સરદાર વલ્લભભાઈ પટેલનું સરવાળે સ્વીકૃત જન્મવર્ષ 1875 છે. મતલબ, 31મી ઑક્ટોબરથી આપણે એમના સાર્ધ શતાબ્દી વર્ષમાં પ્રવેશી ચૂક્યા છીએ. વડા પ્રધાને ‘મન કી બાત’માં એની દબદબાભેર ઉજવણીનો ટંકાર પણ કર્યો છે. ગાંધીને માનભેર માથે ચઢાવી, એટલા જ માનભેર કોરાણે મેલી, નેહરુને ભુલાવી અગર ઉતારી મેલી, સરદારને ઊંચે સ્થાપવાની ભા.જ.પ.ની કોશિશ રહી છે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના એના પ્રકલ્પમાંથી એ રૂંવે રૂંવે સોડાય પણ છે. વાત એમ છે કે સ્વરાજસંગ્રામ સાથે એળે નહીં તો બેળે પણ સીધા સંકળાવા સારું સરદારનું ઓઠું ઠીક ખપ આવે છે. એમ તો, તાજેતરનાં વર્ષોમાં સાવરકરને આગળ કરીને ઇતિહાસમાં પશ્ચાદવર્તી ધોરણે બાગેબહાર લહેરાવાનીયે મથામણ માલૂમ પડતી રહી છે. પણ સ્વીકૃતિના વ્યાપક ફલકને ધોરણે કદાચ સરદાર-સંધાન વધુ ફળદાયી હોવાનું સમજાય છે.
મુશ્કેલી એ છે કે ઇતિહાસ સાથે તોડમરોડની હર કોશિશમાં કોઈક તબક્કે ઘાંઘાઈ પ્રગટ્યા વિના રહી શકતી નથી. ગુજરાતમાં એનો ક્લાસિક કિસ્સો હજુ પંદર વર્ષ પર જ ભજવાયો હતો. 1998-2004ના વાજપેયી પ્રધાનમંડળના સભ્ય જસવંતસિંહ 2009માં એક અભ્યાસપૂર્ણ પુસ્તક લઈને આવ્યા હતા – ‘જિન્નાહ (ઈન્ડિયા-પાર્ટિશન-ઈન્ડિપેન્ડન્સ).’ હાલનું કેન્દ્રીય નેતૃત્વ ત્યારે પ્રદેશ સ્તરે વિલસતું હતું અને રાષ્ટ્ર સ્તરે પહોંચું પહોંચું હતું. જસવંતસિંહ ત્યારે ભા.જ.પ. શ્રેષ્ઠીઓની ગુડ બુકમાં નહોતા એટલે પોતાનો રોમ રોમ રૂતબો દાખવવાના જોસ્સામાં ગુજરાતના નેતૃત્વે આ પુસ્તક પર પ્રતિબંધ ફટકાર્યો. ક્યારે પ્રગટ થયું, ક્યારે વંચાયું એવી મામૂલી દરકાર વગર એમણે ક્રિમિનલ પ્રોસીજર કોડની 95મી કલમનો આશરો ઝીંકી જસવંતસિંહની રજૂઆત વાંધાભરી, ગેરરસ્તે દોરનારી અને જાહેર શાંતિને વિરોધી હોવાનું જણાવ્યું. મુદ્દે, ભાગલામાં વલ્લભભાઈનીયે જવાબદારી હોવાનું વિધાન એમાં હતું તે પોતે ખડી કરવા ધારેલ મૂર્તિની સામે જતું હતું.
મનીષી જાની અને મને લાગ્યું કે આપણે સમ્મત હોઈએ અગર અસમ્મત, પણ આવી મનસ્વિતા ને સેન્સરશાહી ચલાવી ન લેવાય. એટલે અમે હાઇકોર્ટની દેવડીએ ગયા, કર્ટસી ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક. હાઇકોર્ટે સરકારી પ્રતિબંધ વાજતે ગાજતે ઉરાડી મેલ્યો. … પણ ખરી વાત તો એ પછી શરૂ થઈ જ્યારે વાજપેયી પ્રધાનમંડળના અરુણ શૌરી પડમાં પધાર્યા. એમણે કહ્યું, બચાડા જસવંત પર શીદને તૂટી પડો છો. સંઘના શીર્ષ અધિકારી હો.વે. શેષાદ્રિનું પુસ્તક જ વાંચો ને. એમણે ભાગલા બાબતે પટેલ સહિત બધાને જે લીધા છે, એ તો જુઓ!
અલબત્ત, સરદારને અમુક રીતે ચીતરી સ્વરાજત્રિપુટી પૈકી ગાંધી-નેહરુ કરતાં ઊંચા ને અધિક પોતાના, એવો ઇતિહાસ રચવાની આજની હોંશ અને ક્યારેક સરદારનું પોતે જ કરેલું મૂલ્યાંકન, આ બે વચ્ચેનો વિરોધ, કોઈને પણ સવાલ જગવે જ. વસ્તુતઃ જરી જુદી રીતે પણ વિચારી તો શકાય જ કે પોતાને અનિવાર્ય જણાયું ત્યારે અપ્રિય થવાનું જોખમ વહોરીને પણ વલ્લભભાઈએ વિભાજન સ્વીકારવાનો નિર્ણય કર્યો એ ય એક અર્થમાં એમના લોહપુરુષ હોવાનું જ પ્રમાણ કેમ ન હોઈ શકે.
