‘રેણુકા’.
‘હા …. બા’.
‘આજે નીલમ આવે છે, અજય તેને તેડવા ગયો છે. પણ, બેટા, ગયા વખતે નીલમ આવી ત્યારે ઘરનું વાતાવરણ તેણે ડહોળી નાખ્યું હતું. તું મનમાં કંઈ ન લાવીશ, એ હૃદયની ચોખ્ખી છે.’
ગયા વખતે નીલમ આવી ત્યારે એ આવી હતી તો પૂરું વેકેશન રહેવા માટે પણ નાની નાની બાબતોમાં ચંચુપાત કરવો, ઘરની બાબતોમાં દખલ દેવી અને ખાસ તો રેણુકા સાથેના મોટાપણાથી અભિમાનભર્યો વ્યવહાર કરવો વગેરે બાબતથી ઘરનું વાતાવરણ બગડી જવાથી અઠવાડિયું રહીને જ પાછી જતી રહી હતી.
નીલમનો સ્વભાવ એક જ દીકરી અને ભાઈથી મોટી હોવાથી વધુ પડતા લાડ પ્યારથી આધિપત્યવાળો થઈ ગયો હતો. કોઈ સલાહ શિખામણ આપે તે તેને જરા પણ ગમતું નહોતું. મનસુખભાઈ અને તેનાં ધર્મપત્ની ઘણી વખત સમજાવતાં પણ તે આધિપત્યને પોતાનું સ્વમાન ગણતી અને વાતાવરણને ઉગ્ર કરી નાખતી.
‘બા, તમે જરા પણ ચિંતા ન કરતાં. મારા મનમાં નીલમબહેન માટે કોઈ અભાવો નથી. તેમને મોટા હોવાનું સ્વમાન કે ગુમાન સમય જતાં સમજાશે. મેં આજે તેમને ભાવતી રસોઈ બનાવી છે. હું બધું સંભાળી લઈશ.’
મનસુખભાઈને દીકરો અજય અને દીકરી નીલમ હતી. નીલમ મોટી હતી અને ખૂબ જ લાડકોડમાં ઉછરી હતી. મોટા હોવાના સ્વમાન સાથે થોડું અભિમાન પણ હતું. નીલમના લગ્ન મનસુખભાઈના મિત્ર જયસુખભાઈના દીકરા વિપુલ સાથે થયા હતા.
જયસુખભાઈને વિપુલ મોટો દીકરો અને મીના દીકરી હતી. મીનાના પણ લગ્ન કરી નાખ્યા હતા. વિપુલ મીનાનો મોટો ભાઈ હોવાથી નીલમ સાસરે પણ મોટી હતી એટલે ત્યાં પણ મોટા હોવાનું માન, સ્વમાન મળતું. નીલમનો અહીં પિયર કરતાં જુદો વર્તાવ હતો. પિયરમાં જેવું વર્તન એ રેણુકા સાથે કરતી હતી, એવું જ વર્તન એ સાસરીમાં મીના સાથે કરતી અને માનતી કે અહીં પણ એ મોટી છે એટલે એ એનો હક છે. મીના પણ જ્યારે, જ્યારે પિયર આવતી ત્યારે પાછી નારાજ થઈને જતી. વિપુલ ઘણીવાર સમજાવતો કે તારું, મીના અને રેણુકાભાભી સાથેનું વર્તન યોગ્ય નથી પણ કોઈ ફેરફાર નીલમમાં થતો નહોતો.
ગયા વેકેશનમાં મીના આવી ત્યારે નીલમ અને વિપુલ મીનાને સ્ટેશને તેડવા ગયાં હતાં. મીના નીલમ અને વિપુલને પગે લાગી ત્યારે પણ નીલમે યોગ્ય પ્રતિભાવ નહોતો આપ્યો. મીનાએ વિપુલ સામે જોયું ત્યારે વિપુલે આંખથી પ્રેમ ભર્યા હલકો ઈશારો આપ્યો હતો કે કંઈ વાંધો નહીં! હું તને પ્રેમથી આવકારું છું અને પછી ઘરમાં મીના સાથે નજીવી બાબતોમાં નીલમે ઘર્ષણ ઊભા કર્યાં હતાં. મીના અઠવાડિયામાં જ સાસરે જતી રહી હતી. વિપુલ અને જયસુખભાઈને બહુ દુઃખ થયું હતું. પણ ઘણું વાતાવરણ વધારે ન બગડે કે કલુષિત ન થાય એટલે ચૂપ રહ્યા હતા.
આ વાત મનસુખભાઈ અને જયસુખભાઈ બંને જાણતા હતા. મનસુખભાઈ અને જયસુખભાઈ બંને મિત્રો હોવાની સાથે વેવાઈના સંબંધથી પણ જોડાયેલ હતા. આથી કૌટુંબિક વાત અને ચર્ચા પણ કરતા ત્યારે જયસુખભાઈ કહેતા, મનસુખ તું ચિંતા ન કરતો, સમય આવે નીલમને પણ યોગ્ય બાબત સમજાશે. અને એ માટેનું વાતાવરણ થોડા સમયમાં જ ઊભું થઈ ગયું.
જયસુખભાઈને કામ સબબ અમદાવાદ જવાનું થયું, તેણે મનસુખભાઈને ફોન કર્યો, ‘મનસુખ, હું અમદાવાદ કામ સબબ આવ્યો છું અને કામ પતાવી તને મળવાની ઈચ્છા છે, તારે નવરાશ છે ને?’
મનસુખભાઈએ કહ્યું, ‘હા, તું ચોક્કસ આવ આપણે મળ્યા ને ઘણો સમય થઈ ગયો છે. મને પણ તને મળવાની ઈચ્છા છે.’
