‘… ગાંધીએ કાંતવાનું શરૂ કર્યું. નિપુણ હાથ લયબદ્ધ હલનચલન કરતા હતા. મધુર ગુંજન સાથે એકસરખા તાર નીકળતા હતા. ગરમી અને ભેજને લીધે મારાં સાધનો બરાબર કામ આપતાં ન હતાં. ગાંધીએ ખૂબ સુંદર રીતે તાર ખેંચ્યો ત્યારે હું ઘણું મથી, પણ તસવીરો આવતી ન હતી. કદાચ પેલા ભાઈ સાચા હતા – કેમેરાને ચાલવા માટે ઘણું બધું અનુકૂળ જોઈએ. રેંટિયો ગમે ત્યાં ચાલે …’
મળીએ વિશ્વપ્રસિદ્ધ અમેરિકન ફોટોજર્નાલિસ્ટ માર્ગરેટ બુર્ક–વ્હાઇટને
વીસમી સદીના મહાપુરુષોમાં સૌથી વધુ જાણીતા છે મહાત્મા ગાંધી. અને એમના જીવન અને ફિલોસોફીને પૂર્ણપણે વ્યક્ત કરે એવી સૌથી જાણીતી તસવીર એ છે જે સ્ટીવ જોબ્સે પોતાની એપલ કંપનીના લોગોમાં મૂકી હતી, જેમાં તેઓ રેંટિયાની પાસે બેઠેલા છે. આ તસવીર 1946માં માર્ગરેટ બુર્ક-વ્હાઇટ નામની અમેરિકન ફોટોજર્નાલિસ્ટે ત્યારના પ્રસિદ્ધ અમેરિકન સામયિક ‘લાઈફ’ માટે લીધી હતી. 42 વર્ષની માર્ગરેટ પોતે પણ ત્યારે એટલી જ પ્રસિદ્ધ હતી. વાત કરીએ આ અનોખી પ્રતિભાશાળી તસવીરકારની, તેના જન્મદિન નિમિત્તે.
મહિલા ફોટોજર્નાલિસ્ટની વાત આવે ત્યારે ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નાલિસ્ટ અને પદ્મવિભૂષણ સન્માનિત હોમાય વ્યારાવાલા યાદ આવ્યા વિના ન રહે. 1938માં ફોટોજર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હોમાય વ્યારાવાલાને એ સમયના ભારતના રૂઢિચુસ્ત વાતાવરણમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 1942 પછી તેઓ બ્રિટિશ ઈન્ફર્મેશન સર્વિસમાં જોડાઈ દિલ્હી આવ્યાં અને અનેક દેશનેતાઓ, અગ્રણીઓ અને રાષ્ટ્રીય કાર્યક્રમોની દુર્લભ તસવીરો લીધી. આ હોમાય વ્યારાવાલાએ પણ 1956માં ‘લાઈફ’ મેગેઝીન માટે 14મા દલાઇ લામા પ્રથમવાર ભારત આવ્યા ને નાથુ લા રસ્તે સિક્કીમમાં પ્રવેશ્યા ત્યારની તસવીરો લીધી હતી.
આપણે માર્ગરેટ બુર્ક-વ્હાઇટની વાત કરતા હતા. ફોટોજર્નાલિસ્ટ, લેખિકા, સામાજિક કર્મશીલ માર્ગરેટ બુર્ક-વ્હાઇટ વિશ્વના અતિપ્રસિદ્ધ ફોટોગ્રાફરોમાંનાં એક છે. 1904ની 14મી જૂને એમનો જન્મ. યહૂદી માતાપિતા પોલાન્ડથી ઇંગ્લેન્ડ ને પછી અમેરિકા આવી વસેલા સ્વતંત્ર વિચારકો હતાં. પોતાના અને માનવતાના વિકાસમાં અત્યંત રસ ધરાવતાં. સંતાનોને પણ એ જ રીતે ઉછેર્યાં. પોતાનો રસ્તો શોધવા માર્ગરેટ 7 યુનિવર્સિટીઓમાં ક્લા, સ્વિમિંગ, હર્પેટોલોજી(સરિસૃપો અને ઊભયચરોનું અધ્યયન), પેલેન્ટોલોજી (જીવાશ્મશાસ્ત્ર) અને ઝૂલોજી ભણ્યાં. અંતે પિતા તરફથી વારસામાં મળેલા ફોટોગ્રાફીના રસને વિકસાવી એમાં જ કારકિર્દી બનાવી. 1920ના દાયકામાં નવા શરૂ થયેલા ઉદ્યોગો અને ગગનચુંબી ઇમારતોની ફોટોગ્રાફી કરી એમણે ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફીનો નવો ટ્રેન્ડ શરૂ કરેલો.
