રાજેશ આજે ખૂબ ગુસ્સામાં હતો. તળાવના કાંઠે બેઠો બેઠો તળાવમાં પથ્થર ફેંકી રહ્યો હતો અને પથ્થર ફેંકવાથી પાણીમાં ઊભા થતા વમળોને જોઈ રહ્યો હતો. પાણીમાં ઊભા થતા વમળો જેવા જ વમળો રાજેશના મનમાં, વિચારોમાં ઊભા થયા હતા. એવું બની જ કેવી રીતે શકે? મારો નાનપણનો ફોટો ત્યાં કેવી રીતે હોઈ શકે? અને હોય તો શા માટે? આ સવાલ મારે મમ્મી, પપ્પાને પૂછવો કે નહીં? કદાચ એવું પણ હોય શકે કે તે મારો નહીં પણ બીજાનો જ ફોટો હોય અને મારી જેવો લાગતો હોય.
રાજેશ ઘણી વખત તળાવના કાંઠે ફરવા આવતો. પણ, ત્યારે એ એકલો નહોતો આવતો, મિત્રમંડળ સાથે આવતો. જ્યારે આજે પહેલી વખત એકલો આવ્યો હતો. આ વાત મિત્રોને તો પૂછી શકાય નહીં, માટે ફરીથી એ ફોટો જોવા જવું પડશે અને વિગત જાણવી પડશે.
“આવ, રાજેશ કેમ આજે ફરી આવવાનું થયું? કઈ આપવાનું બાકી રહી ગયું હતું?” અનાથાલયના ગૃહપતિએ રાજેશને આવકાર આપીને પૂછ્યું.
“ના, ના, કાકા, મેં ઓફિસમાં લગાડેલો એક ફોટો જોયો હતો. તેમાં મારા બચપણનો ફોટો હતો એ મારે ફરી જોવો છે.”
“બેટા, તારો બચપણનો ફોટો તો અહીંયા ક્યાંથી હોય? એ તો કોઈ બીજાનો હતો એટલે એ ફોટો એ લોકો પાછો લઈ ગયા.”
રાજેશને ગૃહપતિજીના જવાબથી સંતોષ ન થયો. તેણે નક્કી કર્યું કે ગૃહપતિએ આજે બરોબર જવાબ નથી આપ્યો પણ અચાનક અનાથાલયની મુલાકાત લઉં તો એ ફોટો ફરીથી જોવા મળશે એમ વિચારીને રાજેશે અત્યારે એ વાત ભૂલી જવાનું નક્કી કર્યું.
રાજેશના મનમાંથી એ ફોટાવાળી વાત જતી નહોતી. મમ્મી, પપ્પાના પોતાના પ્રત્યેના વર્તનને જાણવામાં પડી ગયો. ખૂબ ઝીણવટથી બધી જ વાતચીતની નોંધ લેતો હતો પણ તેને મમ્મી, પપ્પાનાં વર્તનમાં કોઈ ફરક જણાતો નહોતો. રાજેશ સમજાતું નહોતું કે એ ફોટો જોવાથી એ આટલો બધો વિચલિત કેમ થઈ ગયો છે.
થોડા સમય પછી રાજેશને અનાયાસે અનાથાલય જવાનો મોકો મળી ગયો. આજે ગૃહપતિ હાજર નહોતા અને તે દિવસે જોયેલો ફોટો દીવાલ પર લગાડેલો હતો. રાજેશના મનમાં સવાલ થયો કે તે દિવસે ગૃહપતિ કાકા જુઠ્ઠું બોલ્યા હતા? પણ શા માટે? કંઈક તો ગરબડ જરૂર છે. હવે આ વાત મમ્મી, પપ્પાને પૂછવી પડશે.
*****************
હકીકતમાં અનુપભાઈએ રાજેશને એ બે વરસનો હતો ત્યારે અનાથલયમાંથી દત્તક લીધો હતો. અનુપભાઈ કાપડના હોલસેલ વેપારી હતા. ધાર્મિક વૃત્તિના હતા પણ તેમની વિચારધારા જરા જુદી હતી. એ માનતા કે લોકોએ પોતાની કમાણીના દસ ટકા સામાજિક સેવા અને ધાર્મિક કાર્યમાં વાપરવા જોઈએ, એટલે અનુપભાઈ અનાથાલયમાં બાળકોના કપડાં માટે જરૂરી કાપડ અને ચીજ વસ્તુઓ આપતા રહેતા હતા.
