પિતા એટલે એવો સામાન્ય માણસ જે પ્રેમને કારણે પરાક્રમી વીરપુરુષ, વાર્તાકાર અને ગાયક બની જાય છે. ભલભલા ભડભાદર પુરુષો નાનકડા સંતાનને ખોળામાં લઈ બાળવાર્તાઓ કહે ને હાલરડાં ગાઈને સુવડાવે એવાં દૃશ્યો આપણે જોયાં છે. ફાધર્સ ડે નિમિત્તે આજે બે મજેદાર ફિલ્મોની વાત કરવી છે જેને લેબલ તો કોમેડીનું અપાય, પણ એમાં જોનારને મીઠાશ અને ભીનાશ બંને આપતા પિતૃપ્રેમની મધુર સરવાણી સતત વહેતી હોવાનું અનુભવાય. આ ફિલ્મો છે ‘મેડમ ડાઉટફાયર’ અને ‘ચાચી 420’.
ભેદભાવ ક્યાં નથી હોતા? મધર્સ ડે ઉજવવાની શરૂઆત 1907માં થઈ અને ફાધર્સ ડે ઉજવવાની શરૂઆત છેક 1972માં! તો ય બહેનો ફરિયાદ કરે કે અમારી તો કોઈને કદર જ નથી! જો કે એ જ વર્ષને ઘણા ફાધર્સ ડેની શરૂઆત માને છે ખરા – એ વર્ષે વર્જિનિયાની એક ખાણમાં મોટો અકસ્માત થયો, 361 કામદારોનાં મૃત્યુ થયાં. એમાંના 250 કામદારો પિતા હતા, એટલે 1,000 જેટલાં બાળકો એ દિવસે પિતાની છાયા ગુમાવી બેઠાં. એમાંની એક ગ્રેસ કલેટને સ્થાનિક ચર્ચમાં પિતાને અંજલિ આપતું પોસ્ટર મૂકેલું. ત્યાર પછી બે વર્ષે સોનોરા લૂઈ સ્માર્ટ નામની એક દીકરીને થયું, મધર્સ ડે ઉજવાય છે તો ફાધર્સ ડે કેમ નહીં? એના પિતાએ એકલે હાથે છ સંતાનોને ઉછેર્યાં હતાં. વાત તો બરાબર હતી, પણ એને માન્યતા મળતાં અને ફાધર્સ ડે ને નેશનલ હોલિડેનો દરજ્જો મળતાં અડધી સદી વીતી ગઈ. 1978માં સોનોરાનું મૃત્યુ થયું. એની કબર પર ‘ફાઉન્ડર ઓફ ફાધર્સ ડે’ એવાં શબ્દો કોતરાયેલા છે.
દુનિયામાં આવું વહેલું-મોડું થાય, એમાં દુ:ખી થવાની જરૂર નહીં. ફાધર્સ ડે નિમિત્તે આજે બે મજેદાર ફિલ્મોની વાત કરવી છે જેને લેબલ તો કોમેડીનું અપાય, પણ એમાં જોનારને મીઠાશ અને ભીનાશ બંને આપતા પિતૃપ્રેમની મધુર સરવાણી સતત વહેતી હોવાનું અનુભવાય. આ ફિલ્મો છે ‘મેડમ ડાઉટફાયર’ અને ‘ચાચી 420’. 1987માં
એન ફાઇને તરુણો માટે લખેલી નવલકથા ‘મેડમ ડાઉટફાયર’ પરથી 1993માં ‘મેડમ ડાઉટફાયર’ ફિલ્મ બની, 1996માં એના પરથી તમિલ ફિલ્મ ‘અવ્વઈ શનમુગી’ બની અને એના પરથી 1997માં હિન્દી ‘ચાચી 420’ બની.
