હું જનમેલો એ સાલમાં, 1939-માં, ‘બીજું વિશ્વયુદ્ધ’ શરૂ થઈ ગયેલું. વિશ્વમાં એ પહેલાં, 1929-થી 1930s દરમ્યાન ‘ગ્રેટ ડીપ્રેશન’ સંભવેલું — મહા મંદી. કેમ કે 1929-માં વૉલ સ્ટ્રીટમાં શૅઅરના ભાવ તળિયે બેસી ગયેલા અને તેની અસર 1930s સુધીમાં આખા વિશ્વમાં પ્રસરેલી. આર્થિક બેહાલીના એ કાળથી ભારત કે ગુજરાત કોઈ બચી શકેલું નહીં.
પરન્તુ મેં એ વિશ્વયુદ્ધ અને એ મહા મંદી જોયાં નથી, મને એનો અનુભવ નથી. બને કે મારી જાણ બહાર મારું જીવન એથી પ્રભવિત થયું હોય. પણ મારી પાસે હાજરમાં તો એના માત્ર સમાચાર જ છે.
આપણે કદી વિચારતા નથી કે આપણા ચિત્તમાં અનુભવ-સ્વરૂપે શું છે, સમાચાર-સ્વરૂપે શું છે.
હું દસેક વર્ષનો હોઈશ ત્યારે એક વાર દાદાએ કહેલું કે હરવાફરવા માટે આપણે ત્યાં ઘોડાગડી હતી. મેં પૂછેલું કે ક્યાં ગઈ. તો બોલેલા, યાદ નથી કોણ લઇ ગયું. મેં દેશ આઝાદ થયો એ અરસામાં જાણેલું કે વિશ્વમાં બહુ મોટું યુદ્ધ ખેલાયું હતું. પછી એક વાર પિતાજીએ જણાવેલું કે દાદા શૅઅરબજારમાં ધૂમ હારી ગયેલા. ત્યારથી મને એ ‘ધૂમ’ શબ્દ હજી ખૂંચ્યા કરે છે. કેમ કે એ પછી, દીવાસળીવાળા-પરિવાર કદી ઘોડાગાડી રાખી શકે એટલું ધનાઢ્ય થઈ શકેલું નહીં. અમારી જ્ઞાતિની અમારી અટક, ‘દીવાસળીવાળા’ છે.
વતનમાં ઘોડાગાડીઓ બહુ હતી, હવે એક પણ નથી. મેં બળદ-જોડેલાં ગાડાં અને ડમણિયાં જોયેલાં. ડભોઈથી પ્રતાપનગર જતી નૅરોગેજ લાઇનની ટ્રેનમાં જવા-આવવાનું બહુ થયેલું. 30km કાપતાં એ ગાડી એક કલાકથી પણ વધુ સમય લેતી, કેમ કે સૌ મુસાફરો માટે દરેક ગામે ઊભા રહેવું એ માનવધર્મ એણે નિભાવેલો. એ પછી ટ્રેનો ફાસ્ટ અને સુપર ફાસ્ટ થઈ, ‘નૉન-સ્ટૉપ’-નો મહિમા થવા લાગ્યો.
હું લગભગ છેલ્લાં આઠ વર્ષથી ઇન્ડિયન ટ્રેનમાં નથી બેઠો. અગાઉના વરસોનો ટ્રેન-અનુભવ જાણે સમાચારમાં ફેરવાઈ રહ્યો છે.
નવી ટૅક્નોલૉજિની દેણ રૂપે ગામમાં લાઇટ ફોન રેડિયો અને ટ્રાન્ઝિસ્ટરને મેં ક્રમે ક્રમે આવતાં જોયાં છે. મેં એ સાધનોના અનુભવ મેળવ્યા, ત્યારે મજા પડેલી. ‘મર્ફિ’-નો મૉઘો રેડિયો લાવ્યા પછી રોજ એને સાફ રાખવો અને ચૉકક્સ સમયે સાંભળવા બેસી જવું એવો નિયમ બની ગયેલો, ટેવ પણ કહી શકાય. હજી રાખી મૂક્યો છે ‘શબરી’-વાળા ઘરમાં.