વીસ વરસ પહેલાની વાત છે. અનુપભાઈ અને તેમનાં ધર્મપત્ની ઉમાબહેન અનાથાલયમાં કાપડ અને બીજી ચીજ વસ્તુઓ આપવા માટે ગયાં હતાં. ત્યારે તેમની નજર રાજેશ પર પડી, રાજેશ પણ દોડીને બંને પાસે આવીને રમવા લાગ્યો હતો. ઉમાબહેનનું માતૃહૃદય દૃવી ગયું. અનુપભાઈ અને ઉમાબહેનના લગ્નને આઠેક વરસ થયાં છતાં ઘરે પારણું બંધાયું નહોતું અને મનથી દુઃખી હતાં. રાજેશને જોઈને ઉમાબહેનનું માતૃત્વ પોકારી ઉઠ્યું. ઉમાબહેને અનુપભાઈને રાજેશ વિશે વાત કરી. અનુપભાઈ પણ જાણતા હતા કે ડૉક્ટરી રિપોર્ટ પ્રમાણે ઉમા મા બની શકે તેમ નથી. અનુપભાઈએ ત્યારે તો ઉમાબહેનને સાંત્વના આપીને કહ્યું, “આપણે પરિસ્થિતિ વિચારી લઈએ એ પછી રાજેશની બાબતમાં આગળ વધશું.”
અનુપભાઈએ તેના ડોક્ટર મિત્ર કેતનને વાત કરી. કેતને કહ્યું, “અનુપ, તને તો ખબર છે કે મેડિકલ રિપોર્ટ પ્રમાણે ઉમાભાભી ક્યારે ય માતૃત્વ ધારણ નહીં કરી શકે. આ બાબતે તારે અને ભાભી વચ્ચે ચર્ચા પણ ઘણીવાર થઈ છે. આજે તે ફરીથી ભાભીને અનાથાલય લઈ જવાની ભૂલ કરી. આ પહેલાં પણ આપણે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ. આ વખતે પણ સમય જતાં પરિસ્થિતિ થાળે પડી જશે, તું ચિંતા કર મા.”
“કેતન, આ વખતની પરિસ્થિતિ જુદી છે. ઉમાએ જ્યારથી રાજેશને અનાથાલયમાં જોયો છે ત્યારથી સૂનમૂન થઈ ગઈ છે અને રાજેશને રોજ મળવા જવાની વાત કરે છે.”
“અનુપ, જો તને વાંધો ન હોય તો રાજેશને દત્તક લઈ લે. અત્યારે એ બે વરસનો છે. તમારી સાથે જલદીથી હળીમળી જશે, ઉમાભાભીનું જીવન નવપલ્લવિત થઈ જશે.”
“કેતન, તારી વાત બરોબર છે, પણ, તે એ વિચાર્યું કે રાજેશ અત્યારે બે વરસનો છે એ અમારી સાથે હળીમળી જશે. અમારા જીવનમાં એ દીકરાનું સ્થાન લઈ લેશે અને અમને મમ્મી, પપ્પાનું સ્થાન આપશે. પણ, તે એ કેમ ન વિચાર્યું કે રાજેશને જ્યારે ખબર પડશે કે અમે તેનાં મમ્મી, પપ્પા નથી, તેને અનાથાલયમાંથી દત્તક લીધો છે ત્યારે તેના મન પર શું વીતશે, અમારું શું થશે? અને ઉમા એ પરિસ્થિતિને સહન નહીં કરી શકે. અરે! તેને કોઈ પાસેથી જાણ થાય ત્યારે અમને સવાલ પૂછશે. અમે શું? જવાબ આપશું? ના, ના, મારે કોઈ ભવિષ્યમાં આવનારી આફત માટે અત્યારથી આમંત્રણ નથી આપવું. હું, ઉમાને સમજાવવાનો પ્રયત્ન કરીશ.”
“અનુપ, હું તારી વાત સાથે સહમત છું. પણ, ભવિષ્યનું વિચારીને તું અત્યારથી ઉમાભાભીની જિંદગી માટે ખતરો ઊભો કરી રહ્યો છો. તું ભૂલી ગયો, તને ડોક્ટરે ઉમાભાભીની તબિયત માટે શું ધ્યાન દોર્યું હતું. અને હું છું ને તારી સાથે, કદાચ તું માને છે એવી પરિસ્થિતિ ઊભી થશે તો હું સંભાળી લઈશ.”
