સભ્ય સમાજે જેનું શોષણ કરવામાં બાકી નથી રાખ્યું; વાપરી, ચૂસી, ફેંકી દીધું છે, છતાં જે હાર્યું નથી એ અદ્દભુત, ઉમદા, પીડિત મનુષ્યત્વ જ મારા લેખનનો અખૂટ સ્રોત છે : મહાશ્વેતાદેવી
‘મારાં જીવન અને સાહિત્યમાં માનવ હોવું એટલે એકબીજાના હક્કો-અધિકારોનો ગૌરવ અને આદરપૂર્વક સ્વીકાર કરવો. આ મારી લડાઈ છે, આ મારું સ્વપ્ન છે … મારે મરવું નથી. હું જીવવા માગું છું. હજી ઘણું કરવાનું બાકી છે, ઘણું લખવાનું બાકી છે. પણ જો હું મરી જાઉં તો મને બાળશો નહીં, માટીમાં દાટી દેજો અને મારી કબર પર મહુઆનું ઝાડ રોપજો.’ આજથી આઠ વર્ષ પહેલાંની 28 જુલાઈએ આપણા સૌનાં શ્રદ્ધેય મહાશ્વેતાદેવી આ નશ્વર જગત છોડી શાશ્વત પંથનાં યાત્રી બન્યાં હતાં. જેમનાં જીવન અને કાર્યનું સ્મરણ પણ એક ઓજસ્વી પ્રેરણાથી ભરી દેનારું છે એ મહાશ્વેતાદેવીની પ્રસિદ્ધ ઉક્તિ ઘણાને યાદ હશે, ‘સ્વપ્નો જોવાં એ માનવીનો પહેલો મૂળભૂત અધિકાર હોવો જોઈએ.’
એ દિવસે શોક વ્યક્ત કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા હતા. એક ગમ્મત પણ થઈ હતી – સુષમા સ્વરાજે શ્રદ્ધાંજલિ આપતાં ‘પ્રથમ પ્રતિશ્રુતિ’ અને ‘બકુલકથા’ એ બે કૃતિઓનો ઉલ્લેખ કર્યો; જે મહાશ્વેતાદેવીની નહીં, આશાપૂર્ણાદેવીની છે. ગુસ્સે થયેલા એક યુઝરે ટ્વિટ કર્યું, ‘ઇગ્નોરન્સ ઈઝ નોટ ઑલ્વેઝ બ્લેસિંગ’.
બંગાળી સાહિત્યના સર્જકો-વાચકોની બેથી વધુ પેઢીઓ પાંચ દાયકાઓથી અવિરત ચાલેલી મહાશ્વેતાદેવીની કલમથી અત્યંત પ્રભાવિત રહી છે. મહાશ્વેતાદેવીનાં પુસ્તકોના ભારતની ઘણી ભાષાઓમાં અને અંગ્રેજીમાં અનુવાદ થયા છે અને દુનિયાભરમાં વંચાય છે. ગુજરાતી વાચકો પણ એમની કૃતિઓથી પરિચિત છે. પણ મહાશ્વેતાદેવી ફક્ત લેખિકા કદી ન હતાં. તેમનો બીજો એક ચહેરો રાજકીય-સામાજિક કર્મશીલનો છે. હાંસિયામાં ધકેલાઇ ગયેલા આદિવાસીઓ, જનજાતિઓ, સ્ત્રીઓ, દલિતો, મજૂરો, વેશ્યાઓ અને ફના થવા નીકળેલા યુવાન આદર્શવાદીઓના અધિકારો માટે તેમણે વર્ષો સુધી સરકાર સામે બાથ ભીડી. લાંબી કાનૂની લડાઇઓ લડતાં કદી ન થાક્યાં. ‘બોર્તિકા’ નામનું સામયિક તેઓ ચલાવતાં જેમાં વંચિતો-શોષિતોની વ્યથા તેમના જ શબ્દોમાં મુકાતી. લેખન અને વંચિતોનું સશક્તીકરણ આ બંને ક્ષેત્રે તેમણે એવાં ઉચ્ચ શિખરો સર કર્યાં કે તેમણે સાહિત્ય માટેનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ ઍવોર્ડ મળ્યો અને સેવકાર્યો માટેનો શ્રેષ્ઠ મેગ્સેસે ઍવોર્ડ પણ મળ્યો. આ બંને સન્માન એક જ વ્યક્તિને મળે એવું ભાગ્યે જ બને. પણ એ બનેલું. ઉપરાંત પદ્મવિભૂષણ, સાહિત્ય અકાદમી ઍવોર્ડ અને અન્ય પ્રતિષ્ઠિત સન્માનો. મહાશ્વેતાદેવી આ વિરાટ સન્માનોમાં પુરાણ ન સામે એટલાં વિરાટ હતાં.
ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનનો એક સમયે ભારે દબદબો હતો. બંગળનાં ખૂબ જાણીતાં લેખિકા મૈત્રેયીદેવી ટાગોરનાં શિષ્યા હતાં. નૉબેલપ્રાઇઝ વિજેતા અમર્ત્ય સેનના પિતા ક્ષિતિકુમાર સેન શાંતિનિકેતનમાં ભણ્યા હતા. અમર્ત્ય સેન પણ ત્યાં રહ્યા હતા. બલરાજ સહાની લાહોર યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યા બાદ શાંતિનિકેતનમાં ભણાવતા હતા. જેના સ્પર્શે વ્યક્તિત્વ પર જાદુઇ છડી ફરી જતી એ શાંતિનિકેતનમાં મહાશ્વેતાદેવી સ્નાતક થયેલાં. મહાશ્વેતાદેવી જાણીતા કવિ-નવલકથાકાર મનીષ ઘટક અને સમજસેવિકા-લેખિકા ધરિત્રીદેવીનાં પુત્રી, પ્રશિષ્ટ ફિલ્મસર્જક ઋત્વિક ઘટકનાં ભત્રીજી, ડાબેરી નાટ્યકાર અને ‘ઈપટા’ સ્થાપક સભ્યોમાંના એક બિજોન ભટ્ટાચાર્યનાં પત્ની અને અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા. લખવું તેમને માટે સહજસ્વાભાવિક હતું. અઘરું તો હતું શોષણયુક્ત વ્યવસ્થાના મૂળમાં જવાનું. એ પ્રક્રિયાએ અખૂટ લેખનસામગ્રી તો પૂરી પાડી પણ સાથે એમના ચિત્તને ખળભળાવી પણ મૂક્યું. મુખ્ય પ્રવાહમાંથી હડસેલાઈ ગયેલા લોકો જેઓ સંગઠિત નથી, સશક્ત નથી, સજ્જ નથી, શોષણની લુચ્ચી શૃંખલાને સમજતા નથી તેમનો અવાજ બનીને સમાજની સૂતેલી ચેતનાને ઢંઢોળીને જગાડવાનું કામ સહેલું ન હતું, પણ કલમની તાકાતથી તેમણે સામૂહિક ચૈતન્યને ઢંઢોળ્યું જ નહીં, ઝંઝેડી નાખ્યું.
‘હું હંમેશાં માનું છું કે સાચો ઇતિહાસ સામાન્ય લોકો રચે છે. આ ઇતિહાસ લોકગીતો, લોકકથાઓ, લોકનૃત્યોના માધ્યમથી પેઢી-દર-પેઢી ઊતરી આવે છે. સભ્ય સમાજે આ વારસો સાચવનારાઓનું શોષણ કરવામાં બાકી નથી રાખ્યું; તેમને વાપરી ચૂસી ફેંકી દીધા છે – છતાં તેઓ હાર્યા નથી. આ અદ્દભુત, ઉમદા, પીડિત મનુષ્યત્વ જ મારા લેખનનો અખૂટ સ્રોત છે.’ 2006માં ફ્રેન્કફર્ટ બુક ફેરનું ઉદ્દઘાટન કરતાં, રાજકપૂરના ગીતને ટાંકીને તેમણે કહેલું, ‘આ યુગ જાપાની જૂતાં, ઇંગ્લિસ્તાની પાટલૂન અને રૂસી ટોપીનો છે, પણ દિલ – દિલ હંમેશાં હિન્દુસ્તાની રહ્યું છે. મારો પ્રિય દેશ – ફાટ્યોતૂટ્યો, જીર્ણ, ગર્વિષ્ઠ, સુંદર, ગરમ, ભેજવાળો, ઠંડો, રેતાળ, સૂર્યપ્રકાશિત …’
મધ્યમવર્ગની, બધું દબાવી દેવામાં માનનારી પાખંડી નૈતિકતાના તેઓ ભારે વિરોધી હતાં અને સૌંદર્ય, પ્રેમ, રવીન્દ્રસંગીતનાં પ્રેમી. જેટલાં પ્રતિબદ્ધ તેટલાં જ સર્જનાત્મક. ભરપૂર રમૂજવૃત્તિ અને અનંત વિસ્મયથી ભરેલી મજાની બાળવાર્તાઓ પણ તેમણે લખી છે. તેમની કૃતિઓ પરથી ‘સંઘર્ષ’, ‘રુદાલી’, ‘હજાર ચૌરાસી કી માં’, ‘માતી માય’, ‘ગંગોર’ જેવી વિશિષ્ટ કલાપૂર્ણ ફિલ્મો બની છે. તેમની લડત વર્ગ, જ્ઞાતિ, ધર્મ, લિંગના ભેદભાવની દીવાલોથી મુક્ત વધુ માનવીય સમાજના નિર્માણ માટે પણ ખરી. એટલે આર્જેન્ટિનામાં એક સ્ત્રી જાહેરમાં બાળકને સ્તનપાન કરાવી વિરોધનું પ્રદર્શન કરતી હોય ત્યારે આપણને મહાશ્વેતાદેવીની ‘ગંગોર’ વાર્તા યાદ આવે જેમાં એક આદિવાસી