સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિસ્થાપન એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે
‘મુઝસે મિલને કે લિયે, કિસી કો ખટખટાના નહીં હોગા દરવાજા, કેવલ ફટેહાલ સરકારી તંબૂ કા પર્દા સરકાના હોગા’ — વિસ્થાપિત કાશ્મીરી પંડિત અને કવિ મહારાજ કૃષ્ણ ભરતની આ પંક્તિમાં છુપાયેલા દર્દની આપણે તો પૂરી કલ્પના પણ ન કરી શકીએ. જિંદગીમાં એક વસ્તુ ખોવાઈ જાય કે એક વ્યક્તિ સાથેનો નાતો તૂટી જાય, એનું દુ:ખ પણ આપણાથી જીરવાતું નથી હોતું ત્યારે પોતાના જીવનનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી વ્યક્તિનું દર્દ કેટલું વસમું હશે, એ તો જેના પર વીતી હોય એ જ જાણે! 21મી સદીમાં દુનિયા જે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, એમાંની એક સૌથી મોટી સમસ્યા વિસ્થાપનની છે. દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે, એમ એમ વિસ્થાપનની સમસ્યા વકરતી જાય છે.
શરણાર્થી બનવા જેવી મોટી લાચારી બીજી કોઈ હોઈ ન શકે. પોતાનું ઘર છૂટી જાય, પોતાનું ગામ છૂટી જાય, પોતાનાં સગાંસંબંધીઓનો સાથ છૂટી જાય, નસીબ ફૂટેલાં હોય તો પરિવારજનો પણ છૂટી જાય, પોતાની જમીન-જાયદાદ છૂટી જાય, નોકરી-ધંધો છૂટી જાય … શું શું નથી છૂટી જતું એક શરણાર્થીના જીવનમાંથી? ટૂંકમાં, જીવનમાં જે કંઈ પોતાનું ગણીને પ્રેમથી જીવન જીવી રહ્યા હોઈએ, એ સઘળું એક ઝાટકે છૂટી જાય ત્યારે બચેલું જીવન વરદાન છે કે શાપ, એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. આજે વિશ્વ શરણાર્થી દિવસ (20 જૂન, વર્લ્ડ રેફ્યુજી ડે) છે ત્યારે શરણાર્થીઓની સિતમયાત્રાને જાણવી અને સંવેદવી જરૂરી છે.
વર્તમાન વિશ્વમાં વ્યક્તિને શરણાર્થી બનાવતાં મુખ્ય ચાર કારણો પર નજર નાખીએ તો સૌથી પહેલાં આવે છે, યુદ્ધ. બે દેશોની સરહદ પર તણખા ઝરે ત્યારે ઘર-ગામ છોડવા પડતાં હોય છે. બીજું કારણ છે, આતંકવાદ. અમુક ક્ષેત્રોમાં જ્યારે કટ્ટરવાદીઓનું વર્ચસ્વ વધી જાય ત્યારે સામાન્ય લોકો ગામ-દેશ છોડવા મજબૂર બનતા હોય છે. ત્રીજું કારણ છે કોમી-વંશીય રમખાણો. રોહિંગ્યા મુસ્લિમોએ હાલમાં મ્યાનમાર છોડવા મજબૂર બનવું પડ્યું છે, તે આ કારણનું જલદ ઉદાહરણ છે. ચોથું અને સામાન્ય લોકોને ધ્યાનમાં ન આવતું કારણ છે, આર્થિક પરિયોજનાઓ. વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટને કારણે હજારો લોકોએ વિસ્થાપિત થવું પડે છે. વિકાસ કરવો હોય તો ભોગ તો આપવો પડે, એ બોલવું સહેલું છે, પરંતુ મૂળ સાથે ઊખડવાની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણતું હોય છે. વિસ્થાપન માટેનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ જોવા મળી છે કે ગરીબ, વંચિત, પછાત, હાંસિયામાં ધકેલાયેલા અને આદિવાસી સમૂહોએ જ વિસ્થાપનની વસમી પીડા વધારે ભોગવવી પડતી હોય છે, કારણ કે તેઓ પોતાનો અવાજ રજૂ કરવા માટે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સક્ષમ હોતા નથી. આથી તેમણે વસવાટ માટે અન્ય પ્રદેશ અપનાવવો પડે છે અને નવા પ્રકારની આજીવિકા ઊભી કરવા માટે મથવું પડે છે. અજાણ્યા લોકો, અજાણ્યા દેશ-પ્રદેશમાં જ્યાં પોતાનું કોઈ નથી હોતું ત્યાં તેમણે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવું પડે છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે ઓછામાં ઓછી એક પેઢીએ તો ભોગ આપવો જ પડે છે.
શરણાર્થીઓને સામનો કરવો પડે એવી બીજી સમસ્યા એ છે કે દુનિયાના ભાગ્યે જ કોઈ સ્થળે તેમને આવકાર મળતો હોય છે. બહારથી આવેલાને શંકાથી કે ડરથી જોવામાં આવતાં હોય છે. વળી, શરણાર્થીઓના પુન:સ્થાપન માટે રાજ્ય કે દેશ પર જે આર્થિક ભારણ આવે છે, એની પણ અવગણના થઈ શકે નહીં.
શરણાર્થીઓની સિતમયાત્રા ઘણી લાંબી ચાલતી હોય છે. ચાલો, આપણે એવો સમાજ રચીએ, વિકાસનો એવો અભિગમ અપનાવીએ કે કદી કોઈએ વિસ્થાપિત ન થવું પડે.
("દિવ્ય ભાસ્કર"ની 20મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)