‘મેડમ ડાઉટફાયર’નો નાયક ડેનિયલ થિયેટરમાં અભિનય કરે છે. સ્થિર આવક નથી અને અન્ય સમસ્યાઓને લીધે પત્ની મિરાન્ડા છૂટાછેડા માગે છે. ત્રણે બાળકોની કસ્ટડી પણ એને જ મળે છે. કોર્ટમાં ડેનિયલને બેજવાબદાર પિતા ઠરાવાયો છે પણ એ ખૂબ પ્રેમાળ પિતા છે, બાળકોથી દૂર કદી રહ્યો નથી. અઠવાડિયે એક વાર બાળકોને મળવાની અપાયેલી છૂટ એને બિલકુલ પૂરતી લાગતી નથી. એ એટલો તરફડાટ અનુભવે છે કે મિરાન્ડાએ આયા માટે આપેલી જાહેરાત જોઈ, એ મેકઅપ-માસ્કનો ઉપયોગ કરી, વિનિયર લગાડી, બોડીસૂટ પહેરી અને ગામઠી ઉચ્ચારોવાળું અંગ્રેજી બોલી મેડમ ડાઉટફાયર બને છે. રાંધતાં, સફાઇ કરતાં અને બાળકોને હોમવર્ક કરાવતાં પણ શીખી જાય છે એટલું જ નહીં, મિરાન્ડાના બોયફ્રેન્ડને પણ સહન કરી લે છે. આ બધુ એટલા માટે કે બાળકોની નજીક રહી શકાય. પણ એક દિવસ એ ખુલ્લો પડે છે. કોર્ટમાં કહે છે, ‘બાળકો વિના હું એવું ફિલ કરું છું જાણે હવા વિના શ્વાસ લેતો હોઉં. આખું અઠવાડિયું એમના વિના શી રીતે રહું?’ જજ આ સમજે છે, પણ એટલા માટે થઈને તેનું આયા બનવું એમને ગળે ઊતરતું નથી – અઠવાડિયે એક વાર મળવાની પરવાનગીમાં કોઈ ફેરફાર થતો નથી.
હારેલો ડેનિયલ નવી જોબ શોધે છે. પણ મિરાન્ડાને હવે સમજાય છે કે ડેનિયલ હતો ત્યારે બધાં કેટલાં ખુશ હતાં – બાળકો પિતાને ચાહે છે અને એમને તેની જરૂર પણ છે. ખરેખર તો બાળકોને મા-બાપ બંનેની જરૂર છે. બંને વચ્ચેની કડવાશ દૂર થાય છે અને ડેનિયલ શાળાના સમય પછી રોજ બાળકોને મળતો રહે છે.
અંતે એક ટી.વી. કાર્યક્રમમાં મેડમ ડાઉટફાયર એક નાનકડી છોકરીના પત્રનો જવાબ આપતાં કહે છે, ‘ક્યારેક માતાપિતા ગુસ્સામાં એકબીજાથી જુદા રહેવાનું નક્કી કરે છે, જેથી ઝઘડા ન થાય અને તેઓ વધારે સારા મનુષ્ય બની શકે. પછી ક્યારેક તેઓ ફરી ભેગાં થાય છે, ક્યારેક નથી થતાં. પણ બેટા, તું એટલું યાદ રાખજે કે તેઓ એકબીજાને પ્રેમ કરતાં હોય કે નહીં, તને ખૂબ પ્રેમ કરે છે અને પ્રેમ હોય ત્યારે દૂર દૂર રહેતા હોઈએ તો પણ આપણે જોડાયેલાં હોઈએ છીએ.’
‘ચાચી 420’માં જયપ્રકાશ અને જાનકીના ડિવોર્સ કેસથી ફિલ્મ શરૂ થાય છે. જાનકી શ્રીમંત દુર્ગાપ્રસાદની એકની એક દીકરી છે. થોડી નાદાન છે, પણ પાંચ વર્ષની દીકરીની કસ્ટડી તેને મળે છે. જયપ્રકાશને અઠવાડિયે એક વાર દીકરીને મળવાની છૂટ અપાય છે. દુર્ગાપ્રસાદ એ વખતે પણ એના ચમચાની હાજરી હોય એવો આગ્રહ રાખે છે. અકળાયેલો જયપ્રકાશ દીકરીને લઈ નાસી જવાની નિષ્ફળ કોશિશ કરે છે ને પછી તેને માટે આયા જોઈએ છે એવી જાહેરાત વાંચી પિયક્કડ મેકપમેન પાસે પ્રૌઢ મરાઠી મહિલાનો મેકઅપ કરાવી લક્ષ્મી ગોડબોલે બનીને આયા તરીકે ગોઠવાઈ જાય છે. ધીરે ધીરે લક્ષ્મીચાચી ઘરનો બધો કારભાર સંભાળવા લાગે છે. દુર્ગાપ્રસાદને એને જોઈને પોતાની સદ્દગત પત્ની યાદ આવે છે તો જયપ્રકાશનો વિધુર મકાનમાલિક પણ લક્ષ્મીના સપના જોવા માંડે છે. એક ડૉક્ટર છે, જે જાનકીને પરણવા માગે છે. છબરડાઓ અને હસાહસનો અંત ત્યારે આવે છે જ્યારે જાનકી લક્ષ્મીચાચીની અસલિયત જાણી જાય છે અને સૌ સારાં વાનાં થાય છે. પિતા બાળક માટે કેટલું કરી શકે અને બાળક થયા પછી કુટુંબ તૂટવું ન જોઈએ એવા પ્રચ્છન્ન સંદેશ સાથે ફિલ્મ પૂરી થાય છે.