સ્ત્રી બાળકને સ્તનપાન કરવી રહી હતી તેની કોઈએ લીધેલી ને જાહેર કરેલી તસવીર જોઈને પોલીસ એ સ્ત્રીને અમાનુષી ત્રાસ આપે છે. ઓરિસ્સાના ડોંગિરા કોંડ જાતિની એક મલ્ટિનેશનલ કંપની સામેની ઐતિહાસિક જીત જોઈને તેમની ‘શિશુ’ વાર્તા યાદ આવે જેમાં ખાણો ખોદવા માટે જંગલમાંથી હાંકી કઢાયેલા આદિવાસીઓની મજબૂરી ગુનાખોરીના રસ્તે જાય છે. બળવાખોર પ્રદેશોમાં લશ્કરને અપાયેલ વિશેષધિકારનો દુરુપયોગનો વિવાદ ચાલતો હોય ત્યારે તેમની ‘દ્રૌપદી’ વાર્તા યાદ આવે, જેમાં આદિવાસી યુવતી દોપડી પીવાના પાણી માટે જમીનદારની સામે થવાના ગુના બદલ ભયાનક ત્રાસ અને સામૂહિક બળાત્કારનો ભોગ બન્યા પછી લોહીનીતરતા શરીરે સેનાનાયક સામે વિરોધની ગર્જના કરે છે. ‘માતી માય’માં મૃત શિશુઓને દાટવાનું કામ કરતી દલિત યુવતીની વાત છે. કોલકાતાની શેરીઓને ધમરોળતા અને સમાજને બદલવાની ધગશવાળા યુવાનોનો ભોગ લેતા નક્સલવાદના સમાચાર વાંચીને જેનો યુવાન દીકરો નક્સલવાદી બની પોલીસના હાથે મરાઈ મૃતદેહનો એક આંકડો બની ગયો છે એ ‘હજાર ચૌરાસી કી માં’ની સુજાતા નજર સામે આવે અને સ્વાર્થ અને લાલસામાં આંધળાભીત બનેલા માનવીઓને જોઈ ‘સ્તન્યદાયિની’ યશોદા યાદ આવી જાય. મહાશ્વેતાદેવી ક્યાં ય ગયાં નથી, તેઓ આપણી વચ્ચે જ છે. મહુઆનું ઝાડ નહીં હોય તો પણ. ભૂમિના કણકણ સાથે, માટીના શ્વાસનિ:શ્વાસ સાથે તેઓ ભળી ગયાં છે.
મહાશ્વેતાદેવી તેમની આગવી રીતે નારીવાદી હતાં. સ્ત્રીને સ્ત્રી હોવાને કારણે એક વધારાનું શોષણ સહન કરવું પડે છે તેનાથી સભાન હતા. ‘રુદાલી’ અને ‘હજાર ચૌરાસી કી માં’માં પત્ની અને માતા તરીકેની વિવશતાનું આલેખન છે તો ‘દ્રૌપદી’ અને ‘બ્રેસ્ટ સ્ટોરીઝ’માં સ્ત્રીશરીર હોવાને લીધે જ થતા શોષણની વાત છે. આ પાત્રો તેમણે વાસ્તવિક જીવનમાંથી જ મળ્યાં છે. એટલે જ એમની નારીલક્ષી રચનાઓ અભ્યાસનો વિષય બની શકે તેવી સબળ અને નક્કર છે.
મહાશ્વેતાદેવી નેવું વર્ષનું ભરપૂર સર્જનાત્મક અને પ્રેરણાદાયક જીવન જીવ્યાં. 1926માં તેમનો જન્મ. 1956માં પહેલું પુસ્તક ‘ઝાંસીર રાની’ પ્રગટ થયું. 1959માં તેમણે પતિ સાથેના સંબંધનો અંત આણ્યો. 100 નવલકથાઓ અને 20 વાર્તાસંગ્રહો આપનાર મહાશ્વેતાદેવી આદિવાસીઓ સાથે સર્જક તરીકે અને કર્મશીલ તરીકે બેવડો અનુબંધ ધરાવતા હતા અને અનેક સંસ્થાઓ સાથે સતત સક્રિયપણે જોડાયેલાં હતાં. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના આદિવાસીઓનાં મા ગણાતાં. તેઓ વંચિતો વિષે લખનારાં લેખકોમાં પોતાની પારદર્શક અને આઘાતજનક પ્રામાણિકતા અને ઉગ્ર ભાષાથી જુદાં પડે છે. તેમનાં પાત્રો શોષણનો ભોગ બને છે, પણ દયામણાં નથી – બહાદુર અને ધ્યાન ખેંચનારાં છે. બેધડક, કઠણ, સંક્ષિપ્ત શૈલી અને જ્વલંત કાર્યો વડે તેમણે એક એવો ચીલો પાડ્યો છે કે આવનારી પેઢીઓ માટે તેમણે ભૂલવાનું સરળ નહીં હોય.
અરે, પણ ભૂલવું શા માટે જોઈએ?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જુલાઈ 2024