1929માં 25 વર્ષનાં માર્ગરેટ નવા શરૂ થયેલા ‘ફોર્ચ્યુન’ મેગેઝીનમાં ચીફ ફોટોગ્રાફર હતાં. 1936માં તેઓ ‘લાઈફ’માં જોડાયાં. પોતાના ક્ષેત્રમાં તેમણે અનેક નવી પહેલ કરી હતી. તેઓ રશિયામાં ગયેલા પ્રથમ પશ્ચિમી ફોટોગ્રાફર હતાં. બીજા વિશ્વયુદ્ધના પ્રથમ મહિલા ખબરપત્રી હતાં. 1930માં જર્મનોએ કરાર તોડી રશિયા પર હુમલો કર્યો ત્યારે તેઓ ત્યાં હાજર રહેલાં એકમાત્ર અમેરિકન ફોટોગ્રાફર હતાં. કોમ્બેટ બોમ્બિંગ મિશન પર જનાર તેઓ પ્રથમ મહિલા હતાં. 1936માં 32 વર્ષનાં માર્ગરેટ બુર્ક-વ્હાઇટ અમેરિકાની દસ ‘મોસ્ટ નૉટેબલ વિમેન’માંનાં એક હતાં.
1941માં ફોટોગ્રાફર પતિ કોલ્ડવેલ સાથે તેઓ રશિયા ગયાં. સાથે 5 કેમેરા, 22 લેન્સ, 4 ડેવલપિંગ ટેન્ક, 3,000 ફ્લેશબલ્બ લેતા ગયાં. પાછા ફર્યા બાદ પતિએ બાળક માટે દબાણ કરવા માંડ્યું. માર્ગરેટને બાળક નહોતું જોઈતું એવું નહોતું, પણ તેને માટે સ્વતંત્રતા અને કારકિર્દી વધારે આગત્યનાં હતાં. અંતે ડિવોર્સ થયા. 1945માં અમેરિકાએ બુશેનવાલ્ડ કોન્સન્ટ્રેશન કેમ્પ પરના યહૂદીઓને છોડાવ્યા ત્યારે માર્ગરેટ અમેરિકન લશ્કર સાથે હતાં. 1950-53ના કોરિયાઈ યુદ્ધમાં પણ તેમણે ‘લાઈફ’ માટે ફોટોગ્રાફી કરી હતી.
વિશ્વયુદ્ધ પછી તેઓ ભારત આવ્યાં. ભારતની ભાવિ સ્વતંત્રતા પર લખ્યું, ભાગલાની હિંસાની તસવીરો લીધી. એ વખતની એમની તસવીરોનું દસ્તાવેજી મૂલ્ય ઘણું છે. આ તસવીરો ખુશવંતસિંહની નવલકથા ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ની 2006ની આવૃત્તિમાં સમાવિષ્ટ છે. વૃદ્ધ ગાંધીજીની તેમણે લીધેલી તસવીરો ઉત્તમ કક્ષાની છે.
‘પોટ્રેટ ઑફ માયસેલ્ફ’માં એમણે મહાત્મા ગાંધી સાથેની પ્રથમ મુલાકાત વર્ણવતાં લખ્યું છે, ‘મહાત્મા ગાંધી સાથે મારો જે અનુબંધ થયો તેવો એ પહેલા કે પછી ક્યારે ય કોઈ સાથે થયો નથી. જે દિવસે હું એમને પહેલી વાર મળી એ દિવસ હું કદી ભૂલી શકીશ નહીં. એ વખતે તેઓ પૂનામાં અસ્પૃશ્યો વચ્ચે રહેતા હતા. મારાં માટે તેઓ સાદગી અને સરળતાના પ્રતીક હતા, તેથી તેમની મુલાકાત માટે મારે અનેક લોકોની પરવાનગી લેવાની થઈ ત્યારે મને નવાઈ લાગી.
‘એક શ્વેત ખાદીધારી સજ્જન મને પૂછવા લાગ્યા, ‘તમને કાંતતા આવડે છે?’ મેં કહ્યું, ‘મારે ગાંધી સાથે કાંતવાનું નથી, મારે રેંટિયો કાંતતા ગાંધીની તસવીર લેવાની છે.’ ‘તમે કાંતવાનું નહીં જાણતા હો તો પછી રેંટિયો કાંતતા ગાંધી જેનું પ્રતીક છે એ સત્યને કેવી રીતે સમજશો? રેંટિયો વસ્તુ નથી, એક વિચાર છે. જાતે કાંત્યા વિના એ વિચારના હાર્દ સુધી કેવી રીતે પહોંચશો?…’ તેઓ બોલતા ગયા. એમને રોકવા અને એમણે મારા માથા પર ઝઝૂમી રહેલી ડેડલાઈન વિષે કહેવું અઘરું હતું. મારે કાંતવા બેસવું પડ્યું. હું બહુ અણઘડતાથી ચક્ર ફેરવતી હતી, વારેવારે તાર તોડતી હતી; છતાં એમણે મને ગાંધી પાસે જવા દીધી ખરી – ‘બે વાત યાદ રાખજો, આજે બાપુનો મૌનવાર છે. અને ફ્લેશલાઇટ બાપુને પસંદ નથી.’ ‘પહેલી શરત પૂરેપૂરી પાળીશ. પણ કુટિરમાં અંધારું છે, મારે થોડો કૃત્રિમ પ્રકાશ તો વાપરવો પડશે.’ એમણે મારા સામાનમાંથી ત્રણ ફ્લેશલાઇટ બલ્બ આપ્યા, ‘આનાથી વધારે નહીં.’
‘ગાંધી અંદર બેઠા હતા. પાતળું શરીર, વાળેલી પલાંઠી, કેશહીન મસ્તક, ટૂંકી ધોતી, ખુલ્લા પગ, પાસે રેંટિયો, હાથમાં અખબાર. ખાદીની ચાદર ઓઢેલો આ સામાન્ય દેખાતો વૃદ્ધ બ્રિટિશ સામ્રાજ્ય સામે બાથ ભીડવા કરોડો માણસોને ઊભા કરી વિશ્વ સમસ્તના કુતૂહલ અને કલ્પનાનો વિષય બન્યો છે! હું ચકિત થઈ ગઈ. અખબાર બાજુ પર મૂકી ગાંધીએ કાંતવાનું શરૂ કર્યું. નિપુણ હાથ લયબદ્ધ હલનચલન કરતા હતા. મધુર ગુંજન સાથે એકસરખા તાર નીકળતા હતા. ગરમી અને ભેજને લીધે મારાં સાધનો બરાબર કામ આપતાં ન હતાં. ગાંધીએ ખૂબ સુંદર રીતે તાર ખેંચ્યો ત્યારે હું ઘણું મથી, પણ તસવીરો આવતી ન હતી. કદાચ પેલા ભાઈ સાચા હતા – કેમેરાને ચાલવા માટે ઘણું બધું અનુકૂળ જોઈએ. રેંટિયો ગમે ત્યાં ચાલે.’ ગાંધીજી સાથે પછી તો ઘણી મુલાકાતો થઈ. ગાંધીહત્યાના આગલા દિવસે પણ બુર્ક-વ્હાઇટે ગાંધીજીની મુલાકાત લીધી હતી.
1953માં કોરિયન વૉર કવર કરવા ગયા ત્યારે પાર્કિન્સન્સ રોગે દેખા દીધી. તેની સામે લડવા કામ ઓછું કર્યું. ઓપરેશનો કરાવ્યાં, પણ તકલીફ વધતી ગઈ. તેમણે લેખો લખ્યાં, વ્યાખ્યાનો આપ્યાં, ફોટોગ્રાફી પર 12 જેટલાં પુસ્તકો લખ્યાં. એટલાં જ પુસ્તકો એમના પર પણ લખાયાં. 1963માં ‘પોટ્રેટ ઑફ માયસેલ્ફ’ આત્મકથા પ્રગટ થઈ. એ તો ખૂબ સફળ થઈ પણ માર્ગરેટ એકલાં અને નબળાં પડતાં જતાં હતાં. કામ થતું ન હતું. એક પેન્શન આવતું પણ પૂરું ન પડતું. છેલ્લાં વર્ષોમાં આર્થિક મુશ્કેલીઓ ભોગવવી પડી. 1971માં 67 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું.
યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હોવું એ એમની ખૂબી હતી. તેઓ પોતે એનું શ્રેય કોઈ અદૃશ્ય શક્તિને આપે છે, ‘મારા આખા જીવનમાં એક ચમત્કાર મેં હંમેશાં જોયો છે. કોઈ શક્તિ છે જે મને મૂકી આપે છે – ઇન ધ રાઇટ પ્લેસ, એટ ધ રાઇટ ટાઈમ.’ તેઓ કહે છે, ‘ફોટોગ્રાફી સૂક્ષ્મ કલા છે. કેમેરા હાથમાં પકડીએ ત્યારે એક ભરોસા સાથે તેને જ પોતાના વિષય તરફ જવા દેવો જોઈએ.’ ‘કામ મારા માટે પવિત્ર બાબત છે.’ ‘કોઈ કાંતતા માણસનો ફોટો લો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે કાંતણ એને માટે શું છે. આવી સમજ ફોટોગ્રાફર માટે એનાં સાધનો જેટલી જ અગત્યની છે.’ ‘માણસને સમજવા માટે તમારે એ પરિસ્થિતિને સમજવી પડે જેના કારણે એ અત્યારે જેવો છે એવો બન્યો છે.’
માનવીય અભિગમ અને ટેકનિકલ પરફેક્શન વગર કશું શાશ્વત સર્જી શકાતું નથી…
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 જૂન 2024