ગાંધીજી જુલમ અને અન્યાય સામે લડવામાં એક્કા હતા. તેમની સત્યાગ્રહની લડત માટે દુનિયામાં તે પંકાયા છે. પણ તેમણે જે વિવિધ રચનાત્મક કાર્યનો અણમોલ બોધ દેશને આપ્યો છે તે તો તેમણે અહીં પગ મૂકતાં જ શરૂ કરી દીધેલો. આજે જે કેટલાંક કાર્ય ઘણાં રૂઢ થઈ ગયાં છે તે, તે વખતે ઘણાં ચમત્કારિક લાગતાં. તેવો એક પ્રસંગ હવે વર્ણવીશ.
૧૯૧૫ના આરંભમાં મુંબઈમાં ગુજરાતી વિદ્વાનો, લેખકો અને સંસ્કારી યુવાનો મળીને ‘ગુર્જરસભા’ નામનું એક મંડળ ચલાવતા. તેની સભાઓમાં દર અઠવાડિયે અંગ્રેજીમાં તેમ ગુજરાતીમાં ભાષણો અને ચર્ચાઓ થતાં. તેમાં કૃષ્ણલાલ ઝવેરી, ઉત્તમલાલ ત્રિવેદી, નરસિંહરાવ ભોળાનાથ, ચંદ્રશંકર પંડયા, કનૈયાલાલ મુનશી, મનસુખલાલ માસ્તર વગેરે જૂની અને નવી પેઢીના અગ્રણીઓ ભાગ લેતા. આ મંડળ તરફથી ગાંધીજીને સન્માનવાને એક સમારંભ હાલના ઇમ્પિરિયલ સિનેમાની જગ્યાએ, મંગળદાસ શેઠના બગીચામાં ગોઠવાયો. તે વખતના રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા મહંમદઅલી ઝીણાએ પ્રમુખપદ લેવાનું કબૂલ કર્યું. ગાંધીજી જેવા જગવિખ્યાત ગુજરાતી અગ્રેસરનાં દર્શન કરવા અને તેમની વીરવાણી સાંભળવા સભાસદો અને મિત્રોની મોટી મેદની જામી.
આ મેળાવડામાં સૌમ્યમૂર્તિ ગાંધીજી સપાટાબંધ ચાલતા પધાર્યા ત્યારથી સર્વ પર ઊંડી છાપ પડી. અમે ઘણાખરા પાટલૂનકોટ પહેરીને ત્યાં હાજર થયેલા. તેથી હાથવણાટના જાડા કાપડનું ટૂંકું ધોતિયું, અંગરખું અને ફેંટામાં સજ્જ થયેલા ગાંધીજીને જોતાં જ કોઈ કોઈ શરમાવા લાગ્યા. સ્વદેશીનો એક અક્ષર ઉચ્ચાર્યા સિવાય ગાંધીજીએ સ્વદેશીનો મૂક પેગામ સર્વના દિલમાં સોંસરો ઉતારી દીધો.
તરત ગાંધીજીએ બીજો ચમત્કાર બતાવ્યો. ગુર્જર સભાના મંત્રી તરીકે કનૈયાલાલ મુનશીએ અંગ્રેજીમાં છટાદાર ભાષણ કરીને ગાંધીજીને “અર્વાચીન ગુજરાતના શ્રેષ્ઠ સુપુત્ર” તરીકે બિરદાવ્યા. ઝીણાએ પણ પ્રમુખ તરીકે અંગ્રેજીમાં જોશીલું ભાષણ કર્યું. દક્ષિણ આફ્રિકાની સફળ લડત માટે તેમણે ગાંધીજીનો આભાર માન્યો અને હજી અણઉક્લ્યા સવાલોનો ફેંસલો કરવાને નવી લડત આદરવા ગાંધીજીને વિનંતી કરી.
પણ ગાંધીજી સન્માનનો જવાબ આપવા ઊભા થયા ત્યારે “ભાઈઓ અને બહેનો” શબ્દો ઉચ્ચારીને ગુજરાતીમાં જ ભાષણ શરૂ કર્યું. પહેલાં થયેલાં અંગ્રેજી ભાષણોની સીધી ટીકા કર્યા વિના, આમપ્રજાને જાગ્રત કરવાની નેમથી ગુજરાતમાં ગુજરાતી અને દેશભરમાં હિંદુસ્તાની ભાષા અપનાવવાનો તેમણે બોધ આપ્યો. પરદેશમાં ચલાવેલી કે દેશમાં ચલાવવાની લડત વિશે કંઈ જ બોલ્યા વિના તેમણે પોતાનું ટૂંકું ભાષણ પૂરું કર્યું.
જ્યારે અલ્પાહાર કરવા બધા વીખરાયા અને ગાંધીજી સર્વેની સાથે હસીને વાતો કરતા ફળાહાર કરવા તેમના ટેબલ પર ગયા ત્યારે ગાંધીજીના સ્વદેશી પોશાક અને ગુજરાતી ભાષાના પ્રયોગ પર સર્વ ચર્ચા કરવા લાગ્યા. કેટલાકને ગાંધીજીનાં કપડાં વધારે પડતાં ગામઠી લાગ્યાં. મુંબઈના શહેરી વાતાવરણમાં સ્વભાષાનો પ્રયોગ પણ કેટલાકને ખૂંચ્યો. પણ ગુર્જર સભાનું નામ સાર્થક કરવાનો કડીતોડ રાહ ગાંધીજીએ જ ચીંધ્યો, એમ કેટલાકને બરોબર સમજાયું. અમે બધા ય ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાના ખેરખાં થયાનો દાવો રાખનારા, છતાં ગાંધીજી જેવા રાષ્ટ્રીય નેતાના માનમાં અમારા તરફથી બધાં ભાષણ અંગ્રેજીમાં થયાં તેનો કેટલાકને પસ્તાવો થયો. માતૃભાષા પ્રત્યે પ્રેમ અને આદરનો જે પેગામ ગાંધીજીએ આ સભામાં આપ્યો, તે અમારા અંતરમાં હંમેશને માટે કોતરાઈ ગયો.
[‘સત્યાગ્રહનો રણટંકાર’]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દિવાલેથી સાદર