મનસુખભાઈ અને જયસુખભાઈ દીવાનખંડમાં વાતો કરતા બેઠા હતા. મનસુખભાઈએ પૂછ્યું, ‘જયસુખ આ વખતે મીના વેકેશન પૂરું કર્યા પહેલા જ પાછી જતી રહી, બધું બરોબર ચાલે છે ને?’
‘હા, નીલમ અને મીના વચ્ચે જરા માથાકૂટ થઈ હતી. પણ, એવું તો ઘર હોય ત્યાં ચાલ્યા કરે.’
‘તું મને વાત નહીં કરે પણ મને ખબર છે, નીલમનાં ગેરવર્તનનાં લીધે મીના વેકેશન પૂરું કર્યા વગર પાછી જતી રહી હતી.’
“હા, પણ તું આ બાબતે ચિંતા ન કરીશ, સમય આવે નીલમને સાચી સમજણ આવી જશે. તારી દીકરી છે. ડાહી અને સમજુ છે. આ તો મોટી છે એટલે મનમાં મોટાપણા માટેની થોડી ગેરસમજ ઊભી થઈ છે.’
‘તને એક સમાચાર આપવાના છે. મીનાના પતિની બદલી રાજકોટ થઈ છે. મેં વિપુલ સાથે વાત કરી છે કે મીના એક સારું મકાન ભાડેથી પણ આપણાથી દૂરના વિસ્તારમાં રાખે, છોકરાઓને પણ તેમની જિંદગી જીવવા સવલત આપવી પડે.’
‘ના, જયસુખ ખોટી વાત છે. તું નીલમના મીના સાથેના વર્તનથી પરેશાન છો. મીના ગામમાં હોય એટલે વારંવાર મળવાનું થાય, ઘરે રહેવા આવે બરોબરને? તું ભલે ન કહે પણ મને ખબર છે તું અને વિપુલ નીલમના વ્યવહારથી પરેશાન છો. નીલમને કંઈ નહીં કહીને તું આપણી દોસ્તી નિભાવે છે, એ મને પસંદ નથી.’
‘હા, તારી વાત સાચી છે. તું, વિપુલ, મીના, હું આપણે બધા નીલમના સ્વભાવથી ચિંતિત છીએ, તો તેને કેમ નથી સમજાતું કે ઘરમાં મોટા હોવું, વડીલ હોવું, માન, સ્વમાન મળે, બધાં તેનો મત પૂછે એ જ તેનું ખરું સ્વમાન છે. તેને આધિપત્ય કે ગુમાન નથી ગણવાનું પણ નાના પ્રત્યેની ફરજ અદા કરવાની સુવર્ણ તક મળી છે એમ માની પહેલાં ફરજ અદા કરવાની હક તો આપો આપ મળી જશે.’
નીલમ બંને મિત્રો અને વેવાઈ વચ્ચેની વાત સાંભળતી હતી. એ વિચારમાં પડી ગઈ કે આ લોકોની વાત તો સાચી છે. મારી સમજણમાં કંઈક ખૂટે છે. મારે સમજવું પડે કે વડીલ તરીકેની ફરજો, હક કરતાં મહત્ત્વની છે અને હવે હું એમ જ કરીશ. નીલમે એમ મનથી નક્કી કર્યું. અને મનસુખભાઈ અને જયસુખભાઈ દીવાનખંડમાં બેસતા ત્યાં આવીને કહ્યું.
‘બાપુજી, પપ્પા તમારી વાત મારે ન સાંભળવી જોઈએ, મને માફ કરશો. પણ તમારી વાતનું તાત્પર્ય મને સમજાયું છે. આજે તમારી લાગણીનું મૂલ્ય મને સમજાયું કે વડીલ હોવું એ જેટલું માન, સ્વમાન માટે મૂલ્ય ધરાવે છે એટલું જ કે એથી વિશેષ નાના પ્રત્યેની ફરજનું મૂલ્ય છે. આજની આપની વાતથી મને નવી સમજણ અને નવી રાહ મળી છે.’
‘પપ્પા, મીનાબહેનની બદલી રાજકોટ થઈ છે. ખૂબ સારું થયું. વિપુલની સાથે મને પણ મીનાબહેનની સાથે રહેવાનો લ્હાવો મળશે અને હું આજે જ મીનાબહેનને ફોન કરીને વાત કરીશ કે આપણા ઘરની નજીકમાં સારું મકાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે સાથે જ રહીશુ. અને પપ્પા, અમે તમને છોડીને જુદા રહેવા જવાના નથી. અમારે તમારી સેવા અને આશીર્વાદથી વંચિત નથી રહેવું. તમે હા પાડશો ત્યારે જ મને ખાતરી થશે કે તમે મને માફ કરી દીધી છે.’
‘હા, બેટા આપણે સાથે જ રહીશુ અને તે કંઈ ભૂલ કરી નથી કે માફ કરવાનો સવાલ ઊભો થાય. બસ અમારે તો તારી ગેરસમજણ દૂર કરવી હતી, જે તારી બુદ્ધિમતા અને સમજણથી દૂર થઈ ગઈ.’
મનસુખભાઈએ અને જયસુખભાઈએ એક બીજાની સામે જોયું કે સમય આવે સાચા સંસ્કારોથી સાચી સમજણ આવે જ છે. સવાલ છે ધીરજથી સ્થિતિ સંભાળવાનો. વ્યક્તિને સાંભળવાનો અને પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો.
ભાવનગર….ગુજરાત.
e.mail : nkt7848@gmail.com