***********************
“કેતન, તું જલદી મારી ઓફિસે આવ, મારે તારું કામ છે.”
“અનુપ, શું વાત છે? તું આટલો બધો ગભરાયેલો કેમ છો?”
“કેતન, મેં તને કહ્યું હતુંને કે રાજેશ તેના ભૂતકાળ વિષે કોઈ સવાલ પૂછશે, તો, અમે શું જવાબ આપશું. થોડા દિવસ પહેલા રાજેશે પહેલાં ઉમાને અનાથાલયમાં જોયેલા ફોટા વિશે પૂછ્યું કે `મમ્મી, મારો બચપણનો ફોટો અનાથાલયમાં અને તે પણ બીજાં બાળકો સાથે કેમ છે?’ ત્યારે તો ઉમાએ જેમતેમ કરીને વાતને ટાળી દીધી હતી. તેને બીક છે કે ફરી જો રાજેશ આ સવાલ પૂછશે તો હું શું જવાબ દઈશ.”
ઉમાએ જવાબ ન આપ્યો એટલે રાજેશે મને પૂછ્યું હતું, “પપ્પા, મમ્મીએ મને મેં અનાથાલયમાં જોયેલા ફોટા વિશે કંઈ ન કહ્યું, તમે પણ કંઈ નહીં કહો તો હું એ વાત જાણીને જ રહીશ.” બસ બનાવ પછી રાજેશ સતત દ્વિધામાં અને મૂંઝાયેલો રહે છે. તળાવને કાંઠે એકલો એકલો કલાકો સુધી બેસી રહે છે. કેતન, અમે મૂંઝાઈ ગયાં છીએ કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે રસ્તો કાઢવો. રાજેશ અમને છોડીને જતો તો નહીં રહેને? હવે અમે રાજેશ વગર જીવી નહીં શકીએ.
“અનુપ, તું ચિંતા કર મા. હું રાજેશને મળીને તેના બદલાયેલા વર્તન માટેની હકીકત જાણી લઈશ. કદાચ, તું માને છે એવું કંઈ કારણ ન પણ હોય.”
“કેતન, મને તારી પર પૂરો ભરોસો છે. પણ જે કંઈ વાત કર, સંભાળીને કરજે. હવે આ ઉંમરે દીકરો નારાજ થઈને છોડી જાય એ ન પોષાય અને તેની ચિંતા પણ થાય.”
“અરે! દીકરા રાજેશ, કેમ આજે એકલો? તળાવના કિનારે બેઠો છો. તારા મિત્રો, હવે આવવાના હશે?”
“અંકલ, પણ, તમે અહીં ક્યાંથી? હમણાંથી હું રોજ એકલો જ આ તળાવના કિનારે બેસીને કિસ્મતના ખેલ વિશે વિચાર્યા કરું છું.”
“કેમ, બેટા, એમ બોલે છે? તારાં મમ્મી, પપ્પા અને મિત્રો તને કેટલો બધો પ્રેમ કરે છે.”
“અંકલ, હું હમણાં અમે જે અનાથાલયમાં બાળકો માટે કાપડ અને ચીજ વસ્તુ આપીએ છીએ એ દેવા હું અનાથાલય ગયો હતો. ત્યારે ત્યાં મેં મારો બચપણનો ફોટો જોયો. મમ્મી, પપ્પાને પૂછ્યું પણ મને સંતોષકારક જવાબ ન મળ્યો. તમારી પાસે તેનો જવાબ છે? મને કહેશો કે મારો ફોટો ત્યા કેમ છે?”
“હા બેટા, મારી પાસે જવાબ છે. પણ પહેલાં મારે મારા સવાલના જવાબ તારી પાસેથી જોઈએ છે. પછી તને આખી ય વાત સમજાઈ જશે. મને કહે, તને તારાં મમ્મી, પપ્પા કેટલો પ્રેમ કરે છે? તારા માટે શું શું કર્યું? તને એવું ક્યારે ય લાગ્યું કે આ તારાં મમ્મી, પપ્પા નથી. ક્યારે તારાથી કોઈ જુદારો રાખ્યો છે?”