પરન્તુ મને એમાંના એક પણ સાધન પાછળની ટૅક્નોલૉજિ વિશે, એ ટૅક્નોલૉજિ છે એથી વિશેષ જ્ઞાન હતું નહીં. બલકે ‘ટૅક્નોલૉજિ’ શબ્દ ત્યારે મારા માટે વિવિધ સિદ્ધાન્તોનું એક અગમ્ય પડીકું હતો.
મારો યુરપમાં છે એ આમસ્ટર્ડામવાસી પૌત્ર (૨૨ વર્ષનો) પીયાનિસ્ટ છે અને એણે હમણાં પોતાને માટેનું કમ્પ્યુટર જાતે જોડી કાઢ્યું છે. પીયાનો વગાડવાની એની શક્તિ માટે મને બહુ અચરજ નહીં થયેલું, જેટલું કમ્પ્યુટર જોડી કાઢનારી એની આવડત માટે થાય છે. હું તો કોઈ નાના મશીનના પણ છૂટાછૂટા ટુકડા જોઈને ગભરાઈ જઉં છું.
હું કપડવણજ કૉલેજમાં હતો, ત્યારે જીવનમાં પહેલું સ્કુટર ખરીદેલું, એની બનાવટ વિચિત્ર હશે કે ભૂલભરેલી, વારે વારે બગડતું’તું. એક વાર કપડવણજના મિકેનિકે એના ઘણા બધા પાર્ટ્સ એક મોટી ટ્રેમાં વેરવિખેર રાખી દીધેલા. ત્યારે મને ચિન્તા થયેલી કે દરેક પાર્ટને એ એના સહભાગી પાર્ટ સાથે શી રીતે જોડશે : અરે સાહેબ, આ તો મારો રાતદિવસનો ધંધો છે, ડોન્ટ વરી : એણે મારી ચિન્તાને ઓલવી નાખેલી. કેમ કે, એ જાણતો હતો એટલા મિકેનિઝમથી પોતે માહિર હતો, અનુભવી હતો.
અમેરિકામાં વસતા મારા બન્ને પૌત્રો ભણીગણીને હવે દૂરના શ્હૅરમાં જૉબ કરે છે. મોટો પુત્ર (૨૫ વર્ષનો) માસ્ટર ઑફ કમ્પ્યુટર સાયન્સ ભણીને સિયેટલમાં રૉકેટ બનાવનારી એક મોટી કમ્પનીમાં કામ કરે છે. રોકેટની વાતોમાં એણે મને ઍલન મસ્કની કમ્પનીનું SpaceX Falcon 9 રૉકેટ ઑર્બિટમાં બધો પે-લોડ મૂકી આવે ને સમુદ્રમાં રાખવામાં આવેલા ડ્રોન-શિપ પર પાછું આવીને પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય, એ સરસ પ્રકારે વર્ણવી બતાવેલું. મેં એ જાણ્યું ત્યારે આશ્ચર્ય થયેલું કેમ કે દીવાળીમાં આપણે ઉડાડેલી હવાઇ તો કોઈની ય અગાશીમાં જઈ પડે ને આગ પણ લગાડે !
એનાથી નાનો પૌત્ર (૨૨ વર્ષનો) ઍક્ચ્યુરિયલ સાયન્સ ભણ્યો છે, મિનિયાપોલીસમાં એક મોટી કમ્પનીમાં કામ કરે છે. મેં એને ઍક્ચ્યુરિયલ સાયન્સ શું છે એમ પૂછેલું કેમ કે કારકિર્દીમાં એ શબ્દ પહેલી વાર સાંભળેલો. એણે વિસ્તારથી સમજાવેલું. ગણિત-આધારિત આ વિજ્ઞાનમાં રિસ્ક મૅનેજમૅન્ટનું અધ્યયન થતું હોય છે. આ વિષય શીખેલી વ્યક્તિઓ પોતાના જૉબમાં મોટી મોટી કમ્પનીઓના કે વ્યક્તિઓના વ્યવસાયના આર્થિક પાસાંને અડતા-નડતા પ્રશ્નોના ઉકેલ સૂચવે છે. વગેરે. ગણિતને અને મારે બારમો રાહુ છે. એની સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ મારા માટે સમાચાર હોય છે.
