત વાગ્યા સુધી હું અભ્યાસ કરતી હતી અને પછી સ્કૂલે જતી હતી.”
“એક દલિત હોવાને કારણે ભેદભાવના અનેક કિસ્સાનો સામનો કરવો પડે છે. મેં પણ આવી ઘટનાઓનો અનુભવ કર્યો છે. દાખલા તરીકે, મને ફોર્ડ ફાઉન્ડેશન ફૅલોશિપ મળી ત્યારે મારી આસપાસના કેટલાક લોકોને વિશ્વાસ ન હતો. તેઓ મને વારંવાર પૂછતા હતા કે તને આ ફૅલોશિપ કેવી રીતે મળી? મને મારા કામ માટે ફૅલોશિપ મળી હતી, પરંતુ એક દલિત મહિલાને ફૅલોશિપ મળવાથી તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત હતા.”
“ભારતમાં કુલ વસ્તીના 17 ટકા લોકો દલિતો છે. મેં નોંધ્યું છે કે દલિત મહિલાઓની શિક્ષણ પર વધુ કામ થયું નથી. આંકડા છે, પરંતુ ચોક્કસ પરિસ્થિતિ વિશે કોઈ ગુણાત્મક સંશોધન થયું નથી. કોઈએ આ દલિત મહિલાઓનો ઇતિહાસ લખ્યો નથી. એટલે મેં નક્કી કર્યું હતું કે આ કામ હું કરીશ. ઐતિહાસિક રીતે આટલી મોટી વસ્તીને કોઈ પણ પ્રકારનું શિક્ષણ, સાર્વજનિક વ્યવસ્થા, સાર્વજનિક જળાશયો કે કૂવા ઉપલબ્ધ ન હતાં. પરવડે એમ હોય તો પણ ચપ્પલ અથવા નવાં કપડાં પહેરવાની છૂટ ન હતી. તેમાં પણ દલિત મહિલાઓ નિઃશંકપણે સૌથી વધુ વંચિત છે. જેન્ડર અને રાજકારણના દૃષ્ટિકોણથી વિચાર કરીએ તો દલિત મહિલાની સ્થિતિ દલિતોમાં પણ દલિત જેવી છે. હું આ જ સમાજમાંથી આવી છું. તેથી છેલ્લાં 25 વર્ષથી તે મારા અભ્યાસ, સંશોધન અને લેખનનો વિષય છે.”
શૈલજા પાઈકે દલિત મહિલાઓના યોગદાન અને તેમની આત્મચેતના જાગૃતિનો ઇતિહાસ લખ્યો છે. તેમણે બે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ‘Dalit Women’s Education in Modern India : Double Discrimination’ (2014) પુસ્તકમાં તેમણે મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં દલિત મહિલાઓના શિક્ષણ માટેના સંઘર્ષને બ્રિટિશકાલીન પરિસ્થિતિ સાથે સરખાવ્યો છે. તેમના બીજા પુસ્તકનું નામ ‘The Vulgarity of Caste : Dalits, Sexuality, and Humanity in Modern India’ છે. શૈલજાએ ઇતિહાસમાં એમ.એ. સુધીનો અભ્યાસ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં 1994-1996 દરમિયાન કર્યો હતો. તેમને એમ.ફીલ. માટે બ્રિટન જવા ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ તરફથી 2000માં ફૅલોશિપ મળી હતી. તેમણે બ્રિટનની યુનિવર્સિટી ઓફ વૉરિકમાંથી 2007માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 2010થી અમેરિકાની યુનિવર્સિટી ઑફ સિનસિનાટી સાથે જોડાયેલાં છે. ત્યાં તેઓ વીમેન, જેન્ડર ઍન્ડ સેક્યુઆલિટી સ્ટડીઝ ઍન્ડ એશિયન સ્ટડીઝનાં રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્યરત છે. ટૂંકમાં, શિક્ષણ જ ગરીબી / શોષણ / અજ્ઞાનમાંથી મુક્તિ અપાવી શકે !
[સૌજન્ય : વિનાયક હોગાડે, બીબીસી સંવાદદાતા, 4 ઑક્ટોબર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર