એક રેખાચિત્ર, નામે નૂરો.
ખબર નહીં કેમ, હમણાંથી બહુ યાદ આવે છે.
દર બે ચાર દિવસે અચાનક યાદ આવી જાય છે.
એકવડિયો, પણ મજબૂત બાંધો.
ના બહુ ઊંચો, ના બહુ નીચો.
રંગે શ્યામ, ધોળા વાળ. ચહેરાના પ્રમાણમાં મોટું કપાળ.
માથામાં લમણેથી ખરી ગયેલા વાળને કારણે પણ કદાચ એવું લાગતું હોય.
બેસી ગયેલા ગાલના પછવાડે ભરેલા માવા કે તમાકુના કારણે
હોઠના છેડેથી ક્યારેક કાથાનું ફીણ પણ રેલાતું હોય.
હા, વસ્ત્ર શ્વેત; થોડાં પીળાશ પડતાં – પણ મેલાંઘેલાં … કાયમ.
એના શરીર પર કદી ઊજળું કપડું જોવાનું થયું નહોતું.
અડધી બાંયના ને બંને બાજુ ખિસ્સાવાળા શર્ટ ને પહોળા લેંઘામાં,
લઘરવઘર હાલતમાં એ જ્યારે મહોલ્લામાં આવતો
ત્યારે એને બહુ બૂમ પાડવી નહોતી પડતી.
બે-એક વાર માંડ બૂમ પાડતો ને વચ્ચે વચ્ચે લારીની નીચે લટકતો નાનકડો ઘંટ રણકાવી દેતો ….
પછી તો ચોકમાં રમતાં છોકરા-છોકરીઓ જ એનું કામ પતાવી દેતાં.
“નૂરો આયો, નૂરો આયો.”
“નૂરો આયો, નૂરો આયો …”
જોતજોતાંમાં કાળિયો ને દશલો, સતિયો ને રાકલો, ઢબૂડી ને મનુડી …
વાડકી સાથે કે વાડકી વગર, સૌ કોઈ ટોળું જમાવી દેતાં.
હવા ભરેલા નાસ્તાનાં પડીકાંની ગેરહાજરીના અને
પૌષ્ટિક આહાર નાસ્તામાં લઈ જવાનાં નિયમની સદંતર ગેરહાજરીના એ જમાનામાં
ક્યારેક ક્યારેક નૂરાની વસ્તુઓ કેટલાંક વિદ્યાર્થીઓના નાસ્તાના ડબ્બાનો ભાગ બનીને ય ગોઠવાતી.
એવું તે શું લઈ આવતો નૂરો?
બોર ને ચણીબોર.
કોઠા ને આમળા.
શેરડી ને કાતરા.
લીલી વરિયાળી ને પોપટા.
જામફળ ને બહુ વધારે પડતાં શેકી નાખતો એવા મકાઈ ડોડા …
પાંચિયાથી લઈને પાવલી-આઠ આના સુધીમાં કંઈક ને કંઈક તો મળી રહે.
ઋતુ પ્રમાણે વસ્તુઓ વધઘટ થયા કરે, પણ એની લારી કાયમ ભરેલી રહે.
એ મકાઈ ડોડા બહુ શેકી નાંખતો.
જાણે સાવ કાળાં જ કરી નાખતો.
ઉપર લીંબુની લગભગ નીચોવાઈ ગયેલી ફાડ લઈને ખારોતીખો મસાલો ચોપડતો.
બધાંને એ બહુ ભાવતો. મને ન ભાવતો.
થતું કે આ ફિલમમાં હિરો-હિરોઈનો ગીત ગાતાં ગાતાં જે મકાઈ ડોડા ખાય છે
એ ય આવા જ હશે? અને તો ય ભાવતાં હશે!
પણ ખેર, બહુ પ્રેમથી બધાં બધું ખાતાં.
વહેંચીને ખાતાં, વહેંચ્યા વગર પણ ખાતાં.
ક્યારેક અંદરોઅંદર ઝઘડીને પણ ખાતાં.
નજર સામે આ બધું બનતું હોય તો ય નૂરો કદી કોઈના આંતરિક મામલામાં પડતો નહીં.
પડતો નહીં શું, સમજોને કે કશું બોલતો જ નહીં. એનું કામ પૂરું થયે આગળ વધી જતો.
હા, કોઈ થોડું વધારે માંગે તો એકાદ વાર આપી ય દેતો.
જો કે, બીજી વાર માંગવાની હિંમત કોઈ કરતું નહીં.
નૂરાનો દેખાવ જ એવો. હંમેશાં અ-સ્મિત અને ગંભીર,
લાલ આંખો ને નાની પણ જાડી મૂછ.
એની જૂની ને ભાંગેલીતૂટેલી લાગતી
પણ બહુ બધું વજન વેંઢારીને બરાબર ચાલતી એવી, ખરા અર્થમાં ખખડધજ લારીમાં
ખાટી, મીઠી ને તીખી વસ્તુઓ લઈને આવતો ન હોત
એટલે કે મહોલ્લાના મહોલ્લા એમનેમ ફરતો હોત
તો નજીક આવવાની વાત બાજુ પર,
ટાબરિયાઓ દૂરથી જોઈને વધુ દૂર ભાગી જાત અને
થોડાં મોટાં છોકરાંવ ગાંડા જેવો જાણીને કદાચ ખિજવત પણ ખરાં.
આવા એ નૂરાને બધાં નૂરો જ કહેતાં.
ખબર નહીં કેમ પણ નૂરાને બધાં નૂરો જ કહેતાં.
બોલતા શીખી ગયેલાથી લઈને નૂરાને ઓળખતાં છોકરાંવ,
એમનાં મમ્મી-પપ્પા, બા-દાદા … સૌ, નૂરો જ કહેતાં.
‘એવું કેમ?’ એવો વિચાર ત્યારે કદી આવ્યો નહોતો, અત્યારે આવે છે.
“નૂરો કોણ હશે? એનું સાચું નામ શું હશે?
નૂર મહંમદ ને એવું કંઈક હશે કે નરેશ ને એવું કંઈક હશે!
જે પણ હોય. નથી શોધવો એ જવાબ.”
વાત માત્ર એટલી જ કહેવી છે કે નૂરો યાદ આવે છે.
હમણાંથી બહુ યાદ આવે છે.
… પણ નૂરો મને કેમ યાદ આવે છે?
હા, હવે પકડાય છે.
નૂરો બધાંને એમનાં પૈસાનો પૂરેપૂરો ભાગ આપતો. એ કોઈને છેતરતો નહીં.
(પ્રગટ “કવિલોક”; વસંત વિક્રમ સંવંત 2080; પૃ. 08-10
e.mail : ketanrupera@gmail.com