+ +
મારા પૌત્રોની જેમ જે યુવકો-યુવતીઓ આ વેગવન્ત ટૅક્નોલૉજિના સમયમાં ભણીગણીને મોટાં થયાં છે, તેમની પાસે સૌથી મોટો ગુણ છે, પૅશન – કોઇપણ કામ સિદ્ધ ન થાય ત્યાંલગી એ પાછળ મંડ્યા રહેવું તે. એ દરમ્યાન એમને નેટિવ કે ઇમ્મિગ્રન્ટ, બ્લૅક કે વ્હાઇટ, કશા જ ભેદ નડતા નથી કેમ કે તેઓ તેમાં માનતા જ નથી. લગભગ દરેક વસ્તુની કરામત કે મરામત માટેનો એમનો ટૅક્નિકલ ‘નો-હાવ’ પણ ઘણો હોય છે. આજની શોધખોળોથી એ લોકો માહિતગાર રહે છે અને તે માટે સતત કમ્પ્યુટર સાથે એટલે કે ઇન્ટરનેટ સાથે જોડાયેલાં રહે છે, અલબત્ત, એટલાં જ તેઓ વીડિયો-ગેમ્સમાં પણ વ્યસ્ત રહી શકે છે.
આપણે ત્યાં ભારતમાં એક જમાનામાં સરકારી નોકરીની બોલબાલા હતી કેમ કે કામચોરી કરનારને ભરપૂર તકો મળે. એ પછી, ન-સરકારી પબ્લિક સૅક્ટર્સમાં નોકરીઓ મળે, એ સારું ગણાવા લાગ્યું. એ પછી, પ્રાઇવેટ સૅક્ટર્સમાં જૉબનો મહિમા વધ્યો. એ તો ઠીક, પણ 1992-થી હું ભારત-અમેરિકા-ભારત એમ આવ-જા કરું છું, ત્યારથી અને એ દરમ્યાન, મને બે શબ્દપ્રયોગો બહુ ગમવા લાગ્યા છે — ‘વર્કોહોલિક’ અને ‘વર્ક કલ્ચર’.
‘આલ્કોહોલિક’ એટલે દારુડિયો, પણ ‘વર્કોહોલિક’ એટલે નોકરીધંધા માટે સૉંપેલું કામ કરતાં કંટાળે નહીં, પણ લગનથી કામને ચાહ્યા કરે એવો કામઢો મનુષ્ય. યુ.ઍસ.એ.ની ચૂંટણીના પરિણામને બીજે દિવસે મેં મારા ઍન્જિનીયર દીકરાને પૂછેલું કે તારી કમ્પનીમાં સાથીઓએ ટ્રમ્પ કે કમલા વિશે કેવાક પ્રતિભાવ આપ્યા. તો ક્હૅ, ખાસ કંઈ નહીં, અમારે ત્યાં કામની જગ્યાએ કોઈ એવી વાતો કરે નહીં, સૌ પોતાનું કામ કરે, કે કામ વિશે ચર્ચા કરે. એની કમ્પની છે, Caterpillar, જેના વિશ્વભરની શાખાઓમાં થઈને કુલ ઍપ્લોયીઝ છે, ૧,૧૩,૨૦૦. એવી મહાકાય કમ્પનીઓ એવા કામગરા લોકોને કામ કરવું હમેશાં ગમે તેવા વાતાવરણનું નિર્માણ કરતી હોય છે, કામનો ત્યાં ઉછેર થતો હોય છે, અને કમ્પનીનો વિકાસ થતો હોય છે. એને ‘વર્ક કલ્ચર’ કહેવાય છે.
હા, એ યુવક-યુવતીઓ ‘ડિજિટલ એજ’-માં જનમ્યાં છે તેથી એમની કારકિર્દી પણ એ દિશાના પરિવેશમાં જ વિકસી રહી છે. એટલે એમને ‘ડિજિટલ નેટિવ્ઝ’ કહેવાય છે. એમને માટે ટૅક્નોલૉજિમાં પ્રવેશવું અઘરું તો નથી જ હોતું પણ પ્રાપ્ત થતી માહિતી કે સમજદારીને કઈ દિશામાં નૅવિગેટ કરી શકાય તેની વિકસિત સુઝબૂઝ હોય છે. તેઓ ‘ક્લાઇમેટ ચેન્જ’, વીજળી વગેરેનો વપરાશ -‘પાવર કન્ઝમ્પશન’, ‘સાયબરસીક્યૉરિટી’, ‘ગ્લોબલાઇજેશન અને વર્લ્ડ-પોલિટિક્સ’ જેવા પ્રવર્તમાન પ્રશ્નો વિશે ખાસ્સા જાગ્રત હોય છે.
આ બધું પણ મારા માટે માત્રસમાચારો છે.
એવું મનાય છે કે આ ડિઝિટલ નેટિવ્ઝની કારકિર્દી બની રહે ત્યાંસુધીમાં તો તેઓએ જીવન અને કાર્ય વચ્ચે સંતુલન કેમ સ્થપાય તેની નીતિરીતિ – પૉલિસીઝ – આત્મસાત્ કરી લીધી હશે. એને કારણે પોતાના નોકરીધંધાની કે કામની જગ્યાએ, જેને ‘વર્કસ્ટેશન’ કહેવાય છે, ત્યાં કામને કેમ અર્થપૂર્ણ બનાવવું, તેમાં કેટલી અને કેવીક સરળતા હાંસલ કરવી, વગરે માનસિકતા પણ કેળવી લીધી હશે. તેઓ એક અ-પૂર્વ વર્કફોર્સ હશે. કહે છે કે વિકાસ માટે એ વર્કફોર્સમાંથી અનોખી ગુણવત્તા ધરાવતી વ્યક્તિઓ પર ટૅક્નોલૉજિ અને પોલિટિક્સ બન્નેને વિશ્વાસ પડશે.
‘કોવિડ’-ના અસ્ત પછી, ઘરે બેસીને ઑનલાઇન વર્કની સગવડ પછી, વર્કફોર્સનો એક નવતર પ્રકાર પણ પ્રગટ્યો છે, જેને ‘GIG કલ્ચર’ કહેવાય છે -એક એવું વાતાવરણ જેમાં યુવક કે યુવતી ફ્રી-લાન્સર તરીકે સર્વથા મુક્ત રહીને પોતાનું નૈપુણ્ય પ્રયોજે અને કોઈપણ કમ્પનીનું કે જરૂરતમંદ વ્યક્તિનું કામ કરી આપી શકે. એણે કમ્પનીની તમામ શરતો સાથે બંધાવાની જરૂર નહીં કે કમ્પનીએ પણ એને વાર્ષિક પગાર અને બીજાં પર્ક્સ આપવાની ઝંઝટ નહીં. GIG એટેલે શું? એ પોતાના જોર પર ઊભેલો એક સ્વાયત્ત શબ્દ છે. એનો અર્થ છે, રશ્મીતાને અમારી એક કામવાળી ક્હૅતી’તી એ, સીધો ને સાદો, કે – બેન! કૉમથી કૉમ, પૈસાથી પૈસા!
+ +
હરારી ટૅક્નોલૉજિનાં ભાવિ જોખમો, ખાસ તો AI -નાં, એમનાં અગાઉનાં પુસ્તકોમાં તેમ “Nexus”-માં પણ સારી રીતે વર્ણવી રહ્યા છે. પણ AI -નો મુદ્દો તેઓ જ્યારે ને ત્યારે છેડે છે, એ મને નથી ગમ્યું. ચિન્તનમાં તો ઠીક, પણ કોઈ મુદ્દાનું લખાણમાં ય અકારણ પુનરાવર્તન કોઈ કરે, મને નથી ગમતું. મારામાં ય થતું હશે પણ મારી સાવધાનીના ધૉરણે તો નહિવત્! અલબત્ત, હરારીએ AI -ના ગુણ પણ જોયા જ છે, એથી ટૅકનોલૉજિને મળી રહેલી મદદોની ય એમને જાણ છે, સરવાળે ઊભી થતી સુખસગવડોની ય એમને ના નથી, પણ ટૅક્નોલૉજિ સામે નીતિમત્તાનો મુદ્દો એમને ચિન્ત્ય લાગ્યો છે, ભલે AI સંદર્ભે અતિશય, પણ મુદ્દો ચિન્ત્ય તો છે જ.