ઇતિહાસ દૃષ્ટિએ આ સાર્ધ શતાબ્દી વર્ષમાં કરવા જેવું પાયાનું કામ એક કાળે સરદાર પરત્વે ડિસ્-યુઝ (નાખો વખારે) જેવું વલણ હતું અને હમણેનાં વર્ષોમાં જે મિસ્-યુઝ (ચઢાવો છાપરે) ચલણ છે, એ બેઉ છાંડીને સમ્યક અભિગમ કેળવવાનું છે. આ સંદર્ભમાં હાલનું સત્તા-પ્રતિષ્ઠાન અને હિન્દુત્વ રાજનીતિ લગરીક પણ જાતમાં ઝાંખી શકે તો જરૂર રૂડું થશે.
તમે જુઓ, 1948ની આઠમી જાન્યુઆરીએ (હજુ ગાંધીહત્યા થઈ નથી ત્યારે) લખનૌની જાહેર સભામાં વલ્લ્ભભાઈ સંઘને ‘દેશભક્ત, પણ ખોટે માર્ગે ચાલતી સંસ્થા’ તરીકે ઓળખાવે છે. ગાંધીહત્યા પછી જેમ નેહરુને તેમ એમને ય સંઘ પર પ્રતિબંધ મૂકવાપણું લાગે છે કેમ કે ‘એની પ્રવૃત્તિઓ અત્યંત જોખમી’ છે. પણ હત્યા કેસમાં ગૃહ પ્રધાનને નાતે તપાસ તંત્રના રોજેરોજના મોનિટરિંગ પછી 27મી ફેબ્રુઆરીએ વડા પ્રધાનને લખે છે કે આ કાવતરામાં સંઘ સીધો સંડોવાયો જણાતો નથી, પણ હિન્દુ મહાસભાના ઉગ્રપંથી જૂથે આ કાવતરું ઘડ્યું અને પાર પાડ્યું છે. (જો કે, નથુરામ ગોડસેના ભાઈ અને સાથી ગોપાલ ગોડસેએ લાંબી જેલમથી બહાર આવ્યા પછી લખેલા પુસ્તકમાં કહ્યું છે કે અમારી જુબાનીમાં અમે તાત્યારાવને અર્થાત સાવરકરને અને સંઘને સાચવી લીધા હતા.) ગમે તેમ પણ, સીધી સંડોવણી ન હોવા છતાં સંઘની જવાબદારી કેમ બનતી હતી તે વલ્લ્ભભાઈએ 1948ના વરસમાં જ પોતાના કેબિનેટ-સાથી શ્યામાપ્રસાદ મુખર્જીને અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું : સંઘના ‘ઝેરી પ્રચારે બનાવેલ વાતાવરણે’ ગાંધીજીનો ભોગ લીધો. તેમ છતાં, સીધી સંડોવણી પુરવાર ન થતી હોય એ સંજોગોમાં વગર ખટલે સંઘ કાર્યકર્તાઓને અટકાયતમાં ન રાખી શકાય તે લોકશાહી ધોરણમાં નેહરુ-પટેલ બેઉ સમ્મત હતા.
પોતાને ખાસ તરેહના સરદારવાદી તરીકે પ્રોજેક્ટ કરવામાં રાચતા સંઘ-ભા.જ.પ. ‘ખોટો માર્ગ’, ‘જોખમી પ્રવૃત્તિ’, ‘ઝેરી પ્રચાર’ એ ત્રણે સરદાર વચનો બાબતે જાતમાં ઝાંખવા રાજી છે કે કેમ તે આપણે જાણતા નથી. આપણે એટલું જરૂર જાણીએ છીએ કે 1949ના જુલાઈમાં સરસંઘસંચાલક ગોળવલકરે લેખિત બંધારણની, કેવળ સાંસ્કૃતિક પ્રવૃત્તિની, હિંસા અને ગુપ્તતાના ત્યાગની, ભારતના ધ્વજ અને બંધારણને વફાદાર રહેવાના શપથની ને લોકશાહી વ્યવસ્થાતંત્રની ખાતરી આપી તે પછી સરદારે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
સંઘનો શતાબ્દી પ્રવેશ અને ભા.જ.પ.ની સળંગ ત્રીજી શાસન-પારી જોતાં જાહેર જીવનમાં એક કે બીજે છેડેથી એનું મહત્ત્વનું સ્થાન હોવાનું છે. સરદારની સાર્ધ શતાબ્દીએ એમના મહિમામંડનને સંતુલિત કરી, એમની સાખે સ્વરાજમંથનનો અવસર તે કેમ ન ઝડપી શકે?
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 નવેમ્બર 2024