‘મેડમ ડાઉટફાયર’માં પિતાનો રોલ રોબિન વિલિયમે કર્યો છે અને ‘ચાચી 420’માં કમલ હાસને. બંને અભિનેતાઓ પર ફિલ્મનો મદાર છે અને બંનેએ ફિલ્મને બહુ સક્ષમતાથી ઊંચકી બતાવી છે. ‘મેડમ ડાઉટફાયર’ના એક દૃશ્યમાં ડેનિયલને બે જગ્યાએ હાજર રહેવાનું છે, એ વારેવારે બાથરૂમમાં જઈ ગેટપ બદલે છે અને અંતે એક ક્ષણે ભૂલી જાય છે કે પોતે કોણ છે! સફળ કોમેડિયન રોબિન વિલિયમ દાનવીર હતો. ત્રણ લગ્ન કરેલાં. પોતાના ક્ષેત્રને તે ક્રૂર કહેતો. અનેક વાર ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને 63માં વર્ષે આત્મહત્યા કરી હતી. ‘ચાચી 420’ના દિગ્દર્શક કમલ હાસન પોતે જ છે અને ગરિમા ગુમાવ્યા વિના કે ઓવરએક્ટિંગ કર્યા વિના એમણે ખૂબ સુંદર કોમેડી કરી છે. વાર્તાનું ભારતીયકરણ અને હિન્દી ફિલ્મોને અનુરૂપ અંત છતાં પિતાની સંતાન માટેની મમતા અને પિતૃત્વનો મહિમા પ્રેક્ષકના હૃદય સુધી સરસ રીતે પહોંચે છે.
પિતા એટલે એવો સામાન્ય માણસ જે પ્રેમને કારણે પરાક્રમી વીરપુરુષ, વાર્તાકાર અને ગાયક બની જાય છે. ભલભલા નીરસ ભડભાદર પુરુષો નાનકડા સંતાનને ખોળામાં લઈ બાળવાર્તાઓ કહે ને હાલરડાં ગાઈને સુવડાવે એવાં દૃશ્યો આપણે જોયાં છે. કહે છે કે તમને પિતા બનાવે એ બાળકને ઉછેરવું એ બહાદુરીનું કામ છે. એના પિતા બનતાં બનતાં તેને પોતાના પિતાની કદર થવા લાગે છે. એક સુંદર નાનકડું ગીત યાદ આવે છે જેમાં એક યુવાન ગાય છે, ‘મારા પિતા પોતે અગવડો વેઠતા, મહેનત કરતા કે જેથી મને સુખ આપી શકે. હું મોટો થયો. તેઓ પણ મોટા થયા. મારી મા મૃત્યુ પામી પછી એ પોતાનામાં ખોવાતા ગયા અને ઝડપથી ઘરડા થતા ગયા. મને ચિંતા થતી. પણ એક દિવસ તેમણે મને બોલાવ્યો – જો, હું આ ઘર અને તારી માની સ્મૃતિઓ સાથે શાંતિથી જીવી લઇશ. તું યુવાન છે – બહાર નીકળ, દુનિયાને જો, તારી જિંદગીને શોધ … આજે હું પણ પિતા છું. મારે પણ મારાં સંતાનોને એ જ આપવું છે જે મારા પિતાએ મને આપ્યું છે ને એક દિવસ મારે પણ તેમને તેમની જિંદગી શોધવા માટે મુક્ત કરવા છે.’
આવી મુક્તિ પોતાના સંતાનોને આપતાં આપણને આવડે?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 016 જૂન 2024