“કેમ? અંકલ એમ પૂછો છો? મારાં મમ્મી, પપ્પા જેવાં મમ્મી, પપ્પા ભાગ્યશાળીને જ મળે. મારા માટે મારાં મમ્મી, પપ્પાએ શું શું કર્યું એ વિચારવાનો સવાલ જ નથી. મને યાદ નથી કે મારે કોઈ વસ્તુ માંગવી પડી હોય. આ મારાં મમ્મી, પપ્પા નથી એમ હું કદી વિચારી જ ન શકું.”
“બેટા, તને ખબર છે? જશોદાજી શ્રીકૃષ્ણના પાલક માતા હતા. જન્મદાત્રી તો દેવકીજી હતાં. છતાં આપણે કૃષ્ણને જશોદાજીનો લાલો કહીએ છીએ. કૃષ્ણ, જશોદાજી પાસે ફક્ત અગિયાર વરસ રહ્યા હતા. પણ, તું, તો ઉમાભાભીનો કાનો — રાજેશ છો. સદા સાથે રહેવાનો છો.”
“અંકલ, તમારી વાત હું સમજ્યો નહીં.”
“બેટા, તે અનાથાલયમાં જોયો એ ફોટો તારો જ છે. તું બે વરસનો હતો ત્યારે અનુપ અને ભાભી અનાથાલયમાં વસ્તુઓ આપવા ગયાં હતાં. તું દોડીને ભાભીને વળગી પડ્યો. ભાભીને મેડિકલ પ્રોબલેમ હોવાથી મા બની શકે તેમ નહોતાં, પણ તને જોઈને તેનું તારા પ્રત્યેનું માતૃત્વ જાગી ઉઠ્યું. કદાચ કોઈ પૂર્વજન્મનું લેણું હશે. ભાભીએ જીદ કરી અને અનુપ, ઉમાભાભીએ તને અનાથાલયમાંથી દત્તકપુત્ર તરીકે લઈને તારું તેમના જીવનમાં પુત્ર તરીકેનું સ્થાન આપ્યું. હવે, મને કહે આ વાત સાંભળ્યા પછી, તે જોયેલા અનાથાલયના ફોટોનું રહસ્ય જાણ્યા પછી, તારું અનુપ અને ભાભી પ્રત્યેનું વર્તન બદસ્લાઈ તો નહીં જાય ને? આ બીકથી તારાં મમ્મી, પપ્પા ખૂબજ ચિંતામાં છે.”
“અંકલ, તમે મારા જીવનને વધુ સમૃદ્ધ બનાવી દીધું. તમારી વાત સાંભળ્યા પછી મારું માન મારાં મમ્મી, પપ્પા પ્રત્યે અનેક ગણું વધી ગયું છે. એ ફક્ત મારાં મમ્મી, પપ્પા જ નહીં પણ મારા જીવનનો જીર્ણોદ્ધાર કરનાર દેવતા છે. ભલે એ મારાં જન્મદાતા નથી પણ તેમનું સ્થાન મારા જીવનમાં જશોદાજી અને નંદજીની જેવું જ રહેશે. તમે ચિંતા ન કરતા. મારાં મમ્મી, પપ્પાને જરા પણ નારાજ નહીં કરું. હું પહેલાની જેમ જ નોર્મલ થઈ જઈશ. તમે આપણે મળ્યા હતા મને બધી જ વાતની ખબર છે એ વાત મમ્મી, પપ્પાને ન કરતા.”
“શાબાશ દીકરા, મારી તારી પાસેથી મને આ જ અપેક્ષા હતી. ભવિષ્યમાં કંઈપણ મૂંઝવણ થાય તો આ અંકલને મળવાનું ન ભૂલતો.” કેતનભાઈના મુખ પર પ્રસન્નતાની રેખાઓ અંકિત થઈ ગઈ. અનુપભાઈને ભૂતકાળમાં આપેલ વચન નિભાવ્યાની.
“કેતન, તારો ખૂબ ખૂબ આભાર.”
“અનુપ, એમાં આભાર માનવાની જરૂર નથી. આપણે વિચારીએ છીએ એવું બધું જ નથી બનતું. તેમ જ યંગ જનરેશન પણ શાણી અને સમજુ હોય છે. ફક્ત જરૂર છે યોગ્ય રજૂઆતની અને વાતની યોગ્ય સમજણ આપવાની.
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com