એ સાચું છે કે AI લગી વિકસી ચૂકેલી ટૅક્નોલૉજિ, એ યુવક-યુવતીઓને એક પૅશનેટ અને ઑથેન્ટિક જીવન જીવવાની તક આપે છે, સામાન્ય મનુષ્યોને જાતભાતનાં સુખોની સગવડ આપે છે. તેમછતાં, એ ઘણુંબધું હરી લે છે. એ યુવક કે એ યુવતી ઝંખે તો પણ માતૃભાષા કે પિતૃભાષા પૂર્ણપણે શીખી શકે નહીં. વ્હાઇટ-નૉનવ્હાઇટનો ભેદ ભૂલીને કરેલું લવ-મૅરેજ પણ એ બન્ને માટે ઇમોશનલ રઘડો સરજી શકે છે. ટૂંકમાં, ટૅક્નોલૉજિસંગત દુનિયા સાથે જોડાવા માટે વ્યક્તિએ પોતાના સંસ્કારોથી, પોતાની ટેવોથી, પોતાની નીતિરીતિથી, પોતાની પરમ્પરાઓથી, પોતાની સંસ્કૃતિ-સભ્યતાથી ખાસ્સા મુક્ત થવું પડે એમ છે. દેખીતું છે કે સરેરાશ ભારતવાસીને ઘણી વાર લાગવાની છે.
અતિશયિત ટૅક્નોલૉજિને રાજકારણ રોકી શકે પણ રાજકારણ અને ટૅક્નોલૉજિ બન્નેનાં લટિયાં ગૂંચવાયેલાં હોય છે અને પાછાં એ બન્ને પ્રજાના કલ્યાણનો દાવો કરે છે. તેથી એને હું એક ટ્રૅપ ગણું છું, એ દિશામાં ન વિચારાય.
એટલે, ટૅક્નોલૉજિની પોતાની પણ કશીક નૈતિક જવાબદારી ખરી કે કેમ એમ હરારી વગેરે સૌ સુજ્ઞો પૂછી રહ્યા છે, તે સમુચિત છે. ટૅક્નોલૉજિનું નૈતિક દાયિત્વ – ઍથિકલ ઑબ્લિગેશન – એક સળગતો વૈશ્વિક મુદ્દો છે. મુખ્ય અપેક્ષા તો એ છે કે એ વ્યક્તિની અંગતતા પર તરાપ ન મારે બલકે બધા જ પૅરામીટર્સથી પારદર્શક હોય.
બે કહેવત છે આપણી ભાષામાં : ‘સોનાની છરીથી શાક સમારાય, પેટમાં ન ખોસાય’. ‘તલવારથી દૂધી ન સમારાય, માથું વાઢી લેવાય’. વસ્તુના ખરા ઉપયોગ વિશેની બન્ને કહેવતો ટૅકનોલૉજિનો શો ઉપયોગ કરવો તે વિશે સૂચક છે. બીજાઓ જે નક્કી કરે એ, પણ વ્યક્તિ તો શાણપણ વાપરી શકે છે. એટલે, ટૅક્નોલૉજિ કે પોલિટિક્સ એ બન્નેથી પરે, મને, વ્યક્તિને, પોતાના કલ્યાણનો રસ્તો શોધી લેતાં આવડવું જોઈશે, નહીં આવડતું હશે, તો એ રસ્તે ચાલનારને મારે પૂછી લેવું જોઈશે.
ક્રમશ:
(10Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર